You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આઈસીસીની ચૅમ્પિયન્સ ટ્રૉફી જ્યાં જવાની છે તે સ્થળો પૈકી મુઝફ્ફરાબાદનું નામ કેમ હઠાવાયું
શનિવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ખાતેથી આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીની ગ્લૉબલ ટૂર શરૂ થઈ ગઈ છે.
ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં આઠ દેશ ભાગ લઈ રહ્યા છે તથા આગામી દિવસો દરમિયાન આ વિજયપદક આઠ દેશોની સફર ખડેશે. જોકે, આ યાત્રા દરમિયાન ટ્રૉફીને મુઝફ્ફરાબાદ ખાતે લઈ નહીં જવાય.
અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે ટ્રૉફીને ટુર દરમિયાન જે-જે સ્થાનોએ લઈ જવામાં આવશે, તેમાં મુઝફ્ફરાબાદ પણ સામેલ છે.
મુઝફ્ફરાબાદ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ભાગરૂપ છે. તેના અંગે ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિવાદ પ્રવર્તે છે.
આઈસીસી દ્વારા મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પહેલાં ક્રિકેટનો પ્રસાર વધે તે માટે અલગ-અલગ શહેરોમાં ટ્રૉફી ફેરવવામાં આવે છે.
વર્ષ 2021માં વર્ષ 2025ની ચૅમ્પિયન્સ ટ્રૉફીના યજમાન તરીકે પાકિસ્તાનની પસંદગી થઈ હતી. ત્યારથી જ આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના ભાગ લેવા પર સવાલો છે.
ભારતીય ટીમ જશે કે નહીં, તેના વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ અને પાકિસ્તાની મીડિયામાં આના વિશે વિરોધાભાસી દાવો થઈ રહ્યા છે.
ટ્રૉફીને ક્યાં-ક્યાં ફેરવાશે?
ટ્રૉફીને પહેલાં દિવસે ઇસ્લામાબાદના મહત્ત્વપૂર્ણ સ્થાનોએ રાખવામાં આવી, જેથી કરીને ફૅન્સ તેને જોઈ શકે. જેમાં દમન-એ-કોહ, ફૈઝલ મસ્જિદ તથા અન્ય મહત્ત્વપૂર્ણ સ્મારકો પાસે રાખવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્થળોએ પાકિસ્તાન ક્રિકેટ ટીમના વર્તમાન તથા પૂર્વ સભ્યોએ હાજરી આપી હતી. ટ્રૉફીને અહીંથી કરાચી (22થી 25 નવેમ્બર), ઍબટાબાદ (તા. 18 નવેમ્બર), ખાનપુર તથા તક્ષશિલા (તા. 17 નવેમ્બર), મૂરી (તા. 19 નવેમ્બર) તથા નાથિયા ગલી (તા. 20 નવેમ્બર) જેવાં કેટલાંક સ્થળોએ ફેરવવામાં આવશે, એ પછી અન્ય દેશોમાં લઈ જવાશે.
આ ટ્રૉફીને ક્યારે અને ક્યાં લઈ જવામાં આવશે, તેના વિશે આઈસીસીએ યાદી બહાર પાડી છે. જેમાં મુઝફ્ફરાબાદનો સમાવેશ નથી થતો.
પીસીબીએ શું કહ્યું હતું?
તા. 14 નવેમ્બરની ઍક્સ પોસ્ટમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) કહ્યું હતું કે ટ્રૉફીને સુંદરસ્થાનોએ લઈ જવામા આવશે. પીસીબીએ કહ્યું હતું કે ટ્રૉફીને સ્કર્દૂ તથા હુન્ઝા ઘાટી (ગિલગિત-બાલ્ટિસ્તાન), મૂરી (રાવલપિંડી) અને મુઝફ્ફરાબાદ પણ લઈ જવાશે.
પીસીબીના કાર્યક્રમ અંગ ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડે (બીસીસીઆઈ) નારાજગી વ્યક્ત કરી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈના સચિવ જય શાહે શુક્રવારે આઈસીસીના (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી અ પીસીબીના નિર્ણયની ટીકા કરી હતી.
બીસીસીઆઈના સૂત્રને ટાંકતા પીટીઆઈ લખે છે, "એમણે (જય શાહે) ફોન ઉપર આઈસીસીના અધિકારીઓ સાથે વાત કરી અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનાં શહેરોમાં ટ્રૉફીને લઈ જવાના પીસીબીના નિર્ણયની ટીકા કરી હતી. સાથે જ તેમણે માગ કરી હતી કે આઈસીસી કડક કાર્યવાહી કરે."
બીસીસીઆઈના સચિવે કહ્યું હતું કે ઇસ્લામાબાદ સામે વાંધો નથી, પરંતુ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના કોઈ વિસ્તારમાં ટ્રૉફીને લઈ ન જઈ શકાય.
પીટીઆઈ અન્ય એક ન્યૂઝ રિપોર્ટમાં પીસીબીને લખતા નોંધે છે કે ટ્રૉફીને ફેરવવાના કાર્યક્રમ વિશે માત્ર પીસીબીએ જ નિર્ણય નહોતો લીધો, આઈસીસીને તેના વિશે જાણ હતી.
જોકે, આઈસીસીએ આના વિશે ઔપચારિક રીતે કશું કહ્યું નથી.
ટુર્નામેન્ટ અંગે ભારતની નારાજગી
પાકિસ્તાની મીડિયામાં ગત રવિવારે વ્યાપક રીતે ચર્ચા હતી કે ભારતે તેની ક્રિકેટ ટીમને ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાન મોકલવાનો ઇન્કાર કરી દીધો છે.
લગભગ એકાદ અઠવાડિયા પહેલા પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન નહીં મોકલવાના નિર્ણય અંગે આઈસીસીને જાણ કરી દીધી છે.
બીબીસીઆઈનું કહેવું છે કે આઈસીસીની જવાબદારી છે કે તે આ નિર્ણયથી યજમાન દેશને વાકેફ કરે.
તાજેતરમાં જ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ તથા કૉંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું હતું, "આના (ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ) વિશે અમે એકદમ સ્પષ્ટ છીએ. અમે સરકાર કહેશે તે મુજબ કરીશું. અમને જે મુજબ નિર્દેશ મળશે, તે રીતે કામ કરીશું. અમે આઈસીસીને પણ આ વાત જણાવી દીધી છે."
તા. આઠ નવેમ્બરના પીસીબીના ચૅરમૅન મોહસિન નકવીએ પ્રેસકૉન્ફરન્સ કરી હતી, જેમાં કહ્યું હતું, "ભારતીય મીડિયામાં બે મહિનાથી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય ક્રિકેટ ટીમ (પાકિસ્તાન) નહીં આવે."
"અમારું સ્પષ્ટપણે માનવું છે કે જો આવું કંઈ થવાનું હોય અથવા તો કોઈને કશો વાંધો હોય તો અમને લેખિતમાં આપવો જોઈએ."
ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે વર્ષ 2008માં પાકિસ્તાનની ધરતી ઉપર ક્રિકેટ મૅચ રમી હતી. નવેમ્બર-2008ના હુમલા બાદ ભારતે પાડોશી દેશ પાકિસ્તાનમાં ક્રિકેટ નહીં રમવાનું વલણ લીધું છે.
વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ પાકિસ્તાન ગઈ હતી, ત્યારે તેની ઉપર ઉગ્રવાદી હુમલો થયો હતો, એ પછી પાકિસ્તાનમાં સુરક્ષા અંગે ચિંતાઓ પ્રવર્તી રહી છે.
ચૅમ્પિયન્સ ટ્રૉફી શરૂ થવાને આડે 100 દિવસ કરતાં પણ ઓછો સમય રહ્યો છે. છતાં તમામ મૅચ પાકિસ્તાનમાં યોજાશે કે નહીં, તેના વિશે સ્પષ્ટતા નથી.
બીસીસીઆઈએ સુરક્ષા કારણોને આગળ ધરીને ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ મોકલવાનો ઇન્કાર કરી દીધો છે. બીસીસીઆઈના ઇન્કાર પછી એવી અટકળો વહેતી થઈ છે કે આ વખતે ચૅમ્પિયન્સ ટ્રૉફી હાઈબ્રીડ મોડમાં યોજાશે.
મતલબ કે અમુક મૅચ પાકિસ્તાનમાં રમાય અને કેટલીક મૅચ બહાર યોજાય. પીસીબીનું કહેવું છે કે તમામ મૅચો પાકિસ્તાનમાં જ રમાવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ 2017માં લંડન ખાતે ચૅમ્પિયન્સ ટ્રૉફી યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. તેણે ભારતને 180 રને હરાવ્યું હતું.
ટ્રૉફી ટૂરનો કાર્યક્રમ
યજમાન પાકિસ્તાન બાદ તા. 26થી 28 નવેમ્બર દરમિયાન અફઘાનિસ્તાનમાં રહેશે.
ટ્રૉફી અહીંથી બાંગ્લાદેશ (તા. 10થી 13 ડિસેમ્બર), દક્ષિણ આફ્રિકા (તા. 15થી 22 ડિસેમ્બર), ઑસ્ટ્રેલિયા (તા. 25 ડિસેમ્બરથી તા. 5 જાન્યુઆરી), ન્યૂઝીલૅન્ડ (તા. છથી 11 જાન્યુઆરી, 2025) અને ઇંગ્લૅન્ડનો (તા. 12થી 14 જાન્યુઆરી) પ્રવાસ ખેડશે.
તા. 27 ડિસેમ્બરે પાકિસ્તાન જતા પહેલાં ટ્રૉફી ભારત આવશે. આ તેનો છેલ્લો પડાવ હશે અ તા. 15 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી ટ્રૉફી ભારતમાં રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન