'ઉત્તરાખંડની સરકાર અમારા બેડરૂમમાં દખલ કેમ દઈ રહી છે?'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુમેધા પાલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તરાખંડમાં બે યુવા, મૃણાલિની અને ફૈઝ, ચાર વર્ષથી સાથે છે. તેઓ બંને લગ્ન કરવા માગે છે. આ બંનેના ધર્મ અલગ-અલગ છે. તેમનાં માતાપિતા તેમનાં લગ્નની વિરુદ્ધ છે. તેમના પરિવાર સુશિક્ષિત છે અને આર્થિક રીતે સધ્ધર પણ છે.
મૃણાલિની કહે છે કે તેમના માટે લગ્ન કરવાં સરળ નથી. તેમને બીક છે કે જો તેઓ યુસીસીના પોર્ટલ પર લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવશે તો તેમના ઘરનાને ખબર પડી શકે છે.
મૃણાલિનીનું કહેવું છે કે, તેમને સમજ નથી પડતી કે આ કાયદો શા માટે લાવવામાં આવ્યો છે.
ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) અમલમાં આવ્યા પછી મૃણાલિનીની જેમ અનેક લિવ-ઇન સાથીદારો તેને પોતાની અંગતતા (પ્રાઇવસી) પરના હુમલા તરીકે પણ જોઈ રહ્યાં છે. યુસીસી હેઠળ ઉત્તરાખંડમાં લિવ-ઇનમાં રહેતાં જોડાંની નોંધણી કરાવવી જરૂરી છે.
ઉત્તરાખંડ દેશમાં યુસીસી લાગુ કરનારું પહેલું રાજ્ય છે. ઉત્તરાખંડ સરકાર આને ઐતિહાસિક પગલું ગણાવી રહી છે. તેનું કહેવું છે કે, આ કાયદો સમાજમાં મહિલાઓની સુરક્ષા કરશે.
બીજી તરફ, અનેક નાગરિક, વકીલ અને સામાજિક કાર્યકર્તા તેની જોગવાઈઓ વિરુદ્ધ અદાલતનો દરવાજો પણ ખખડાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ કાયદો રાજ્યમાં નાગરિકોની 'દેખરેખ'ને પ્રોત્સાહિત કરશે અને રાજ્યને 'પોલીસ સ્ટેટ' બનાવી દેશે.
દરમિયાનમાં, 13 ફેબ્રુઆરીએ યુસીસીની જુદીજુદી જોગવાઈઓ વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ પર સુનવણી કરતાં ઉત્તરાખંડ હાઇકોર્ટે રાજ્ય સરકારને છ અઠવાડિયાંમાં જવાબ આપવા કહ્યું છે.

યુનિફૉર્મ સિવિલ કોડમાં શું છે?

ઇમેજ સ્રોત, ANI
ચાલુ વર્ષે 27 જાન્યુઆરીએ અમલમાં આવેલા યુસીસી અનુસાર, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી રજિસ્ટ્રાર દ્વારા કરાવવી પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુસીસીના કાયદા મુજબ, જો કોઈ સાથીદારો પોતાના લિવ-ઇન રિલેશનશિપની નોંધણી બે મહિનાની અંદર ન કરાવે, તો તેને 10 હજાર રૂપિયા દંડ અથવા ત્રણ મહિનાની કેદ અથવા બંને સજા થઈ શકે છે.
લિવ-ઇનમાં રહેતાં પાર્ટનર્સ પોતાની નોંધણી ઑફલાઇન અથવા ઑનલાઇન, બંને રીતે કરી શકે છે. ઑનલાઇન નોંધણી માટે એક પોર્ટલ (ucc.uk.gov.in) છે. આ પોર્ટલ પર બંને પાર્ટનરે પોતાના દસ્તાવેજ, ધર્મ, સરનામું, વગેરે અપલોડ કરવાં પડશે. એક ફૉર્મ પણ ભરવાનું રહેશે.
યુસીસીનો વિરોધ શા માટે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશ્વરામની ઉંમર 63 વર્ષ છે. તેઓ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે.
વિશ્વરામે કહ્યું કે, "1990માં જ્યારે હું અને મારી પાર્ટનર અહીં આવ્યાં હતાં, ત્યારે અહીં માહોલ શાંત હતો. પરંતુ, 30 વર્ષ પછી હવે એ વાતાવરણ બદલાઈ રહ્યું છે."
તેમણે સવાલ કર્યો કે, "ઉત્તરાખંડ સરકાર અમારા અંગત જીવન, અમારા બેડરૂમમાં દખલગીરી શા માટે કરી રહી છે?"
દહેરાદૂનસ્થિત સીજેએમ કોર્ટમાં રજિસ્ટ્રારની કચેરી છે. અહીં લિવ-ઇન જોડીઓ પોતાને રજિસ્ટર કરાવી શકે છે. આ કોર્ટમાં ખૂબ લોકોની આવ-જા તો છે, પરંતુ, કોઈ લિવ-ઇન જોડી અહીં નથી આવતી. આ કોર્ટની એક ચૅમ્બરમાં વકીલ ચંદ્રકલા ઘણી ફાઇલોના ઢગલા વચ્ચે બેઠાં છે.
ચંદ્રકલા ઉત્તરાખંડ મહિલા મંચનાં સભ્ય પણ છે. તેમનું માનવું છે કે, યુસીસીની આ નવી જોગવાઈ 'ખાપ પંચાયતો'ને કાયદાકીય રૂપ આપવાની પ્રક્રિયા જેવી છે. એમનું કહેવું છે કે, આ કાયદાથી મહિલાઓની આઝાદીનું હનન થશે.
કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે, જે મહિલાઓ લગ્નજીવન દરમિયાન પજવણીઓનો શિકાર બને છે, ઘણી વાર તેઓ છૂટાછેડા વગર જ કોઈ અન્ય સાથે રહેવા લાગે છે. આવું એટલા માટે, કેમ કે, છૂટાછેડા મેળવવાના માર્ગમાં તેમના પતિ અને સાસરિયાં અડચણરૂપ થાય છે.
હકીકતમાં, યુસીસી હેઠળ એવા લોકો જ લિવ-ઇન રિલેશનશિપ માટે રજિસ્ટર કરાવી શકે છે, જેઓ પરિણીત નથી. પરંતુ, ઘણા લોકો સત્તાવાર છૂટાછેડા લીધા વગર પણ સંબંધોને ખતમ કરી નાખે છે. તેમના માટે પોતાનો લિવ-ઇન સંબંધ રજિસ્ટર કરાવવો મુશ્કેલ છે.
આવી જ કહાની શીતલ અને રૉડ્રિકની પણ છે. તેમણે ઈ.સ. 2024માં યુસીસીની જાહેરાત પછી લગ્ન કર્યાં હતાં. તેની પહેલાં તેઓ લિવ-ઇનમાં રહેતાં હતાં. બંનેનાં આ બીજાં લગ્ન છે, પરંતુ, જુદાજુદા ધર્મનાં હોવાના કારણે તેમની સફર બિલકુલ આસાન નહોતી.
શીતલ અને રૉડ્રિક પણ માને છે કે, જો આજે તેઓ પરણેલાં ન હોત તો તેમને લિવ-ઇનમાં મુશ્કેલીઓ પડી હોત.
તેમણે કહ્યું કે, "જો આજે અમારાં લગ્ન ન થયાં હોત અને અમે લિવ-ઇનમાં રહેતાં હોત, તો કોણ જાણે શુંયે થાત. હવે લિવ-ઇનમાં રજિસ્ટર કરાવવા માટે માતા-પિતાને પણ માહિતગાર કરવામાં આવશે. જો અમારા સમયમાં આવું હોત, તો અમે આ ક્યારેય ન કરી શક્યાં હોત. અમે બંનેએ અમારું જીવન અમારી જાતે બનાવ્યું છે."
'અંગત ડેટા શૅર કરવામાં નહીં આવે'

ઇમેજ સ્રોત, Sumedha Pal/BBC
જોકે, ઉત્તરાખંડ સરકારનું કહેવું છે કે, યુસીસીમાં માહિતીઓની ગુપ્તતા જાળવી રાખવા માટે સખત નિયમો બનાવવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગમાં અધિક સચિવ નિવેદિતા કુકરેતીએ કહ્યું કે, યુસીસીમાં સેવાઓની નોંધણીના સમયે આપવામાં આવતી માહિતી સુધી કોઈ પણ ત્રીજી વ્યક્તિ પહોંચી શકશે નહીં.
નિવેદિતા કુકરેતીએ જણાવ્યું કે, "આ કાયદામાં એ સ્પષ્ટ કરાયું છે કે કોઈનો પણ અંગત ડેટા શૅર કરવામાં નહીં આવે. ફક્ત તેના આંકડા જણાવવામાં આવશે કે અત્યાર સુધીમાં કેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. તેમાં કોઈનું નામ, ઉંમર અથવા કોઈ પણ અંગત માહિતી જાહેર કરવામાં નહીં આવે."
જમણેરી સંગઠનોના હુમલા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, "તે માટે ખુદ રજિસ્ટ્રારની પણ જવાબદારી રહેશે કે તેઓ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે. અમારો મૂળભૂત વિચાર તેમને સુરક્ષા આપવાનો છે. તમારે સિસ્ટમ પર ભરોસો કરવો પડશે. જો કશું ખોટું થશે તો અમે તેના પર તરત કાર્યવાહી કરીશું."
યુસીસીના તરફદારો શું કહે છે?

ઇમેજ સ્રોત, Sumedha Pal/BBC
ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને ઉત્તરાખંડ રાજ્ય ઉચ્ચ શિક્ષણ ઉન્નતિ સમિતિના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર ભસિન માને છે કે, ભાજપે યુસીસીને બહુ સમજીવિચારીને લાગુ કર્યો છે.
ઉત્તરાખંડ રાજ્યનું ગઠન ઈ.સ. 2000માં થયું હતું. ત્યાર પછી થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં એવી પરંપરા હતી કે એક વખત ભાજપની સરકાર બનતી હતી, તો એક વખત કૉંગ્રેસની. પરંતુ, 2022ની ચૂંટણીમાં આ પરંપરા તૂટી. ભાજપે બીજી વાર સરકાર બનાવી.
દેવેન્દ્ર ભસિને જણાવ્યું કે, 2022ના સંકલ્પપત્રમાં ભાજપે યુસીસીના મુદ્દાને આગળ રાખ્યો હતો. તેમનું કહેવું છે કે, તેને લાગુ કરતાં પહેલાં જુદાજુદા સમુદાયો અને રાજકીય પાર્ટીઓ પાસેથી પણ સલાહ-સૂચનો માગવામાં આવ્યાં હતાં.
દેવેન્દ્ર ભસિને જણાવ્યું કે, "હું ભાજપની સમિતિનો સંયોજક હતો. મેં પાર્ટી તરફથી હાઈ પાવર કમિટીની ભલામણો સાથે એક પત્ર પણ આપ્યો હતો."
દેવેન્દ્ર ભસિને કહ્યું કે, "સમાજે પણ સમજવું ખૂબ જરૂરી છે. આપણા સમાજમાં લિવ-ઇન રિલેશનશિપનો સ્વીકાર નથી કરાતો, પરંતુ, આપણે જાણીએ છીએ કે આપણે કોઈને પણ રોકી નથી શકતા."
નોંધણીની જરૂરિયાત દર્શાવતાં તેમણે કહ્યું કે, "જ્યાં સુધી સંબંધ સારો ચાલે છે, ત્યાં સુધી બધું ઠીક છે. સંબંધ તૂટવાથી છોકરીઓ ઘણું નુકસાન સહન કરે છે. બીજી વાત, મા-બાપને તો ખબર પણ નથી હોતી કે શું ચાલી રહ્યું છે. જો બાળક થઈ ગયું, તો મુશ્કેલી વધી જાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નોંધણી કરાવવી જરૂરી છે. અમે આના દ્વારા એક પરિવારને, એક સમાજને બચાવી રહ્યા છીએ."
તેમનું કહેવું છે કે, "સભ્ય સમાજમાં રહેવાની પણ એક રીત હોય છે. આઝાદી જરૂરી છે, પરંતુ, કોઈ પણ વસ્તુ એબ્સલ્યૂટ ન હોઈ શકે." તેમણે કહ્યું કે, બંધારણની કલમ 44માં પણ યુસીસીને અમલમાં લાવવાની વાત કરવામાં આવી છે.
હિન્દુત્વવાદી સંગઠનોની ભૂમિકા

ઇમેજ સ્રોત, Sumedha Pal/BBC
22 વર્ષના મોહમ્મદ શાનુ અને 23 વર્ષની આકાંક્ષા કંડારીએ સાત જાન્યુઆરીએ ઉધમસિંહ નગરની એસડીએમ ઑફિસમાં એક અરજી આપી હતી અને કહેલું કે તેઓ લગ્ન કરવા માગે છે. આ અરજી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ. તેમાં બંનેની વ્યક્તિગત માહિતી હતી.
શાનુ અને આકાંક્ષાનો આરોપ છે કે, તેમને જમણેરી સંગઠનો તરફથી ધમકીઓ પણ મળી છે.
ઉત્તરાખંડમાં હિન્દુ રક્ષા દળ જેવાં હિંદુત્વવાદી સંગઠન યુસીસીનું સમર્થન અને તેને લાગુ કરવા માટે સતત કામ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે, મહિલાઓની સુરક્ષા માટે યુસીસી જરૂરી છે.
બીજી તરફ, વકીલ ચંદ્રકલા કહે છે કે, "2005ના ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ લિવ-ઇન સંબંધોને કાયદેસર ઔપચારિક માન્યતા મળેલી છે. તેમાં કોઈ પણ પ્રકારની હિંસા દંડને પાત્ર છે. તેનાથી લિવ-ઇન સંબંધોમાં મહિલાઓને સુરક્ષા મળે છે. તેથી, મહિલાઓની સુરક્ષાની વાત કરીને યુસીસી હેઠળ લિવ-ઇન સંબંધોને રજિસ્ટર કરવાની આવશ્યકતાનો તર્ક અયોગ્ય લાગે છે."
રીમઝીમ કંબોજ હિન્દુત્વવાદી સંગઠન હિન્દુ રક્ષા દળનાં સભ્ય છે. તેમણે તાજેતરમાં જ એક બિનહિંદુ છોકરાનું ધર્મપરિવર્તન એટલા માટે કરાવ્યું હતું, કેમ કે, તે એક હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. રીમઝીમે છોકરાના ધર્મપરિવર્તન પછી બંનેનાં લગ્ન રજિસ્ટર કરાવ્યાં છે.
કથિત 'લવ જિહાદ'નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, "અમે એવા ઘણા કેસ જોયા છે જેમાં છોકરા-છોકરી, ખાસ કરીને હિન્દુ છોકરીઓ, પોતાનાં માતાપિતાને જણાવ્યા વગર સાથે રહેવા લાગે છે. એવી હિન્દુ છોકરીઓ જે વધુ મૉડર્ન થઈ ગઈ છે અને વિચારે છે કે ધર્મનું કશું મહત્ત્વ નથી, તેમને લલચાવવા-ફસાવવામાં આવે છે."
ખ્રિસ્તી સમુદાયમાંથી આવતા રૉડ્રિકે જણાવ્યું કે, લિવ-ઇનમાં રહેતાં ત્યારે પોતે અને શીતલ હંમેશાં અસુરક્ષા અનુભવતાં હતાં. તેમણે કહ્યું કે, "અમને હંમેશાં લાગતું હતું કે કોઈ અમારી ફરિયાદ કરી દેશે અથવા કોઈ ધાર્મિક સંગઠન અમારા ઘરે આવી જશે."
રીમઝીમે કહ્યું કે, "અંતમાં હિન્દુ છોકરીઓ ફ્રિજમાં અને બૉક્સમાંથી મળી આવે છે. આ કાયદો એટલા માટે જરૂરી છે કે, કોઈ પણ હિન્દુ છોકરીનો ગેરલાભ ન ઉઠાવે."
રૉડ્રિકે કહ્યું કે, "યુસીસીની જોગવાઈ લિવ-ઇન પાર્ટનર્સ, ખાસ કરીને જુદાજુદા ધર્મની જોડીઓ વિરુદ્ધ હિંસક અભિયાનને પ્રોત્સાહિત કરી રહી છે. દહેરાદૂન જેવી જગ્યાએ પણ હવે અમે લોકો અસુરક્ષા અનુભવીશું. કેમ કે, સરકાર પાસે તમારો સમગ્ર ડેટા ઉપલબ્ધ છે."
વિશ્વરામનું માનવું છે કે, આ કાયદા દ્વારા લોકોને બળજબરીથી બંધનમાં નાખવાની અને તેમના પર દબાણ લાવવાની કોશિશ કરાઈ રહી છે. આ સમાજને વધુ પછાત બનાવી દેશે.
યુસીસી વિરુદ્ધ કાયદાકીય લડત લડનારા લોકો શું કહે છે?

ઇમેજ સ્રોત, Sumedha Pal/BBC
ઉત્તરાખંડ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરનાર કાર્તિકેય હરિ ગુપ્તાનું કહેવું છે કે, યુસીસીની જોગવાઈઓના કારણે બંધારણની કલમ 21નું હનન થઈ રહ્યું છે. તે જીવવા માટેના અધિકારની વાત કરે છે.
તેમણે કહ્યું કે, "ચાર દીવાલની અંદર કોઈ વ્યક્તિ જે રીતે ઇચ્છે એ રીતે રહી શકે છે. પરંતુ, આ નવા કાયદાએ સરકારને 'તપાસ' કરવાનો અધિકાર આપી દીધો છે. તેનાથી તે લોકોના જીવનમાં હસ્તક્ષેપ કરી શકે છે."
દહેરાદૂનનાં વકીલ રઝિયા બેગે પણ યુસીસી લાગુ થવાના વિરોધમાં અદાલતમાં અરજી દાખલ કરી છે. તેમના અનુસાર, લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની બાબતો માટે પહેલાંથી જ કાયદા બનેલા છે. એ સ્થિતિમાં, યુસીસી લાગુ થયા પછી જૂના કાયદાનું શું થશે, તે મુદ્દે પણ કશી સ્પષ્ટતા નથી.
મૌલિક અધિકારો અને અંગતતાના પ્રશ્નો અંગે રઝિયાએ કહ્યું કે, "બંધારણે આપણને જે મૌલિક અધિકારો આપ્યા છે, તે પણ છીનવાઈ રહ્યા છે. આ કાયદા હેઠળ એક સંબંધ વિશે માતાપિતાને જણાવવામાં આવશે અને તેમની મંજૂરી લેવામાં આવશે."
"કયાં મા-બાપ એની મંજૂરી આપશે? એક વયસ્કની પોતાની મરજી પ્રમાણે જીવવાની આઝાદી છીનવાઈ રહી છે. પડોશીઓ ફરિયાદ કરી શકે છે અથવા તો કોઈ પણ ફરિયાદ કરીને એક જોડીને મુશ્કેલીમાં મૂકી શકે છે."
યુસીસીનું એક પાસું આ પણ છે

ઇમેજ સ્રોત, Getty Images
લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ઉપરાંત યુસીસીમાં દરેક ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, સંપત્તિ સાથે સંકળાયેલા એક જેવા કાયદા લાગુ કરવાની પણ જોગવાઈ છે. આ કારણે પણ ઘણા વર્ગના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
ચંદ્રકલાનું કહેવું છે કે, "હકીકતમાં આ મુસ્લિમ પર્સનલ લૉમાં હસ્તક્ષેપ છે. મુખ્યત્વે આના દ્વારા એવી જોગવાઈઓમાં ફેરફાર લાવવાનો છે, જે હિંદુવાદી દૃષ્ટિકોણથી મુસ્લિમ કાયદામાં દોષ જુએ છે. એક અર્થમાં આણે મુસ્લિમ પર્સનલ લૉને સમાપ્ત કરી દીધો છે. મુસ્લિમ પુરુષ અને મહિલાને ઘણાં વધુ અપરાધી બનાવી દીધાં છે."
વકીલ નઝમાએ ઇસ્લામની વાત કરતાં કહ્યું, "અમારા ધર્મમાં લિવ-ઇનની જોગવાઈ નથી. અમારે ત્યાં બીજાં લગ્નની જોગવાઈ છે. તેને યુસીસીએ બંધ કરી દીધી છે. તો હવે મુસલમાન પણ લિવ-ઇનમાં રહેશે."
ભ્રષ્ટાચારની વાત કરતાં નઝમાએ કહ્યું કે, "એક બીક એવી પણ છે કે, જે લોકો પરિણીત છે અને તેમને એકબીજાં સાથે નથી બનતું, એવાં લોકો એકબીજાંને છોડીને નવાં લોકો સાથે રહેવા લાગશે. એટલું જ નહીં, કોઈ પણ રીતે તેમણે લિવ-ઇન રિલેશનશિપ રજિસ્ટર કરાવી લીધી, તો તે પણ બીજાં લગ્ન જેવી જ થઈ જશે."
નઝમા માને છે કે, નોંધણી અને મા-બાપને જાણ કરવાની જોગવાઈઓથી મહિલાઓને ફાયદો થશે. તેમણે કહ્યું કે, "જો છોકરો છોકરીને છોડીને જતો પણ રહે તોપણ તે સુરક્ષિત છે. ઓછામાં ઓછું એક સર્ટિફિકેટ તો હશે કે 'આ લોકો' સાથે રહેતાં હતાં."
રજિસ્ટ્રેશનનું મહત્ત્વ જણાવતાં નઝમાએ એક છોકરી દીક્ષા વિશે જણાવ્યું.
"દીક્ષા પોતાના પાર્ટનર કમલની સાથે ઘણા સમયથી રહેતી હતી. બંને, પહેલાં અન્ય કોઈ સાથે પરણેલાં હતાં. જ્યારે લિવ-ઇન રજિસ્ટર કરવાની વાત આવી ત્યારે કમલે ચોખ્ખી ના પાડી દીધી. દીક્ષાએ આ સંબંધ માટે પોતાનો પતિ, પોતાનો પરિવાર, બધાને છોડી દીધા હતા. હવે કમલે તેને છોડી દીધી છે. હવે તેની પાસે કશી સુરક્ષા નથી. આ કારણે પણ રજિસ્ટ્રેશન જરૂરી છે."
શું ઉત્તરાખંડ પ્રયોગશાળા છે?
ઉત્તરાખંડમાં યુસીસી અમલમાં આવ્યા પછીથી ભાજપશાસિત અન્ય રાજ્ય પણ તેને લાગુ કરવાની દિશામાં તૈયારી કરી રહ્યાં છે. દાખલા તરીકે, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ વર્ષે 4 ફેબ્રુઆરીએ યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પાંચ સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત કરી છે.
કલમ 370, રામમંદિરની સાથોસાથ યુસીસી પણ 1989થી જ ભાજપના ઘોષણાપત્રનો ભાગ રહ્યો છે. એપ્રિલ 2022માં ભોપાલમાં એક સભા દરમિયાન ગૃહમંત્રીએ કહેલું કે, 370, રામમંદિર અને ટ્રિપલ તલાક પછી હવે ટૂંક સમયમાં જ આખા દેશમાં યુસીસી લાગુ કરી દેવાશે.
સરકાર પર નિશાન તાકતાં રઝિયા બેગે કહ્યું કે, "તમને કોઈ પણ પ્રકારની આઝાદી છે નહીં. જો તમે જીવશો, તો સરકાર અને આ કાયદા અનુસાર જીવશો. સરકાર અંગત સંબંધોને સાર્વજનિક બનાવી રહી છે. તેનો જ અમે વિરોધ કરી રહ્યાં છીએ."
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ વિપક્ષ અને યુસીસીના વિરોધીઓ પર નિશાન સાધતાં કહ્યું છે કે, જે લોકો દેશમાં તુષ્ટીકરણનું રાજકારણ, વર્ગવિશેષનું રાજકારણ અને વોટબૅન્કનું રાજકારણ કરે છે, તેમને નિશ્ચિતપણે સમાન નાગરિક સંહિતાથી મુશ્કેલી થશે.
(ઓળખ છુપાવવા માટે રિપૉર્ટમાં ઉલ્લેખાયેલાં જોડાંનાં નામ બદલવામાં આવ્યાં છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












