18 લાખ વર્ષ પહેલાંનું માનવ જડબાનું હાડકું મળ્યું, શું રહસ્યો ખોલી શકે છે?

ન્યૂઝ એજન્સી રૉયટર્સના એક અહેવાલ અનુસાર જ્યૉર્જિયાના પુરાતત્ત્વવિદોને 18 લાખ વર્ષ જૂનું માનવ જડબાનું હાડકું મળી આવ્યું છે. તેમના પ્રમાણે આ અવશેષ માનવોની પ્રારંભિક પ્રજાતિનો છે અને એ યુરેશિયન ખંડ પર કેટલીક પ્રારંભિક પ્રાગૈતિહાસિક માનવવસાહતો પર પ્રકાશ પાડશે.

ઓરોઝમાની ખાતે આવેલી આ નાનકડી જ્યૉર્જિયન સાઇટ બે વાહનો સમાય એટલી નાની હોવા છતાં તેના પેટાળમાં વિપુલ પ્રમાણમાં ઇતિહાસ ધરબાયેલું છે.

આ સાઇટથી જ આફ્રિકા ખંડની બહારથી મળી આવેલા સૌથી જૂના માનવ અવશેષ બહાર કઢાયા છે. આ અવશેષ શિકારી અને વસ્તુઓ ભેગી કરતી પ્રજાતિ હોમો ઇરેક્ટસની પૅટર્ન અંગે પુરાવા પૂરા પાડે છે.

વૈજ્ઞાનિકોના મતે આ પ્રજાતિએ 20 લાખ વર્ષ પહેલાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની શરૂઆત કરી હતી.

ત્બિલિસીમાં ઇલિયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે પાષાણકાળ પુરાતત્ત્વવિદ્યાના પ્રોફેસર જ્યૉર્જી બિડ્ઝિનાસવિલીએ કહ્યું, "ઓરોઝમાની ખાતેથી મળી આવેલા માનવીય અને પ્રાણી અવશેષ આપણને યુરેશિયાના પ્રથમ નિવાસીઓની જીવનશૈલી નક્કી કરવામાં મદદરૂપ થશે."

"અમને લાગે છે કે ઓરોઝમાની આપણને માનવજાત વિશે મોટી માહિતી આપી શકે છે."

જ્યૉર્જિયાના પાટનગર ત્બલિસીથી 100 કિમી દૂર આ જડબાનો નીચેનો ભાગ મળી આવ્યો હતો. જ્યાંથી વર્ષ 2022માં પુરાત્ત્વવિદોને આ જ સમયગાળાનો દાંત મળી આવ્યો હતો. આ સિવાય નિકટના ગામ ડ્માનિસી ખાતેથી અગાઉ 18 લાખ વર્ષ જૂની માનવ ખોપરીઓ પણ મળી આવી હતી.

આ તાજેતરની શોધમાં પુરાતત્ત્વવિદોને સેબર ટૂથ વાઘ, હાથી, શિયાળ, હરણ અને જિરાફ સહિતનાં જીવાશ્મ અને પથ્થરનાં ઓજાર મળી આવ્યાં હતાં.

'માનવ ઇતિહાસનાં રહસ્યો ખોલશે આ અવશેષો'

વૈજ્ઞાનિકો પ્રમાણે જડબાનાં હાડકાં અને પ્રાણીઓનાં જીવાશ્મિનો અભ્યાસ આફ્રિકા છોડ્યા બાદ શરૂઆતના માનવોનો વિકાસ કેવી રીતે થયો એ અંગેના મહત્ત્વપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપશે. આ સિવાય તેમનું ભોજન અને એ સમયનું વાતાવરણ કેવું હશે એ અંગે પણ ખુલાસો થશે.

ઓરોઝમની ખાતેના ખોદકામના સ્થળે પુરાતત્ત્વવિદોને દર વર્ષે હોમો ઇરેક્ટસના નવા અવશેષ મળી રહ્યા છે.

અમેરિકામાં યુનિવર્સિટી ઑફ ર્હોડે આઇલૅન્ડથી હાલમાં જ માનવશાસ્ત્રમાં સ્નાતક થયેલા માઇલ્સ એલેક્ઝાન્ડ્રે કહ્યું કે, "(ખોદકામમાં) મારા બીજા જ દિવસે મને એડીનું હાડકું મળ્યું."

"તમે પાંચ સેન્ટિમિટર હજુ ઊંડા ઊતરો... અને તમને કંઈક મળી જાય તેની સંભાવના ખૂબ સારી છે."

આ સાઇટ પર માંડ એક રૂમ જેટલી જગ્યામાં શેડની નીચે રહીને પુરાતત્ત્વવિદોની આખી ટીમ કામ કરી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન