You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ હુમલો : અટારી ચેકપોસ્ટ બંધ થવાથી ભારત અને પાકિસ્તાનમાંથી કોને વધુ નુકસાન?
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 23 એપ્રિલે એક પત્રકારપરિષદ યોજી હતી.
તેમણે સરકાર દ્વારા લેવાયેલા પાંચ મહત્ત્વના નિર્ણયોની માહિતી આપી હતી. આ યાદીમાં બીજા ક્રમે એક મહત્ત્વની જાહેરાત હતી. તે મુજબ પંજાબના 'અટારી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ'ને તાત્કાલિક બંધ કરવામાં આવી છે.
આ નિર્ણય સરકારની 'કૅબિનેટ કમિટી ઑન સિક્યોરિટી', જેને સીએસએસ કહેવામાં આવે છે, તેની બેઠકમાં લેવાયો હતો.
આ બેઠકનું અધ્યક્ષપદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યું હતું. તેના એક દિવસ અગાઉ જ પહલગામમાં ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
સીસીએસના નિર્ણયોમાં જણાવાયું હતું કે જે લોકો પોતાના લીગલ દસ્તાવેજો સાથે અટારી ચેકપોસ્ટથી ભારત આવ્યા હતા, તેમણે પહેલી મે અગાઉ પાકિસ્તાન પાછા જવું પડશે.
સરકારે આ દરમિયાન પાકિસ્તાનનું નામ લીધું ન હતું.
પરંતુ સરકારના નિવેદનમાં જણાવાયું હતું કે તેના આકલન પ્રમાણે પહલગામ હુમલાના તાર 'સરહદ પાર' સાથે જોડાયેલા છે.
અટારી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ મારફત વેપાર
ત્યાર પછી પાકિસ્તાન સરકારે પણ બેઠક કરી અને પોતાના તરફથી વેપાર સદંતર બંધ કરવાની જાહેરાત કરી. સાથે એમ પણ કહ્યું કે ત્રીજા દેશના માધ્યમથી પણ ભારત સાથે કોઈ વ્યાપાર નહીં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંને દેશો વચ્ચે વેપારની સ્થિતિ કેવી છે? કઈ ચીજનું અને કેવી રીતે વેચાણ થાય છે? બંને સરકારોના આ નિર્ણયથી કેવી અસર થશે?
આ ચેકપોસ્ટને 'અટારી લૅન્ડ પૉર્ટ' પણ કહેવામાં આવે છે. ભારતનો આ પ્રથમ 'લૅન્ડ પૉર્ટ' છે.
તે અમૃતસરથી માત્ર 28 કિમીના અંતરે આવેલી છે. જમીનના રસ્તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે વ્યાપાર કરવા માટે તે ભારત માટે એકમાત્ર ઉપાય છે.
અફઘાનિસ્તાનથી આવતા સામાન અંગે અનિશ્ચિતતા
સત્તાવાર આંકડા જોવામાં આવે તો વર્ષ 2023-24માં અટારીથી લગભગ 3886 કરોડ રૂપિયાનો વ્યાપાર થયો હતો. આ ઉપરાંત 71,563 લોકોએ આ રસ્તેથી સીમા પાર કરી હતી.
વર્ષ 2017-18માં આ આંકડો વધારે મોટો હતો. તે વખતે 4148 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો અને 80,314 લોકોએ આ રસ્તેથી બૉર્ડર પાર કરી હતી. હવે બંને સરકારોના નિર્ણયના કારણે લોકો અને સામાનની અવરજવર બંધ થઈ શકે.
તો શું અફઘાનિસ્તાનથી આવતા સામાનને બીજા કોઈ રસ્તે ભારત લાવવામાં આવશે? આના વિશે હજુ અનિશ્ચિતતા છે.
વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવી હતી. તે અગાઉથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર વધારવા વિમાન દ્વારા સામાનની હેરાફેરીની સુવિધા શરૂ કરવામાં આવી હતી.
વર્ષ 2023માં વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વ્યાપાર જારી છે. તેમાં ઈરાનના ચાહબહાર બંદરની પણ ભૂમિકા છે.
પહલગામ હુમલાના બૅકગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન સરકારે લીધેલા નિર્ણયોની અસર સમજવા માટે બીબીસીએ પંજાબના કેટલાક વેપારીઓ સાથે વાત કરી હતી.
'સમુદ્રમાર્ગે વેપાર વધારવો જોઈએ'
બડીશ જિંદલ લુધિયાણાસ્થિત 'વર્લ્ડ એમએસએમઇ ફોરમ'ના અધ્યક્ષ છે.
તેમના કહેવા પ્રમાણે ભારતથી પાકિસ્તાન સુધી મોટા ભાગે સમુદ્રમાર્ગે નિકાસ થાય છે, અટારી ચેકપોસ્ટથી નહીં.
જિંદલ કહે છે કે, "ભારત અફઘાનિસ્તાનથી જે ડ્રાયફ્રૂટ મગાવે છે તે કદાચ હવે અટારી ચેકપોસ્ટ પરથી નહીં આવે. તેથી તેના ભાવ કદાચ વધી જશે. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે સરકાર પાકિસ્તાન પર દબાણ વધારે જેથી કરીને આતંકવાદી પ્રવૃત્તિઓ પર લગામ લાગે."
રાજદીપ ઉપ્પલ 'કન્ફૅડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી' (સીઆઇઆઇ)ના અમૃતસર ઝોનના ભૂતપૂર્વ પ્રમુખ છે.
તેમણે બીબીસી હિંદીને જણાવ્યું કે, "અમે ભારત સરકારના આ નિર્ણયની પડખે છીએ. આમ પણ 2019થી (અટારી માર્ગેથી) ભારત અને પાકિસ્તાન વચ્ચે વ્યાપાર લગભગ બંધ છે. જે માલ ભારત પહોંચી રહ્યો છે, તે અફઘાનિસ્તાનનો સામાન છે. તે પાકિસ્તાન થઈને અહીં આવે છે."
તેમનું સૂચન છે કે, "આપણે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશોની સાથે સમુદ્રમાર્ગે વ્યાપાર વધારવો જોઈએ."
આંકડા શું કહે છે?
ભારત સરકારનો આ વર્ષનો સત્તાવાર ડેટા જોવામાં આવે તો અત્યાર સુધીમાં ભારતે પાકિસ્તાનમાં 3833 કરોડ રૂપિયાથી વધારે સામાનની નિકાસ કરી છે. કોઈ આયાત નથી કરી. આ ડેટા મુજબ ભારત પાકિસ્તાનને દવાઓ, ખાંડ અને ઑટો પાર્ટ્સ જેવી ચીજોની નિકાસ કરે છે.
વર્ષ 2023-24માં ભારતે પાકિસ્તાનને 10,096 કરોડ રૂપિયાના માલની નિકાસ કરી હતી અને 25 કરોડ રૂપિયાના માલની આયાત કરી હતી.
2018-19 અને 2020-21 વચ્ચે વેપારમાં સતત ઘટાડો થયા પછી, છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશો વચ્ચેના વેપારમાં વધારો જોવા મળ્યો છે.
આમ છતાં હવે દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનને છોડીને ભારતનો સૌથી ઓછો વેપાર હાલમાં પાકિસ્તાન સાથે થાય છે.
ફેબ્રુઆરી 2024માં લોકસભામાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એક નિવેદન આપ્યું હતું.
તેમાં તેમણે કહ્યું હતું કે, "ઑગસ્ટ 2019માં પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો ઘટાડવા માટે કેટલાંક પગલાં લીધાં હતાં તેમાંથી એક પગલું વેપાર અટકાવવાનું હતું."
"જોકે, પાછળથી તેમના વાણિજ્ય મંત્રાલય દ્વારા ફક્ત તબીબી ઉત્પાદનોની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, તેમણે કોઈ ચોક્કસ માર્ગનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ સામાન્ય રીતે અટારી-વાઘા સરહદ અને કરાચી બંદર ભારત અને પાકિસ્તાન વચ્ચેના બે મુખ્ય વેપાર માર્ગો છે. દ્વિપક્ષીય વ્યાપાર ફરીથી શરૂ કરવાની જવાબદારી પાકિસ્તાન સરકાર પર છે."
નિષ્ણાતો શું માને છે?
અનિલકુમાર બંબા 'લૅન્ડ પૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા'ના ચૅરમૅન રહી ચૂક્યા છે.
તેમણે બીબીસી હિન્દીને કહ્યું, "પાકિસ્તાન આમ પણ ભારત પાસેથી ખૂબ ઓછી વસ્તુઓ ખરીદતું હતું. અટારીથી પાકિસ્તાન જતા માલમાં તાજાં શાકભાજી, ફળો, કપડાં વગેરે હતું. તેમની કિંમત વધારે નહોતી. અમે ક્યારેક તેમની પાસેથી પથ્થરો અને સિમેન્ટ ખરીદતા હતા."
તેઓ કહે છે, "દવાઓ અને ઉચ્ચ મૂલ્યની ચીજવસ્તુઓ દરિયાઈ માર્ગે પરિવહન થતી હતી. ઘણો માલ ભારતથી દુબઈ અને પછી ત્યાંથી પાકિસ્તાન જતો હતો. મને લાગે છે કે અટારી સિવાય અન્ય માર્ગો કદાચ ખુલ્લા રહેશે, કારણ કે તેમની જરૂરિયાત આપણા કરતાં વધારે છે."
"ખાસ કરીને અટારી બંધ થવાથી પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને અસર થશે. બીજી એક વાત પણ છે. સામાન્ય રીતે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી ફ્લાઇટ્સ નહોતી, ત્યારે હજારો લોકો અટારીથી પગપાળા સરહદ પાર કરતા હતા. તે ચેકપોસ્ટ બંધ થવાનો અર્થ એ છે કે માલ અને લોકો બંને માટે એકબીજાના દેશમાં મુસાફરી કરવી વધુ મોંઘી બનશે. એટલું જ નહીં, તેમાં પહેલાં કરતાં વધુ સમય પણ લાગશે."
વેપાર નિષ્ણાત અજય શ્રીવાસ્તવે અમને જણાવ્યું કે, "સત્તાવાર ચૅનલોમાં અવરોધને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે અંદાજે 85,000 કરોડ રૂપિયાનો વેપાર સંયુક્ત આરબ અમીરાત (UAE) અથવા સિંગાપોર મારફત પુનઃનિકાસ માર્ગે થાય છે."
"એવું કહેવાય છે કે પાકિસ્તાન આ રીતે ભારતમાંથી ઘણી વસ્તુઓની આયાત કરે છે. બીજી તરફ, ભારતને પાકિસ્તાનમાંથી હિમાલયન પિંક સોલ્ટ, ખજૂર, જરદાળુ અને બદામ પણ મળે છે. આ માલ ત્રીજા દેશોમાં થઈને અહીં આવે છે. સરહદ બંધ કરવાથી ઔપચારિક વેપાર બંધ થાય છે, પરંતુ માગ બંધ નથી થતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન