You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ હુમલો : ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનનો જવાબ, ભારતીય વિમાનોના પ્રવેશ પર પ્રતિબંધ સહિત કયા નિર્ણય લીધા?
પહલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કાર્યવાહીના જવાબમાં હવે પાકિસ્તાને પણ કેટલાક પગલાં લેવાની જાહેરાત કરી છે.
વડા પ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં ગુરુવારે ઇસ્લામાબાદમાં નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે.
આમાં ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને મોકૂફ કરવા, હવાઈક્ષેત્ર તથા વાઘા સરહદને તાત્કાલિક અસરથી બંધ કરવી તથા વેપારને મોકૂફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતની જેમ પાકિસ્તાને પણ સુરક્ષા સલાહકારો અને તેમના સહાયકોને દેશ છોડવાનું કહ્યું છે. સાથે જ પોતાના કૂટનીતિક સ્ટાફની સંખ્યા મર્યાદિત કરી દીધી છે.
બેઠક બાદ આપવામાં આવેલા નિવેદનમાં સિંધુ જળ સંધિને રોકવાના ભારતના નિર્ણયને નામંજૂર કરતાં કહેવામાં આવ્યું છે કે આ કરાર હેઠળ પાકિસ્તાનના ભાગના પાણીના પ્રવાહને રોકવા અથવા વાળવાના કોઈ પણ પ્રયાસને 'યુદ્ધની કાર્યવાહી' માનવામાં આવશે અને આનો 'પૂરી તાકતથી' જવાબ આપવામાં આવશે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારત દ્વારા ઇરાદાપૂર્વક આંતરરાષ્ટ્રીય સંગઠનો, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદના ઠરાવો અને આંતરરાષ્ટ્રીય જવાબદારીની હેતુપૂર્વક અવગણના કરીને ભારતે બેપરવાહ અને બેજવાબદાર વલણ દાખવ્યું છે.
પાકિસ્તાને ભારત સાથે થયેલા શિમલા કરાર સહિતના દ્વિપક્ષીય કરારોને પણ મોકૂફ કરવાના અધિકારનો ઉપયોગ કરવાની વાત કહી છે.
નિવેદનમાં કહેવાયું છે કે ભારત ઉપર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે, વિદેશોમાં હત્યા કરાવવાના તથા સંયુક્ત રાષ્ટ્રોના પ્રસ્તાવોનું પાલન ન કરવાનું વલણ નહીં છોડે તો પાકિસ્તાન વધુ પગલાં લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍરલાઇન પર શું અસર થશે
પાકિસ્તાને લીધેલા નિર્ણય અનુસાર ભારત તથા ભારતીયની માલિકીવાળી ઍરલાઇન્સ કંપનીઓ પાકિસ્તાનની હવાઈસીમાનો ઉપયોગ નહીં કરી શકે. સાથે જ વાઘા સરહદને પણ તત્કાલ બંધ કરવાની જાહેરાત કરી છે.
જોકે જાહેરાત અનુસાર જે લોકો કાયદેસર દસ્તાવેજો સાથે સરહદ પાર કરીને ભારતમાં આવ્યા છે, તેઓ 30 એપ્રિલ સુધી આ માર્ગથી પાછા જઈ શકે છે.
પાકિસ્તાનના શીખ તીર્થયાત્રીઓને બાકાત કરતા સાર્ક વિઝા છૂટ કાર્યક્રમ હેઠળ બધા ભારતીય નાગરિકોને આપવામાં આવેલા વિઝાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કહ્યું કે તેમને રદ માનવામાં આવે.
આ વિઝા પર પાકિસ્તાનમાં રહેતા ભારતીય નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ભારત સાથે બધા પ્રકારના વેપારને મોકૂફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ કોઈ ત્રીજા દેશના માધ્યમથી થનાર વેપાર પર પણ લાગુ થશે.
પાકિસ્તાને પણ ઇસ્લામાબાદસ્થિત ભારતના સુરક્ષા સલાહકારોને દેશ છોડી જવા કહ્યું છે તથા રાજદ્વારી સ્ટાફને ઘટાડવા કહ્યું છે. આ સલાહકારોના સહાયક કર્મચારીઓને પણ પાછા જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
જાહેરાત અનુસાર, ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં કર્મચારીઓની સંખ્યા 30 એપ્રિલ,2025થી 30 સુધી મર્યાદિત કરવામાં આવશે.
પાકિસ્તાને ભારત પર આરોપ મૂક્યા
પાકિસ્તાનની નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે કહ્યું છે કે કોઈ પણ વિશ્વસનીય તપાસ અને પ્રમાણિત સાક્ષ્યના અભાવમાં પહલગામ હુમલાને પાકિસ્તાન સાથે જોડવાનો પ્રયત્ન નિરર્થક, તર્કવિહીન તથા તાર્કિક હારનો સંકેત છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન કોઈ ભેદભાવ વગર બધા પ્રકારના આતંકવાદની ટીકા કરે છે અને આતંકવાદ વિરુદ્ધ દુનિયામાં અગ્રણી દેશ હોવાને કારણે તેને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
કાઉન્સિલનું કહેવું છે કે ભારતનો પીડિત હોવાનો ઘસાઈ ગયેલો રાગ પાકિસ્તાની ધરતી પર આતંકવાદને પ્રોત્સાહન આપવામાં તેના દોષી હોવાને નહીં છુપાવી શકે, ન તો ભારત-પ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા માનવ અધિકાર ઉલ્લંઘન પરથી ધ્યાન હટાવી શકે.
પાકિસ્તાને કહ્યું છે કે ભારતીય દાવાની ઊલટ તેની પાસે પાકિસ્તાનમાં 'ભારત પ્રાયોજિત આતંકવાદ'ના અકાટ્ય પુરાવા છે,જેમાં ભારતીય નેવીના પૂર્વ અધિકારી કમાંડર કુલભૂષણ જાધવના કબૂલનામામાં સામેલ છે.
ભારતે પાકિસ્તાન સામે આ પગલાં લીધાં
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટી (સીસીએસ)ની બેઠક થઈ.
આ બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયા હતા, જેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રોકી દેવાઈ છે. આ સાથે અટારી બૉર્ડર પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
વડા પ્રધાન આવાસ પર થયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત ઘણા ટોચના અધિકારી હાજર હતા.
આ બેઠકમાં નીચે મુજબ નિર્ણયો લેવાયા હતા.
જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વાસપાત્ર રીતે અને પાછો ન ખેંચી શકાય એ પ્રકારે સીમાપાર આતંકવાદને તેના ટેકો પાછો ન ખેંચે ત્યાં સુધી વર્ષ 1960ની સિંધુ જળ સંધિ મોકૂફ કરાશે.
તાત્કાલિક અસરથી અટારી એકીકૃત ચેકપોસ્ટ બંધ કરાશે. જે લોકો માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે તેઓ 1 મે, 2025 સુધી એ જ રસ્તેથી પેલે પાર જઈ શકશે.
SAARC વિઝા અપવાદ યોજના અંતર્ગત પાકિસ્તાનના નાગરિકોને ભારત આવવાની પરવાનગી નહીં મળે. પાકિસ્તાની નાગરિકોને અપાયેલ દરેક જાતના SPES વિઝા રદ કરવામાં આવે છે. SPES વિઝા અંતર્ગત ભારત આવ્યા હોય એવા પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે.
નવી દિલ્હી ખાતે પાકિસ્તાની હાઈ કમિશનમાં રહેલા સંરક્ષણ, મિલિટરી, નૅવલ અને ઍર ઍડ્વાઇઝરોને ભારતમાં 'અવાંછિત વ્યક્તિ' જાહેર કરવામાં આવે છે. તેમની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.
ભારત ઇસ્લામાબાદ ખાતેના ભારતીય હાઇ કમિશનમાંથી પોતાના સંરક્ષણ, નેવી અને ઍર ઍડ્વાઇઝરોને પરત બોલાવી લેશે. બંને દેશોનાં હાઇ કમિશનોમાં આ પદો રદ કરવામાં આવેલા મનાશે.
નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયોગના રક્ષા/સૈન્ય અને વાયુસેના સલાહકારોને પર્સોના નૉન ગ્રેટા વ્યક્તિ જાહર કરવામાં આવ્યા છે. તેમને ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. ભારત ઇસ્લામાબાદ ખાતે પોતાના ઉચ્ચાયોગના રક્ષા/સૈન્ય, નૌસેના અને વાયુસેના સલાહકારોને પણ પાછા બોલાવવામાં આવ્યા છે. બંને ઉચ્ચાયોગમાં આ પદ ખતમ માનવામાં આવશે.
બંને ઉચ્ચાયોગે આ સૈન્ય સલાહકારોના પાંચ સપોર્ટ સ્ટાફને પણ પાછા લઈ લેવાશે.
ઉચ્ચાયોગમાં કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવામાં આવશે. આ નિર્ણય 1 મે 2025થી લાગુ થઈ જશે.
સીસીએસે દેશમાં સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરી અને સુરક્ષાદળોને કડકાઈથી સાવચેત રાખવા કહ્યું છે.
બેઠકમાં કહેવામાં આવ્યું છે કે પહલગામ હુમલાનું કાવતરું રચનારાઓ સામે સંપૂર્ણપણે કાર્યવાહી કરવામાં આવશે.
આમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો એ રીતે ભારત વિરુદ્ધ ચરમપંથી કાર્યવાહી કરનારાઓને છોડવામાં નહીં આવે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન