ગાંધી સાથેનો એ વિવાદ જેના લીધે નમાજ ન પઢનારા અને ધાર્મિક ન હોવા છતાં ઝીણાએ પાકિસ્તાન બનાવવાનું નક્કી કરી લીધું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

સામાન્ય રીતે લોકો તેમને મહાત્મા ગાંધી અને મહમદઅલી ઝીણાના નામથી ઓળખે છે. બંને ઉપર અસંખ્ય પુસ્તકો લખાયાં છે. બંનેએ પોતાનું મોટા ભાગનું જીવન બ્રિટિશ સંસ્થાનવાદી શાસક વિરુદ્ધ લડવામાં ખર્ચી નાખ્યું.

તાજેતરમાં જ જાણીતા અર્થશાસ્ત્રી લૉર્ડ મેઘનાદ દેસાઈનું એક પુસ્તક 'મોહન ઍન્ડ મહમદ: ગાંધી ઝિન્ના ઍન્ડ બ્રેકઅપ ઑફ બ્રિટિશ ઇન્ડિયા' પ્રકાશિત થયું છે.

દેસાઈએ લખ્યું છે, "મેં સમજીવિચારીને આ બંને દિગ્ગજો માટે તેમનાં પહેલા નામનો પ્રયોગ કર્યો છે. આનો ઉદ્દેશ તેમનું અપમાન કરવાનો નથી, બલકે તેમના જીવનનાં એવાં પાસાંને ઉજાગર કરવાનો છે, જ્યારે તેઓ આટલા પ્રખ્યાત નહોતા થયા."

"જોકે, એ અજાણ્યું નથી રહ્યું, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે લાંબા સમય સુધી આ બંને માત્ર સમાંતર જીવન જીવ્યા એટલું જ નહીં, પરંતુ ઘણી બાબતોમાં તેમનામાં ઘણી બધી સમાનતા હતી."

તેઓ બંને ગુજરાતી ભાષા બોલતા પરિવારના હતા. બંનેના પરિવારોનાં મૂળ ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં હતાં.

મોહનના પિતા કરમચંદ પોરબંદરના રાજકુમારના દીવાન હતા. મોહન જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતા રાજકોટ ગયા અને ત્યાંના દીવાન બન્યા.

મહમદના દાદા પૂંજાભાઈ પણ રાજકોટના રહેવાસી હતા. ગુજરાતીમાં 'પૂંજાભાઈ' નામ થોડુંક વિચિત્ર લાગે છે, કેમ કે તેનો શાબ્દિક અર્થ છે 'કચરો', પરંતુ એ જમાનાના ગુજરાત અથવા એમ કહો કે સમગ્ર ભારતમાં સમજીવિચારીને નવજાત શિશુઓનાં નામ આ પ્રકારનાં રાખવામાં આવતાં હતાં, જેથી તેમને નજર ન લાગે.

મોહનને પણ તેમની બહેન 'મુનિયા' કહીને બોલાવતી હતી.

મોહન અને મહમદ બૅરિસ્ટરના અભ્યાસ માટે લંડન ગયા

મહમદનો જન્મ 1876માં કરાચીમાં ક્રિસમસના દિવસે થયો હતો. તેઓ મોહન કરતાં સાત વર્ષ નાના હતા. જોકે મહમદના પિતાનાં સાત બાળકો હતાં, પરંતુ તેમનાં ભાઈ-બહેનોમાં સૌથી પ્રખ્યાત હતાં તેમનાં નાના બહેન ફાતિમા, જેઓ આજીવન તેમની સાથે રહ્યાં.

મેઘનાથ દેસાઈએ લખ્યું છે, " આ બંનેએ 16 વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. બંને બૅરિસ્ટર બનવા માટે લંડન ભણવા ગયા. મોહને ઇનર ટેમ્પલમાં, જ્યારે મહમદે લિંકન ઇનમાં અભ્યાસ કર્યો. લંડન જતા સમયે મોહન 19 વર્ષના થવાના હતા, જ્યારે મહમદ 1891માં લંડન પહોંચ્યા ત્યારે તેઓ ફક્ત 16 વર્ષના હતા."

મોહનને તેમના કૌટુંબિક મિત્ર માવજી દવેની સલાહથી લંડન મોકલવામાં આવ્યા હતા, જ્યારે મહમદને તેમના પિતાના અંગ્રેજ મિત્ર સર ફ્રેડ્રિક ક્રૉફ્ટે ભણવા માટે લંડન જવાની પ્રેરણા આપી હતી.

મોહન અને મહમદ બંનેનાં બાળલગ્ન થયાં હતાં. મોહનનાં લગ્ન 13 વર્ષની ઉંમરે થયાં, જ્યારે મહમદની શાદી 15 વર્ષની ઉંમરે થઈ, પરંતુ લગ્નના થોડા દિવસો પછી જ, જ્યારે તેઓ વિદેશમાં હતા ત્યારે, તેમનાં પત્નીનું મૃત્યુ થઈ ગયું.

મોહનની પહેલાં મહમદ કૉંગ્રેસના સભ્ય બન્યા

મોહન અને મહમદ બંનેએ લંડનમાંના પોતાના પ્રવાસોને હંમેશાં એક સુખદ યાદ ગણાવ્યા. મહમદ તો, 1930ના દાયકામાં બ્રિટિશ ભારતનું રાજકારણ અનુકૂળ ન આવતાં લંડન રહેવા જતા રહ્યા હતા.

પછીથી તેમણે કહ્યું કે જો તેઓ ભારતના રાજકારણમાં ન આવ્યા હોત, તો તેમણે લંડનમાં જ રહેવાનું પસંદ કર્યું હોત. મહમદે ત્રણ વર્ષમાં વકીલાતનો અભ્યાસ પૂરો કર્યો હતો.

હેક્ટર બોલિથોએ પોતાના પુસ્તક 'ઝિન્ના: ક્રિયેટર ઑફ પાકિસ્તાન'માં લખ્યું, "લંડન પ્રવાસ દરમિયાન ઝીણાએ થીઅટરમાં કામ પણ કર્યું. તેમણે અંગ્રેજો જેવાં કપડાં પહેરવાનું શરૂ કર્યું દીધું. તેઓ ઘણી વાર હાઉસ ઑફ કૉમન્સની દર્શક-દીર્ઘામાં જઈને રાજકીય ચર્ચાઓ જોતા હતા. જ્યારે દાદાભાઈ નવરોજીએ બ્રિટિશ સંસદમાં પોતાનું પહેલું ભાષણ આપ્યું, ત્યારે ઝીણા ત્યાં હાજર હતા."

એ જમાનામાં તેઓ લિબરલ પાર્ટીથી પ્રભાવિત હતા અને જોસેફ ચૅમ્બરલેન તેમના હીરો હતા. લંડનમાં અભ્યાસ કર્યા પછી મોહન દક્ષિણ આફ્રિકા જતા રહ્યા, જ્યારે મહમદે મુંબઈ આવીને વકીલાત શરૂ કરી દીધી.

લંડનથી પાછા ફર્યા પછી તરત આ બંનેને પોતાના વ્યવસાયમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. શરૂઆતમાં કોઈ પણ અસીલ પોતાનો કેસ લઈને તેમની પાસે આવતા નહોતા.

1905માં મહમદ કૉંગ્રેસના સભ્ય બન્યા હતા. કૉંગ્રેસમાં તેમની મુલાકાત ગોપાલકૃષ્ણ ગોખલે અને તિલક જેવા નેતાઓ સાથે થઈ. તિલકનો તો તેઓ કેસ પણ લડ્યા હતા. જ્યારે બંગાળના ભાગલાના મુદ્દે કૉંગ્રેસમાં ભાગલા પડ્યા ત્યારે તેમણે નરમ દળ (મવાળ)ને સાથ આપ્યો હતો.

એ દિવસોમાં કૉંગ્રેસમાં મુસ્લિમ સભ્યોની સંખ્યા ખૂબ ઓછી હતી. 1896માં કૉંગ્રેસના કુલ 709 સભ્યોમાંથી માત્ર 17 મુસલમાન હતા. ઝીણા, કૉંગ્રેસના સભ્ય બન્યા પછીનાં સાત વર્ષ સુધી એટલે કે 1913 સુધી મુસ્લિમ લીગના સભ્ય નહોતા બન્યા.

મુસ્લિમ લીગના સભ્ય બન્યા પછી પણ તેમણે મુસ્લિમ લીગને કહેલું કે તેઓ કૉંગ્રેસને સહકાર આપે. પોતાની શરૂઆતની રાજકીય કારકિર્દીમાં તેઓ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા.

1915માં મોહન અને મહમદની પહેલી મુલાકાત થઈ

મોહન દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવી ગયા પછી 1915માં આ બંનેની પહેલી મુલાકાત થઈ હતી.

આની પહેલાં 16 ઓગસ્ટ 1914એ લંડનની એક બેઠકમાં મહમદ હાજર હતા, જેમાં મોહનનું સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે આ બંનેની એકબીજા સાથે વાતચીત થઈ શકી નહોતી.

1915માં આ બંને અમદાવાદમાં મળ્યા, જેનું આયોજન પ્રખ્યાત વકીલ અને કૉંગ્રેસના નેતા કેએમ મુનશીએ કર્યું હતું.

1916માં કૉંગ્રેસના લખનઉ અધિવેશનમાં ઝીણાએ એની બેસેન્ટની સાથે મંચ પર બેસવા માટે મોહનને આમંત્રિત કર્યા હતા.

રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તક 'ગાંધી ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ'માં લખ્યું છે, "ઑક્ટોબર 1916માં જ્યારે અમદાવાદમાં ગુજરાત પ્રાંતીય સંમેલન યોજાયું, ત્યારે મોહને ઉપસ્થિત લોકોની અધ્યક્ષતા માટે મહમદના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો. તેમણે મહમદ વિશે કહ્યું કે તેઓ આપણા સમયના વિદ્વાન મુસલમાન છે. બંને પાર્ટીઓની દૃષ્ટિમાં તેઓ એક સન્માનિત સ્થાન ધરાવે છે."

આ જ બેઠકમાં મોહને મહમદને વિનંતી કરી કે તેઓ ગુજરાતીમાં બેઠકને સંબોધે. મહમદે ગાંધીની વાત માનીને પોતાની કાચીપાકી ગુજરાતીમાં ભાષણ પણ કર્યું હતું.

ગાંધીએ પોતાના એક મિત્રને પત્ર લખીને કહ્યું, "એ દિવસથી ઝીણાને હું ગમતો નહોતો."

ત્યાર પછીનાં લગભગ દસ વર્ષ સુધી આ બંનેએ એક જ મંચ પરથી એકસાથે કામ કર્યું. ભારત પાછા ફર્યા પછી મોહને પ્રથમ વિશ્વયુદ્ધમાં લડી રહેલી બ્રિટનની સેનામાં ભારતીય સૈનિકોની ભરતીની ઝુંબેશ શરૂ કરી હતી.

આ ઝુંબેશમાં મહમદે તેમને સાથ ન આપ્યો. મોહનને બ્રિટિશ સરકારે કૈસર-એ-હિન્દ પુરસ્કારથી સન્માનિત કર્યા, પરંતુ 1919માં જલિયાંવાલા બાગના નરસંહાર પછી તેમણે આ પુરસ્કાર પાછો આપી દીધો હતો.

1920ના દાયકામાં આ બંનેના માર્ગો જુદા થવાનું શરૂ થયું. મોહન કૉંગ્રેસના નિર્વિવાદ નેતા બની ગયા અને તેમણે કૉંગ્રેસને એક બંધારણવાદી પાર્ટીથી બદલીને સામાન્ય ભારતીયોની પાર્ટીમાં બદલી નાખી.

મહમદ ભારત પાછા આવ્યા

અહીંથી મહમદ અને મોહનના મતભેદ શરૂ થઈ ગયા. તેમણે મોહનને 'મહાત્મા' કહેવાનો ઇનકાર કરી દીધો અને કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું.

મોહન કૉંગ્રેસના નેતા રહ્યા. 1930ના દાયકામાં તેમણે કૉંગ્રેસનું સભ્યપદ છોડી દીધું હતું, તેમ છતાં, ભારતની આઝાદી સુધી પાર્ટીની બાબતોમાં ગાંધીનો અભિપ્રાય અંતિમ શબ્દ ગણાતો હતો.

કૉંગ્રેસમાં ગાંધીના વર્ચસ્વથી મહમદ એટલા નિરાશ થઈ ગયા કે તેમણે લંડન પાછા જવાનો નિર્ણય કરી લીધો. તેમણે બૅરિસ્ટર તરીકે પોતાની કારકિર્દી ફરીથી શરૂ કરી અને બ્રિટનની પ્રિવી કાઉન્સિલમાં તેમની વકીલાત જામી ગઈ.

નવેમ્બર 1930માં જ્યારે લંડનમાં ભારતના મુદ્દાઓ પર પહેલી ગોળમેજી પરિષદ મળી ત્યારે તેમાં મહમદને એક મુસ્લિમ નેતા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે આ બેઠકમાં ભાગ લેવાનો એટલા માટે ઇન્કાર કરી દીધો કે બેઠકમાં માત્ર તેમને જ આખા ભારતના પ્રતિનિધિ તરીકે બોલાવવા જોઈતા હતા.

1931માં મળેલી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા મોહન લંડન પહોંચ્યા, પરંતુ તેમાં મહમદે ભાગ ન લીધો. ત્રીજી ગોળમેજી પરિષદ પણ લંડનમાં મળી, પરંતુ તેમાં મોહન કે મહમદ, બંનેમાંથી કોઈએ ભાગ ન લીધો.

જ્યારે 1935માં ભારતમાં 'ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ' લાગુ કરવામાં આવ્યો, ત્યારે ઝીણાને ભારત પાછા ફરવાની વિનંતી કરવામાં આવી. તેઓ ભારત પાછા ફરવા માટે તૈયાર થઈ ગયા. તેમણે 1937માં થયેલી ચૂંટણીમાં મુસલમાનોનું નેતૃત્વ કર્યું.

મુસ્લિમ લીગને અપેક્ષા કરતાં ઘણી ઓછી સીટો મળી અને મુસલમાનોના એકલા પ્રતિનિધિ હોવાના તેમના દાવાને મોટો ફટકો પડ્યો. ઘણા પ્રાંતોમાં કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી, પરંતુ તેણે મુસ્લિમ લીગની સાથે ગઠબંધન સરકાર બનાવવાના વિચારને બિલકુલ નકારી દીધો.

અહીંથી પહેલી વખત મહમદના મનમાં એક અલગ દેશ પાકિસ્તાન બનાવવાનો વિચાર આવ્યો. તેમણે લંડન છોડી દીધું અને તેઓ મુંબઈમાં મલાબાર હિલમાં પોતાના ઘરમાં આવીને રહેવા લાગ્યા.

પાકિસ્તાન બનાવવાના વિચારનો જન્મ

ત્યાર પછી મોહન અને મહમદનું બાકી જીવન એકબીજા સાથેના મતભેદોને ઉકેલવાના પ્રયત્નોમાં વીત્યું, જેમાં તેમને ક્યારેય સફળતા ન મળી. તેમના મતભેદનો વિષય હતો, શું ભારત એક રાષ્ટ્ર છે કે બે?

મેઘનાદ દેસાઈએ લખ્યું છે, "કૉંગ્રેસના મોટા ભાગના લોકો માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર છે, સદીઓથી તેનો સહિયારો ઇતિહાસ રહ્યો છે. આવું માનનારા લોકોમાં જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ સામેલ હતા. ભારત સ્પષ્ટ રીતે ન તો હિંદુ રાષ્ટ્ર છે અને ન મુસ્લિમ, પરંતુ, તેમાં બંને સમુદાયના લોકો રહેતા આવ્યા છે."

બીજી તરફ, મહમદનું માનવું હતું કે સંખ્યાની દૃષ્ટિએ મુસલમાનો અલ્પસંખ્યક હોવાના લીધે તેમનાં હિતોને હિંદુ બહુસંખ્યકોના આધિપત્યથી બચાવવાની જરૂર છે. જો મતદાનથી સરકાર બનાવવાનો નિર્ણય થાય, તો સ્પષ્ટ છે કે તેઓ ક્યારેય સત્તામાં નહીં આવી શકે; તેથી મુસલમાનોએ પોતાનાં હિતોની રક્ષા કરવા માટે એક અલગ દેશ બનાવવો જોઈએ.

દેસાઈએ લખ્યું છે, "મહમદ ધાર્મિક વ્યક્તિ નહોતા. તેઓ નિયમિત રીતે નમાજ પઢવા મસ્જિદ પણ નહોતા જતા, પરંતુ અલ્પસંખ્યક તરીકે મુસલમાનોના અધિકારો માટે તેમને ચિંતા હતી."

મોહન અને મહમદની મુલાકાત

મોહન અને મહમદની છેલ્લી મહત્ત્વપૂર્ણ બેઠક સપ્ટેમ્બર 1944માં મુંબઈમાં થઈ હતી. મોહનનું માનવું હતું કે જો કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી થઈ જાય તો અંગ્રેજો સામે ભારત છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.

પહેલી બેઠક માટે મોહન 9 સપ્ટેમ્બર 1944એ મહમદના નિવાસે ગયા હતા. મહમદે આગ્રહ રાખ્યો હતો કે આ મુલાકાત તેમના ઘરે જ થાય.

પ્રમોદ કપૂરે પોતાના પુસ્તક 'ગાંધી એન ઇલસ્ટ્રેટેડ બાયૉગ્રાફી'માં લખ્યું છે, "9થી 27 સપ્ટેમ્બર વચ્ચે ગાંધી બિરલા હાઉસથી ચાલતાં ચૌદ વખત ઝીણાના ઘરે ગયા, જે નજીકમાં જ હતું. તેમણે એકબીજા સાથે અંગ્રેજીમાં વાત કરી. એ દરમિયાન મોહને મહમદને પોતાના વૈદ્ય પાસે મોકલ્યા. એ દરમિયાન જ્યારે ઈદનો તહેવાર આવ્યો તો મોહને તેમને દલિયાનાં પૅકેટ મોકલાવ્યાં. જ્યારે પત્રકારોએ મોહનને પૂછ્યું કે મહમદે તેમને શું આપ્યું? ત્યારે મોહનનો જવાબ હતો 'માત્ર ફૂલ'."

બેઠક પછી મહમદે એક નિવેદન જાહેર કર્યું, "મને એ કહેતાં દુઃખ થાય છે કે હું મિસ્ટર ગાંધીને પ્રભાવિત કરવાના મારા હેતુમાં નિષ્ફળ રહ્યો."

વાઇસરૉય લૉર્ડ વૅવેલે પોતાની ડાયરીમાં લખ્યું છે, "હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે મને આ વાતચીતના ખૂબ સારા પરિણામની આશા હતી. બે મોટા પર્વત મળ્યા જરૂર, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું. આનાથી નેતા તરીકેની ગાંધીની પ્રતિષ્ઠાને ચોક્કસપણે હાનિ થશે. હું માનું છું કે આનાથી પોતાના અનુયાયીઓમાં ઝીણાનું માન ચોક્કસ વધશે, પરંતુ તેનાથી એક સમજુ વ્યક્તિ તરીકેની તેમની પ્રતિષ્ઠામાં કશો વધારો નહીં થાય."

મોહન અને મહમદનું નિધન

3 જૂન 1947ની રાત્રે ભારત-પાકિસ્તાન વિભાજનની ઔપચારિક જાહેરાત થઈ. એ પ્રસંગે જવાહરલાલ નહેરુ, મહમદઅલી ઝીણા અને લૉર્ડ માઉન્ટબેટને રેડિયા પર ભારતના લોકોને સંબોધ્યા હતા.

સ્ટેનલી વૉલપર્ટે પોતાના પુસ્તક 'ઝિન્ના ઑફ પાકિસ્તાન'માં લખ્યું છે, "તે દિવસે નહેરુના ભાષણના અંતિમ શબ્દ હતા 'જય હિંદ', જ્યારે ઝીણાનો ઉચ્ચાર કંઈક એવો હતો, જાણે તેઓ કહી રહ્યા હોય, પાકિસ્તાન હવે અમારી ઝોળીમાં છે."

7 ઓગસ્ટ 1947ની સવારે મહમદે દિલ્હીને સદાને માટે અલવિદા કહ્યું અને તેઓ પોતાની બહેન સાથે વાઇસરૉયના ડકોટા વિમાનમાં બેસીને દિલ્હીથી કરાચી પહોંચી ગયા.

જ્યારે તેઓ કરાચીમાં ગવર્નર હાઉસનાં પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના એડીસી એસએમ અહસાનને કહ્યું, "મને આશા નહોતી કે મારા જીવનમાં હું પાકિસ્તાન બનતું જોઈ શકીશ."

મેઘનાદ દેસાઈએ લખ્યું, "આ બાજુ ઇંગ્લૅન્ડથી ભણીને પાછા આવેલા બે ગુજરાતીઓએ પોતાનું મોટા ભાગનું જીવન ભારતને પોતાનું શાસન અપાવવાની ઝુંબેશમાં ખર્ચી નાખ્યું, પરંતુ આ પ્રયાસમાં તેમને એ ન મળ્યું જેની આશામાં તેઓ જીવનભર ઝઝૂમ્યા હતા."

"ગાંધીને ભારતના રાષ્ટ્રપિતા માનવામાં આવ્યા, પરંતુ આ એ રાષ્ટ્ર નહોતું, જેને તેઓ જાણતા હતા. ઝીણાને પણ એ રાષ્ટ્ર ન મળ્યું જેની આઝાદી માટે શરૂઆતમાં તેઓ લડાઈઓ લડ્યા હતા. તેઓ એક નવો દેશ બનાવવામાં ચોક્કસ સફળ રહ્યા."

ભારત આઝાદ થયાના 13 મહિનામાં જ બંને નેતાઓએ સદાને માટે આંખો મીંચી દીધી.

સૌથી પહેલાં 31 જાન્યુઆરીએ મોહનની હત્યા થઈ અને તેના 8 મહિના પછી 11 સપ્ટેમ્બરે મહમદે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન