કુંભમેળામાં સ્નાન કરતી અને કપડાં બદલતી મહિલાઓના ફોટો-વીડિયો વેચાયા, કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કીર્તિ રાવત
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. તેમાં મહિલાઓની સંખ્યા પણ નોંધપાત્ર હતી.
થોડા દિવસ પહેલાં ઘણાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર છોકરીઓ અને મહિલાઓના સ્નાન કરવાનાં અને કપડાં બદલવાનાં તસવીરો અને વીડિયો શૅર કરવામાં આવ્યાં.
એવા વીડિયો ફેસબુક, એક્સ અને યૂટ્યૂબ પર ઉપલબ્ધ હતા. એટલું જ નહીં, ઘણી ટેલિગ્રામ ચેનલ્સ પર આ વીડિયોને વેચવામાં આવતા હતા.
જ્યારે આ વાત મીડિયા રિપોર્ટ્સમાં પ્રગટ થઈ, ત્યારે પોલીસે તેના પર કાર્યવાહી કરી. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી. આ સમગ્ર મામલાએ ફરી એક વાર ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર મહિલાઓની ગોપનીયતા અને તેમની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.
આ બધું બન્યા દરમિયાન ગુજરાતમાંથી પણ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
ગુજરાતના રાજકોટમાં એક મેટરનિટી ક્લિનિકમાંથી મહિલાઓના વીડિયો બનાવીને તેને ટેલિગ્રામ ચૅનલ્સ પર વેચવામાં આવતા હતા.
બીબીસી પાસે પણ ટેલિગ્રામનાં બે ગ્રૂપ્સના સ્ક્રીનશૉટ્સ છે, જેમાં સીસીટીવીમાંથી લેવામાં આવેલી મહિલાઓની તસવીરોને શૅર કરવામાં આવી છે.
આ તસવીરોને શૅર કરવાની સાથે આખો વીડિયો કોની પાસેથી ખરીદી શકાય છે તે વિશે પણ જણાવાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ટેલિગ્રામ ચૅનલ્સમાં માત્ર મહાકુંભની જ નહીં, બલકે, અન્ય ઘણા ધાર્મિક ઉત્સવો દરમિયાન મહિલાઓના સ્નાનના વીડિયો અને ફોટો મૂકવામાં આવ્યા હતા.
પોલીસને શું જાણવા મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસે જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા ઍપ ટેલિગ્રામ પર મહાકુંભમાં મહિલાઓના સ્નાનના વીડિયો વેચવામાં આવતા હતા.
ફેસબુક પર આ વીડિયોઝ મહાકુંભ ગંગાસ્નાન પ્રયાગરાજ કૅપ્શન સાથે અપલોડ કરવામાં આવ્યા હતા.
જ્યારે કેટલીક પોસ્ટ પર #mahakumbh2025, #gangasnan અને #prayagrajkumbh એવા હૅશટૅગનો ઉપયોગ કરાયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયોઝને 2,000થી 3,000 રૂપિયામાં વેચવામાં આવતા હતા.
મહિલાઓના વીડિયો વેચાતા હોવાનો રિપોર્ટ સામે આવ્યા પછી ઉત્તરપ્રદેશ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, યુપી પોલીસે જણાવ્યું કે, આ કેસમાં તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને કેટલીક ટેલિગ્રામ ચૅનલ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
યુપી પોલીસે કહ્યું, "આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી, જ્યારે સોશિયલ મીડિયા દેખરેખ ટીમને જાણવા મળ્યું કે કેટલાંક પ્લૅટફૉર્મ્સ પર મહાકુંભમાં મહિલાઓના સ્નાન અને કપડાં બદલવાના વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. જે તેમની ગોપનીયતા અને ગરિમાનું ઉલ્લંઘન છે."
17 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશ પોલીસે મહિલા શ્રદ્ધાળુઓના વીડિયો પોસ્ટ કરવાના આરોપમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો. બીજી તરફ, અન્ય એક કેસમાં 19 ફેબ્રુઆરીએ કેટલીક ટેલિગ્રામ ચૅનલ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બંને કેસ પ્રયાગરાજના કોતવાલી કુંભમેળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશ પોલીસે આ કેસ અંગે એક્સ પર પોસ્ટ લખી, "મહાકુંભમાં મહિલા શ્રદ્ધાળુઓના સ્નાન કરવાના અમર્યાદિત વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર અપલોડ કરવા અને એવા વીડિયોને સોશિયલ મીડિયાના માધ્યમથી વેચવાની માહિતી મળ્યા પછી તાત્કાલિક એવાં 17 સોશિયલ મીડિયા એકાઉન્ટને શોધી કાઢીને કુંભમેળા પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે."
બીબીસીએ કુંભમાં ગયેલાં એક મહિલા સાથે પણ વાત કરી છે.
નામ ન છાપવાની શરતે તેમણે જણાવ્યું કે, જ્યારે તેમને ખબર પડી કે કુંભમાં મહિલાઓના સ્નાન કરવાની તસવીરો વેચવામાં આવી રહી છે, ત્યારે તેમને ખૂબ ખરાબ લાગ્યું.
તેમણે કહ્યું, "આ એક સ્ત્રીની ઇજ્જતનો સવાલ છે. જો નહાતાં સમયની એવી તસવીરો બજારમાં વેચવામાં આવશે, તો તેનાથી મહિલાઓની બદનામી થશે. આવાં ધાર્મિક આયોજનોમાં આ બધું ન થવું જોઈએ. જો આવી જગ્યાઓએ પણ મહિલાઓ સુરક્ષિત નથી, તો બાકીની જગ્યાઓ વિશે આપણે શું કહી શકીએ?"
ગુજરાતના રાજકોટનો કેસ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં રાજકોટની એક ક્લિનિકમાં ચેકઅપ કરાવવા ગયેલાં મહિલા દર્દીઓના વીડિયો લીક કરવામાં આવતા હતા. આ વીડિયોઝને યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યા હતા અને ટેલિગ્રામ પર વેચવામાં આવતા હતા.
ગુજરાત પોલીસમાં સાઇબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માંકડિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "એક મેટરનિટી હોમનું સીસીટીવી હૅક કરીને આ વીડિયોઝને યૂટ્યૂબ ચૅનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ વીડિયોઝના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચૅનલની લિંક આપવામાં આવી હતી."
હાર્દિક માંકડિયાએ એમ પણ જણાવ્યું કે, કોઈએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ટૅગ કરીને એ એકાઉન્ટની તપાસ કરવાની અપીલ કરી હતી.
તેમણે જ્યારે તે વીડિયોની તપાસ કરી, ત્યારે તેમણે વીડિયોમાં દર્દી અને ડૉક્ટરને ગુજરાતીમાં વાત કરતાં જોયાં. ત્યાર પછી તેમની ટીમે બધી માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું.
તેમણે આગળ કહ્યું, "આ કેસમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિની શોધખોળ હજુ ચાલુ છે. આ બધા ટેલિગ્રામ ચૅનલ્સ દ્વારા એક બીજા સાથે જોડાયેલા હતા. હૅકિંગના માધ્યમથી તેમણે બધા વીડિયોઝના નેક્સસ બનાવ્યા હતા."
તેમણે એમ પણ જણાવ્યું કે, આ કેસમાં બે હૅકર્સની ધરપકડ કરવામાં આવી છે.
આવું કંઈ પહેલી વાર નથી બન્યું; આની પહેલાં પણ મુસ્લિમ મહિલાઓ સાથે સંકળાયેલી ઑનલાઇન હરાજી જેવી ઘટનાઓ ઉજાગર થઈ ચૂકી છે.
આવા કેસ પહેલાં પણ ઉજાગર થયા છે

ઇમેજ સ્રોત, Getty Images
જુલાઈ 2021માં 'સુલ્લી ડીલ્સ અને 2022માં 'બુલ્લી બાઈ' નામથી ઑનલાઇન બોલીની ઘટનાઓ પર ઘણો હોબાળો થયો હતો. આ બોલી ઓપન સોર્સ ઍપ ગિટહબમાં થઈ રહી હતી.
આ ઍપ પર મુસ્લિમ મહિલાઓની તસવીરોને તેમની અનુમતિ વગર મૉર્ફ [તસવીરને પોતાની ઇચ્છા મુજબ બદલવી] કરીને ઑનલાઇન મૂકવામાં આવી રહી હતી.
'સુલ્લી ડીલ્સ' કેસમાં દિલ્હી પોલીસે મધ્યપ્રદેશના ઇન્દૌરમાંથી 25 વર્ષના વેબ ડિઝાઇનર ઓમકારેશ્વર ઠાકુરની ધરપકડ કરી હતી.
'ધ હિન્દુ'ના રિપોર્ટ અનુસાર, તે સમયે ઓમકારેશ્વર ઠાકુરે એ સ્વીકાર્યું હતું કે તેમણે આ ઍપ મુસ્લિમ મહિલાઓને હેરાન કરવા માટે બનાવી હતી. ઠાકુરે એવું પણ જણાવ્યું હતું કે તેઓ એક્સ [તે સમયે ટ્વિટર] પર એક ગ્રૂપનો ભાગ હતા, જે મુસ્લિમ મહિલાઓને ટ્રોલ કરતું હતું.
જ્યારે બુલ્લી બાઈ ઍપ કેસમાં મુંબઈ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી બે લોકો ઉત્તરાખંડના હતા અને એક યુવકને બૅંગલુરુમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
પરંતુ, માર્ચ 2022માં દિલ્હીની એક અદાલતમાંથી આ બંને કેસના આરોપીઓને માનવતાના ધોરણે જામીન મળી ગયા હતા.
માનસિકતા પર સવાલ

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
મહાકુંભ અને ગુજરાતની ઘટનાએ ઘણા ગંભીર સવાલ ઊભા કર્યા છે.
વરિષ્ઠ મનોચિકિત્સક ડૉક્ટર નિમેશ જી. દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સમયની સાથે સાથે જેન્ડર રોલ્સ સમાજમાં પોતાનાં મૂળિયાં વધારે મજબૂતીથી ફેલાવી રહ્યા છે. જેના કારણે પુરુષોની મહિલાઓ પર હાવી થવાની વિચારધારાને પ્રોત્સાહન મળી રહ્યું છે."
"બીજી તરફ, આધુનિક તકનીકની મદદથી તેઓ પોતાના આ વિચારને સરળતાથી પૂર્ણ કરી શકે છે. અને માનો કે ન માનો, આવી ઘટનાઓ પાછળનું કારણ માત્ર પૈસા કમાવાનું પણ છે."
ડૉક્ટર દેસાઈએ એમ પણ કહ્યું કે, આ પ્રકારના ગુના માટે કડક કાયદા નથી, જેના કારણે લોકો ડરતા નથી.
આ બાબતે સાઇકૉલોજિસ્ટ કરિશ્મા મહેરાએ કહ્યું, "સમાજમાં જેન્ડર રોલ્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેના કારણે મહિલાઓને એક ઑબ્જેક્ટની જેમ જોવામાં આવે છે. આ માનસિકતા સાથે પુરુષ, મહિલા સાથેના પોતાના વર્તનને યોગ્ય માને છે અને પુરુષોના આ વર્તનને સમાજમાં ખોટું પણ માનવામાં નથી આવતું."
"ઘણી વાર પુરુષોની હરકતો માટે મહિલાઓને દોષ આપવામાં આવે છે, જેના કારણે પુરુષોમાં મહિલાઓ માટેની સંવેદનશીલતા જન્મી જ નથી શકતી."
ટેલિગ્રામ પર સંદિગ્ધ પ્રવૃત્તિઓનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની સરખામણીએ ટેલિગ્રામ પર આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ વધારે શા માટે છે?
આ સવાલના જવાબમાં સાઇબર સિક્યૂરિટી એક્સ્પર્ટ શુભમ સિંહે કહ્યું કે, "ટેલિગ્રામમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે, જેના કારણે સરકાર માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ટ્રૅક કરવી મુશ્કેલ થઈ જાય છે. મોટાં ગ્રૂપ્સને વૉટ્સઍપ અને ફેસબુક જેવાં અન્ય પ્લૅટફૉર્મ્સની સરખામણીએ ટેલિગ્રામ પર ઓછી દેખરેખ સાથે સરળતાથી ચલાવવાની મંજૂરી છે."
"ટેલિગ્રામમાં યૂઝર્સ માટે એકાઉન્ટ બનાવવાનું ખૂબ સરળ છે અને તેને આસાનીથી ડિલીટ કરી શકાય છે. જેનાથી કાયદા અમલીકરણ એજન્સીઓ માટે ગુનેગારોને ટ્રૅક કરવાનું મુશ્કેલ થઈ જાય છે. તેમાં ઘણાં ગેરકાયદેસર બજાર, છેતરપિંડી નેટવર્ક અને ઉગ્રવાદી સમૂહ સક્રિય છે."
શુભમ સિંહે એમ પણ જણાવ્યું કે, ટેલિગ્રામ સરકારની સાથે ઘણો સીમિત રૂપે સહયોગ કરે છે અને યૂઝર્સની પ્રાઇવેસીનો ઉલ્લેખ કરીને ઘણી વાર ડેટા શેર કરવાની વિનંતીનો વિરોધ કરે છે.
શુભમે કહ્યું કે, "ગેરકાયદેસર કન્ટેટ વિરુદ્ધ મજબૂત કાયદો હોવો જોઈએ. આવી જ વસ્તુઓથી બચાવવા માટે જાગરૂકતા અભિયાન ચલાવવાં જોઈએ. ટેલિગ્રામે પણ આને રોકવા માટે યોગ્ય રીતે મૉનિટરિંગ કરવું જોઈએ. ટેલિગ્રામ દુબઈથી કામ કરે છે, એ કારણે આ ઍપ પર યૂરોપીય સંઘ કે અમેરિકાના નિયમો લાગુ નથી થતા. એ ઉપરાંત, ટેલિગ્રામ પર લાખો ગ્રૂપ્સ અને ચૅનલ્સ છે, જેને મૉનિટર કરવાં લગભગ અશક્ય જેવું છે."
કાયદામાં શી જોગવાઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
વકીલ રાધિકા થાપરે બીબીસીને જણાવ્યું કે, "ભારતીય ન્યાય સંહિતામાં કલમ 509 છે. તેને અધીન કોઈ મહિલાની ગોપનીયતા ભંગ કરવાના ઇરાદાથી કરાયેલા ગુનામાં ત્રણ વર્ષની સજા થઈ શકે છે. કલમ 509 અનુસાર, જો કોઈ મહિલાને તમે ઑબ્જેક્ટિફાઇ કરો છો, તો તે અપરાધની શ્રેણીમાં આવે છે. જોકે, સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે એટલે આઇટી ઍક્ટનો પણ એક રોલ છે."
તેમણે જણાવ્યું કે, "જો કોઈ અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરે અથવા પ્રસારિત કરે, તો આઇટી ઍક્ટની કલમ 76 હેઠળ દંડની જોગવાઈ છે. સેક્શન 67 અને 67 A બે સેક્શન છે, જેના કારણે આવી સામગ્રી પ્રકાશિત ન કરી શકાય. આ માત્ર મહિલાઓની બાબતમાં જ નહીં, પરંતુ, બાળકો અને બીજી બાબતોમાં પણ લાગુ પડે છે."
શું આ કાયદા મહિલાઓ સાથે સંકળાયેલા ગુના રોકવા માટે પૂરતા છે?
રાધિકાએ કહ્યું કે, "તકનીક આગળ વધતી જાય છે. આપણી પાસે એવી જોગવાઈ છે, જેના હેઠળ કંઈ કાર્યવાહી થઈ શકે છે. મહાકુંભ જેવાં આયોજન જ્યાં થાય છે, ત્યાં મહિલાઓની સુરક્ષા માટે અલગથી વ્યવસ્થા કરવાની જરૂર પણ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












