વિમાનમાં ચાલુ મુસાફરીમાં કોઈનું મોત થાય તો મૃતદેહનું શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
કતાર ઍરવેઝમાં મુસાફરી કરતી વેળાએ ઑસ્ટ્રેલિયન દંપતીએ અન્ય મુસાફરના મૃતદેહની પડખે બેસીને સફર ખેડવી પડી હતી. આ દંપતીએ ઑસ્ટ્રેલિયાની ચેનલ-9 સાથે વાતચીત દરમિયાન પોતાના 'ભયંકર અનુભવ' વિશે વાત કરી હતી.
મિશેલ રિંગ તથા જેનિફર કોલિનના જણાવ્યા પ્રમાણે, તેઓ પોતાના 'ડ્રિમ હોલિડે' માટે વેનિસ જવા નીકળ્યાં હતાં.
દરમિયાન મેલબર્નથી દોહાની વચ્ચે વિમાનયાત્રા દરમિયાન પાસેની લાઇનમાં રહેલી સીટ પર બેઠેલાં મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું.
દંપતીના કહેવા પ્રમાણે, કૅબિન ક્રૂએ મહિલાના મૃતદેહને ત્યાંથી હઠાવ્યો નહીં. ઊલટું તેની ઉપર કામળો ઢાંકી દીધો. આગામી ચાર કલાક સુધી તેમણે આ મૃતદેહ સાથે મુસાફરી કરવી પડી.
અન્ય સીટો ખાલી હોવા છતાં કૅબિન ક્રૂએ તેમને કોઈ વૈકલ્પિક સીટ ફાળવી ન હતી. દંપતીના કહેવા પ્રમાણે, ન તો કતાર ઍરવેઝે તેમનો સંપર્ક કર્યો કે ન તો ક્વાન્ટાસે તેમની સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કર્યો.
દંપતીએ ક્વાન્ટાસ મારફત જ કતાર ઍરવેઝની ટિકિટ બુક કરાવી હતી.
મિશેલ રિંગે ચેનલ-9ના કરન્ટ અફેયર પ્રોગ્રામમાં જણાવ્યું કે મહિલા તેમની સીટ પરથી પડ્યાં કે વિમાનનાં કર્મચારીઓએ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે તેમને બચાવી ન શકાયાં. આ બધું જોવું ખૂબ જ હૃદયદ્રાવક હતું.


ઇમેજ સ્રોત, Getty Images
મિશેલ રિંગના કહેવા પ્રમાણે, કૅબિન ક્રૂએ મૃતદેહને બિઝનેસ ક્લાસ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિંગના કહેવા પ્રમાણે, દરમિયાનમાં ચાલકદળે જોયું કે તેમની પાસેની સીટો ખાલી હતી.
"કૅબિન ક્રૂએ કહ્યું તમે થોડા આગળ વધી શકો છો. આ અંગે મેં એટલું જ કહ્યું – હા, કોઈ વાત નહીં. એ પછી તેમણે આ મહિલાના મૃતદેહને સીટ ઉપર રાખી દીધો. એ સીટ ઉપર હું બેઠો હતો."
દરમિયાન મિશેલનાં પત્ની કોલિન પાસેની એક સીટ પર બેસી ગયાં, પરંતુ રિંગને કોઈ બેઠક આપવામાં ન આવી.
રિંગના કહેવા પ્રમાણે, વિમાનમાં અનેક બેઠક ખાલી હતી, છતાં કૅબિન ક્રૂએ તેમને કોઈ વિકલ્પ ન આપ્યો.
ચાર કલાક પછી વિમાન લૅન્ડ થયું, ત્યારે તેમણે મુસાફરોને ત્યાં જ રોકાવા માટે કહ્યું, આ દરમિયાન મેડિકલ સ્ટાફ, પોલીસ તથા વિમાનના કર્મીઓ ત્યાં પહોંચ્યા.
'ડ્યૂટી ઑફ કેર'
દંપતીનું કહેવું છે કે આ પ્રકારના કિસ્સા માટે સ્ટાફ તથા વિમાનના મુસાફરો માટે 'ડ્યૂટી ઑફ કેર'ની જોગવાઈ હોવી જોઈએ.
તેમણે કહ્યું, "ઍરવેઝે અમારો સંપર્ક કરીને પૂછવું જોઈએ કે શું અમને કોઈ પણ પ્રકારની મદદ કે કાઉન્સેલિંગની જરૂર છે?"
કોલીને પણ આ અનુભવને દુખદ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે "એ બિચારી મહિલાના મૃત્યુ માટે ઍરલાઇન્સને જવાબદાર ન ઠેરવી શકાય અને અમે એ વાત સમજીએ છીએ, પરંતુ આ પ્રકારની ઘટનાઓને પગલે વિમાનમાં મુસાફરી કરી રહેલી સહયાત્રિકોની સંભાળ માટે પ્રોટોકૉલ હોવો જોઈએ."
કતાર ઍરવેઝે નિવેદન બહાર પાડીને વિમાનમાં મહિલાના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. કંપનીએ નિવેદન બહાર પાડીને કહ્યું :
"આ ઘટનાને કારણે મુસાફરોને થયેલી અસુવિધા અને પરેશાની માટે અમે માફી માગીએ છીએ. અમે અમારી નીતિઓ અને પ્રક્રિયાઓ મુજબ મુસાફરો સાથે સંપર્ક સાધવાની પ્રક્રિયામાં છીએ."
ક્વાન્ટાસના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "વિમાનમાં આ પ્રકારની ઘટનાઓને સંભાળવાનું કામ ઑપરેશન્સ હાથ ધરનાર ફ્લાઇટનું મૅનેજમૅન્ટ કરે છે. આ કિસ્સામાં આ જવાબદારી કતાર ઍરવેઝની હતી."
ફ્લાઇટ દરમિયાન મૃત્યુ અંગેના નિયમ કેવા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરનૅશનલ ઍ ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશન એટલે કે આઇટીએ દ્વારા ફ્લાઇટ દરમિયાન થતાં મૃત્યુઓ અંગે પ્રોટોકૉલ બનાવવામાં આવ્યો છે, જે મુજબ :
- મૃત્યુ થયેથી વિમાનના કૅપ્ટનને તત્કાળ જાણ કરવી, કારણ કે કંપનીના પ્રોટોકૉલ પ્રમાણે, તેણે ગંતવ્ય વિમાનમથકને આના વિશે જાણ કરવાની હોય છે.
- મૃતકને એવી બેઠક ઉપર લઈ જવા કે જ્યાં આજુબાજુમાં ઓછા મુસાફર હોય. જો આખું વિમાન ભરેલું હોય તો મૃતદેહને પરત તેની સીટ પર લઈ જવો. અથવા તો ચાલકદળ પોતાના વિવેક મુજબ વ્યક્તિને નિકાસમાર્ગ અવરોધિત ન થાય તે મુજબ અન્ય સ્થળે લઈ જવી જોઈએ. મૃતકની હરફર અંગે સાવધાની રાખવી.
- જો ઍરલાઇનની પાસે બૉડીબેગ ઉપલબ્ધ હોય તો મૃતદેહને તેમાં રાખવો અને બૉડીબેગને માત્ર ડોક સુધી જ ઝીપ કરવી.
- મૃતદેહને સીટબૅલ્ટ અથવા અન્ય કોઈ માધ્યમથી જકડી રાખવો.
- જો બૉડીબેગ ઉપલબ્ધ ન હોય તો તેની આંખો બંધ કરીને, મૃતદેહને ડોક સુધી કામળાથી ઢાંકી દો.
- ટ્રાવેલ કંપનીનો સંપર્ક સાધીને મુસાફર વિશે વિગત મેળવવી.
- લૅમ્ડિંગ બાદ પહેલાં અન્ય મુસાફરોને ઊતરવા દેવા અને કોઈ પરિવારજન મૃતદેહ સાથે રહે તે સુનિશ્ચિત કરવું. જ્યાર સુધી મૃતદેહનો કબજો કોઈ સ્થાનિક અધિકારી લઈ ન લે તથા ગ્રાઉન્ડ સ્ટાફ ઉપલબ્ધ ન બને, ત્યાર સુધી મૃતદેહને ફ્લાઇટમાંથી ઉતારવો નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













