You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કૉંગ્રેસ 'ગાયના સહારે' હિન્દુ મત અંકે કરવાનો પ્રયાસ કરી રહી છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
‘‘ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ ગાયને 'રાજ્ય માતા'નો દરજ્જો આપવો જોઈએ. અમે એના માટે આગામી વિધાનસભાના સત્રમાં એક ખાનગી બિલ લાવીશું.’’
જાણકારોના મતે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ પ્રકારનાં ભાષણો કરતાં હોય છે પરંતુ તાજેતરમાં ગુજરાત કૉંગ્રેસના એક નેતાએ આ પ્રકારના શબ્દો ઉચ્ચારતા રાજ્યના રાજકારણમાં ચર્ચા છેડાઈ છે.
ભાષણના આ શબ્દો હતા ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના.
હાલમાં જ અમદાવાદના સોલા વિસ્તારમાં 'ગૌમાતાની સુરક્ષા' માટે એક સંમેલન યોજાયું હતું, જેમાં વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પણ સામેલ થયા હતા.આ સંમેલનમાં અમિત ચાવડા ઉપરાંત બનાસકાંઠાનાં સંસદસભ્ય ગેનીબહેન ઠાકોરે પણ તેમાં હાજરી આપી હતી.
આ 'ગૌમાતા સંમેલન' સોલા ભાગવત વિદ્યાપીઠમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં કેટલાક સાધુ-સંતો અને ગુજરાતની કેટલીક ગૌશાળાના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારે દેશી ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે જેથી ગાયોનું સંવર્ધન થાય. મહારાષ્ટ્રની સરકારે દરેક ગૌશાળાને ગાય દીઠ 50 રૂપિયા સહાય આપવાનો નિર્ણય પણ કર્યો છે.
હવે આ જ પ્રકારની માગ હવે ગુજરાત કૉંગ્રેસના નેતાઓ પણ ગુજરાત માટે કરી રહ્યા છે ત્યારે આ માગ પાછળ કૉંગ્રેસની કઈ રાજકીય ગણતરી હોય શકે છે તે વિશે બીબીસીએ કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
શું હતું ગૌમાતા સંમેલન?
દેશભરમાં ગાયની સુરક્ષા માટે ફરી રહેલી 2 હજાર 500 કિલોમીટરની 'ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન યાત્રા' બુધવારે અમદાવાદ પહોંચી હતી. યાત્રા જ્યારે અમદાવાદ પહોંચી ત્યારે અહીં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્રે નોંધનીય છે આ સંમેલનમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ પણ હાજરી આપી હતી. પાર્ટીના નેતાઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડીયા સાથે એક જ મંચ પર બેઠા હતા.
1400થી વધુ ગૌશાળાના સંચાલકો અને સાધુ સંતોની હાજરીમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદે દાવો કર્યો કે હાલના દિવસોમાં દેશમાં ગૌહત્યાના કિસ્સામાં વધારો થયો છે.
તેમણે જણાવ્યું કે, ''દેશમાં ગાયોની કતલ વધી છે અને ગૌમાંસના નિકાસમાં પણ વધારો નોંધાયો છે. એ અમારા હૃદયને દુઃખ પહોંચાડે છે. ગાયોની કતલના મામલે બોલનારા લોકોને ચૂપ કરી દેવામાં આવે છે.''
ડૉ. પ્રવીણ તોગડીયાનું નામ લઈને શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદે કહ્યું, ''છેલ્લાં સાત વર્ષથી ગૌરક્ષાની વાત કરનાર પ્રવીણ તોગડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ હવે તેઓ ખુલીને પોતાની વાત કરી રહ્યા છે. ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એ માટે અમે ગૌમાતા રાષ્ટ્ર માતાનું અભિયાન શરુ કર્યું છે.''
તેમણે વધુમાં જણાવ્યું કે, જે લોકો ગાય માતાની સાથે છે અમે તેમની સાથે રહીશું.
ડૉ. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, ''ગાય એ તમામ ભગવાનનું પ્રતીક છે, ત્યારે ગાયની રક્ષા કરવી એ દરેકની ફરજ છે.''
બનાસકાંઠાનાં સંસદસભ્ય ગેનીબહેન ઠાકોરે મંચ પરથી ગાયને 'રાષ્ટ્ર માતા'નો દરજ્જો આપવા માટે સંસદમાં અવાજ ઉઠાવવાની ખાતરી આપી હતી.
તેમણે ક્હ્યું કે, ''ગુજરાત સરકાર જો ગાયને 'રાજ્ય માતા' જાહેર કરશે તો કૉંગ્રેસ વિપક્ષમાં હોવા છતાં આ નિર્ણયને જરૂર સમર્થન આપશે.''
શું આ કૉંગ્રેસની સ્માર્ટ રણનીતિ છે?
કૉંગ્રેસ પાર્ટીનાં બે સિનીયર નેતાઓ હિન્દુત્વ અને ગૌરક્ષાની તરફેણ કરે તે બાબત શું સૂચવે છે?
વરિષ્ઠ પત્રકાર અને જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા તેને કૉંગ્રેસની આગવી રણનીતિ તરીકે જુએ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ''2017ની વિધાનસભા ચૂંટણીના છ મહિના પહેલાં કેરળમાં ગાયની હત્યા વિરુદ્ધ સાધુસંતો સાથે વિહીપ (વિશ્વ હિન્દુ પરિષદ)ના નેતા ચૈતન્ય શંભુ મહારાજે 48 કલાક માટે ઉપવાસ કર્યા હતા. ઉપવાસ દરમિયાન ગાયને 'રાષ્ટ્ર માતા' જાહેર કરવાની માંગ કરી હતી."
''રાજકોટથી શરૂ થયા બાદ આ આંદોલન સમગ્ર ગુજરાતમાં ફેલાયું હતું. આંદોલનની તીવ્રતા જોતા એ સમયે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ પ્રતીક ઉપવાસ સમયે ચૈતન્ય શંભુ મહારાજને મળવા ગયા હતા અને ગૌમાતાને રાષ્ટ્ર માતાનું બિરુદ મળવું જોઈએ એવી માગ કરી હતી.''
કૌશિક મહેતાએ વધુમાં જણાવ્યું કે, ''કૉંગ્રેસે આ મામલે જે પક્ષ લીધો હતો તેનો લાભ પાર્ટીને 2017ની વિધાનસભા ચૂંટણીમાં મળ્યો હતો. વિધાનસભામાં ભલે કૉંગ્રેસ પાસે બહુમતીના હોય પરંતુ ખાનગી બિલ લાવીને અને તેના પર ચર્ચા કરી પાર્ટી ભાજપને એક તબક્કે બૅકફૂટ પર તો લાવી જ શકે છે.''
નિષ્ણાતો પ્રમાણે ગાયને રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપવાની વાત કરીને કૉંગ્રેસ પાર્ટીએ ભાજપના હાથમાંથી હિન્દુત્વના મુદ્દાને છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે. હવે એ જોવાનું છે કે પાર્ટીને કેટલી સફળતા મળે અને ક્યારે મળે છે.
વરિષ્ઠ પત્રકાર પદ્મકાન્ત ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, ''કૉંગ્રેસે જે પ્રયાસ કર્યો છે એમાં તેને રાતોરાત સફળતા નહીં મળે પરંતુ પશુપાલન સાથે સંકળાયેલા માલધારી, ઠાકોર અને ચૌધરી સમાજ સહીત ઓબીસી વોટબૅન્ક સુધી કૉંગ્રેસ પાર્ટી જરૂર પહોંચી શકશે.''
''વિધાનસભામાં ગોચરની જમીનો ઉદ્યોગોને અપાઈ હોવાના આરોપો મામલે પણ કૉંગ્રેસ પાર્ટી ભાજપને ઘેરી શકશે. કૉંગ્રેસે સારો પ્રયાસ કર્યો છે પરંતુ તેમાં કેટલી સફળતા મળશે એ અત્યારે કહેવું અઘરું છે.''
કૉંગ્રેસનું શું કહેવું છે?
ગુજરાતમાં ગાયને 'રાજ્ય માતા' તરીકે જાહેર કરવાની કૉંગ્રેસની માગણી પાછળ કોઈ રાજકીય ગણતરી હોવાની વાતોને કૉંગ્રેસે પાયાવિહોણી ગણાવી છે.
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા એ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ''અમારો આશય કોઈ રાજકીય ફાયદો ઉઠાવવાનો નથી. અમારી માગ છે કે ગાયના સંવર્ધન માટે ખાસ જોગવાઈ કરવામાં આવે. ગુજરાતમાં ગૌવંશ કતલ સામે કાયદો છે પરંતુ તેનો કડક અમલ નથી થતો. જો ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે તો ગૌવંશ કતલ વિરોધી કાયદો વધુ મજબૂત બનશે.''
તેઓ વધુમાં જણાવે છે,''આ સાથે ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર અનિવાર્ય સંજોગોમાંજ ગૌચરની જમીન અન્ય ઉપયોગમાં લેવી. પરંતુ ગુજરાત સરકાર ગૌચરની જમીન ઉદ્યોગોને ફાળવી રહી છે. તેના કારણે આજે રાજ્યનાં બે હજાર 303 ગામોમાં ગૌચરની જમીન જ બચી નથી. નવ હજાર કરતાં વધુ ગામોમાં ગૌચરની જમીન નિયમ કરતાં ઓછી છે.''
તેઓ વધુમાં કહે છે કે, ગૌચરની જમીન ન હોવાને કારણે પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ગાયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
તેઓ કહે છે કે અમે ખાનગી બિલ લાવવાની વાત એટલા માટે કરી છે જેથી ગાયો પણ બચશે અને પશુપાલકોની આવક પણ વધશે.
પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપ કહે છે કે કૉંગ્રેસ ગાયના નામે લોકોને ભરમાવવાની કોશિશ કરે છે.
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ કૉંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે, ''કૉંગ્રેસ પાસે કોઈ નક્કર મુદ્દા નથી અને એટલે લોકોને ભરમાવવાની કોશિશ કરે છે. કૉંગ્રેસનું ખુદનું નિશાન એક જમાનામાં ગાય અને વાછરડું હતું. પાર્ટીએ ગાય બચાવવા માટે અત્યાર સુધી કોઈ પગલાં ભર્યાં નથી.''
તેઓ વધુમાં ઉમેરે છે, ''આટલાં વર્ષો સત્તામાં રહ્યાં હોવા છતાં કૉંગ્રેસે ગાયને રાષ્ટ્ર માતાનું બિરુદ નથી આપ્યું. માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે કૉંગ્રેસ આવો પ્રચાર કરી રહી છે. ભાજપ ગૌરક્ષા માટે કટિબદ્ધ છે અને એટલા માટે અમે ગૌવંશ કતલ સામે કડક કાયદો બનાવ્યો છે.''
ગૌચરની જમીન માટેના નિયમો શું છે?
13 ડિસેમ્બર 1988માં ગુજરાત સરકારે ગૌચરની જમીન બાબતે પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં પ્રમાણે દરેક ગામમાં 100 દૂધાળા પશુઓ માટે 40 એકર ગૌચરની જમીન હોવી જોઈએ અને જંગલ વિસ્તારમાં 20 એકર ગૌચરની જમીન હોવી જોઈએ.
જો સરકારને આ જમીન અન્ય હેતુ માટે જોઈતી હોય તો ગામના લોકોને વિશ્વાસમાં લીધા બાદ જમીન સંપાદન કરી શકાય છે. નિયમ જો મુજબ ગૌચરની જમીન લઘુત્તમ ધારાધોરણમાં હોય તો અન્ય હેતુ માટે લઈ શકાય નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન