'હિમાલયમાં રહેતા યેતી'ની કહાણી, જેણે મહાન સિકંદરને પણ મોહિત કર્યા હતા

    • લેેખક, જોની વિલ્કેસ
    • પદ, બીબીસી હિસ્ટરી એક્સ્ટ્રા

ભારતમાંથી વિશ્વના સૌથી ઊંચા પર્વત શિખર ઍવરેસ્ટ પર જવાનો માર્ગ શોધવાની અને તેને સર કરવાની આશા સાથે 1921માં બ્રિટિશ માઉન્ટ એવરેસ્ટ રિકોનિસન્સ અભિયાન શરૂ થયું હતું.

તે અભિયાનની ટીમ પાછી ફરી ત્યારે ટીમના સભ્યો પાસે કેટલીય પ્રાદેશિક બીજી કથાઓ હતી.

પત્રકાર હેનરી ન્યુમેને તેમનો ઈન્ટર્વ્યુ કર્યો હતો. એમાં તેમણે હિમાલયના બરફમાં મોટા પગલાંના નિશાન મળી આવ્યાની વાતો કરી હતી.

આ અભિયાનનું નેતૃત્વ કરનાર ચાર્લ્સ હાવર્ડ-બ્યુરીએ તારણ કાઢ્યું હતું કે તે પગલાં વરુનાં હતાં.

જોકે, સ્થાનિક ગાઇડ્સ અને કુલીઓએ જણાવ્યું હતું કે તે પગલાં દંતકથાસમા મેટોહ-કંગમીના છે, જેનો અર્થ "માનવ-રીંછ હિમમાનવ" એવો થાય છે.

તિબેટના કેટલાક લોકોએ માણસ જેવાં પગલાંનાં નિશાન જોયાં હતાં. ઉત્સુક ન્યુમેને તેમની સાથે વાત કરી હતી અને એ લોકોએ હિમાલયમાં ફરતા એક રહસ્યમય, જંગલી જીવની કહાણીનો ઉલ્લેખ કર્યો હતો. તિબેટમાં કથિત હિમમાનવને યેતી કહેવામાં આવે છે.

આશ્ચર્યમુગ્ધ થયેલા ન્યુમેનને અખબારો માટે એ જીવના આકર્ષક નામની જરૂર હતી, કારણ કે મેટોહ-કંગમીના શબ્દ સાંભળીને તેમને એવો વિચાર આવ્યો હતો કે લોકો પેલા પ્રાણીને ઘૃણાસ્પદ હિમમાનવ કહે છે.

ન્યુમેન થોડોક વધારે પડતો વિચારોત્તેજક શબ્દ લાવ્યાઃ તિરસ્કારપાત્ર હિમમાનવ.

એ સાથે યેતીની કિવદંતી જગમશહૂર થઈ ગઈ, તેની કલ્પનાએ આકર્ષણ જગાવ્યું અને તે એક સદી કરતાં વધારે સમય સુધી ક્રિપ્ટો-ઝૂઓલોજિકલ અભ્યાસો, સંશોધનો અને સાઈટિંગ્ઝની પ્રેરણા બની ગઈ.

(ક્રિપ્ટો-ઝૂઓલોજી એક છદ્મ વિજ્ઞાન અને સબકલ્ચર છે, જેમાં તેનું અસ્તિત્વ વિવાદાસ્પદ કે અપ્રમાણિત હોય એવાં પ્રાણીઓ વિશે અભ્યાસ તથા સંશોધન કરે છે)

તેનો ઉલ્લેખ શરીર પર રુવાંટીવાળા વાંદરા જેવા બેપગા પ્રાણી તરીકે કરવામાં આવ્યો, જે વિવિધ આકાર અને કદનું હોય છે. કેટલીકવાર તેને માણસો કરતા ઊંચું અને કેટલીકવાર તેને નાનું, પરંતુ ભયાનક રીતે શક્તિશાળી ગણાવવામાં આવે છે.

જોકે, તેને બરફીલા પ્રદેશ સાથે સાંકળવા માટે તેની રુંવાટી શ્વેત હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેની રુવાંટીનો રંગ રેડિશ બ્રાઉન હોઈ શકે છે અને તે હિમાલયના જંગલમાં રહેતું હોવાનું માનવામાં આવે છે.

ફિલ્મોમાં યેતીને વિવિધ સ્વરૂપે દર્શાવવામાં આવ્યો હતો. ‘ધ એબોમિનેબલ સ્નોમેન’ (1957) માં તેને ખૂની ભયાનક રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યો હતો અને 2001ની ‘મૉન્સ્ટર્સ ઈન્ક’માં તેને ગુફામાં રહેતા પ્રેમપાત્ર પ્રાણી સ્વરૂપે દર્શાવવામાં આવ્યો હતો.

જોકે, યેતીના અસ્તિત્વના પુરાવાની વાત આવે ત્યારે કેટલાક લોકોએ નિહાળેલા પ્રાણીના પગલાંથી વિશેષ કશું સાંપડ્યું નથી અને તે હાવર્ડ બ્યુરી અને તેમની ટીમે શોધી કાઢેલા નથી.

તેનાં 30 વર્ષ પછી 1951માં ઍરિક શિપ્ટન અને માઇકલ વૉર્ડ નામના પર્વતારોહકોએ ઍવરેસ્ટના સ્થિતિસ્થાન તથા ક્ષેત્રનું અભ્સાય અર્થે ભ્રમણ કર્યું હતું. તેમને 4.500 મીટરથી વધુની ઊંચાઈએ આશરે 1.6 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલાં આવાં પગલાનાં નિશાન જોવાં મળ્યાં હતાં. તેમાં પંજાનાં નિશાન પણ હતાં.

શિપ્ટને તેના અનેક ફોટોગ્રાફ્સ લીધા હતા. તે પગલાંનું કદ માણસનાં પગલાં કરતાં લગભગ બમણું પહોળું હતું.

શિપ્ટને ઝડપેલા એ ફોટોગ્રાફ્સ વીસમી સદીમાં યેતી પ્રત્યેના આકર્ષણના પ્રતીક બની ગયા હતા.

હિમાલય પ્રદેશની પરંપરાગત વાર્તાઓમાં યેતીનો ઉલ્લેખ હિમનદીના આત્મા તરીકે કરવામાં આવે છે, જે શિકારીઓ માટે ભાગ્ય લઈને આવે છે અથવા એક એવા પ્રાણી તરીકે કરવામાં આવે છે, જે લોકોને પહાડોમાં બહુ દૂર જતા ડરાવે છે.

આવી કલ્પના અસાધારણ હતી. આજની દુનિયામાં યેતી બે પગવાળા જંગલી પ્રાણી પરિવારનો હિસ્સો છે. તેમાં ઉત્તર અમેરિકાના સાસ્ક્વાચ, ઑસ્ટ્રેલિયાના યોવી અને ઍમેઝોનના મૅપિનગ્વારીનો સમાવેશ થાય છે.

દંતકથાની કથા

બ્રિટિશ શોધકર્તાઓને પગના નિશાન મળ્યા તેના બહુ પહેલાંથી એક ભૌતિક પ્રાણી તરીકે યેતીનું અસ્તિત્વ સ્થાપિત થઈ ગયું હતું.

એવું કહેવાય છે કે ઈસવી પૂર્વે 326માં મહાન સિકંદરે ભારતીય ઉપમહાદ્વીપ પર આક્રમણ કર્યું ત્યારે તેણે યેતીને જોવાની માગણી કરી હતી, પરંતુ યેતી ઓછી ઊંચાઈ પર જીવિત રહેશે નહીં, એવો દાવો કરીને સ્થાનિક લોકોએ તેનો ઇનકાર કર્યો હતો.

સદીઓ સુધી યેતીની કહાણી ચાલુ રહી હતી. તેને મોટા મેહ-તેહ, નાનકડા તેહ-ઈમા અને વિશાળ દજુ-તેહ અથવા ન્યાલમ તરીકે વર્ણવવામાં આવતો રહ્યો હતો. તેની દંતકથા પૌરાણિક કથાનો હિસ્સો બની ગઈ હતી અને બૌદ્ધધર્મ તરીકે સમગ્ર પ્રદેશમાં ફેલાયો હતો.

યેતીને જોવાથી અપશુકન થાય તેવી સ્થાનિક માન્યતા હતી. તેથી વીસમી સદી સુધી યેતી ઘણા અંશે વણસ્પર્શ્યો રહ્યો હતો, જે ક્રિપ્ટો-ઝૂઓલોજી માટે ફળદ્રુપ સમય સાબિત થયો હતો.

પત્રકાર હેનરી ન્યૂમેને ‘તિરસ્કારપાત્ર હિમમાનવ’ શબ્દ 1921માં લોકપ્રિય બનાવ્યો તેના બે દાયકા પછી બે પગપાળા પ્રવાસીઓએ હિમાલયના બરફ પર "બે કાળા ધાબા" ફરતા જોયા હોવાનો દાવો કર્યો હતો.

એ પછી 1951માં શિપ્ટને ઝડપેલી તસવીરો, બે વર્ષ પછી ઍવરેસ્ટ ફતેહની સહાયથી આ ક્ષેત્ર અને ત્યાં સંભવતઃ રહેતા યેતી પર લોકોનું ધ્યાન કેન્દ્રીત થયું હતું.

કાઠમાંડુમાંના અમેરિકન દૂતાવાસે વૉશિંગ્ટન ડીસીમાંના વિદેશ વિભાગને યેતી શિકારીઓના સમૂહના હિમાલય તરફ આવવા બાબતે 1959માં એક મેમો પણ ઇશ્યુ કર્યો હતો.

‘નેપાળમાં પર્વતારોહણ અભિયાનના યેતી સંબંધી નિયમો’માં યાત્રા પર જવા ઇચ્છુક તમામ લોકો માટેના ત્રણ નિયમોનો સમાવેશ થતો હતો.

પહેલામાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રાણીની શોધની પરવાનગી મેળવવા માટે નેપાળ સરકારને રૂ. 5,000 ચૂકવવા પડશે.

બીજા નિયમમાં કહેવામાં આવ્યું હતું કે "યેતી મળી આવે તો તેના ફોટોગ્રાફ્સ ઝડપી શકાશે અથવા તેને જીવંત પકડી શકાશે, પરંતુ આત્મરક્ષા સિવાયની પરિસ્થિતિમાં તેની હત્યા કે તેને ગોળી મારી શકાશે નહીં."

તેમાં જણાવવામાં આવ્યું હતું કે તમામ તસવીરો સત્તાવાળાઓને સોંપી દેવાની રહેશે.

ત્રીજા નિયમમાં એવી શરત હતી કે "આ પ્રાણીના વાસ્તવિક અસ્તિત્વ પર પ્રકાશ પાડતા કોઈ પણ સમાચાર કે રિપોર્ટ" સાચા હોવાની ખાતરી કરાવવી પડશે.

હાથ અને ખોપરી નજરે પડ્યાની વાત

પ્રવાસીઓ થોડી પ્રગતિનાં સપનાં નિહાળતા હતા અને તેઓ યેતી સંબંધી કશું પણ શોધવા ઇચ્છતા હતા.

ટેક્સાસના ઍઇલ વેપારી ટોમ સ્લિકએ આપેલી આર્થિક સહાયથી સંચાલિત એક અભિયાનના સભ્યોએ 1950ના દાયકાના ઉત્તરાર્ધમાં પેંગબોચે ગામના બૌદ્ધ મઠમાં એક અનોખી વસ્તુ શોધી કાઢી હતી. તે કથિત યેતીનો મમીકૃત હાથ હતો.

બૌદ્ધ મઠને કથિત રીતે દાન દીધા બાદ શોધકર્તા પીટર બર્ન તેની એક આંગળી મેળવવામાં સફળ થયા હતા અને તેને દાણચોરી વડે નેપાળની બહાર લઈ ગયા હતા.

તેમણે સ્લિકના દોસ્ત અને હોલીવૂડ સ્ટાર જેમ્સ સ્ટીવર્ટની મદદથી આવું કર્યું હતું. સ્ટીવર્ટે તેમની પત્નીના લગેજમાં અન્ડરવેરમાં વીંટાળીને તે આંગળી છૂપાવી દીધી હતી.

1960માં શરીરનું એક વધુ અંગ જોવા મળ્યું હતું.

તેનઝિંગ નૉર્વેએ ઍવરેસ્ટના ઐતિહાસિક ચડાણ દરમિયાન પગના અજબ નિશાન જોયા પછી સર એડમન્ડ હિલેરી યેતીની શોધમાં નીકળ્યા હતા અને યેતીની ખોપરી સાથે પાછા ફર્યા હતા. એ ખોપરી તેમણે ખુમજંગના એક મઠ પાસેથી ઉધાર લીધી હતી.

જોકે, પરીક્ષણ કરતાં જાણવા મળ્યું હતું કે હેલમેટ આકારની તે ત્વચા મકરોનિસની હતી, જે સામાન્ય રીતે સેરાસ નામે ઓળખાતું બકરી જેવું પ્રાણી છે.

પેંગબોચે ગામમાંથી મળેલા હાથનું ડીએનએ પરીક્ષણ 2011માં કરવામાં આવ્યું હતું. તેમાં સાબિત થયું હતું કે તે માણસનો હાથ છે.

પર્વતારોહકોએ જોયેલાં તમામ નિશાનોની વ્યાખ્યા કરી શકાય એ દેખીતું છે.

અલગ-અલગ પગલાંનાં નિશાન પર્વત પરથી પડેલા પત્થરોના હોઈ શકે છે, જે બરફ પીગળવાને કારણે વિકૃત થયાં હોય તે શક્ય છે.

અનેક પગલાંનાં નિશાન સંભવતઃ એક અલગ જાનવરનાં હતાં, જે આગળ જતાં અને પાછા આવતા એક જ સ્થાને પડ્યાં હોવાને લીધે મોટાં પદચિહ્ન બની ગયાં હતાં.

ઍડમન્ડ હિલેરીના અભિયાનના ડૉ. માઇકલ વૉર્ડે નોંધ્યું હતું કે તે એ કોઈ વ્યક્તિના અસામાન્ય આકારના પગનાં નિશાન પણ હોઈ શકે છે, કારણ કે તેઓ એવા તિબેટીયનો અને નેપાળીઓને મળ્યા હતા, જેમના પગના અંગૂઠા "પગના બાકીના હિસ્સાના સમકોણ પર હતા."

યેતીને કોઈએ નિહાળ્યો હતો?

1986માં એક સખાવતી કામ માટે હિમાલયના પ્રવાસે ગયેલા અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની ઍન્થની વૂલ્ડ્રિજે દાવો કર્યો હતો કે તેમણે તેમનાથી માત્ર 150 મીટર દૂર એક યેતીને નિહાળ્યો હતો અને તેનો ફોટોગ્રાફ લેવામાં સફળ થયા હતા.

પૂરક ઑક્સિજન વિના ઍવરેસ્ટ આરોહણ માટે વિખ્યાત ઇટાલીના અનુભવી પર્વતારોહક રેનહોલ્ડ મેસનરે એ જ વર્ષે દાવો કર્યો હતો કે તેમણે પણ યેતીને નિહાળ્યો હતો.

તેમણે બીજા યેતીને શોધવાં વર્ષો સુધી પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી, જ્યારે વૂલ્ડ્રિજની કથાનો સાર એ હતો કે તેમણે એક અસામાન્ય આકારની શીલા જોઈ હતી.

યેતીનું અસ્તિત્વ છે કે નહીં?

પોતે યેતીને નિહાળ્યો હોવાના દાવા ઘણા લોકો કરતા રહ્યા છે. તેમાં નેપાળી પર્વતારોહક આંગ ત્સેરિંગ શેરપાનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાએ યેતીને નિહાળ્યો હતો.

તેમણે યેતીની દંતકથાઓનો હિસ્સો બનતી જાદુઈ શક્તિઓ તરફ ઇશારો કરતાં પહેલાં કહ્યું હતું, "યેતી આટલો મોટો નથી. તેનું કદ લગભગ સાત વર્ષના બાળક જેવડું છે, પરંતુ એ બહુ મજબૂત છે."

તેમણે ઉમેર્યું હતું, "યેતીએ મારા પિતાને પહેલાં જોયા હોત તો મારા પિતા એક ડગલું પણ ભરી શક્યા ન હોત. યેતી લોકોને હાલવા-ચાલવામાં અસમર્થ બનાવી દે છે અને પછી તેમને ખાઈ જાય છે."

તમામ વૈજ્ઞાનિક વિશ્લેષણો અને દાવાઓને ફગાવી દેવામાં આવ્યા હોવા છતાં યેતી પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી.

ક્રિપ્ટો-ઝૂઓલોજીના નિષ્ણાતો અને ઉત્સાહી લોકોએ 2011માં પશ્ચિમ સાઈબેરિયામાં એક સંમેલન યોજ્યું હતું અને યેતીના અસ્તિત્વના “નિર્વિવાદ પુરાવા”ની જાહેરાત કરી હતી. તેમણે પુરાવા તરીકે ઝાડની વળેલી ડાળીઓથી બનાવવામાં આવેલા માળા દર્શાવ્યા હતા.

જોકે, એ પછી તરત જ એક અમેરિકન માનવવિજ્ઞાની જેફ મેલ્ડ્રમે ખુલાસો કર્યો હતો કે રશિયાના અધિકારીઓએ પણ તે કથાને પબ્લિસિટી સ્ટંટ ગણાવી હતી.

પ્રખ્યાતિ અને કમાણી કરવાના હેતુથી પ્રેરિત ક્રિપ્ટો-ઝૂઓલોજી કાયમ છેતરપિંડીથી ગ્રસ્ત રહી છે.

કદાચ એ જ કારણસર ચીની શિકારીઓ 2010માં મીડિયા સમક્ષ ગયા હતા અને દાવો કર્યો હતો કે તેમણે વાળ-રહિત એક યેતીને પકડી પાડ્યો છે. (તે વાસ્તવમાં બિલાડી જેવું સિવેટ નામનું પ્રાણી હતું)

બધા ક્રિપ્ટિડ્સમાં સૌથી વધુ વૈજ્ઞાનિક સંશોધન યેતી બાબતે થયું છે. તેમાં પાછલા દાયકામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.

ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના આનુવંશિકીવિદ્ બ્રાયન સાઈક્સે યેતી સંબંધી કોઈ પણ પુરાવાના વિશ્લેષણનું વૈશ્વિક આહ્વાન 2013માં કર્યું હતું.

તેમને ડઝનબંધ સેમ્પલ્સ પ્રાપ્ત થયાં હતાં. એ પૈકીના બે વાળ (એક ઉત્તર ભારતના પશ્ચિમ હિમાલયમાંથી અને બીજો સેંકડો કિલોમીટર દૂર ભૂતાનથી મળ્યો હતો) એક પ્રાગૈતિહાસિક ધ્રુવીય રીંછના વાળ સાથે મેળ ખાતા હતા. કમસેકમ 40,000 વર્ષ પહેલાં ધ્રુવીય રીંછનું અસ્તિત્વ હોવાનું માનવામાં આવે છે.

સાઈક્સે એવી રસપ્રદ થીયરી રજૂ કરી હતી કે યેતીનું અસ્તિત્વ છે, પરંતુ તે સંકર રીછના સ્વરૂપમાં છે.

જો આ પ્રાગૈતિહાસિક વિસંગતિ ન હોય તો રીંછની અન્ય દુર્લભ પ્રજાતિઓ વાસ્તવિક યેતી હોઈ શકે છે.

રેનહોલ્ડ મેસનરે 1980ના દાયકામાં એવું તારણ કાઢ્યું હતું કે તે તિબેટીયન બ્લુ રીંછ કે હિમાલયન બ્રાઉન રીંછ હોઈ શકે છે.

વિદ્વાન, પર્યાવરણ રક્ષણવાદી અને યેતીના અભ્યાસની બાબતમાં અગ્રણી અમેરિકન ડેનિયલ સી ટેલરે આ પ્રાણીની દાયકાઓ સુધી શોધ કરી હતી. તેમણે 2017માં તેમના અભ્યાસનો નિષ્કર્ષ પ્રકાશિત કર્યો હતો. તેમાં શિપ્ટનના ફૂટપ્રિન્ટ્સના વ્યાપક વિશ્લેષણનો પણ સમાવેશ થતો હતો.

‘યેતી: ધ ઇકોલૉજી ઑફ એ મિસ્ટ્રી’ નામના પુસ્તકમાં તેમણે એશિયન રીંછને સૌથી વધુ સંભવિત દાવેદાર ગણાવ્યા હતા.

આ તારણોથી બધાને ખાતરી થાય તે શક્ય નથી.

તિરસ્કારપાત્ર હિમમાનવ સંબંધી ઉત્સાહ અને અટકળોને એક સદી કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. પગલાનાં નિશાન, કથાઓ, દૃશ્યો અને નમૂનાઓની આ સદીમાં લૉક નેસ મૉન્સ્ટર તથા બિગફૂટ જેવા અપ્રમાણિત જાનવરો પ્રત્યેનો રસ પણ વધ્યો છે.

ઘણા લોકો માને છે કે યેતીનું અસ્તિત્વ છે અને યેતી પૃથ્વીની અદ્ભુત અજાણી બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે, જે ચોક્કસ પુરાવાના અભાવે ખંડિત થવાનું નથી.