ગુજરાત પાસે આવેલા આ ગામના દલિતો કેમ કહે છે “અમારું તો કોઈ મંદિર જ નથી”

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા, સીહોર (મધ્યપ્રદેશ)થી

અમે સંજોગોવશાત્ ખેરી ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. અમે એની આસપાસ એક અહેવાલ માટે આવ્યા હતા.

જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે એક-બે ગામલોકોએ અમારી કાર હાથ બતાવીને રોકી. એમાંથી એક મદનલાલ પણ હતા. તેમણે કહ્યું, “અમારી વાત સાંભળી લો... અમારી મુશ્કેલી સાંભળો.”

ગાડીમાંથી ઊતરીને તેમની સાથે વાતચીત થવા લાગી. એ સમયે જ તેમની વસતિના અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા. બાદમાં અમે તેમની સાથે તેમની વસતિ તરફ ગયા. એ સીહોર જિલ્લાના ઇછાવરમાં આવે છે. ગામલોકો આગળ આગળ અને અમે તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા.

મદનલાલ કહે છે કે, “આ દલિત વસતિ છે, ખેરી ગામની.”

આ વસતિમાં લગભગ 150 ઘર છે. એક ગ્રામીણે અચાનક કહ્યું, “અમને મંદિરે નથી જવા દેતા. અમારા ઘરે પૂજારી પણ નથી આવતા. અમે ભગવાનનાં દર્શન બહારથી જ કરીને આવી જઈએ છીએ. અમારી સાથે શરૂઆતથી આવો જ ભેદભાવ થઈ રહ્યો છે. અમે તમને આ જ વાત કરવા માગતા હતા.”

ભેદભાવનું કારણ શું છે?

આ ગામ સીહોર જિલ્લા મુખ્યામથકથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે.

જેમ જેમ અમે વસતિની અંદરની બાજુએ જવા લાગ્યા, અમને મહિલાઓનો એક સમૂહ દેખાયો, જે ભજન ગાઈને પોતાના આરાધ્ય ઇષ્ટદેવને યાદ કરી રહ્યા હતા. કાચાં-પાકાં મકાનોની બહાર નાનાં નાનાં જૂથોમાં લોકો ભેગા થયા હતા.

તેમની વચ્ચે જ રેશમબાઈ પણ બેઠેલાં હતાં. આટલા લોકોને પોતાની તરફ આવતા જોઈને મહિલાઓએ ઘૂંઘટ લેવાનું શરૂ કરી દીધું. આ ગામની પરંપરા છે. તેઓ ગામના એવા લોકો જે તેમના સંબંધી કે પાડોશી હોય તેમનો જ ઘૂંઘટ લે છે.

વારાફરતી મહિલાઓ પોતાનાં મકાન બતાવે છે અને કહે છે કે ભેદભાવને કારણે જ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પટ્ટા પણ નથી ફાળવાતા.

અહીં રહેતાં એક લીલાબાઈ કહે છે કે તેમનાં ઘરોની એવી દુર્દશા થઈ ગઈ છે કે હવે ગામમાં તેમનાં સંતાનોનાં માંગાં આવવાનાં પણ બંધ થઈ ગયાં છે. તેમનો આરોપ છે કે તેમની વસતિના લોકો સાથે ડગલે ને પગલે ભેદભાવ કરાય છે.

દલિત વસતિના લોકોની ધાર્મિક આસ્થાનું પણ સમ્માન નથી

આ જ ગામનાં રેશમબાઈ કહે છે કે તેમણે વ્રત કર્યું હતું. વ્રત પૂર્ણ થાય એટલે તેમણે પૂજા કરવાની હતી. પરંતુ તેઓ કહે છે કે મંદિરના પૂજારીએ તેમના ઘરે પૂજા કરાવવા માટે આવવાની ના પાડી દીધી.

રેશમબાઈએ કહ્યું, “અમને ગામના એકમાત્ર રામમંદિરમાં નથી જવા દેવાતા. અમને મંદિરનાં પગથિયાં પણ ચઢવા નથી દેવાતાં. અંદર નથી જવા દેતા. જ્યારે અમારે ત્યાં લગ્નપ્રસંગે રિવાજ છે કે મંદિરમાં નારિયેળ લઈને જવાનું હોય છે.”

“મંદિરમાં પૂજા થાય ત્યારે અમે હળદર અને ચોખા બહાર જ નાખીને આવી જઈએ છીએ અને નારિયેળ ત્યાં બીજા છોકરાને આપે છે, જે એમની જ્ઞાતિનો હોય છે. એ અંદર જઈને નારિયેળ વધેરે છે અને અમે બહારથી જ હાથ જોડીને આવતા રહીએ છીએ.”

આ વસતિના લોકોનો આરોપ છે કે તેમણે આ મુદ્દો ઘણી વાર અન્ય સમાજના લોકો સમક્ષ પણ ઉઠાવ્યો છે. પંચાયત અને સરપંચને વાત કરી છે, પરંતુ હજુ સુધી એનો કોઈ ઉપાય નથી થતો.

તેમના દાવા પ્રમાણે ગામના સ્મશાનમાં પણ દલિતોના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે અલાયદી વ્યવસ્થા કરાઈ છે.

‘અમારું તો કોઈ મંદિર જ નથી...’

બલદેવસિંહ જાંગડા આ જ વસતિમાં પેદા થયા અને હવે તેમનાં બાળકો પણ મોટાં થઈ રહ્યાં છે. તેઓ કહે છે કે મોટા થયા ત્યારથી તેઓ આ ‘ભેદભાવ’નો સામનો કરી રહ્યા છે.

તેમના ઘરના ચબૂતરે બેસીને તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમારું તો કોઈ મંદિર નથી. ક્યારેય રહ્યું જ નથી. તેમનું (બીજા સમાજનું) જ મંદિર છે. ક્યારેક કામ પડે તો મંદિરે જઈએ છીએ, પરંતુ બહારથી જ દર્શન કરીને પરત ફરી જઈએ છીએ. અંદર જવાની તો મનાઈ છે. અમે અંદર જતા જ નથી. આ જાતિગત ભેદભાવ છે. અંદર નથી જવા દેતા.”

એક ઘટનાની ચર્ચા કરતા તેઓ કહે છે કે એક વખત તેમની વસતિની એક વ્યક્તિ મંદિરમાં ચાલી રહેલી કથા સાંભળવા માટે ત્યાં પહોંચી ગઈ હતી. તેઓ કહે છે કે, “એ પ્રસાદ લેવા ગયો હતો અને સીડી ચડીને અંદર જતો રહ્યો. તો તેને બીજા સમાજના એક ભાઈએ બહાર કાઢી દીધો. તેણે કહ્યું કે તમે અહીં અંદર ન આવો. બહારથી જ પ્રસાદ લઈ લેવાનો.”

આ વસતિની બહાર સડકની પાસે એક ‘હૅન્ડ પમ્પ’ છે, જ્યાંથી વસતિની મહિલાઓ પાણી ભરી રહ્યાં હતાં. વસતિના લોકો જમાવે છે કે પાણી માટે આ ‘હૅન્ડ પમ્પ’ જ એકમાત્ર આશરો છે, કારણ કે તેમનો આરોપ છે કે પાણીનાં જે ‘કનેક્શન’ ગામમાં આવ્યાં છે, તેનાથી તેમની વસતિને પાણી નથી મળતું.

‘સમાજ માટે અલગ મંદિર’

મદનલાલ જણાવે છે કે પાણીનું ‘કનેક્શન’ આપવાના નામે તેમની પાસેથી પૈસા પણ લેવાયા. પરંતુ તેમનો આરોપ છે કે ગામની પાણીની ટાંકીમાંથી તેમની વસતિને પાણી નથી મળતું. આવું ‘ભેદભાવના કારણે’ બને છે.

તેમનું કહેવું હતું કે, “ના પાણી મળે છે, ના જમીનનો પટ્ટો. ન મંદિરે જઈ શકીએ છીએ. ના પૂજાપાઠ માટે પૂજારી મળે છે. અમારા ઘરે તો પંડિતજી આવતા જ નથી. અમને એ લોકો અસ્પૃશ્ય ગણે છે. અમારી સાથે ભેદભાવ કરે છે. આ જાતિગત ભેદભાવ છે કે આ ચમાર છે, પેલો ધોબી છે, આ વાલ્મીકિ છે... આવો ભેદભાવ છે...”

આ માત્ર ખેરી ગામ પૂરતું જ સીમિત નથી.

ચાંદબઢના લોકો જણાવે છે કે સીહોર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દલિત પરિવારોએ પણ પોતાના રોજિંદા જીવનમાં ભેદભાવનો સામનો કરવો પડે છે.

ચાંદબઢ, સીહોર જિલ્લા મુખ્ય મથકની નજીકનો વિસ્તાર છે, જ્યાં દલિતોની સારી એવી વસતિ છે.

અહીંના લોકોનો આરોપ છે કે ભેદભાવના કારણે જ હવે તેમણે પોતાના સમાજ માટે અલગ મંદિર બનાવી લીધું છે, જેથી તેમને કોઈ મંદિરે જતા ન રોકે.

રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ

બસંતકુમાર માલવીય પોતાના સમાજમાં ઘણા સક્રિય છે. તેમણે જ દલિતોને મંદિર બનાવવા માટે જમીન આપી છે.

આખરે અલગ મંદિર બનાવવા સુધી વાત કેમ પહોંચી ગઈ? જ્યારે અમે આ પ્રશ્ન તેમને કર્યો તો તેમણે કહ્યું કે આવું એટલા માટે થયું કારણ કે તેમના સમાજના લોકોને મંદિર જવા નથી દેવાતા.

બસંતકુમાર માલવીય કહે છે કે, “મત મેળવવાના હોય ત્યારે તેઓ કહે છે કે આપણે તો ભાઈ-ભાઈ જ છીએ. એ સમયે તો નેતા અમારા ઘરે આવીને બેસી જશે. પરંતુ જ્યારે ચૂંટણી પતી જાય ત્યારે ગાળ દે છે, કહે છે કે દલિત છે, દૂર રહે. નીચે બેસ. ઉપર કેવી રીતે ચઢ્યો?”

‘વાંધો’ ઉઠાવાય છે

રતનલાલ આહિરવાલ ચાંદબઢના દલિતોના આ મંદિરની દેખભાળ કરે છે. તેમનો આરોપ છે કે તેમને આ મંદિરમાં નિર્માણ માટેનું ‘કોઈ નવું કામ’ નથી કરવા દેવાતું અને તેના પર ‘વાંધો’ ઉઠાવાય છે. તેઓ કહે છે કે ઘણાં વર્ષો બાદ પણ સરકારે તેમના મંદિરનો પટ્ટો નથી આપ્યો.

સીહોર જિલ્લા તંત્ર પર આરોપ છે કે તેઓ સમાજમાં સમાજમાં ભેદભાવની આ વાતને અવગણે છે. પરંતુ 19 માર્ચે કલેક્ટરેટ ખાતે પહોંચીને મુસ્કરા ગામનાં મહિલાઓએ જ્યારે ત્યાં હંગામો કર્યો તો ત્યાં અફરાતફરી મચી ગઈ.

આ મહિલાઓનો આરોપ હતો કે તેમને સાર્વજનિક નળથી પાણી નથી લેવા દેવાતું. આ ફરિયાદ તેમણે એક આવેદન તરીકે જિલ્લાધિકારીને સોંપી. આ આવેદનમાં તેમે પોતાની સાથે ભેદભાવ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો.

હંગામા બાદ જ્યારે સ્થાનિક પત્રકારો મુસ્કરા પહોંચ્યા તો ગામલોકોએ કહ્યું કે, “તેમના ગામના લોકોને સાર્વજનિક નળથી પાણી નથી લેવા દેવાતું.”

ત્યાં હાજર મુસ્કરા ગામનાં એક મહિલાએ કૅમેરા પર પોતાની ફરિયાદ કંઈક આ શબ્દોમાં મૂકી, “આ ગામમાં દલિતોનાં 60-70 ઘર છે... અમને બીજા સમાજના લોકો પાણી નથી ભરવા દેતા. તેઓ કહે છે કે પાણી ન હોય તો ગમે ત્યાંથી લેતા આવો અને હરિજન મોહલ્લાના લોકો સાથે કંઈ વધુ પ્રમાણમાં જ અસ્પૃશ્યો જેવો વ્યવહાર કરે છે.”

પરંતુ સીહોરના જિલ્લાધિકારી પ્રવીણસિંહ મુસ્કરા ગામની ઘટનાને ‘ભેદભાવ’ની ઘટના નથી માનતા. તેઓ કહે છે કે આરોપોની તપાસ કરાઈ રહી છે, પરંતુ આમાં ‘અસ્પૃશ્યતા જેવી કોઈ વાત નથી.’

જિલ્લાધિકારીનું કહેવું હતું કે મુસ્કરા ગામનાં ‘કેટલાંક મહિલાઓ’ કલેક્ટરેટ આવ્યાં હતાં અને તેમણે ‘જૉઇન્ટ કલેક્ટર’ને આવેદન આપ્યું હતું, જેમાં પાણીની સમસ્યાની વાત કરાઈ હતી.

તેઓ કહે છે કે, “અમે ગામમાં તપાસ કરાઈ. પાણીને લઈને કેટલાક મુદ્દા સામે આવ્યા. ગામમાં નવ બોર છે, જેમાંના સાતને હવે ઠીક કરી દેવાયા છે. સાત બોર કામ કરવા લાગ્યા છે. તેમાં દલિત અત્યાચાર, અસ્પૃશ્યતા જેવો કોઈ મામલો ત્યાં નથી મળ્યો.”

ખેરી અને ચાંદબઢની વાત કરતાં જિલ્લાધિકારીએ કહ્યું કે તેમને “આ અંગેની જાણકારી મીડિયા થકી મળી છે.”

તેમણે જણાવ્યું કે તેઓ આ બંને સ્થળોએ અધિકારીઓની ટીમ મોકલી રહ્યા છે. તેમનું કહેવું હતું કે, “ટીમ મોકલી રહ્યો છું. એ ટીમના તપાસ રિપોર્ટના નિષ્કર્ષ પ્રમાણે કાર્યવાહી કરાશે.”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કોશિશ

સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે પ્રમાણે હાલમાં જ નાગપુર ખાતે આયોજિત સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં આ મુદ્દે સઘન ચર્ચા થઈ.

બીબીસીના એક સવાલના જવાબમાં તેમણે નાગપુરમાં પત્રકાર સંમેલન દરમિયાન કહ્યું હતું કે સંઘ પોતાની સ્થાપનાના પ્રથમ દિવસથી જ હિંદુ સમાજની અંદર ફેલાયેલા ઊંચ-નીચ, અસ્પૃશ્યતા જેવી વાતોને લઈને ગંભીર છે અને સ્થિતિ સુધારવાની દિશામાં કામ કરી રહ્યો છે.

તેમણે કહ્યું, “હિંદુ સમાજમાં મંદિરમાં પ્રવેશ નથી મળતો. તળાવ કે કૂવામાંથી પાણી લેવામાં તકલીફ પડે છે. સ્મશાન અને મંદિરપ્રવેશ અંગે પણ એવી વાતો સામે આવે છે કે સમાજના એક વર્ગને ત્યાં પ્રવેશ નથી મળતો. દુર્ભાગ્યે આવું અમુક નાના વિસ્તારો એટલે કે ગામડાંમાં વધુ થાય છે. નગરીય ક્ષેત્રમાં આવું ઓછું થાય છે, લગભગ નહિવત્ પ્રમાણમાં. પરંતુ સત્ય તો એ છે કે દુર્ભાગ્યે આ પ્રથા આજે પણ છે. એને દૂર કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.”

ખેરી અને મુસ્કરા ગામ વિદિશા લોકસભા ક્ષેત્રમાં આવે છે, જેનું પ્રતિનિધિત્વ અટલ બિહારી વાજપેયી, સુષમા સ્વરાજ અને શિવરાજસિંહ ચૌહાણ કરી ચૂક્યાં છે.

સીહોર જિલ્લો મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની રાજકીય કર્મભૂમિ પણ છે. હવે સવાલ એ થાય છે કે આ ક્ષેત્ર સાથે મોટાં નામ જોડાયેલાં હોવા છતાં અહીં સમાજમાં ફેલાયેલી અસમાનતા હજુ સુધી કેમ દૂર નથી થઈ શકી.