You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વીટ બૉબી : 'જે વ્યક્તિને હું 9 વર્ષથી પ્રેમ કરતી હતી તે મારી પિતરાઈ બહેન નીકળી'
- લેેખક, અંબેર સંધુ, મનીશ પાંડે
- પદ, બીબીસી એશિયન નેટવર્ક ન્યૂઝ
આ બધાની શરૂઆત એક ફ્રૅન્ડ રિક્વેસ્ટથી થઈ હતી. બૉબી નામના એક હૅન્ડસમ કાર્ડિયોલૉજિસ્ટે 2009માં સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કર્યો ત્યારે કિરાત અસ્સીએ વિચાર્યું હતું કે તેને લૉટરી લાગી છે.
બૉબી સાવ અજાણ્યા ન હતા. બૉબી અને કિરાત બન્ને લંડનના ભારતીય સમુદાયમાંથી આવતાં હતાં અને બંનેમિત્રો હતાં.
તેથી કિરાત સહમત થયાં હતાં. તેમની વચ્ચેની ઑનલાઈન ચૅટિંગ ગંભીર વાર્તાલાપમાં પરિવર્તિત થઈ હતી અને આખરે તે સંપૂર્ણ લવસ્ટોરી બની ગઈ હતી.
બન્ને એકમેકના જીવનમાં વધુને વધુ નજીક આવ્યાં હતાં, પરંતુ તેઓ વર્ષો સુધી એકમેકની સાથે વાતો કરતાં રહ્યાં હોવા છતાં ક્યારેય મળ્યાં ન હતાં.
બૉબીએ વધુને વધુ ચિત્રવિચિત્ર બહાનાં કર્યા હતા. જેવા કે, તેને હાર્ટઍટેક આવ્યો હતો, કોઈએ તેના પર ગોળીબાર કર્યો હતો અને તેઓ એક સાક્ષીઓની સુરક્ષા મામલેના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.
જોકે, બૉબીની આવી કહાણીઓને તેની નજીકની વ્યક્તિએ સમર્થન આપ્યું એટલે કિરાતે તેને સાચી માની લીધી હતી.
વાસ્તવમાં કિરાત અત્યંત ચાલાકીપૂર્વક કરવામાં આવેલી આઘાતજનક નકલી ઓળખના માધ્યમથી થયેલા ઑનલાઇન વિશ્વાસઘાતનો ભોગ બન્યાં હતાં.
નવ વર્ષ પછી બૉબીનાં બહાનાઓ ખૂટી પડ્યાં ત્યારે કિરાત અને બૉબી એકમેકને રૂબરૂ મળ્યાં, પરંતુ કિરાત તેની સામેની વ્યક્તિને ઓળખી શક્યાં ન હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિરાતને જે વ્યક્તિ મૅસેજ મોકલતી હતી એ વાસ્તવમાં તેની પિતરાઈ બહેન સિમરન હતી. સિમરને જ આ ખેલ પાડ્યો હતો.
ભૂતકાળ પર નજર કરતાં કિરાતને આશ્ચર્ય થાય છે કે “હું આટલી બધી મૂર્ખ કેવી રીતે બની ગઈ?”
કિરાતની દમદાર કહાણી પૉડકાસ્ટ ક્રિએટર ટૉર્ટોઈઝ માટે 2021માં સુપરહીટ સાબિત થઈ હતી. તમે તેને BBC Sounds પર અંગ્રેજીમાં સાંભળી શકો છો.
હવે ત્રણ વર્ષ પછી નૅટફ્લિક્સે એક ડૉક્યુમેન્ટરી રીલિઝ કરી છે, જેમાં કિરાતે પોતાનો અનુભવ જણાવ્યો છે.
કિરાત જણાવે છે કે તેની સાથે જે થયું તે કહેવાથી અન્ય લોકો પણ એવો જ સવાલ કરે છે કે “આવી વાત કોઈ કેવી રીતે માની શકે?”
