ડૉ. હસમુખ સાંકળિયા : વાલ્મીકિ રામાયણના સંદર્ભોને આર્કિયોલૉજીની એરણે ચકાસનારા ગુજરાતી પુરાતત્ત્વવિદ

    • લેેખક, ઉર્વિશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

મુંબઈમાં જન્મેલા હસમુખ સાંકળિયાએ 25 વર્ષની વયે મુંબઈ યુનિવર્સિટીનું ભગવાનલાલ ઇન્દ્રજી પારિતોષિક મેળવ્યું હતું. આગળ જતાં તેમણે પુરાતત્ત્વ વિદ્યા ક્ષેત્રે બહોળું પ્રદાન કરીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. ‘પુરાતત્ત્વમાં ગુજરાત’ તથા ‘પુરાતત્ત્વ અને રામાયણ’ સહિતનાં ઘણાં અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો અને અભ્યાસલેખો તેમના નામે બોલે છે.

બાળપણથી હસમુખભાઈને વાચનનો જબરો શોખ હતો. 16 વર્ષની ઉંમરે તેમણે લોકમાન્ય ટિળકનું પુસ્તક ‘ધ આર્કટિક હોમ ઇન ધ વેદાઝ’ વાંચ્યું. તે પુસ્તકે તેમના મનમાં આર્યો વિશે વધુ જાણવાની તાલાવેલી જગાડી. તપાસ કરતાં ખબર પડી કે તે વિષયમાં આગળ ભણવું હોય તો સંસ્કૃત અને ગણિતનો અભ્યાસ જરૂરી છે. એટલે ઇન્ટર આર્ટ્સમાં ઇતિહાસમાં સરસ માર્ક આવ્યા હોવા છતાં, બી.એ.માં તેમણે મુખ્ય વિષય સંસ્કૃત રાખ્યો. સાથે, એક વિષય તરીકે ગણિત પણ શીખ્યા.

કૉલેજમાં તેમને દિંગનાથનું સંસ્કૃત નાટક ‘કુન્દમાલા’ ભણવામાં આવતું હતું. હસમુખભાઈને તે નાટક અને ભવભૂતિના વિખ્યાત-ક્લાસિક ગણાતા નાટક ‘ઉત્તરરામચરિત’ વચ્ચે ઘણું સામ્ય લાગ્યું. તેમણે બંનેની તુલના કરતો એક લેખ લખ્યો અને સેઇન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેમને સંસ્કૃત શીખવતા જર્મન પાદરી ફાધર ઝિઅરમાનને બતાવ્યો. ફાધરે ખુશ થઈને તેમને સંસ્કૃત પરિસંવાદ સભામાં તે લેખ વાંચવા કહ્યું.

ભવભૂતિ જેવો પ્રતિભાશાળી કવિ દિંગનાથની કૃતિનું અનુકરણ કરે તે વાત ઘણાને અકારી લાગી. પણ હસમુખભાઈએ ટાંકેલાં દાખલા દલીલો અકાટ્ય રહ્યાં. તેમની અંગ્રેજી આત્મકથા ‘બૉર્ન ફોર આર્કિયોલૉજી’ (ગુજરાતી અનુવાદઃ પુરાતત્ત્વને ચરણે, અનુવાદકઃ શશિન ઓઝા)માં તેમણે નોંધ્યું છે કે 37 વર્ષ પછી, 1966માં તેમણે ભવભૂતિ-દિંગનાથ વિશેનો લેખ ફરી છપાવ્યો, ત્યારે પણ તેમાં કશો ફેરફાર કરવો પડ્યો નહીં.

સંસ્કૃતમાં બી.એ. થયા પછી હસમુખભાઈએ ફાધર હેરાસ પાસે પ્રાચીન ભારતીય ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. સાથે એલ.એલ.બી.નો અભ્યાસ ચાલુ હતો. તેમના પિતા-કાકા ઇચ્છતા હતા કે તે કૌટુંબિક વ્યવસાયમાં જોડાય, પણ ફાધર હેરાસને તેમના આ તેજસ્વી શિષ્ય પર ઘણો ભાવ હતો. તે માનતા હતા કે હસમુખ સારો પુરાતત્ત્વવિદ્ થશે. તેમની સમજાવટથી હસમુખભાઈના વડીલો માન્યા અને તેમને પુરાતત્ત્વ વિદ્યાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા દીધા.

પુરાતત્ત્વશાસ્ત્રનાં તાલીમ અને અનુભવ

પ્રચલિત ગેરમાન્યતા એવી છે કે પુરાતત્ત્વ એટલે ફક્ત જૂના અવશેષો શોધવાની અને તેનો અભ્યાસ કરવાની આવડત. પરંતુ આ વિષયના નિષ્ણાતોની જેમ હસમુખ સાંકળિયાએ પણ પુરાતત્ત્વ ઉપરાંત ઇતિહાસ, કળા-શિલ્પ-સ્થાપત્ય-સિક્કા-લિપિ વગેરે ઘણાં શાસ્ત્રો પર પ્રભુત્વ મેળવ્યું—અને તે પણ કામ કરતાં કરતાં. તેમની વિદ્વત્તા જોનારને કલ્પના પણ ન આવે કે મૅટ્રિકમાં અંગ્રેજીમાં એક વાર તે નાપાસ થયા હશે.

ઇંગ્લૅન્ડમાં યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડનમાં હસમુખભાઈના ભારતીય પુરાતત્ત્વ વિષયના શિક્ષક હતા એફ. જે. રિચાર્ડ્ઝ. ઉત્તમ શિક્ષક અને પુરાતત્ત્વશાસ્ત્રી રિચાર્ડ્ઝની સંગતમાં હસમુખભાઈ શિલાલેખમાં આવતાં સ્થળો અને વ્યક્તિઓનાં નામ તથા ભારતના ઇતિહાસની ભૂગોળમાં ઊંડો રસ લેતા થયા. તેનો લાભ ‘પુરાતત્ત્વમાં ગુજરાત’ પુસ્તક સહિતનાં ઘણાં કામમાં તેમને મળ્યો.

હસમુખભાઈની ઇચ્છા સિંધ સંસ્કૃતિનાં સ્થળો પર કામ કરવાની હતી, પણ એ વિષય પર બીજા નિષ્ણાતોનું કામ ચાલુ હોવાથી તેમણે ગુજરાત અને તેની આજુબાજુના પ્રદેશોના પુરાતત્ત્વીય અભ્યાસની શરૂઆત કરી. તે માટે યુનિવર્સિટીની પરવાનગીથી બે સત્ર માટે તે ભારતમાં આવીને રહ્યા. ઇંગ્લૅન્ડ પાછા ફર્યા પછી તેમણે ત્યાંના એક ઉત્ખનનમાં ડૉ. વ્હીલર સાથે કામ કર્યું. ડૉ. વ્હીલર વિદ્યાર્થીઓ-સહાયકો પાસે શારીરિક શ્રમ કરાવવાનો આગ્રહ રાખતા હતા. તેના કારણે, હસમુખભાઈના મનમાં રહેલો શ્રમ વિશેનો સંકોચ તૂટ્યો અને સરકારી મદદ વિના, ઓછી રકમ સાથે અને જૂજ મજૂરોની મદદથી ઉત્ખનન (પુરાતત્ત્વીય ખોદકામ) કરવાનો કિમતી અનુભવ મળ્યો. 1937માં તે પીએચ.ડી. થઈને સ્વદેશ પાછા આવ્યા, ત્યારે તેમના માટે કોઈ નોકરી તૈયાર ન હતી.

પૂના બન્યું કર્મભૂમિ

નોકરી વિના થોડા સમય સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં માનદ્ વ્યાખ્યાન આપવાં, એશિયાટિક સોસાયટીમાં અભ્યાસ માટે જવું, ટ્યૂશન કરવાં, પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમની નવી શરૂ થયેલી ગેલેરીમાં મૂકાયેલા શીલાલેખ ઉકેલવા—એવું બધું કામ ચાલ્યું. પુરાતત્ત્વની ડિગ્રી હોવાથી ઇતિહાસનું જ્ઞાન હોવા છતાં, તેમને ઇતિહાસના અધ્યાપકની સરકારી નોકરી ન મળી.

દરમિયાન, 1938માં લગ્ન થયા પછી તે હનીમુન પર જતા હતા ત્યારે રસ્તામાં એક અખબારમાં પૂનાની ડેક્કન કૉલેજની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે અધ્યાપકની જગ્યાની જાહેરખબર વાંચીને તેમાં અરજી કરી. ત્યાં પ્રોટો-ઇન્ડિયન (આદ્ય ભારતીય) અને એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રીના અધ્યાપક તરીકે તેમની પસંદગી થઈ ગઈ. શરૂઆતમાં તે નિમણૂક આઠ મહિના માટે હોવાથી હસમુખભાઈ અવઢવ અનુભવતા હતા. તે વખતે તેમના ગુરુ ફાધર હેરાસે ફરી સાચી સલાહ આપીને તેમને ડેક્કન કૉલેજમાં જોડાઈ જવા કહ્યું. આ રીતે 1939થી ડેક્કન કૉલેજ અને પૂના સાથે શરૂ થયેલો તેમનો નાતો દાયકાઓ સુધી જળવાઈ રહ્યો.

પૂનામાં ડૉ. ઇરાવતી કર્વે જેવાં સાથીદારો અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સાથે તેમણે દેશભરમાં અનેક ઠેકાણે સરકારી અને ટાટા ટ્રસ્ટ જેવી બિનસરકારી સહાયથી પુરાતત્ત્વીય ઉત્ખનનનો સિલસિલો ચલાવ્યો. તેમના કેટલાક પ્રોજેક્ટમાં તેમનાં પત્ની સરલાબહેન પણ ઉત્સાહભેર સામેલ અને સહભાગી થતાં હતાં. મર્યાદિત વાહનો અને વાહનવ્યવહારના એ જમાનામાં હસમુખભાઈ સાહેબગીરી કરવાને બદલે શારીરિક શ્રમ વેઠતા, દસ-પંદર-વીસ કિલોમીટર ચાલતા અને ખોદકામ કરનારા મજૂરોની સાથે બેસીને જમતા.

કેટલાંક સંશોધનો અને રામાયણનો પુરાતત્ત્વીય અભ્યાસ

પુરાતત્ત્વવિદ્ તરીકે હસમુખભાઈએ કરેલાં ઘણાંખરાં સંશોધનો સામાન્ય માણસને રોમાંચ જગાડે એવાં ભલે ન હોય, પણ તે ક્ષેત્ર માટે અત્યંત મહત્ત્વનાં હતાં. મહેસાણા જિલ્લામાં આવેલાં લાંઘણજમાં તેમણે કરેલાં ઉત્ખનનમાં પુરાપાષાણયુગ અને લઘુપાષાણયુગનાં ઓજારો ઉપરાંત પહેલી વાર માણસનાં કેટલાંક અસ્થિ મળ્યાં હતાં. 1943માં ડૉ.ઇરાવતી કર્વેએ તેને ઓળખી કાઢીને હસમુખભાઈને કહ્યું હતું કે તે ભારતમાં પ્રાચીનતમ માનવઅસ્તિત્વનો પુરાવો હતો. બીજા વર્ષે આખું હાડપિંજર મળી આવ્યું. એવી જ રીતે, મહારાષ્ટ્રમાં પણ પુરાપાષાણયુગનાં ઓજારો સાથે ગોદાવરી નદીના દટાઇ ગયેલા પ્રવાહમાર્ગની શોધથી તેમણે આ પ્રદેશોમાં માણસનો વસવાટ ન હતો, તેવો અભ્યાસીઓનો જૂનો ખ્યાલ ખોટો ઠરાવ્યો.

ગુજરાતના શિલાલેખોમાંથી સ્થળનામો અને વ્યકિતનામોનો હસમુખભાઈએ વ્યવસ્થિત અભ્યાસ કર્યો અને મુંબઈ યુનિવર્સિટી દ્વારા યોજાતી પ્રતિષ્ઠિત ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળામાં તે વિશે વ્યાખ્યાનો આપ્યાં. કિશોરાવસ્થામાં આર્યો વિશે તેમના મનમાં જાગેલી જિજ્ઞાસાનો પૂરેપૂરો સંતોષકારક ઉત્તર તો તેમને મળ્યો નહીં, પણ મહાકાવ્યોમાં આવતી વાતોને પુરાતત્ત્વીય ખોદકામના પ્રકાશમાં તપાસવાનું તેમનું સપનું સાકાર થયું. તે વિશેનું તેમનું પુસ્તક અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થયું.

સંસ્કૃત સહિત વિવિધ વિષયોના ઊંડા અભ્યાસ થકી તેમણે રામાયણને છ જુદા જુદા તબક્કામાં ગોઠવ્યું. વાલ્મીકિરચિત રામાયણ ઇ.સ.પૂર્વે 300 આસપાસનું હોવાનો તેમનો અંદાજ હતો, જ્યારે તેમાં ઉમેરાનો સૌથી છેલ્લો તબક્કો ઇસવી સનની સાતમી સદીનો હતો. કેમ કે, રામાયણના એ હિસ્સામાં ઇસવી સન 653-679માં બંધાયેલા એક મંદિરનો ઉલ્લેખ હતો. આ અભ્યાસમાં તેમણે રામાયણમાં આવતાં શહેરોનાં, મકાનોનાં અને તેની રચનાનાં, પોશાકનાં અને સંવાદોમાં આવતાં વર્ણનોને પુરાતત્ત્વીય ખોદકામમાંથી તારવેલી વિગતો સાથે સરખાવીને તેના સમયગાળાનો અંદાજ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.

એવી જ રીતે, આભૂષણોનો ઇતિહાસ તપાસીને હસમુખભાઈએ તારવ્યું હતું કે હનુમાન પોતાની ઓળખ માટે સીતાને રામનું નામ ધરાવતી વીંટી આપે છે, એ પ્રસંગ ઇસવી સનની બીજી સદી પહેલાંના રામાયણમાં નહીં હોય. કારણ કે, નામ અંકિત કરેલી વીંટીઓ યુનાની-ગ્રીક રાજાઓ ભારતમાં લાવ્યા. અગાઉના અભ્યાસોનો હવાલો આપીને અને પોતાના સ્વતંત્ર અભ્યાસથી તેમણે તારવ્યું હતું કે રામાયણમાં આલેખાયેલી લંકા તે શ્રીલંકા નહીં, પણ મધ્ય પ્રદેશમાં વિંધ્ય પર્વત પાસે હતી. સ્વાભાવિક રીતે જ, તેમણે રામાયણમાં આવતાં ઘણાં વર્ણનો સાથે એ પ્રદેશની ભૂગોળનું સામ્ય દર્શાવીને આ વિધાન કર્યું હતું. આવાં બીજાં પણ તારણો ‘પુરાતત્ત્વ અને રામાયણ’માં હતાં.

પ્રદાન અને સન્માન

‘અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષા કાળ’—એ ડૉ. સાંકળિયાનું આ વિષય પરનું કોઈ પણ પ્રાદેશિક ભાષામાં લખાયેલું પહેલું પુસ્તક હતું, જે 1978માં પ્રકાશિત થયું. ત્યાર પહેલાં તે અંગ્રેજીમાં ‘પ્રીહિસ્ટ્રી ઍન્ડ પ્રોટો હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા ઍન્ડ પાકિસ્તાન’ લખી ચૂક્યા હતા. સામાન્ય રીતે સાહિત્યસર્જન માટે અપાતો ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ રણજિતરામ સુવર્ણચંદ્રક ડૉ. હસમુખ સાંકળિયાને 1967માં એનાયત થયો. સાત વર્ષ પછી તેમને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા.

પોતે શાસ્ત્રજ્ઞ હોવા છતાં હસમુખભાઈ સાંકળિયાએ વિવિધ સ્થળોએ પ્રદર્શનો યોજવા સહિત પુરાતત્ત્વને જનસામાન્ય સુધી પહોંચાડવાના ઘણા પ્રયત્નો કર્યા. તે માનતા હતા કે ‘ભારતીય પુરાતત્ત્વ અને ઇતિહાસ જો કંઈ શીખવતાં હોય તો તે અંતર્ગત સાંસ્કૃતિક ઐક્ય છે. આપણા ભાષિક અને ધાર્મિક ઝનૂનમાં આપણે આ એકતાનું ખૂન કરીએ છીએ. આ સાંસ્કૃતિક એકતાને પોષવી એ ઇતિહાસજ્ઞો અને પુરાતત્ત્વજ્ઞોનું કર્તવ્ય છે.’ ડેક્કન કૉલેજમાં તેમણે લગભગ ત્રણ પેઢીઓને તૈયાર કરી અને કૉલેજને પુરાતત્ત્વ વિદ્યાનું ધબકતું કેન્દ્ર બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.

તેમનું ઘર ડેક્કન કૉલેજના પરિસરમાં, કૉલેજે આપેલી જમીન પર જ હતું, જે તેમનાં અને તેમનાં પત્નીનાં મૃત્યુ પછી કૉલેજને અર્પણ થાય, એવું તેમણે ઠરાવ્યું હતું. ઉપરાંત, પોતાનું અંગત પુસ્તકાલય પણ ડેક્કન કૉલેજને આપી દીધું. આમ, પૂનાની ડેક્કન કૉલેજ તેમની સંશોધન કામગીરીનું જ નહીં, અંગત જીવનનું પણ મુખ્ય સ્થાનક બની રહી. 1989માં તેમનું અવસાન થયા પછી તેમની ઇચ્છા મુજબ તેમના દેહનું તબીબી અભ્યાસ માટે દાન કરવામાં આવ્યું.

19મી સદીનો પુરાતત્ત્વ-અભ્યાસ જેમ ગુજરાતી પુરાતત્ત્વવિદ્ ભગવાનલાલ ઇન્દ્રજીના ઉલ્લેખ વિના અધૂરો ગણાય, તેમ વીસમી સદીના પુરાત્તત્ત્વ શાસ્ત્રમાં ડૉ. હસમુખ સાંકળિયાનું સ્થાન મહત્ત્વનું બની રહ્યું.