You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ હુમલા અંગે પાકિસ્તાનીઓએ શું કહ્યું, પાકિસ્તાની સૈન્ય વડાનું ભાષણ ચર્ચામાં કેમ છે?
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના પર્યટકો છે.
ઑગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ આ સૌથી જીવલેણ હુમલો છે.
આ હુમલો ત્યારે થયો, જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસ પર સાઉદી અરેબિયામાં હતા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ ચાર દિવસના ભારત પ્રવાસે છે અને કેટલાક દિવસ પહેલાં પાકિસ્તાનના આર્મી પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીરે હિંદુ અને મુસ્લિમો વચ્ચે ફરક બતાવતાં કહ્યું હતું કે વિશ્વની કોઈ તાકત કાશ્મીરને પાકિસ્તાનથી અલગ ન કરી શકે.
વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધૂરો મૂકવો પડ્યો છે.
જનરલ મુનીરે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવી હતી.
પહલગામમાં ચરમપંથી હુમલા અંગે પાકિસ્તાનથી ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત રહેલા અબ્દુલ બાસિતે એક્સ પર લખ્યું છે, "હું એ વાત અંગે આશ્વસ્ત છું કે કોઈ પણ પ્રકારના ભારતીય દુ:સાહસને નાકામ કરવા માટે પાકિસ્તાન દરેક રીતે તૈયાર છે. મને કોઈ શંકા નથી કે આ વખતે પાકિસ્તાનનો જવાબ જડબાતોડ હશે."
પાકિસ્તાની સેનાપ્રમુખના ભાષણ પર શંકા વધી
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અને સાંસદ શેરી રહમાને એક્સ પર લખ્યું છે, "પહલગામમાં દુ:ખદ આતંકવાદી હુમલાની હું નિંદા કરું છું. દુર્ભાગ્યવશ આ હુમલા સંદર્ભે પાકિસ્તાન વિરુદ્ધ પહેલાં જ આંગળી ઉઠાવવી એ ભારત માટે એક સામાન્ય પ્રતિક્રિયા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શેરી રહમાને કહ્યું, "ભારત પોતાની નિષ્ફળતાઓને રોકવામાં અસફળ રહ્યું છે. નિયંત્રણ રેખા (એલઓસી)ની આસપાસ વ્યૂહરચનાત્મક સ્થિરતા અને જવાબદારીભરી સહભાગીતાની માગવાળા તર્કપૂર્ણ અવાજોની ઉપેક્ષા કરાય છે. આશા પ્રમાણે, કોઈ પણ તપાસ વગર ભારતનો દક્ષિણપંથી વર્ગ હવે પાકિસ્તાનને નષ્ટ કરવાની અપીલ કરશે."
પાકિસ્તાનના એક એક્સ યૂઝર ઉમર અઝહરે જનરલ મુનીરની એ વીડિયો ક્લિપ શૅર કરી છે, જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરી ભાઈઓને એકલું ન છોડી શકે. આ વીડિયો ક્લિપ શૅર કરતાં તેમણે લખ્યું કે, "પાંચ દિવસ પહેલાં જનરલ મુનીરે ઉન્માદી ભાષણ આપ્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન કાશ્મીરી ભાઈઓને ભારતના કબજા વિરુદ્ધ એકલા ન છોડી શકે. હવે એવું પ્રતીત થાય છે કે આ શરૂઆતની કલ્પનાથી પણ વધુ ખોટી રીતે વિચારાયું હતું. જનરલે આ પ્રકારનું નિવેદન નહોતું આપવું જોઈતું."
ઉમર અઝહરની આ પોસ્ટને રિપોસ્ટ કરતાં પાકિસ્તાનનાં સંરક્ષણવિશ્લેષક આયશા સિદ્દીકાએ લખ્યું છે કે, "એ જોવું રહ્યું કે ભારતીય કાશ્મીરમાં થયા હુમલા બાદ આ જોશનું વલણ શું હશે."
ભારતના અંગ્રેજી અખબાર ધ હિંદુનાં ડિપ્લોમેટિક અફેર્સનાં એડિટર સુહાસિની હૈદરે જનરલ મુનીરના ભાષણ અંગે લખ્યું છે, "પાકિસ્તાનના આર્મી ચીફનું ગત અઠવાડિયાનું ભાષણ સમાચારમાં છે. આવું માત્ર એટલા માટે નથી કે તેમણે કાશ્મીરમાં હિંસાની ધમકી આપી હતી, બલકે તેમની ભાષા સાંપ્રદાયિક અને વિભાજનકારી હતી. બંને વાતો આજના આતંકવાદી હુમલાનાં લક્ષ્ય અને ક્રૂરતા સાથે જોડાયેલી પ્રતીત થાય છે."
હુસૈન હક્કાનીએ હમાસના હુમલા સાથે સાંકળ્યું
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહેલા હુસૈન હક્કાનીએ એક્સ પર લખ્યું છે, "2023માં 7 ઑક્ટોબરના રોજ ઇઝરાયલમાં હમાસના આતંકવાદી હુમલા બાદ ગાઝા એક ભયાનક ત્રાસદીમાં સમાઈ ગયું. 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો સંભવિત પરિણામો સંદર્ભે એટલો જ ભયાનક છે. આ આતંકવાદી હુમલાની તમામ સભ્ય રાષ્ટ્રો અને લોકો તરફથી સ્પષ્ટ શબ્દોમાં નિંદા થવી જોઈએ."
કમર ચીમા પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય મામલાના વિશ્લેષક છે. તેમણે પહલગામમાં હુમલા અંગે મુસ્લિમ ઑફ અમેરિકાના સંસ્થાપક સાજિદ તરાર સાથે વાત કરી. સાજિદ તરારે કહ્યું કે આ આતંકવાદી હુમલાની જે ટાઇમિંગ છે, તેના ઘણા સંદેશ છે.
સાજિદ તરારે કહ્યું, "પાકિસ્તાન અને ભારતના સંબંધો વધુ ખરાબ થશે. ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઓળખ બની ગઈ છે. કાશ્મીરમાં સ્થિતિ બહેતર બનતી જઈ રહી હતી અને ભારે સંખ્યામાં પર્યટક પહોંચી રહ્યા હતા. પરંતુ ફરી એક વાર તેને પાટા પરથી ઉતારવાની કોશિશ કરાઈ છે."
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા ટીવીના ઍન્કરે હુમલા અંગે કહ્યું, "ભારતમાં કોઈ પણ આતંકવાદી હુમલો થાય છે તો સીધા પાકિસ્તાન તરફ જ ઇશારો કરવામાં આવે છે."
પાકિસ્તાની પત્રકાર સિરિલ અલમેઇદાએ એક્સ પર લખ્યું, "જો ભારત એવું નક્કી કરી લે કે આ કોણે કર્યું છે અને જવાબી કાર્યવાહીની જરૂર છે... તો શું તેને કોઈ રોકી શકશે?"
બ્રિટિશ પત્રિકા ધ ઇકૉનૉમિસ્ટના ડિફેન્સ એડિટર શશાંક જોશીએ લખ્યું છે, "મારું માનવું છે કે ભારત આગામી અઠવાડિયાંમાં પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે."
શશાંક જોશીને એક એક્સ યૂઝરે પૂછ્યું કે સંભવિત તારીખ શું હશે? એના જવાબમાં જોશીએ કહ્યું - 60 ટકા શક્યતા છે કે મેના અંતિમ અઠવાડિયામાં અને હું આ કોઈ મજાક નથી કરી રહ્યો.
પાકિસ્તાનના આર્મી પ્રમુખ જનરલ મુનીરના ભાષણ અંગે શશાંક જોશીએ લખ્યું છે, "એક અઠવાડિયા અગાઉ પાકિસ્તાનના સેનાપ્રમુખે જે ભાષણ આપ્યું હતું, તેની ટાઇમિંગ સારી નહોતી. જનરલ મુનીરે કહ્યું હતું - અમારું વલણ બિલકુલ સ્પષ્ટ છે, કાશ્મીર અમારા ગળાની નસ છે, અમે એને ભૂલી ન શકીએ. અમે કાશ્મીરી ભાઈઓના સંઘર્ષને પણ ન ભૂલી શકીએ."
પાકિસ્તાનના સેનાપ્રમુખે શું કહ્યું હતું?
ઓવરસીઝ પાકિસ્તાની કન્વેંશન 13થી 16 એપ્રિલ સુધી ઇસ્લામાબાદમાં આયોજિત કરાયું હતું. આ આ પ્રકારનું પ્રથમ આયોજન હતું.
જનરલ મુનીરે આ કન્વેંશનને સંબોધિત કરતાં 'ટુ નૅશન થિયરી'ની વાત કરી, કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ કહ્યું અને સાથે જ હિંદુ અને મુસ્લિમો વચ્ચે ફરકને રેખાંકિત કર્યો. જનરલ મુનીરે કહ્યું કે વિશ્વની કોઈ પણ તાકત કાશ્મીરને પાકિસ્તાનથી અલગ ન કરી શકે.
જનરલ મુનીરે કહ્યું, "અમે એક નહીં બે રાષ્ટ્રો છીએ. અમારા પૂર્વજોનું માનવું છે કે અમે દરેક આયામમાં હિંદુઓથી અલગ છીએ. અમારો ધર્મ, રિવાજ, પરંપરા, વિચાર અને હેતુ બધું અલગ છે."
જનરલ મુનીરનાં આ નિવેદનોમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે ફરકવાળી વાત પર વધુ વિવાદ થઈ રહ્યો હતો.
પાકિસ્તાનના જ ઘણા લોકો કહી રહ્યા છે કે જનરલ મુનીરના આ નિવેદનથી પાકિસ્તાનમાં હિંદુઓ પ્રત્યે નફરત વધશે. પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટો લઘુમતી સમુદાય છે.
તાહા સિદ્દીકી નિર્વાસિત પાકિસ્તાની છે અને પેરિસમાં રહે છે. સિદ્દીકી પત્રકાર છે અને પશ્ચિમનાં મીડિયામાં લખે છે.
તેમણે જનરલ મુનીરની વીડિયો ક્લિપને શૅર કરતાં લખ્યું હતું, "પાકિસ્તાની સેનાપ્રમુખે હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવતાં ટુ નૅશન થિયરીની વકીલાત કરી છે. આ થિયરી 1971માં બાંગ્લાદેશ બન્યા બાદ ઊંધા મોઢે પછડાઈ હતી. જનરલ મુનીરે પાકિસ્તાની બાળકોને જૂઠ બતાવવા પર ભાર મૂક્યો. સ્પષ્ટ છે કે આનાથી યુવાનોનું બ્રેનવૉશ કરવાનું સરળ બની જાય છે. એ શરમજનક છે."
પાકિસ્તાનનાં સૂફી સ્કૉલર અને પત્રકાર સબાહત ઝકારિયાએ જનરલ મુનીરની વીડિયો ક્લિપ પર કહ્યું, "પ્રથમ પ્રશ્ન તો એ જ છે કે અમારું કોણ? જો હિંદુઓ અને મુસ્લિમોની વાત થઈ રહી છે તો ભારતમાં 20 કરોડ મુસ્લિમ રહે છે."
"જો તમારા વિચાર પ્રમાણે ચાલીએ તો આ 20 કરોડ મુસ્લિમો પણ અન્ય ભારતીયોથી અલગ છે. તો શું પાકિસ્તાન તેના 24 કરોડ મુસ્લિમોમાં 20 કરોડ ભારતીય મુસ્લિમોને સામેલ કરવા માટે તૈયાર છે?"
"શું ભારતના મુસ્લિમોય પાકિસ્તાનમાં સામેલ થવા માગે છે? અને જે દસ લાખ અફઘાન મુસ્લિમોને પરત મોકલવામાં આવી રહ્યા છે, તેમના વિશે શો ખ્યાલ છે? તેઓ તો દાયકાઓથી પાકિસ્તાનમાં જ રહ્યા છે. શું એમના પર ટૂ નૅશન થિયરી નથી લાગુ પડતી?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન