ઉત્તરાખંડના બદરીનાથ પાસે ગ્લેશિયર તૂટ્યું, ફસાયેલા મજૂરોને બચાવવા સેના જોતરાઈ – ન્યૂઝ અપડેટ

ઉત્તરાખંડમાં હિમસ્ખલન, બી.આર.ઓ. શ્રમિકો ફસાયા, આઈટીપીબીપી, સેના

ઇમેજ સ્રોત, @suryacommand

શુક્રવારે ઉત્તરાખંડના બદ્રીનાથધામ પાસે ગ્લેશિયર તૂટી પડવાને કારણે 55 મજૂર બરફ હેઠળ દબાઈ ગયા હતા, જેમાંથી 33ને બચાવી લેવાયા છે.

અગાઉ માહિતી એવી હતી કે 57 મજૂરો ફસાયા છે, પણ પછી શુક્રવારે સાંજે ચમોલી ડીએમ સંદીપ તિવારીએ બીબીસી હિન્દીને જણાવ્યું કે "એ વિસ્તારમાં 57 નહીં પણ 55 લોકો હતા. બે લોકોની રજા હતી. કુલ 33 લોકો અત્યાર સુધી મળી ગયા છે. 22 લોકો હજુ પણ ગૂમ છે. સેના યુદ્ધના ધોરણે બચાવ અને રાહતકાર્યમાં જોડાયેલી છે."

સંદીપ તિવારીએ અગાઉ જણાવ્યું હતું કે માણા ગામ અને માણા ઘાટની (પાસ) વચ્ચે આ દુર્ઘટના થઈ હોવાની માહિતી બી.આર.ઓ.ને (બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન) મળી હતી.

તેમણે કહ્યું હતું કે અહીં સેનાના અવરજવર માટે રોડનિર્માણમાં 57 મજૂરો હોવાની માહિતી મળી હતી. બચાવકાર્ય માટે સેનાની સાથે આઈટીબીપી (ઇન્ડો તિબેટ બૉર્ડર પોલીસ ફોર્સ), એનડીઆરએફ (નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) અને એસડીઆરએફના (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) જવાનો કામગીરીમાં લાગેલા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અને એએનઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં ઘૂંટણભેર બરફની વચ્ચે જવાનો રાહત અને બચાવકામગીરી કરતા જણાય છે.

ભારતે વરસાદ અને હિમવર્ષાને કારણે બચાવકામગીરીમાં વિક્ષેપ ઊભો થઈ રહ્યો છે અને હેલિકૉપ્ટરનો ઉપયોગ નથી થઈ શકતો.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના ભારતના આંતરરાષ્ટ્રીય સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાતના હવામાન સમાચાર, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

શૅરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1300 પૉઇન્ટ ડાઉન

બીબીસી ગુજરાતી શેર બજાર સેન્સેક્સ નિફ્ટી રોકાણકાર શૅરમાર્કેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય શૅરબજારોમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો છે.

શુક્રવારે બજાર ખુલતા જ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં મોટો કડાકો આવ્યો હતો.

સેન્સેક્સમાં એક સમયે 1300 પોઈન્ટથી મોટો ઘટાડો થયો હતો. ત્યાર પછી પણ સ્થિતિ ડામાડોળ હતી.

બપોરો 12.50 વાગ્યે સેન્સેક્સ 1300 પોઈન્ટ ઘટીને 73,297 પર પહોંચ્યો હતો.

નિફ્ટી પણ 374 પોઈન્ટ અથવા 1.65 ટકા ઘટીને 22,170 પર હતો.

બૅન્કિંગ અને આઈટી સેક્ટરના મોટા શેરોમાં ઘટાડા પછી બજારમાં ભારે પ્રેશર જોવા મળ્યું છે.

હમાસના હુમલા વખતે શું ચૂક થઈ? ઇઝરાયલી સેનાએ રિપોર્ટ આપ્યો

બીબીસી ગુજરાતી ઈઝરાયલ હમાસ ગાઝા યુદ્ધ પેલેસ્ટાઈન

ઇમેજ સ્રોત, EPA

7 ઑક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હમાસે હુમલો કર્યો તે વિશે ઇઝરાયલી સેનાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે.

હમાસના તે હુમલા પછી ગાઝા યુદ્ધની શરૂઆત થઈ હતી. રિપોર્ટ મુજબ ઇઝરાયલી સેના સામાન્ય લોકોની સુરક્ષામાં નિષ્ફળ રહી છે.

19 પાનાંના રિપોર્ટમાં એવી ઘણી વાતો છે જેના વિશે લોકોને પહેલેથી ખબર છે. હમાસના હુમલામાં લગભગ 1200 લોકોનાં મોત નીપજ્યાં છે.

ઇઝરાયલ પર થયેલા હુમલામાં હમાસ સહિત પેલેસ્ટાઇનનાં ઘણાં સંગઠનોના પાંચ હજારથી વધુ લડવૈયાઓએ ભાગ લીધો હતો.

રિપોર્ટમાં જણાવાયું હતું કે મિલિટરી ઈન્ટેલિજન્સની ચેતવણીઓને વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી ન હતી.

રિપોર્ટમાં કહેવાયું હતું કે હમાસની હુમલો કરવાની યોજના અને તેનાથી પેદા થયેલા ખતરા વિશે ઉદાસીનતા હતી.

રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ વ્યવસ્થામાં સુધારા કરવાની વાત પણ કરવામાં આવી છે.

નેપાળમાં ભૂકંપના આંચકા, બિહાર અને પ. બંગાળમાં પણ અસર

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ભૂકંપ બિહાર નેપાળ

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળમાં આજે સવારે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. ભારતના નૅશનલ સેન્ટર ફૉર સિસ્મૉલૉજીએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 5.5 આંકવામાં આવી છે.

ભૂકંપના આ આંચકા બિહાર અને પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં પણ અનુભવાયા છે.

સિલિગુડીમાં કેટલાક લોકોએ આંચકા અનુભવ્યા હોવાની વાત કરી છે. હાલમાં કોઈ જાનહાનિ કે બીજા નુકસાનના અહેવાલ નથી.

નૅશનલ સેન્ટર ફૉર સિસ્મૉલૉજીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારે લગભગ 2:36 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે.

ભૂકંપનું કેન્દ્ર જમીનમાં દસ કિમીની ઊંડાઈએ હતું. નેપાળના બાગમતીમાં તેનું કેન્દ્ર નોંધાયું છે. આ વિસ્તાર બિહારના મુઝફ્ફરપુરથી 189 કિમી ઉત્તરમાં આવેલું છે.

પુણેમાં બસમાં મહિલા પર બળાત્કારના કેસમાં આરોપીની ધરપકડ

બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર પૂણે બળાત્કાર

મહારાષ્ટ્રના પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ પર એક બસની અંદર યુવતી પર બળાત્કારના કેસમાં મુખ્ય આરોપી પકડાઈ ગયો છે.

પુણે પોલીસે ગુરુવારે રાત્રે આરોપી દત્તાત્રેય ગાડેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે યુવતી પુણેથી ફલટણ જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.

આ ઘટના બહાર આવ્યા પછી પોલીસ દત્તાત્રેય ગાડેની શોધખોળ કરી રહી હતી.રાજ્યના મહિલા પંચનાં અધ્યક્ષ રૂપાલી ચાકણકર દ્વારા અપાયેલી માહિતી મુજબ આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે રેપ સર્વાઇવર પુણેમાં કામ કરે છે. તેઓ પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર આવ્યાં હતાં. તે વખતે આરોપી તેમની પાસે આવ્યો અને પોતાનો પરિચય આપ્યો હતો. તેમની સાથે મીઠી મીઠી વાતો કરીને તેમને વિશ્વાસમાં લીધી હતી. આરોપીએ યુવતીને પૂછ્યું કે તેઓ ક્યાં જાય છે. જવાબમાં યુવતીએ કહ્યું કે તે ફલટણ જાય છે. એ બાદ તેણે યુવતીને ગેરમાર્ગે દોરી અને બીજી બસમાં લઈ ગયો હતો.

અમેરિકા ચીન પર દસ ટકા વધારાની ટેરિફ નાખશે, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડ વોર ટેરિફ ચીન મૅક્સિકો કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ચીન પર અમેરિકા દ્વારા વધુ દસ ટકા ટેરિફ ઝીંકવામાં આવશે. ચીન પર પહેલેથી જે ટેરિફ છે તે ઉપરાંત દસ ટકા ટેરિફ નાખવામાં આવશે. આ જાહેરાત કરીને ટ્રમ્પે ટેરિફ વૉરને આગળ વધાર્યું છે.

આ મહિનાની શરૂઆતમાં પણ અમેરિકા દ્વારા ચીન પર ટેરિફ નાખવામાં આવી હતી, જેના કારણે માલ પર ઓછામાં ઓછા દસ ટકા ટૅક્સ લાગે છે. ગુરુવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કૅનેડા અને મૅક્સિકો પર 25 ટકા ટેરિફ ઝીંકવાના પ્લાનમાં આગળ વધવાના છે. 4 માર્ચથી આ ટેરિફ લાગુ પડશે.

મૅક્સિકો અને કૅનેડાના અધિકારીઓ વોશિંગ્ટનમાં મંત્રણા માટે આવ્યા હતા ત્યારે જ ટ્રમ્પે આ જાહેરાત કરી છે.

ટ્રમ્પે કહ્યું હતું કે આ બંને દેશો પોતાની બૉર્ડર સિક્યૉરિટીને ચુસ્ત નહીં બનાવે તો તેમના પર ટેરિફ લાદવામાં આવશે.

ટ્રમ્પે ટેરિફ નાખવા માટે લગભગ એક મહિના સુધી રાહ જોઈ, ત્યાર બાદ બંને દેશો બૉર્ડર ફંડિંગ વધારવા માટે સહમત થયા હતા. જોકે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમને લાગે છે કે યુએસમાં કેફી પદાર્થની ઘૂસણખોરી રોકવા માટે પૂરતાં પગલાં લેવાયાં હોય એવું તેમને નથી લાગતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.