જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલાની 10 તસવીરો : હુમલા વખતે શું થયું હતું?

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર હુમલામાં 20થી વધુ લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવે.

મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે આને હાલનાં વર્ષોમાં સામાન્ય નાગરિકોને નિશાનો બનાવીને કરવામાં આવેલો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે.

હુમલામાં અનેક લોકોના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.

ગુજરાતના ભાવનગર અને પાલીતાણાથી જમ્મુ કાશ્મીર ગયેલા કેટલાક લોકો પણ હુમલા વખતે ત્યાં હાજર હતા. તેમાં ભાવનગરના વિનુ ડાભીને હુમલામાં હાથે ઈજા થઈ છે અને તેમને હૉસ્પિટલમાં ખસેડાયા છે.

ગુજરાતના ભાવનગરથી પહલગામ ફરવા ગયેલા વિનુભાઈ ડાભીને હાથે ગોળી સ્પર્શીને નીકળી ગઈ હતી, જે બાદ તેમને સારવાર હેઠળ ખસેડાયા છે. તેમની સાથે ગયેલા કેટલાક લોકોને ભાવનગર પરત મોકલવામાં આવી રહ્યા છે.

વિનુભાઈનાં પુત્રી શીતલબહેને ડાભીએ કહ્યું કે, "મિનિ સ્વિટ્ઝર્લૅન્ડમાં એ લોકો બેઠા હતા ત્યારે અમારા સંબંધીએ મારાં માતાને પૂછ્યું કે શું કોઈ અવાજ સંભળાયો તો મારાં મમ્મીએ ના પાડી. પછી ફરી અવાજ આવ્યો અને પછી ચારેય બાજુથી ઘડાઘડ ગોળીઓ છૂટવા લાગી. આજે ત્યાં ખુલ્લું વાતાવરણ હતું અને વધારે પર્યટકો આવ્યા હતા."

મંગળવારે થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નિકટની હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલાં એક મહિલાને અનંતનાગની સરકારી મેડિકલ કૉલેજમાં ખસેડાયાં હતાં. સ્થાનિકોએ જણાવ્યું હતું કે હુમલો બપોરે 2.45 વાગ્યે થયો હતો અને જ્યારે ગોળીબાર થયો ત્યારે ત્યાં નાસભાગ થઈ હતી.

પહલગામના આ વિસ્તારને મિની સ્વિટ્ઝરલૅન્ડ પણ કહેવામાં આવે છે.

પહલગામના સ્થાનિક ગુલઝાર અહમદે સમાચાર સંસ્થા પીટીઆઇને હુમલા વખતે શું થયું એ વાત કરતાં કહ્યું કે, "અમે સ્ટેન્ડ પર ઊભા હતા અને ગ્રાહકો ઉપર મિનિ સ્વિટ્ઝર્લૅન્ડ તરફ ગયા હતા. બપોરે પોણા ત્રણ વાગ્યે લોકો નાસભાગ કરવા લાગ્યા. જ્યારે અમે પૂછ્યું તો ખબર પડી કે ગોળીબાર થયો છે."

મંગળવારે થયેલા આ હુમલા બાદ તરત સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે, ઘટનાસ્થળે મેડિકલ ટીમ પણ પહોંચી ગઈ છે.

પહલગામમાં પર્યટકો પરના હુમલામાં 20 લોકોનાં મૃત્યુ બાદ પૅરામિલિટરીના જવાનોએ સુરક્ષા બંદોબસ્ત વધુ કડક બનાવી દીધો હતો.

પહલગામના સ્થાનિકોએ હુમલાના પીડિતો માટે ન્યાયની માગણી સાથે કૅન્ડલ માર્ચ યોજી હતી. શ્રીનગર અને બારામૂલામાં પણ સ્થાનિકોએ હુમલાના વિરોધમાં કૅન્ડર માર્ચ આયોજિત કરી હતી.

પહલગામ હુમલા બાદ પૅરા કમાન્ડોનાં વાહનો ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવાયાં હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર રવાના થઈ ગયા હતા અને શ્રીનગર પહોંચીને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

પહલગામમાં હુમલા બાદ સુરક્ષાદળના જવાનો હાઇ ઍલર્ટ પર છે.

હુમલા બાદ અનંતનાગ ખાતેની એક સ્થાનિક હૉસ્પિટલ બહાર સુરક્ષાદળના જવાનોએ કડક પહેરો ગોઠવી દીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.