ભારતનું શૅરમાર્કેટ તૂટવાનાં ચાર કારણો, બજારમાં ફરીથી તેજી ક્યારે આવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય શૅરબજારને કેટલાય દિવસોથી કોઈ રાહત નથી મળી અને શેરના ભાવ સતત ઘટતા જાય છે. મિડકેપ્સ અને સ્મોલકેપ શેરોની સાથે સાથે લાર્જકેપમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
ચાલુ સપ્તાહમાં 25 ફેબ્રુઆરીએ બજારમાં સામાન્ય રિકવરી આવી હતી, પરંતુ તે અગાઉ સળંગ પાંચ સેશન સુધી શૅરમાર્કેટમાં ઘટાડો થયો હતો.
ત્યાર પછી આજે 28 ફેબ્રુઆરીએ સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ એક તબક્કે 1400 પોઈન્ટથી વધારે ઘટ્યો હતો.
જાણકારોના કહેવા મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ નીતિઓની ભલામણ કરી તે ભારતીય માર્કેટને નડતરરૂપ સાબિત થાય તેમ છે.
ગોલ્ડમૅન સૅક્સના એક અહેવાલ પ્રમાણે ટેરિફ વૉરને કારણે ભારતના જીડીપીને પણ 0.1 ટકાથી 0.6 ટકા સુધી અસર થવાની શક્યતા છે.
ગોલ્ડમૅન સૅક્સ જણાવે છે કે ભારત બીજા દેશો મારફત અમેરિકામાં જે નિકાસ કરે છે તેને ટેરિફ વૉરની અસર થઈ શકે છે. અમેરિકાની જે ટેરિફ નીતિ છે તેમાં ભારતીય આયાત પર ટેરિફમાં 6.5 ટકાનો વધારો થઈ શકે છે. ટેરિફ વધશે તો ભારતને નિકાસ કરવામાં મુશ્કેલી નડશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત એ દુનિયામાં સૌથી વધુ ટેરિફ ધરાવતો દેશ છે. તેમણે ભારતને યુરોપિયન યુનિયન અને ચીનની સાથે મૂક્યું છે, જે અમેરિકન માલ પર ઊંચો ટેરિફ નાખે છે.
ભારતીય બજાર શા માટે ઘટતું જઈ રહ્યું છે એ જાણવા બીબીસી ગુજરાતીએ શૅરમાર્કેટના નિષ્ણાતો સાથે વાત કરી. તે મુજબ બજાર ઘટવા માટે ચાર કારણો જવાબદાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


એફપીઆઇ દ્વારા શૅરોનું સતત વેચાણ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય શૅરમાર્કેટમાં વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે કે એફપીઆઇ હાલમાં મોટા વેચાણકાર છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં એફપીઆઇએ લગભગ 37,000 કરોડ કરતાં વધારે કિંમતના ભારતીય શૅરો વેચી દીધા છે.
ઓક્ટોબર 2024થી અત્યાર સુધીમાં એફપીઆઇએ ત્રણ લાખ કરોડથી વધારે વૅલ્યૂના ભારતીય શૅરોનું વેચાણ કર્યું છે. હિંદુ બિઝનેસલાઇનના અહેવાલ પ્રમાણે 2025માં બે મહિનાથી ઓછા ગાળામાં એક લાખ કરોડનો આઉટફ્લો નોંધાયો છે.
એફપીઆઇના વેચાણ પાછળ પણ કારણો જવાબદાર છે. તાજેતરમાં ભારતીય શૅરોના ભાવ વધારે પડતા વધી ગયા હતા અને ગ્રોથની ગતિ પણ ધીમી પડી છે. કંપનીઓના ત્રિમાસિક પરિણામો એટલા પ્રોત્સાહક નથી.
આ ઉપરાંત રૂપિયો નબળો છે અને ડૉલર મજબૂત બનતો જઈ રહ્યો છે. તેના કારણે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો ભારતીય બજારમાંથી નાણાં બહાર કાઢીને અન્યત્રે રોકી રહ્યા છે.
અમદાવાદસ્થિત એક સ્ટૉક બ્રોકિંગ કંપનીના વડા ગુંજન ચોકસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) ભારતીય શૅરો વેચે છે, કારણ કે ભારતીય માર્કેટમાં તેમને એટલું બધું વળતર નથી મળ્યું."
તેઓ કહે છે કે, "શૅરબજાર વધતું હતું ત્યારે પણ ટેકનિકલી જોતા વિદેશી રોકાણકારોને ભારતીય શૅરમાર્કેટમાં ફાયદો નહોતો થતો. ભારતમાં રૂપિયાની વૅલ્યૂ ઘટવાથી ભારતમાં વાર્ષિક આઠ ટકા આસપાસ વળતર મળ્યું છે, જ્યારે અમેરિકાના સ્થાનિક બજારે 12 ટકા વળતર આપ્યું છે. તેથી તેઓ યુએસ માર્કેટમાં રોકાણ કરવાનું પસંદ કરે એ સ્વભાવિક છે."

અમેરિકામાં ફુગાવાની ચિંતા
અમેરિકાએ અલગ અલગ દેશો સામે ટેરિફ ઝીંકવાની શરૂઆત કરી છે, જેના કારણે અમેરિકામાં માલસામાન મોંઘો થઈ રહ્યો છે અને ફુગાવામાં વધારો થયો છે.
યુએસમાં ફુગાવો વધવાના અણસારના કારણે પણ ગયા સપ્તાહે બજાર ઘટ્યું છે. ધીમી આર્થિક વૃદ્ધિ અને ઊંચો ફુગાવો અર્થતંત્ર માટે ભારે નુકસાનકારક હોય છે.
રૉયટર્સના અહેવાલ પ્રમાણે અમેરિકાનો પીએમઆઇ આઉટપુટ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં 52.7 હતો તે ફેબ્રુઆરીમાં ઘટીને 50.4 થયો હતો. એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં વિસ્તરણ ઘટ્યું છે.
આ દરમિયાન અમેરિકામાં જાન્યુઆરીમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઇ ફુગાવો અડધો ટકો વધીને ત્રણ ટકા થયો હતો.
પ્રૂડેન્ટ કૉર્પોરેટ ઍડ્વાઇઝરીના સિનિયર એનાલિસ્ટ નિહાલ શાહે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "અમેરિકામાં વધતા ફુગાવાએ ચિંતા વધારી છે, કારણ કે ફુગાવાનો આંક ઊંચો આવે તો યુએસ ફેડ દ્વારા રેટ કટ કરવામાં નહીં આવે જેનાથી ગ્રોથને અસર થશે. સોમવારે નાસ્ડેક અને બીજા ઇન્ડેક્સ આ કારણથી જ ગગડ્યા હતા."
ટ્રેડ વૉર વિશે ગુંજન ચોકસીનું માનવું છે કે, "અમેરિકા લાંબા સમય સુધી આ વૉર નહીં ચલાવી શકે, કારણ કે તેનાથી અમેરિકામાં પણ ફુગાવો વધશે. શુક્રવારે બજારમાં આવેલા મોટા ઘટાડાનું આ જ કારણ હતું."

અમેરિકાના ગ્રાહકોમાં અર્થતંત્ર માટે ભરોસો ઘટ્યો
અમેરિકામાં તાજેતરમાં કન્ઝ્યુમર કૉન્ફિડન્સમાં ઘટાડો થયો છે જેના કારણે બજારને આંચકો લાગ્યો છે. ફેબ્રુઆરીમાં અમેરિકન ગ્રાહકોમાં કૉન્ફિડન્સનું પ્રમાણ 15 મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું.
ફુગાવામાં થયેલા વધારાના કારણે ગ્રાહકોમાં આત્મવિશ્વાસ ઘટ્યો છે. નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે પોતાની ખર્ચ કરવાની ક્ષમતાને અસર થશે તેવું અમેરિકનો માને છે.
યુનિવર્સિટી ઑફ મિશિગનના રિપોર્ટ મુજબ દરેક ઉંમર, આવક અને નાણાકીય ક્ષમતા ધરાવતા ગ્રાહકોમાં કૉન્ફિડન્સ ઘટ્યો છે. વધતા ટેરિફના કારણે ચીજોના ભાવ વધી રહ્યા હોવાથી લોકો ખરીદીમાં રસ ધરાવતા નથી.
ભારતીય શૅરબજારે પણ આ આંકડા પર રિએક્શન આપ્યું છે અને બજારમાં ઘટાડો થયો છે.
ગુંજન ચોકસીએ જણાવ્યું કે અત્યારે બજારમાં જે ઘટાડો થયો તે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પની પૉલિસી અને બીજાં ગ્લોબલ કારણોથી છે. અમેરિકાએ ટેરિફ વધારી તેના કારણે ચીન હવે યુરોપમાં પોતાનો માલ ડમ્પ કરવાનો પ્રયાસ કરશે. ચીન પહેલેથી વધુ પડતા ઉત્પાદનની સમસ્યા એટલે કે ઓવર પ્રોડક્શનનો સામનો કરે છે. આવામાં તેની નિકાસ પણ ઘટશે.

આર્થિક વૃદ્ધિદર ધીમો પડવાની ચિંતા
ભારતની ગણતરી સૌથી ઝડપી વિકાસ કરતા દેશોમાં થાય છે, પરંતુ તાજેતરના આંકડા એટલા બધા પ્રોત્સાહક નથી.
મૂડીઝ એનાલિટિક્સે જણાવ્યું છે કે 2025માં ભારતનો જીડીપી ગ્રોથ ધીમો પડીને 6.4 ટકા થઈ શકે છે.
ટેરિફ વૉરનું સંકટ ઊભું છે ત્યારે રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ જે વૃદ્ધિદરની આશા રાખી હતી તે કદાચ સાકાર નહીં થાય. ભારતની જેમ સાઉથ ઇસ્ટ એશિયાના અન્ય દેશોનો વૃદ્ધિદર પણ ઘટી શકે છે, જેઓ મુખ્યત્વે નિકાસ પર આધારિત છે.
ઓચિંતી તેજી આવવાની શક્યતા કેટલી? રોકાણકારોએ શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
શૅરબજાર આટલું ઘટ્યા પછી રોકાણકારો કોઈ તીવ્ર ઉછાળાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ નિષ્ણાતોના મતે આવી આશા રાખવી વધારે પડતી છે.
સ્ટૉક બ્રોકિંગ કંપનીના વડા ગુંજન ચોકસી જણાવે છે કે, "બજારમાં તમામ મહત્ત્વનાં પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ગયાં છે, તેથી સારી કંપનીઓના શૅર હાલમાં આકર્ષક ભાવે ઉપલબ્ધ છે, પરંતુ બજારમાં ઓચિંતો ઉછાળો આવે તેવી શક્યતા તેમને દેખાતી નથી."
ગુંજન ચોકસી પ્રમાણે તેમને હાલમાં વી-શૅપ્ડ રિકવરીની શક્યતા નથી દેખાતી. તેઓ કહે છે કે નિફ્ટી ઇન્ડેક્સ અહીંથી કદાચ 200 પૉઇન્ટ ઘટી શકે. નિફ્ટી માટે 22300થી 22500 સૉલિડ સપૉર્ટ લાગે છે.
તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "હાઇ નેટવર્થ રોકાણકારો અથવા અલ્ટ્રા-હાઇ નેટવર્થ રોકાણકારોમાં કોઈ મોટી ખરીદી જોવા નથી મળતી."
ત્રિમાસિક પરિણામોની આગામી સિઝન પછી પસંદગીના શૅરોમાં ખરીદી વધશે એવું તેઓ માને છે. ગુંજન ચોક્સી કહે છે કે ફાર્મા અને બૅંકિંગના શૅરોમાં સારી તક છે.
પ્રૂડેન્ટ કૉર્પોરેટ ઍડ્વાઇઝરીના સિનિયર ઍનાલિસ્ટ નિહાલ શાહ પણ માને છે કે બજારમાં તાત્કાલિક તીવ્ર ઉછાળાની કોઈ શક્યતા નથી.
તેઓ કહે છે, "નિફ્ટી 22500થી 23,000ની રેન્જમાં રહી શકે છે. હવે બજારની નજર આગામી રિઝલ્ટ સિઝન પર રહેશે. ડિમાન્ડમાં કોઈ રિકવરી આવી કે નહીં તેના પરથી બજારની દિશા નક્કી થશે."
નિહાલ શાહ કહે છે કે, બૅંકિંગ અને આઇટી સેક્ટરના સારી ક્વોલિટીના શૅર ખરીદી શકાય જ્યારે એફએમસીજી અને ઑટો સેક્ટરની કંપનીઓના શૅરને હમણાં ટાળવા જોઈએ.
અમેરિકાની ટેરિફ નીતિથી ભારતમાં ફાર્મા અને ઑટો ઇન્ડસ્ટ્રીને નુકસાન થઈ શકે છે. વિદેશી ઑટોમોબાઇલ પર અમેરિકા ટેરિફ વધારે તો ભારતમાં જર્મન કંપનીઓના જે પાર્ટ્સનું ઉત્પાદન થાય છે તેની નિકાસ કરવી મુશ્કેલ બનશે.
નિહાલ શાહે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "નિફ્ટી હવે વધારે નીચે જાય તેમ લાગતું નથી. પરંતુ મિડકૅપ અને સ્મૉલકૅપ શેરો વધારે ઘટી શકે છે."
(સ્પષ્ટતાઃ શૅરબજારમાં રોકાણમાં નાણાકીય નુકસાનનું જોખમ રહેલું છે. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે અને તેને નાણાકીય સલાહ ગણવી ન જોઈએ. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જાતે સંશોધન કરે અને રોકાણના કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે. બીબીસી ગુજરાતી આ માહિતીના આધારે થયેલા રોકાણથી થતા કોઈ પણ નાણાકીય નુકસાન માટે જવાબદાર નથી.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













