મુકેશ અંબાણી અને ઇલોન મસ્ક કેમ આમને સામને આવી ગયા, સેટેલાઇટ ઇન્ટરનેટ શું છે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના સૅટેલાઇટ બ્રૉડબૅન્ડ માર્કેટમાં મુકાબલાની તૈયારી કરી રહેલા વિશ્વના બે ધનાઢ્ય ઉદ્યોગપતિઓ ઇલોન મસ્ક અને મુકેશ અંબાણી વચ્ચેની સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે.

ભારત સરકારે ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે બ્રૉડબૅન્ડ માટેનું સૅટેલાઇટ સ્પેક્ટ્રમ હરાજી દ્વારા નહીં, પરંતુ વહીવટી રીતે ફાળવવામાં આવશે. આ જાહેરાતને પગલે ગરમાટો વધ્યો છે.

મુકેશ અંબાણી હરાજીના મોડલની તરફેણમાં છે અને ઇલોન મસ્કે અગાઉ તેની ટીકા કરી હતી.

સૅટેલાઇટ બ્રૉડબૅન્ડ કવરેજમાં ગમે ત્યાં ઇન્ટરનેટ ઍક્સેસ મેળવી શકાય છે.

ડેટા ટ્રાન્સમિટ કરવા માટે ટેલિફોન લાઇનનો ઉપયોગ કરતી ડીએસએલ જેવી પરંપરાગત સેવાઓ અથવા કેબલ ઉપલબ્ધ નથી તેવા દૂરસ્થ અને ગ્રામ્ય વિસ્તારોમાં સૅટેલાઇટ બ્રૉડબૅન્ડ ભરોસાપાત્ર વિકલ્પ છે. તે રહિતો અને સહિતો વચ્ચેની ડિજિટલ ખાઈને પૂરવામાં પણ મદદરૂપ છે.

ભારતીય ટેલિકૉમ નિયમનકર્તાએ હજુ સુધી સ્પેક્ટ્રમની કિંમત જાહેર કરી નથી અને કૉમર્સિયલ સૅટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ થવાની બાકી છે.

જોકે, ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAના જણાવ્યા મુજબ, ભારતમાં સૅટેલાઇટ ઇન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 2025 સુધીમાં 20 લાખની થવાનો અંદાજ છે.

આ માર્કેટમાં જોરદાર સ્પર્ધા છે અને મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓની આગેવાની હેઠળ લગભગ અડધો ડઝન ખેલાડીઓ મેદાનમાં છે.

મસ્કને ટક્કર આપી શકશે અંબાણી?

ટેલિકૉમ ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવા માટે એરવેવ ઑક્શનમાં અબજોનું રોકાણ કર્યા પછી જિઓએ હવે લક્ઝમબર્ગ સ્થિત અગ્રણી સૅટેલાઇટ ઑપરેટર એસઈએસ અસ્ટ્રા સાથે ભાગીદારી કરી છે.

ઇલોન મસ્કની સ્ટારલિંક કંપની ઝડપી સેવા માટે પૃથ્વીની સપાટીથી 160 અને 1,000 કિલોમીટરની વચ્ચે સ્થિત લો-અર્થ ઑર્બિટ (એલઈઓ) ઉપગ્રહોનો ઉપયોગ કરે છે, જ્યારે એસઈએસ વધુ ઊંચાઈ પરના મીડિયમ-અર્થ ઑર્બિટ સૅટેલાઇટ (એમઈઓ)નો ઉપયોગ કરે છે, જે ખર્ચની દૃષ્ટિએ વધુ અસરકારક સિસ્ટમ છે.

જમીન પરના રિસિવર્સ સૅટેલાઇટ સિગ્નલ્સ પ્રાપ્ત કરે છે અને તેને ઇન્ટરનેટ ડેટામાં પ્રોસેસ કરે છે.

સ્ટારલિંક પાસે ભ્રમણકક્ષામાં 6,419 સૅટેલાઇટ્સ અને 100 દેશોમાં 40 લાખ ગ્રાહકો છે. ઇલોન મસ્ક 2021થી ભારતમાં સેવા શરૂ કરવા પ્રયાસરત છે, પરંતુ નિયમનકારી અવરોધોને કારણે તેમાં વિલંબ થયો છે.

જો તેમની કંપની આ વખતે ભારતમાં પ્રવેશ કરશે તો વિદેશી રોકાણ આકર્ષવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને વેગ મળશે, એવું ઘણા લોકો કહે છે.

તેનાથી નરેન્દ્ર મોદી સરકાર ઉદ્યોગતરફી હોવાની છાપ ચમકાવવામાં મદદ મળશે અને તેમની નીતિઓ અંબાણી જેવા ટોચના ભારતીય ઉદ્યોગપતિઓની તરફેણ કરતી હોવાના દાવાને ખોટા સાબિત કરશે.

હરાજી મામલે તનાતની

ઑક્શન એટલે કે હરાજી સરકાર માટે ભૂતકાળમાં આકર્ષક સાબિત થઈ હોવા છતાં ભારત સરકારે આ વખતે સૅટેલાઇટટ સ્પેક્ટ્રમ વહીવટી રીતે ફાળવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે અને દાવો કર્યો છે કે તે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસારનો છે.

કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચના ટેકનૉલૉજી વિશ્લેષક ગેરેથ ઓવેનના જણાવ્યા મુજબ, સૅટેલાઇટ સ્પેક્ટ્રમ સામાન્ય રીતે ઑક્શન દ્વારા ફાળવવામાં આવતું નથી, કારણ કે તેમાં સામેલ ખર્ચ નાણાકીય ગણતરી કે બિઝનેસમાં રોકાણને અસર કરી શકે છે. તેનાથી વિપરીત, વહીવટી ફાળવણી એ સુનિશ્ચિત કરશે કે સ્પેક્ટ્રમની વહેંચણી “લાયકાત ધરાવતા” ખેલાડીઓ વચ્ચે યોગ્ય રીતે થાય. આ રીતે સ્ટારલિંકને સ્પર્ધામાં પ્રવેશવાની તક મળશે.

જોકે, મુકેશ અંબાણીની રિલાયન્સના કહેવા મુજબ, સૅટેલાઇટ બ્રૉડબૅન્ડ સર્વિસ લોકોને સીધી કઈ રીતે ઑફર કરી શકાય એ માટે ભારતમાં સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ ન હોવાથી નિષ્પક્ષ સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે હરાજી જરૂરી છે.

ઑક્ટોબરમાં રિલાયન્સે ટેલિકૉમ નિયમનકર્તાને લખેલો એક પત્ર બીબીસીએ વાંચ્યો છે. એ પત્રમાં રિલાયન્સે 'સૅટેલાઇટ આધારિત અને ટેરેસ્ટ્રિયલ ઍક્સેસ સર્વિસને સમાન તક' આપવાની વિનંતી વારંવાર કરી હતી.

રિલાયન્સે એમ પણ જણાવ્યું હતું કે "સૅટેલાઇટ ટેકનૉલૉજીમાં તાજેતરમાં થયેલી પ્રગતિને લીધે સૅટેલાઇટ અને ટેરેસ્ટ્રિયલ નેટવર્ક્સ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે" અને "સૅટેલાઇટ આધારિત સેવાઓ હવે ટેરેસ્ટ્રિયલ નેટવર્ક્સ દ્વારા આવરી ન શકાયા હોય તેવા વિસ્તારો પૂરતી મર્યાદિત નથી."

એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સ્પેક્ટ્રમની ફાળવણી ભારતીય ટેલિકૉમ કાયદા મારફત હરાજી દ્વારા કરવામાં આવે છે, જ્યારે વહીવટી ફાળવણી "જાહેર હિત, સરકારી કાર્યો અથવા ટેક્નિકલ કે આર્થિક કારણોસર હરાજી રોકવાના" મામલાઓમાં જ કરવામાં આવે છે.

ઑક્શનની તરફેણમાં કેટલા વ્યવસાયી?

ઇલોન મસ્કે ઍક્સ પર જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમને "ઇન્ટરનેશનલ ટેલિકૉમ યુનિયન (આઈટીયુ) દ્વારા લાંબા સમય પહેલાં સૅટેલાઇટ માટેનું શેર્ડ સ્પેક્ટ્રમ" જાહેર કરવામાં આવ્યું હતું.

આઈટીયુ સંયુક્ત રાષ્ટ્રસંઘની ડિજિટલ ટેકનૉલૉજી માટેની એજન્સી છે, જે વૈશ્વિક નિયમો નક્કી કરે છે. ભારત આઈટીયુનું સભ્ય અને સહીકર્તા છે.

બીજી તરફ રૉઇટર્સ ન્યૂઝ એજન્સીએ એવો અહેવાલ આપ્યો હતો કે મુકેશ અંબાણી સરકારને તેના વલણ બાબતે પુનર્વિચાર કરવા સમજાવી રહ્યા છે. તેનો પ્રતિભાવ ઍક્સ પરની પોસ્ટ દ્વારા આપતાં ઇલોન મસ્કે લખ્યું હતું, "હું (શ્રી અંબાણીને) ફોન કરીશ અને પૂછીશ કે ભારતીય લોકોને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા માટે સ્પર્ધામાં ઊતરવાની પરવાનગી સ્ટારલિંકને આપવામાં બહુ મોટી મુશ્કેલી નહીં થાય?"

ગેરેથ ઓવેન સૂચવે છે કે વહીવટી કિંમત નિર્ધારણ પદ્ધતિ સામેનો મુકેશ અંબાણીનો વિરોધ કદાચ વ્યૂહાત્મક લાભના સંદર્ભમાં હોઈ શકે. સ્ટારલિંકને ભારતીય માર્કેટમાંથી બાકાત રાખવા માટે હરાજીનો ઉપયોગ કરીને "મસ્કને પાછળ છોડવાની તૈયારી" કદાચ તેમણે કરી હશે.

જોકે, ઑક્શન રૂટની તરફેણ કરતા હોય તેવા એકમાત્ર મુકેશ અંબાણી નથી.

ભારતી એરટેલના ચેરમેન સુનિલ મિત્તલે કહ્યું છે કે શહેરી, ઉચ્ચ કક્ષાના ગ્રાહકોને સેવા આપવા ઈચ્છતી કંપનીઓએ “ટેલિકોમ લાયસન્સ લેવું જોઈએ અને અન્ય કંપનીઓની જેમ સ્પેક્ટ્રમ ખરીદવું જોઈએ.”

સુનિલ મિત્તલની કંપની ભારતની બીજા નંબરની સૌથી મોટી ટેલિકૉમ કંપની છે અને મુકેશ અંબાણી તથા સુનિલ મિત્તલ બંનેની કંપનીઓનું ભારતીય ટેલિકૉમ માર્કેટમાં 80 ટકા નિયંત્રણ છે.

ટેલિકમ્યુનિકેશન નિષ્ણાત મહેશ ઉપ્પલ કહે છે, આ પ્રકારનો પ્રતિકાર "આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે લાંબા ગાળાનું જોખમ ગણવામાં આવતા ખર્ચમાં વધારો કરવાના હેતુસરનું રક્ષણાત્મક પગલું છે."

"સ્પર્ધા તત્કાળ ન હોવા છતાં સૅટેલાઇટ ટેકનૉલૉજી ઝડપભેર આગળ વધી રહી છે. ભારતમાં મોટો ટેલેસ્ટ્રિયલ બિઝનેસ ધરાવતી ટેલિકોમ કંપનીઓને ભય છે કે સૅટેલાઇટ ટૂંક સમયમાં વધુ સ્પર્ધાત્મક બની જશે અને તેમના વર્ચસ્વ સામે પડકાર સર્જાશે."

આ બધામાં દાવ પર વિશાળ ભારતીય માર્કેટની ક્ષમતા છે. એક કન્સલ્ટિંગ કંપની ઈવાય-પાર્થેનોનના જણાવ્યા મુજબ, ભારતના 1.4 અબજ લોકો પૈકીના લગભગ 40 ટકા પાસે હજુ પણ ઇન્ટરનેટની સુવિધા નથી. તેમાંથી મોટો હિસ્સો ગ્રામ્ય ભારતનો છે.

વૈશ્વિક ઑનલાઇન ટ્રેન્ડ્ઝને ટ્રેક કરતા ડેટારિપોર્ટલના જણાવ્યા મુજબ, ચીનમાં લગભગ 1.09 અબજ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, જે ભારતના 75.1 કરોડ વપરાશકર્તાઓ કરતાં લગભગ 34 કરોડ વધારે છે.

વૈશ્વિક 66.2 ટકાની સરખામણીએ ભારતમાં ઇન્ટરનેટ અડૉપ્શન દર હજુ પણ પાછળ છે, પરંતુ તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે તે અંતર ઝડપભેર ઘટી રહ્યું છે.

શું મુશ્કેલીઓ આવી શકે છે?

યોગ્ય કિંમતે ઓફર કરવામાં આવે તો સૅટેલાઇટ બ્રૉડબૅન્ડ આ અંતરને કેટલીક હદે ઘટાડી શકે છે અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં પણ મદદ કરી શકે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એક એવું નેટવર્ક છે, જે રોજિંદી વસ્તુઓને ઇન્ટરનેટ સાથે જોડે છે, તેમને એકમેકના સંપર્કમાં મદદ કરે છે.

ભારતમાં કિંમત નિર્ણાયક બાબત હશે. નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ, ભારતમાં મોબાઈલ ડેટા વિશ્વમાં સૌથી સસ્તો છે.

ટેકનૉલૉજી વિશ્લેષક પ્રશાંતો કે રોય કહે છે, “ભારતીય ઓપરેટર્સ માટે કિંમતનું યુદ્ધ અનિવાર્ય છે. ઇલોન મસ્ક પાસે ચિક્કાર પૈસા છે. સ્થાનિક માર્કેટમાં પગ જમાવવા માટે તેઓ કેટલાક વિસ્તારોમાં એક વર્ષ સુધી મફત સેવા શા માટે ન આપી શકે તેનું કોઈ કારણ નથી.”

સ્ટારલિંક કેન્યા અને સાઉથ આફ્રિકામાં ભાવમાં ઘટાડો કરી ચૂકી છે.

તેમ છતાં એ આસાન નહીં હોય. ઈવાય-પાર્થેનોને 2023ના એક રિપોર્ટમાં નોંધ્યું હતું કે સ્ટારલિંકની કિંમત મોટાભાગના ભારતીય બ્રૉડબૅન્ડ પ્રદાતાઓ કરતાં લગભગ 10 ગણી વધારે છે અને એટલી ઊંચી કિંમતે સરકારી સબસિડી વિના સ્પર્ધા કરવાનું સ્ટારલિંક માટે મુશ્કેલ બનાવી શકે છે.

સ્ટારલિંક એલઈઓ સૅટેલાઇટ્સનો ઉપયોગ કરે છે. એમઈઓ સૅટેલાઇટ્સની સરખામણીએ વધારે વૈશ્વિક કવરેજ પ્રદાન કરવા માટે બહુ બધા એલઈઓ સૅટેલાઇટ્સ જરૂરી છે. તેનાથી લોન્ચિંગ અને જાળવણી ખર્ચમાં વધારો થઈ શકે છે.

ભારતીય ઑપરેટર્સને કેટલાક ભય નિરાધાર હોય તે શક્ય છે.

ગેરેથ ઓવેન કહે છે, “ટેરેસ્ટ્રિયલ વિકલ્પ હશે ત્યાં સુધી બિઝનેસીસ ક્યારેય સૅટેલાઇટ્સ પર સંપૂર્ણપણે નિર્ભર થશે નહીં. ઓછી વસ્તીવાળા પ્રદેશને બાદ કરતાં ટેરેસ્ટ્રિયલ નેટવર્ક સૅટેલાઇટ્સ કરતાં કાયમ ઓછું ખર્ચાળ હશે.”

ઇલોન મસ્કને વહેલા પ્રવેશવાનો ફાયદો થઈ શકે છે, પરંતુ “સૅટેલાઇટ માર્કેટ બહુ ધીમી ગતિએ વિકસતું હોય છે.”

ઇન્ટરનેટ ઓફ સ્પેસના મામલે વિશ્વની બે સૌથી ધનિક વ્યક્તિઓ વચ્ચેની લડાઈ હવે ખરા અર્થમાં શરૂ થઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.