દેવભૂમિ દ્વારકા : 'સપનું આવ્યું કે શિવલિંગ લાવીને ઘરે સ્થાપના કરશો તો પ્રગતિ થશે', દરિયાકાંઠેથી ચોરાયેલું શિવલિંગ ક્યાંથી મળ્યું?

ઇમેજ સ્રોત, Gunvantrai Gosai/Devbhoomi Dwarka Police
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે આવેલા હરસિદ્ધિ માતાજીના પ્રસિદ્ધ મંદિર નજીક આવેલા એક શિવમંદિરમાંથી શિવલિંગની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.
ચોરોએ શિવલિંગ નજીકના દરિયામાં ફેંકી દીધેલું હોવાની શંકાને આધારે પોલીસે સ્કૂબા ડાઇવરોની મદદથી દરિયાનું પેટાળ પણ ફંફોસી જોયું હતું, પણ ચોરી થયાના બે દિવસ બાદ પણ ગુરુવાર સુધી શિવલિંગ મળી આવ્યું નહોતું.
જોકે 27 ફેબ્રુઆરીએ પોલીસે આપેલી માહિતી અનુસાર, શિવલિંગની ચોરી કરીને આરોપીઓ હિંમતનગર જિલ્લામાં લઈ ગયા હતા અને તેઓ પકડાઈ ગયા છે.
કલ્યાણપુર પોલીસ સ્ટેશને નોંધાયેલી એક એફઆઈઆર મુજબ, સોમવારની રાત્રે સવા આઠ વાગ્યાથી મંગળવારની સવારે પોણા આઠ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો ઓમશ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડી પ્રવેશ્યા હતા, અને અંદરથી શિવલિંગ અને શિવલિંગના થાળાની ચોરી કરીને લઈ ગયા.
મંદિરના પૂજારી ગુણવંતરાય ગોસાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ મંદિર હરસિદ્ધિ મંદિરની નજીક આવેલું છે અને વર્ષો જૂનું હોવાનું કહેવાય છે.
ગુણવંતરાય ગોસાઈએ કહ્યું, "હું મંગળવારે સવારે મંદિરનાં દ્વાર ખોલવાં ગયો તો મને દ્વારનો નકુચો તૂટેલો દેખાયો અને ગર્ભગૃહમાં શિવલિંગ ન હતું. મેં તરત જ મંદિરના મહંત ભીખુગિરિ શિવગિરિ ગોસાઈને જાણ કરી અને ત્યાર બાદ પોલીસને જાણ કરી."
પૂજારીએ ઉમેર્યું કે મંદિરની અંદરની અન્ય તમામ વસ્તુ હેમખેમ પડી હતી.

શિવલિંગને શોધવા પોલીસે દરિયાનું પેટાળ ઢંઢોળ્યું હતું
ભવાનીશ્વર મહાદેવ મંદિર દરિયાના કાંઠે જ આવેલું છે અને ભરતીના સમયે દરિયાનાં પાણી મંદિરની ખૂબ નજીક પહોંચી જાય છે તેમ પૂજારીએ જણાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શિવલિંગની ચોરીની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને શોધખોળ ચાલુ થઈ.
તેવામાં ઓટના કારણે દરિયાનાં પાણી ઓસરી જતાં શિવલિંગનું થાળું દરિયાકાંઠે દેખાયું. તેથી, પોલીસે દરિયાના પેટાળમાં તપાસ કરાવી હતી.
દેવભૂમિ દ્વારકાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી) નીતીશકુમાર પાંડેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "દરિયાકાંઠેથી થાળું મળી આવતા અમને શંકા ગઈ કે ચોરોએ શિવલિંગ દરિયામાં ફેંકી દીધું હોઈ શકે છે. તેથી અમે મંગળવારે જ સ્કૂબા ડાઇવર્સને બોલાવ્યા અને દરિયાના તળિયે તપાસ કરાવી. પરંતુ ડાઇવર્સને દરિયાના તળિયે શિવલિંગ મળ્યું નહોતું."
તપાસ દરમિયાન પોલીસને મંદિરની નજીકના દરિયાના રેતીવાળા કાંઠેથી એક અણીદાર કોશ અને એક છેડેથી વળેલી અન્ય એક કોશી મળી આવ્યાં.
પોલીસને શંકા હતી કે આ બંને હથિયારનો ઉપયોગ દ્વારનો નકુચો તોડવા અને શિવલિંગની ચોરી કરવા માટે થયો હતો.
ગુણવંતરાયે જણાવ્યું હતું કે થાળું પથ્થરનું બનેલું છે અને ખૂબ ભારે છે.
પૂજારીએ કહ્યું કે "દરિયાના પાણી દૂર જતા રહેતા ગ્રેનાઇટ પથ્થરના ટુકડામાંથી બનાવેલું થાળું દેખાયું. તે થાળું પણ ખૂબ વજનદાર છે. તેને ઊંચકવા અને મંદિરે પાછું લાવવા છ-સાત માણસોની જરૂર પડી હતી. થાળું તો મળી ગયું હતું, પરંતુ શિવલિંગ અને નાગની પ્રતિકૃતિ હજુ મળ્યાં નહોતાં."
શિવરાત્રીએ "પાર્થિવ શિવલિંગ"ની પૂજા કરાઈ

ઇમેજ સ્રોત, Gunvantrai Gosai
અહીં, એ યાદ રાખવું ઘટે કે બુધવારે શિવરાત્રીનો તહેવાર હતો અને શિવલિંગની ચોરી બરાબર તેના એક દિવસ પહેલાં થઈ. શિવલિંગની ચોરી થઈ જતા પૂજારીએ બુધવારે શિવરાત્રીના તહેવારે "પાર્થિવ શિવલિંગ"ની પૂજા કરી હતી.
ગુણવંતરાયે કહ્યું, "અમારા મંદિરમાં સંખ્યાબંધ ભક્તો દર્શન કરવા આવે છે અને શિવરાત્રી હોવાથી તે સંખ્યા વધારે રહેશે તેવી અમારી ધારણા હતી. લોકોની શ્રદ્ધાને અનુરૂપ અમે ચોરાઈ ગયેલા શિવલિંગની જગ્યાએ માટીનું શિવલિંગ બનાવ્યું હતું અને શિવરાત્રી નિમિત્તે અમે તે પાર્થિવ શિવલિંગની પૂજા કરી"
હરસિદ્ધિ મંદિર હિન્દુ ધર્મના લોકો માટે એક મહત્ત્વનું તીર્થસ્થળ માનવામાં આવે છે. તે મંદિરનો વહીવટ જામનગર રાજવી પરિવારના મોભીના વડપણવાળી એક સમિતિ કરે છે. પરંતુ ગુણવંતરાયે બીબીસીને જણાવ્યું કે જેમાં ભગવાન શિવ અર્ધનારીશ્વર સ્વરૂપે બિરાજે છે તેવા ભવાનીશ્વર મહાદેવ મંદિરનો વહીવટ મંદિર નજીક આવેલા ગાંધવી ગામમાં રહેતા ભીખુગિરિનો પરિવાર કરે છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે 2023ની શરૂઆતમાં ગાંધવી ગામમાં સરકારે એક મોટી ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી કથિત ગેરકાયેસર એવાં બસ્સોથી પણ વધારે મકાનો, દુકાનો, શૅડ વગેરે તોડી પાડ્યાં હતાં.
આરોપીઓએ શા માટે શિવલિંગની ચોરી કરી હતી?

ઇમેજ સ્રોત, Devbhoomi Dwarka Police
પૂજારીએ આપેલી ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતાની કલમ 305 (મંદિરમાં ચોરી), 331 (3 ) (અપપ્રવેશ) અને 331 (4 ) (ઘરફોડ કે અપપ્રવેશ માટે સજા) હેઠળ એક એફઆઈઆર નોંધાઈ હતી.
દેવભૂમિ દ્વારકાના એસપી નીતીશ પાંડેએ આરોપીઓને પકડવા માટે પોલીસની એક ટીમ બનાવી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ શિવલિંગના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
શિવલિંગ કેમ ચોરી કરાયું હતું એ અંગે પોલીસે આપેલી અનુસાર, થોડા દિવસો પહેલાં આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને 'સપનું' આવેલું કે "દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસે દરિયાકિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવીને સ્થાપના કરશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે."
એસપી નીતીશ પાંડેના કહ્યા અનુસાર, "આથી ચાર પુરુષો અને ત્રણ મહિલાઓ વાહનમાં આવ્યાં હતાં અને હર્ષદ ખાતે રોકાયાં હતાં. બાદમાં રેકી કરીને ભીડભંજન મહાદેવ (ગાંધવી ગામ, દરિયાકિનારો, હર્ષદ) ખાતે સ્થાપેલું શિવલિંગ પોતાના વતન ગામ લઈ ગયાં હતાં અને પોતાના ઘરે ચોરેલા શિવલિંગની સ્થાપના કરી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