તે કેટલાક લોકો દ્વારા ઑનલાઇન દુરુપયોગ માટેનો સંકેત પણ આપે છે.
કિરાત બીબીસી એશિયન નેટવર્ક ન્યૂઝને કહે છે, “જે લોકો મને હજુ પણ મૂર્ખ માને છે તેમને એવું માનવા દો. તેઓ પોતાના અભિપ્રાયના અધિકારી છે.”
અલબત, લોકોએ કશું ધારી ન લેવું જોઈએ એવું કિરાત જણાવે છે અને ધારણાને પડકારવાને કારણે કિરાત પોતાની કથા તેમને કહેવા પ્રેરાયાં હતાં.
કિરાત કહે છે, “હું બેવકૂફ નથી, મૂર્ખ નથી. હું એ વ્યક્તિ છું, જેણે પોતાની વાત કહેવાનો નિર્ણય કર્યો છે.”
“હું એ વ્યક્તિ છું, જેણે પોતાની કથની જાહેર કરી છે અને મને આશા છે કે તેનાથી અન્ય લોકો પણ પોતાના પર વિતેલી કથા જાહેર કરવા પ્રોત્સાહિત થશે.”
એ ઉપરાંત એક સવાલ પણ થાય કે જે વ્યક્તિ સાથે આવી રીતે છેતરપિંડી કરવામાં આવી હોય તે પોતાની કથા જાહેર શા માટે કરે?
‘આપણા પર જવાબદારી છે’
પંજાબી વંશનાં કિરાતના કહેવા મુજબ, તેમની કહાણી જાહેર કરવી જરૂરી હતી, કારણ કે તેઓ બ્રિટનના દક્ષિણ એશિયન સમુદાયમાંના કલંકને પડકારવા માંગતા હતાં.
કિરાત કહે છે, “આપણે આવા મુદ્દાઓ વિશે વાત કરતાં બહુ ડરીએ છીએ. તેનું કારણ એ છે કે આપણા સમુદાયમાં પીડિતોને હીન ગણવામાં આવે છે અને તેથી આપણા સમુદાયોમાં લોકો પીડાતા રહે છે.”
કિરાતના જણાવ્યા મુજબ, તેના કિસ્સા વિશેનો તેના પિતાનો પ્રતિભાવ તેનું એક સારું ઉદાહરણ છે.
કિરાત કહે છે, “ખરેખર શું થયું હતું, એ મારા પિતા જાણવા ઇચ્છતા નથી, કારણ કે મારી સાથે જે બન્યું હતું, તે કેટલું ભયાનક હતું, તેનો સામનો કરવાનું મારા પિતા માટે પીડાદાયક હશે.”
કિરાત ઉમેરે છે, “હું મારા પિતાને પ્રેમ કરું છું અને હું જાણું છું કે મારા પિતા પણ મને પ્રેમ કરે છે. તેમનો ઉછેર વૈવિધ્યસભર મૂલ્યો સાથે થયો છે.”
કિરાતના જણાવ્યા અનુસાર, જે બન્યું એ બાબતે તેમણે ‘અસલી બૉબી’ સાથે સીધી વાત કરી નથી અને તે મુશ્કેલ વાતો એકમેકની સાથે નહીં કરવાની તેમના સમુદાયની અનિચ્છાને આભારી છે.
કિરાત એ પણ વિચારે છે કે તેમની પૃષ્ઠભૂમિ અલગ હોત તો પણ તેમનો અનુભવ સમાન જ હોત?
“મેં અલગ નિર્ણય લીધો હોત, કારણ કે સમુદાય પ્રત્યે અમારી જવાબદારી હોય છે. અમારા પર પરિવારનું દબાણ પણ હોય છે.”
‘મારી માનસિકતા પીડિતની નથી’
પોતાની કહાણી બાબતે કેટલીક નકારાત્મક પ્રતિક્રિયા મળવા છતાં કિરાત જણાવે છે કે તેને સમસ્યાઓનો સીધો સામનો કરવાનું ગમે છે.
કિરાત કહે છે, “તમે મને મળવા ઇચ્છતા હો તો મારી પાસે આવતા ડરશો નહીં અને મારા માટે વિવાદાસ્પદ હોઈ શકે એવું કંઈક કહેવા ઇચ્છતા હો તો વધારે સારું. ચાલો આપણે એ બાબતે ચર્ચા કરીએ.”
પૉડકાસ્ટ અને ડૉક્યુમેન્ટરીમાં પોતાની કહાણી કહેવાથી પ્રકરણ પૂર્ણ થવાનો અહેસાસ થયો કે કેમ, એવું પૂછવામાં આવતાં કિરાત જણાવે છે કે તેમને તેની ખાતરી નથી.
સિમરને ડૉક્યુમેન્ટરીનો ભાગ બનવાની ઓફર ફગાવી દીધી હતી. ડૉક્યુમેન્ટરીમાં સિમરનને સ્થાને એક અભિનેત્રીને લેવામાં આવી છે.
કિરાતે તેની પિતરાઈ બહેન પર અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. તેઓ સફળ થયાં હતાં. તેમને વળતર મળ્યું અને પિતરાઈ બહેને માફી માગી.
કાર્યક્રમમાં સિમરનના એક નિવેદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સિમરને જણાવ્યું છે, “હું સ્કૂલમાં હતી ત્યારે આ બધાની શરૂઆત થઈ હતી. હું માનું છું કે આ અત્યંત ખાનગી બાબત છે અને સંખ્યાબંધ પાયાવિહોણા તથા નુકસાનકારક આક્ષેપોનો વિરોધ કરું છું.”
કિરાતના જણાવ્યાં મુજબ, સિમરને કોઈ ફોજદારી આરોપોનો સામનો કરવો પડ્યો નથી. કિરાત ઇચ્છે છે કે સિમરનને જવાબદાર ગણવામાં આવે.
“કોઈ વાસ્તવિક વ્યક્તિનું અસ્તિત્વ હોવાની વાત સાથે હું સહમત નથી.”
બીજો સવાલ એ પણ છે કે કોઈએ આવું શા માટે કર્યું? આ સવાલનો જવાબ મળવાની આશા નથી.
કોઈએ આવું શા માટે કર્યું તે ક્યારેક ખરેખર બહાર આવશે, એવું કિરાતને લાગતું નથી.
કિરાત કહે છે, “મેં તો લાંબા સમય પહેલાં આવી આશા છોડી દીધી છે. સામેની વ્યક્તિ જે હદ સુધી ગઈ છે તેને ક્યારેય ન્યાયી ઠેરવી શકાય નહીં.”
“એ વ્યક્તિએ મર્યાદા શા માટે ઓળંગી હતી એ હું સમજી શકતી નથી. શું તેને કોઈની પીડા સાંભળીને આનંદ થતો હતો?” કિરાત સવાલ કરે છે.
જોકે, જવાબ ન મળવાથી કિરાત જીવનમાં આગળ વધતાં કે ડૅટિંગ કરતાં પણ અટક્યાં નથી.
કિરાત કહે છે, “મારા જીવન અને કારકિર્દીના પુનઃઘડતર માટે હું આકરી મહેનત કરું છું. આ સમયે કરવી જોઈએ તેના કરતાં પણ વધારે મહેનત કરું છું.”
તેઓ ઉમેરે છે, “મારી માનસિકતા પીડિતની નથી. હું એવી વ્યક્તિ પણ બનવા ઇચ્છતી નથી.”
“મારાં લક્ષ્યો હાંસલ કરવાં અને સપનાં સાકાર કરવાં હું કામ કરવાનું ચાલુ રાખીશ.”
(‘સ્વીટ બૉબીઃ માય કેટફિશ નાઇટમેર’ નૅટફ્લિક્સ પર ઉપલબ્ધ છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન