ગુજરાત: એક કૂતરાએ ખેડૂતના ઘરમાં એક કરોડની ચોરી કરનાર ચોરને કેવી રીતે પકડી પાડ્યો?

    • લેેખક, સચીન પીઠવા
    • પદ, બીબીસી ગુજરાતી માટે, ધોળકાથી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના એક ગામમાં થેયલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખવામાં સફળતા મેળવી છે જેની પાછળ એક કૂતરાનો હાથ છે. માત્ર એક પુરાવાના આધારે પોલીસની ડૉગ સ્ક્વૉડના સભ્ય 'પેની'એ મુશ્કેલ લાગતા ચોરીના આ કેસને ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

જ્યારે ચોરની ઓળખ થઈ ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણકે ચોરી કરનાર બે લોકો ફરીયાદીના ઓળખીતા હતા. ડૉગ સ્કવૉડની કામગીરી હાલ સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.

બંને આરોપીઓ વિરુદ્ધ ધોળકાના કોઠ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 અને 331 (4) મુજબ ફરીયાદ નોંધવામાં આવી છે. ફરીયાદીને શક્ય હોય એટલા વહેલા તેમના પૈસા પરત મળી જાય તે માટે પોલીસ હવે પ્રયાસ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે રહેતા ઉદેસંગ સોલંકીની ગામમાં આશરે 12 એકર પૈતૃક ખેતીની જમીન છે. પરિવારે આ જમીનનો સોદો નક્કી કર્યો હતો જેના ઍડ્વાન્સ પેટે ઉદેસંગભાઈ સોલંકીને એક કરોડ રૂપિયા મળ્યા હતા.

બીબીસી સાથે વાત કરતા ઉદેસંગ સોલંકીએ જણાવ્યું, ''જમીન વેચાણના બાના પેટે જે રકમ મળી હતી તે લઈને રાત્રે 10:30 વાગ્યે હું ઘરે આવ્યો હતો. આ રકમ મેં એક થેલામાં મૂકી હતી. આ થેલાને મેં મારા ઘરમાં ઘઉં ભરવાના પીપમાં તાળું મારીને મૂકી દીધો હતો. બાનાની રકમ સાથે મારી બચતના 7 લાખ 80 હજાર રૂપિયા પણ હતા.''

ઉદેસંગ વધુમાં જણાવે છે, "રાત્રે 12 વાગ્યાની આસપાસ મારો ભત્રીજો બાથરૂમ જવા માટે ઊઠ્યો ત્યારે તેણે જોયું કે મારા ઘરમાં પંખા ચાલુ હતા. તેણે તપાસ કરી તો માલૂમ પડ્યું કે દિવાલમાં બોકરું પાડવામાં આવ્યું છે અને ઘઉં ભરવાનું પીપ ખુલ્લું છે. ભત્રીજાએ મને તરત ફોન કર્યો હતો. મેં આવી તપાસ કરી તો પીપમાંથી પૈસા ગાયબ હતા."

ઉદેસંગ સોલંકીએ આ મામલે પૈસા ચોરીની ફરીયાદ કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ આદરી હતી.

અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું, ''ઉદેસંગભાઈ સામાજિક પ્રસંગમાં ગયા હતા ત્યારે આ ઘરફોડ ચોરી થઈ હતી. તેમના ઘરના પાછળની બારી તૂટેલી હતી અને ત્યાં ઇંટો મૂકેલી હતી. ચોરોએ ઈંટો ખસેડીને અંદર પ્રવેશ કર્યો હતો. પીપને તોડીને થેલો લઈ ગયા હતા.''

આ કેસની તપાસમાં પોલીસે એક ખાસ તપાસકર્તાની મદદ લીધી હતી જેના કારણે આ સમગ્ર મામલો માત્ર પાંચ દિવસની અંદર ઉકેલાઈ ગયો હતો.

આ ખાસ તપાસકર્તા હતો અમદાવાદ ગ્રામ્ય પોલીસની ડૉગ સ્ક્વૉડનો સભ્ય ‘પેની’, જે એક ડૉબરમૅન બ્રીડનો કૂતરો છે.

'જ્યારે ચોરના ઘરની બહાર રોકાયો પેની'

ચોરીની તપાસ દરમિયાન પોલીસને ઉદેસંગ સોલંકીના ઘર પાસેથી એક બૅગ મળી આવી હતી. આ બૅગ પેનીને સૂંઘાડવામાં આવી હતી અને પછી આ ડૉગ ભાગવા લાગ્યો હતો.

એક ઘરની બહાર 'પેની' રોકાઈ ગયો હતો, આ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ઘર હતું બુધા સોલંકીનું, જેઓ ફરીયાદી ઉદેસંગ સોલંકીના ખાસ મિત્ર થાય છે. પોલીસે બુધા સોલંકીના ઘરની તપાસ કરતા ત્યાંથી રોકડા 53 લાખ 90 હજાર મળી આવ્યા હતા.

ઓમપ્રકાશ જાટ કહે છે, ''બુધા સોલંકી સમગ્ર ચોરીનો મુખ્ય સૂત્રધાર છે. તે ફરીયાદીનો ખાસ મિત્ર છે અને તેની પાસે સંપૂર્ણ માહિતી હતી કે ઉદેસંગને કેટલા રૂપિયા મળ્યા છે અને તેણે આ પૈસા ક્યાં મૂક્યા છે. પોલીસને શંકા ન જાય એટલા માટે બુધાએ પોલીસને સામેથી ચોરી વિશે જાણ કરી હતી અને તપાસ દરમિયાન પોલીસની મદદ પણ કરી હતી.''

પૂછપરછ દરમિયાન બુધા સોલંકીએ આ ગુનામાં સામેલ બીજી વ્યક્તિનું પણ નામ આપ્યું હતું. પોલીસે નજીકના સરગવાળા ગામના રહીશ વિક્રમ સોલંકીની પણ ધરપકડ કરી હતી અને તેમના ઘરેથી બાકીના 53 લાખ 90 હજાર રૂપિયા પણ કબજે કર્યા હતા.

ઓમપ્રકાશ જાટ કહે છે, ''બુધા અને વિક્રમ મિત્રો છે. બુધાએ વિક્રમને ઉદેસંગને જમીનના બાના પેટે પૈસા મળશે એવું જણાવ્યું હતું જે બાદ બંનેએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ઘરમાં પ્રવેશ કર્યા બાદ વિક્રમે લોખંડના સળિયા વડે પીપનું તાળું તોડી નાખ્યું હતું અને પછી બંને પૈસા લઈને ભાગી ગયા હતા.''

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.