You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વધુ એક ચંદ્રયાન મિશનની તૈયારી કરી રહ્યું છે ભારત, શું હાંસલ થશે
- લેેખક, શારદા વી
- પદ, બીબીસી સંવાદદાતા
ચંદ્રયાન-3 અભિયાનની સફળતા બાદ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો હવે ચંદ્રયાન-4 મિશનની તૈયારી કરે છે.
આ મિશન અંતર્ગત ચંદ્રની સપાટીથી માટી અને ખડકો કાઢવાની યોજના છે.
કેન્દ્ર સરકારે આ યોજનાને મંજૂરી આપી દીધી છે અને તે માટે 2,104 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
આ મિશનને 2040 સુધી ભારત તરફથી ચંદ્ર પર માનવ ઉતારવાના લક્ષ્યાંકની દિશામાં એક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
ઈસરોના પ્રમુખ એસ. સોમનાથે કહ્યું, “ચંદ્રયાન-3 અભિયાનની સફળતાએ ચંદ્રમા પર એક વિશિષ્ઠ સ્થાન પર ઉતરવું સંભવ બનાવ્યું. હવે પછીનું પગલું સુરક્ષીત રીતે ચંદ્ર પર પહોંચવાનું અને ત્યારબાદ પરત ફરવાનું છે. આ કાર્યક્રમમાં ચંદ્રયાન-3ની સરખામણીએ વધારે જટિલતા છે.”
ચંદ્રયાન-4 મિશન શું છે?
ચંદ્રયાન-4 મિશન બે રૉકેટ, એલએમવી-3 અને પીએસએલવી દ્વારા અલગ-અલગ ઉપકરણોના બે સેટ ચંદ્ર પર લૉન્ચ કરશે.
અંતરિક્ષ યાન ચંદ્રમા પર ઉતરશે, આવશ્યક માટી અને ખડકોના નમૂના એકત્ર કરશે, તેને એક બૉક્સમાં રાખશે અને પછી ચંદ્રમાથી ઉડાન ભરીને પૃથ્વી પર પરત આવશે.
જેમાં દરેક ગતિવિધીને પૂર્ણ કરવા માટે અલગ-અલગ ઉપકરણો ડિઝાઇન કરવામાં આવ્યાં છે. સફળતા મળ્યા બાદ આ પરિયોજના ભારતને અંતરિક્ષ શોધના ક્ષેત્રમાં બહુ આગળ લઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે ભારત સરકારે વિજ્ઞાન પ્રસાર સંગઠને વરિષ્ઠ વૈજ્ઞાનિક ટી. વી. વેંકટેશ્વરને ગત ચંદ્રયાન અભિયાનોનો હવાલો આપીને બીબીસીને કહ્યું, “અમે પહેલી જાણકારી ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવનારા અંતરિક્ષયાનથી મળી. ત્યારબાદ જ્યારે અમારા યાન ચંદ્ર પર ઉતર્યા ત્યારે અમે તેની તુલના અમારી પાસે પહેલાથી મોજૂદ જાણકારી સાથે કરી અને પોતાની સમજને બહેતર બનાવી. અમે વિસ્તૃત અધ્યયનના આગલા ચરણ માટે ચંદ્રની માટી અને ખડકોના નમૂનાઓ એકત્ર કરીશું.”
ટી. વી. વેંકટેશ્વરને કહ્યું, “ચંદ્રની સપાટી પર નમૂના એકત્ર કરવા ભારત માટે મહત્ત્વપૂર્ણ છે.”
“આંતરરાષ્ટ્રીય સ્તરે લાગુ ચંદ્ર સંધિ(1967થી લાગુ) અનુસાર કોઈ પણ દેશ ચંદ્રમાના સ્વામિત્વ પર દાવો નહીં કરી શકે અને ચંદ્રથી લાવેલા નમૂનાને એ દેશો વચ્ચે વહેંચવા જે નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે સક્ષમ છે. આ સંધિ ન રહેવા પર શું થશે તે ખબર નથી એટલે એ પહેલાં ભારત માટી અને ખડકના નમૂના એકત્ર કરી દેશે.”
કયા દેશોએ નમૂના મેળવ્યા?
ચંદ્ર પર સંશોધન કરવામાં ઘણા દેશોના વૈજ્ઞાનિકો જોડાયેલા છે. તેનો એક ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર જીવનની સંભાવનાની શોધ કરવાનો પણ છે.
અત્યારસુધી કેટલાક દેશોએ ચંદ્રની સપાટીથી માટીના નમૂના એકત્ર કર્યા છે.
આ નમૂના પરથી જાણકારી મળી છે કે ચંદ્રનું નિર્માણ કેવી રીતે થયું અને તેની અંદર શું છે. તેના ઇતિહાસ મામલે પણ જાણકારી મળી છે. તેમાં અમેરિકા અને રશિયા જેવા દેશોએ સારું કામ કર્યું છે.
સંયુક્ત રાજ્ય અમેરિકાએ 1969થી 1972 સુધી ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓ મોકલ્યા અને માટીના નમૂના પૃથ્વી પર લાવવાનું કામ કર્યું.
1970ના દશકમાં સોવિયત સંઘે પોતાનું લૂના અભિયાન થકી ચંદ્રની માટીના નમૂના એકત્ર કરવા અને તેને પૃથ્વી પર પરત લાવવા માટે રોબૉટનો ઉપયોગ કર્યો.
હાલમાં 2020માં ચીને ચાંદ ઈ-5 અંતરિક્ષયાન સાથે ચંદ્રની માટીના નમૂના એકત્ર કર્યા.
ભારત જ નહીં, રશિયા, જાપાન જેવા દેશો પણ ચંદ્રથી માટીના નમૂના લાવવાની યોજના બનાવી રહ્યા છે.
માટીથી ચંદ્ર મામલે શું જાણી શકાય?
પહેલેથી જ એકત્ર કરેલા ચંદ્રની સપાટી પરની માટીના નમૂનાથી જાણકારી મળી છે કે ચંદ્રની ઉંમર કેટલી છે અને તેની સપાટીની અંદર શું છે. ચંદ્રનું નિર્માણ મોટી ટક્કર થવાને કારણે થયું છે, જેમાં જ્વાળામૂખીનો સમાવેશ પણ થાય છે.
એ પણ ખબર પડી છે કે તેના ધ્રુવીય ક્ષેત્રોમાં પાણી જમા છે.
આ જાણકારી ભવિષ્યના અંતરિક્ષ સંશોધન માટે મહત્ત્વની છે.
તે આપણને ચંદ્ર પર માનવ વસવાટ અને જીવન મામલે મહત્ત્વની જાણકારી આપવામાં મદદ કરશે.
તેનાથી એ પણ ખબર પડશે કે ચંદ્ર પર ઉપયોગી ખનીજની ઉપસ્થિતિ છે કે નહીં.
અમેરિકાના નાસા દ્વારા પૃથ્વી પર લાવવામાં આવેલી માટી અને ખડકના નમૂના પરથી એ અનુમાન લગાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે કે ચંદ્રની સપાટી કેટલી જૂની છે.
અમેરિકાના અપોલો મિશનના નમૂનાના વિશ્લેષણથી ખબર પડે છે કે ચંદ્રની સપાટી પર મોજૂદ બોસાલ્ટ એટલે કે જાળા જ્વાળામૂખીય ખડકો લગભગ 3.6 અબજ વર્ષ જૂના છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)