You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' એ પાંચ જ દિવસમાં આટલી કમાણી કરીને બનાવ્યો રેકર્ડ
શાહરુખ ખાનની 'પઠાન' ફિલ્મે સતત પાંચમા દિવસે એક મોટો રેકર્ડ બનાવ્યો છે.
યશરાજ ફિલ્મ અનુસાર, 'પઠાન' એ પાંચ દિવસમાં દુનિયાભરમાં 543 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મે ભારતમાં લગભગ 335 કરોડ રૂપિયા અને ભારત બહાર 208 કરોડ રૂપિયા કમાયા છે.
યશરાજ ફિલ્મનો દાવો છે કે, હિન્દી સિનેમાના ઇતિહાસમાં 'પઠાન' એ સૌથી ઝડપથી આટલી મોટી કમાણી કરનારી ફિલ્મ બની છે.
શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને રિલીઝ થયાના દિવસથી જ આ ફિલ્મ દરરોજ કમાણીનો નવો રેકૉર્ડ બનાવી રહી છે.
'પઠાન' ફિલ્મથી શાહરુખ ખાને ચાર વર્ષ બાદ ફિલ્મી પડદા પર વાપસી કરી છે. ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ પણ છે.
'પઠાન' એ અત્યાર સુધી કેટલો રેકર્ડ બનાવ્યો?
'પઠાન' એ ભારતમાં પ્રથમ દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
જાણીતા ફિલ્મ ટ્રૅડ સમીક્ષક કોમલ નાહટાએ ટ્વીટ કર્યું છે કે, “આ કોઈ પણ હિન્દી ફિલ્મનું સૌથી મોટું ઓપનિંગ છે. એ પણ ત્યારે જ્યારે કોઈ હૉલીડે ન હતો અને ફિલ્મ સિક્વલ ન હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રથમ દિવસે 'પઠાન' ફિલ્મે દુનિયાભરના સિનેમાઘરોમાંથી કુલ 106 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બીજા દિવસે ભારતમાં 'પઠાન'ની કમાણી રૂ. 82 કરોડની રહી હતી. હિન્દી વર્ઝનમાં આ કમાણી લગભગ 68 કરોડ રૂપિયાની હતી. બીજા દિવસે 'પઠાન'ની કુલ કમાણી લગભગ 113 કરોડ રૂપિયા રહી હતી.
યશરાજ ફિલ્મ્સ અનુસાર, 'પઠાન' એક જ એવી ફિલ્મ છે જેણે બે દિવસમાં દુનિયાભરમાં 100 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
'પઠાન' ની ત્રીજા દિવસની કુલ કમાણી 313 કરોડથી વધુ રહી હતી. ફિલ્મે ત્રીજા દિવસ સુધીમાં ભારતમાં 201 કરોડ અને વિદેશમાં 112 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
યશરાજ ફિલ્મ અનુસાર, શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' ચાર દિવસમાં સમગ્ર દુનિયામાં લગભગ 429 કરોડ રૂપિયા કમાઈ ચૂકી હતી, ભારતમાં આ કમાણી 265 કરોડ અને ભારત બહાર ચોથા દિવસ સુધીની કમાણી 164 કરોડ રૂપિયા હતી.
'પઠાન' ફિલ્મના નિર્માતાઓનો દાવો છે કે, 'પઠાન' દુનિયામાં આટલા ઝડપથી 400 કરોડ રૂપિયા કમાનારી એકમાત્ર હિન્દી ફિલ્મ છે.
આ બધા ઉપરાંત પઠાન ફિલ્મના કારણે ઘણા સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં પણ રોનક પાછી આવી ગઈ છે. શાહરુખ ખાને આવા ઘણા સિનેમાઘરોની યાદી ટ્વિટર પર શેર કરી હતી. કોરોનાકાળ પછી સિનેમાઘરો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સમય સારો ન હતો.
આવી સ્થિતિમાં જ્યારે પઠાને કરોડો રૂપિયાની કમાણી શરૂ કરી, ત્યારે શાહરુખ ખાનના ચાહકો ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પઠાન ફિલ્મનો જ કમાલ હતો કે 33 વર્ષ પછી શ્રીનગરના સિનેમાહૉલ બહાર હાઉસફૂલનું બોર્ડ લગાવવામાં આવ્યું. 1990માં કાશ્મીરના અશાંત થયા પછી આવું પહેલીવાર બન્યું હતું.
રિલીઝ થતાં પહેલાં જ ચર્ચામાં રહી હતી પઠાન ફિલ્મ
પઠાન કદાચ એ પસંદગીની ફિલ્મોમાંની એક છે, જે જાહેરાત બાદથી જ ચર્ચામાં રહી હતી.
સોશિયલ મીડિયા પર એક વર્ગ પઠાન ફિલ્મના બહિષ્કારની માગ કરી રહ્યો હતો, જ્યારે ફિલ્મનું પ્રથમ ગીત બેશર્મ રંગ રિલીઝ થયું હતું, ત્યારે આ માગ તીવ્ર બની ગઈ હતી. ફિલ્મના ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલાં કપડાંને લઈને વિવાદ થયો હતો.
કેટલાક જૂથોએ આરોપ લગાવ્યો હતો કે ભગવા કપડાં પહેરાવીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.
જોકે, આ વિરોધનો ફાયદો ફિલ્મના ગીતને મળેલા વ્યૂઝ પર પણ થયો છે. થોડા જ કલાકોમાં ગીત જોનારા લોકોની સંખ્યા વધી ગઈ હતી.
પઠાન ફિલ્મ માટે સિનેમાઘરોમાં ભલે ભીડ થઈ રહી હોય, પરંતુ ફિલ્મની કહાણી અને સ્પેશિયલ ઇફેક્ટ્સને લઈને પઠાનની ટીકા પણ થઈ રહી છે.
કેટલાક ફિલ્મ જોનારાઓનું કહેવું છે કે, પઠાનની કહાણીમાં કંઈ નવું નથી અને આમાં જૂની ફિલ્મોની કહાણીને જ નવી રીતે રજૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પઠાનની સ્પેશિયલ ઇફેક્ટનો પણ મજાક ઉડાવવામાં આવ્યો છે.
જોકે, આ ટીકા સિવાય પણ એવા વીડિયો છે, જેમાં પઠાન ફિલ્મ જોતી વખતે લોકો ખુશીથી નાચતા જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં થોડી ક્ષણો માટે સલમાન ખાન પણ જોવા મળે છે. દર્શકો આ બંનેની ઓન-સ્ક્રીન જોડીને પસંદ કરી રહ્યા છે.