મૃતદેહોના ફોટો પાડી કમાણી કરનારા 'પોસ્ટમોર્ટમ ફોટોગ્રાફર' મૃતકોને સુંદર કેવી રીતે દેખાડતા?

રિચર્ડ કેનેડી નવ વર્ષના હતા ત્યારથી ફોટોગ્રાફર તરીકે કામ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Richard Kennady

ઇમેજ કૅપ્શન, રિચર્ડ કેનેડી નવ વર્ષના હતા ત્યારથી ફોટોગ્રાફર તરીકે કામ કરી રહ્યા છે
    • લેેખક, પ્રમિલા ક્રિષ્નન
    • પદ, બીબીસી તામિલ સંવાદદાતા
ગ્રે લાઇન

ચેતવણીઃ આ સ્ટોરીમાં મૃતદેહોના ફોટોગ્રાફ્સ છે. વાચકોનો વિવેક અપેક્ષિત છે

“મારું કામ મૃતદેહને ખુરશી પર મૂકીને તેને સીધો બેસાડવાનું હતું,” રવિન્દ્રને તેના કામના પહેલા દિવસની વાત કરતા કહે છે.

“એ પછી ફોટો ક્લિક કરી શકાય એટલે મારે મૃતદેહની પાંપણ ઊંચી કરવી પડી હતી.”

રવિન્દ્રનના પિતા શ્રીનિવાસન ફોટો સ્ટુડિયો ચલાવતા હતા અને 1972માં રવિન્દ્રન માત્ર 14 વર્ષના હતા ત્યારે પિતાએ તેમને એક કામ સોંપ્યું હતું. ખુરશી પર એક મૃતદેહ હતો અને રવિન્દ્રનને ખુરશીની પાછળ સ્ક્રીન તરીકે સફેદ કપડું પકડી રાખવાનું કહેવામાં આવ્યું હતું. રિચર્ડ કેનેડી નવ વર્ષના હતા ત્યારે તેમણે પણ આવો જ અણગમો અનુભવ્યો હતો.

રવિન્દ્રને બીબીસીને કહ્યું, “હું ડરી ગયો હતો અને ધ્રૂજતો હતો. એ રાતે હું બિલકુલ ઊંઘી શક્યો ન હતો. ઘણી રાત સુધી મને એક દુઃસ્વપ્ન આવતું હતું, જેમાં મૃત વ્યક્તિ મને દેખાતી હતી. તે ભયાનક હતું.”

આ બન્ને પુરુષો ફોટોગ્રાફી ક્ષેત્રમાં એટલા માટે પ્રવેશ્યા હતા, કારણ કે બન્નેના પિતા ફોટો સ્ટુડિયો ચલાવતા હતા. બન્નેએ સાથે મળીને 1,000થી વધુ મૃત લોકોના ફોટા ક્લિક કર્યા છે.

દક્ષિણ ભારતના તામિલનાડુમાં મૃતકોના ફોટા લેવામાં નિષ્ણાત ફોટોગ્રાફરોની સંખ્યા ઘટી રહી છે અને આ બન્નેનો તેમાં સમાવેશ થાય છે.

તેમણે બીબીસી સાથે તેમના અસાધારણ, અકળાવનારા કામ વિશે વાત કરી હતી. 1970 અને 1980ના દાયકામાં તે સારા વળતરવાળું કામ હતું.

ગ્રે લાઇન

ડર સામે લડાઈ

રવિન્દ્રન (જમણે) કહે છે કે તસવીરો ખેંચીને તેઓ સારા પૈસા કમાયા છે

ઇમેજ સ્રોત, Ravindran

ઇમેજ કૅપ્શન, રવિન્દ્રન (જમણે) કહે છે કે તસવીરો ખેંચીને તેઓ સારા પૈસા કમાયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તામિલનાડુમાં ઘણા સમુદાયોમાં થોડા દાયકા પહેલાં સુધી એવી માન્યતા હતી કે ફોટોગ્રાફ ક્લિક કરાવવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થઈ જાય છે. તેનો અર્થ એ થાય કે ઘણા લોકોનો પ્રથમ ફોટોગ્રાફ તેમના મૃત્યુ પછી જ ક્લિક કરવામાં આવ્યો હતો.

રવિન્દ્રન રાજ્યની રાજધાની ચેન્નઈથી 400 કિલોમીટર દક્ષિણે આવેલા કરાઈકુડી ગામના છે. મૃત વ્યક્તિના ફોટા પાડવાનું કામ કિશોર વયે રવિન્દ્રન માટે સુખદ નહોતું, પરંતુ તેમને ભણવું ગમતું નહોતું. તેથી તેમને ભણતર છોડવાનું બહાનું મળ્યું હતું.

રવિન્દ્રને કહ્યું, “થોડા મહિના તાલીમ લીધા પછી હું મૃત વ્યક્તિના ફોટો ક્લિક કરવા એક જતો થયો હતો.”

રવિન્દ્રને ધીમે ધીમે આ કામમાં કુશળતા મેળવી હતી. મૃતદેહનું માથું ઝૂકી ન જાય એટલા માટે પાછળ ઓશિકું રાખવાનું, કપડાં વ્યવસ્થિત કરવાનું અને બૅકગ્રાઉન્ડ બદલવાનું રવિન્દ્રન શીખ્યા હતા.

“મેં મારા ડરનો સામનો કર્યો હતો અને મારા કામને ગમાડવાનું શરૂ કર્યું હતું. મેં મૃતદેહોને પણ ફોટોગ્રાફમાં સારા અને વાસ્તવિક દેખાડ્યા હતા.”

રિચર્ડે વહેલી શરૂઆત કરી હતી. તેઓ ચેન્નઈથી આશરે 350 કિલોમીટર દૂર પશ્ચિમમાં ચરકૌડ પહાડીમાં પિતા સાથે કામ પર જતા હતા.

તેમનો સૌથી મુશ્કેલ અનુભવ એક મૃત નવજાત શિશુના ફોટા પાડવાનો હતો. એ ઘટનાને યાદ કરતા રિચર્ડે કહ્યું, “બાળકનાં માતાપિતા ભાંગી પડ્યાં હતાં. માતા સતત ચોધાર આંસુએ રડતી હતી.”

રિચર્ડ પહોંચ્યા પછી માતાએ તેના મૃત સંતાનને સ્નાન કરાવ્યું હતું, નવો ગાઉન પહેરાવ્યો હતો અને થોડો મેકઅપ કર્યો હતો.

રિચર્ડે કહ્યું, “બાળક ઢીંગલી જેવું દેખાતું હતું. માતાએ તેને ખોળામાં બેસાડ્યું અને મેં તેનો ફોટો પાડ્યો. બાળક જાણે કે સૂઈ રહ્યું હોય તેવું લાગતું હતું.”

ગ્રે લાઇન

‘એ ખૂબ જ લાગણીભર્યું હતું’

કેટલાક પરિવારો દફન પહેલાં તમામ ધાર્મિક વિધિઓના ફોટોગ્રાફ કરવા માંગતા હતા

ઇમેજ સ્રોત, Richard Kennady

ઇમેજ કૅપ્શન, કેટલાક પરિવારો દફન પહેલાં તમામ ધાર્મિક વિધિઓના ફોટોગ્રાફ કરવા માંગતા હતા

મૃતદેહને સ્નાન કરાવવા અને તેને ફૂલોથી સજાવવા જેવી કેટલીક અંગત વિધિઓના ફોટો પણ તેમણે પાડ્યા હતા. કેટલાક પરિવારો એક અથવા બે ફોટાથી ખુશ થઈ જતા હતા, જ્યારે અન્ય લોકો વધુ ફોટોગ્રાફ્સની માગ કરતા હતા.

રવિન્દ્રને કહ્યું, “હું સ્મશાનભૂમિ પર પણ ગયો હતો અને મૃતદેહોને દફનાવવામાં આવી રહ્યા હતા તે ક્ષણોને કૅમેરામાં કેદ કરી હતી.”

ફોટોગ્રાફરો પાસે બહુ ઓછો સમય રહેતો હતો. તેમણે રાતોરાત ફોટા ડેવલપ કરીને પ્રિન્ટ કરવા પડતા હતા, કારણ કે શોકગ્રસ્ત પરિવારોને બીજા દિવસની મરણોત્તર વિધિ માટે મૃતકોને ફ્રેમ કરેલા ફોટાની જરૂર પડતી હતી.

રવિન્દ્રન અને રિચર્ડ બન્નેએ બ્લૅક ઍન્ડ વ્હાઇટ કૅમેરાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેમનું કામ યોગ્ય રીતે કર્યું હતું.

તેમના ગ્રાહકોમાં હિંદુ અને ખ્રિસ્તી પરિવારોનો સમાવેશ થાય છે. કેટલાક લોકો તેમના મૃત પરિવારજનોના ફોટા પ્રાર્થના ખંડમાં રાખે છે.

રવિન્દ્રનને બે મૃત મુસ્લિમના ફોટા પાડ્યા હોવાનું યાદ છે, પરંતુ રિચર્ડને આવો કોઈ અનુભવ થયો નથી.

ગ્રે લાઇન

દુઃસ્વપ્ન

મૃતકોના પરિવારજનો પાસેથી ભેટ તરીકે પૈસા પણ મળતા હતા

ઇમેજ સ્રોત, Richard Kennady

ઇમેજ કૅપ્શન, મૃતકોના પરિવારજનો પાસેથી ભેટ તરીકે પૈસા પણ મળતા હતા

રિચર્ડ પોલીસ વિભાગ માટે પણ કામ કરતા હતા. તેમણે અપરાધ, આત્મહત્યા અને માર્ગ અકસ્માતોનો ભોગ બનવાને કારણે મૃત્યુ પામેલા લોકોના ફોટા પાડ્યા હતા. કેટલીકવાર તો અત્યંત વિકૃત થઈ ગયેલા મૃતદેહોના ફોટા પણ પાડવા પડ્યા હતા.

રિચર્ડે કહ્યું, “એ ખૂબ જ પરેશાન કરનારું હતું. હું કેટલીકવાર ખાઈ કે ઊંઘી શકતો નહોતો.”

તેમના ફોટાનો ઉપયોગ કોર્ટમાં પુરાવા તરીકે કરવામાં આવતો હતો અને ફોટોગ્રાફને કારણે ઘણીવાર મૃતકોના પરિવારજનોને વળતર પ્રાપ્ત કરવામાં મદદ મળી હતી.

ફોટોગ્રાફરોના આ પ્રકારના કામ માટે સારું એવું મહેનતાણું મળતું હતું. મૃતદેહોના ફોટોગ્રાફ્સ ક્લિક કરવા માટે તેઓ બમણી ફી વસૂલી શકતા હતા. તેમને મૃતકોના પરિવારજનો પાસેથી ભેટ તરીકે પૈસા પણ મળતા હતા, પરંતુ આ ભયાનક કામ સાથે કલંક પણ જોડાયેલું હતું.

રિચર્ડે કહ્યું, “ઘણા ગ્રાહકો મને બીજું કોઈ કામ આપવા રાજી નહોતા.”

રવિન્દ્રનનો હિંદુ પરિવાર મૃત્યુ સાથે સંકળાયેલી કોઈ પણ જગ્યાને અશુદ્ધ માને છે. તેથી તેમણે ઘર અથવા સ્ટુડિયોમાં પ્રવેશતા પહેલાં ફરજિયાતપણે શુદ્ધ થવું પડતું હતું.

રવિન્દ્રને કહ્યું, “મારે દરેક વખતે સ્નાન કરવું પડતું હતું. મારા પપ્પા કૅમેરાને સ્ટુડિયોની અંદર લઈ જતા અને તેના પર પણ થોડું પાણી છાંટતા હતા.”

ગ્રે લાઇન

પ્રચલિત પ્રથા

20મી સદીની શરૂઆત સુધી ઘણી સંસ્કૃતિઓમાં મૃતકોના ફોટા લેવાનું સામાન્ય હતું - આ તસવીર 1850ની આસપાસ એક ફ્રેન્ચ કલાકાર દ્વારા લેવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Heritage Art/Getty

ઇમેજ કૅપ્શન, 20મી સદીની શરૂઆત સુધી ઘણી સંસ્કૃતિઓમાં મૃતકોના ફોટા લેવાનું સામાન્ય હતું - આ તસવીર 1850ની આસપાસ એક ફ્રેન્ચ કલાકાર દ્વારા લેવામાં આવી હતી

મૃતકોના ફોટા પડાવવાની પ્રથા ભૂતકાળમાં ઘણા દેશોમાં પ્રચલિત હતી.

19મી સદીની મધ્યમાં ઘણા શોકગ્રસ્ત પરિવારોએ તેમના મૃત સંતાનો તથા અન્ય સંબંધીઓ સાથે ફોટા પડાવ્યા હતા.

એ જમાનામાં ફોટો પડાવવાનું મોંઘું હતું અને જીવતા લોકો ફોટા પડાવતા નહોતા. એ યુગમાં મૃતદેહનો ફોટો ક્લિક કરવો એ તેમના માટે મૃત પ્રિયજનની સ્મૃતિને સાચવી રાખવાનો એક માર્ગ હતો.

અમેરિકામાં ઘરમાં મૃતદેહને બરફની પાટ પર રાખવામાં આવ્યો તેવા ફોટો ક્લિક કરવામાં આવતા હતા. અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સમયસર પહોંચી શકે તેમ ન હોય કે પ્રવાસ કરી શકે તેમ ન હોય એવા પરિવારજનો માટે પોસ્ટમોર્ટમના ફોટા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતા.

વિક્ટોરિયા કાળના બ્રિટનમાં પણ મૃતકના આવા ફોટોગ્રાફ્સ લોકપ્રિય હતા.

ઓરી, ડિપ્થેરિયા, સ્કાર્લેટ ફીવર અને રુબેલા જેવા રોગથી પીડિત શહેરોમાં મૃત્યુ ગમે ત્યારે આવી શકતું હતું. ઘણા લોકોએ તેમના ટૂંકા જીવનકાળ દરમિયાન ફોટા ક્યારેય પડાવ્યા નહોતા.

પોસ્ટમોર્ટમ ફોટો પ્રિય સંતાનની સ્મૃતિને કાયમ જાળવી રાખવાની છેલ્લી તક જેવો હતો, પરંતુ 20મી સદીમાં આ પ્રથા મોટાભાગની દુનિયામાંથી અદૃશ્ય થઈ ગઈ હતી. આરોગ્ય સંભાળની વ્યવસ્થા બહેતર થવાથી લોકોનું આયુષ્ય વધ્યું એ તેમાં કારણભૂત હોઈ શકે.

જોકે, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ તથા ઓડિશા જેવાં અન્ય રાજ્યોમાં તેમજ પવિત્ર શહેર વારાણસીમાં તે પ્રથા થોડી લાંબી ચાલી હતી.

રિચર્ડ આ ફોટોગ્રાફ્સને અગાઉના પૉર્ટ્રેટ પેઇન્ટીંગ્ઝનો તાર્કિક વિસ્તાર માને છે.

તેમણે કહ્યું, “ફોટોગ્રાફીના આગમન પહેલાં મોટા જમીનદારો કળાકારો પાસે તેમનાં તૈલચિત્રો તૈયાર કરાવતા હતા. ફોટોગ્રાફી સ્મૃતિને જાળવી રાખવાની પ્રથાનો વિસ્તાર હતી. માત્ર ધનિક લોકો જ પૈસા ખર્ચીને પોતાનું પૉર્ટ્રેટ બનાવડાવી શકતા હતા, પરંતુ ફોટોનો ખર્ચ ગરીબોને પણ પોસાય તેવો હતો.”

ગ્રે લાઇન

અંતનો આરંભ

રવિન્દ્રને સ્કૂલના કાર્યક્રમો અને જાહેર સમારંભો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આખરે તેઓ લગ્નની ફોટોગ્રાફી કરવા તરફ વળ્યા હતા

ઇમેજ સ્રોત, Ravindran

ઇમેજ કૅપ્શન, રવિન્દ્રને સ્કૂલના કાર્યક્રમો અને જાહેર સમારંભો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આખરે તેઓ લગ્નની ફોટોગ્રાફી કરવા તરફ વળ્યા હતા

જોકે, 1980ના દાયકાના અંતમાં સસ્તા કૅમેરાથી માર્કેટ છલકાઈ ગઈ હતી. એ કૅમેરાનો ઉપયોગ કોઈ પણ કરી શકતું હતું. એ સાથે ફોટામાં મઢાઈ જવાનો ડર દૂર થવા લાગ્યો હતો.

રિચર્ડે કહ્યું, “ઘણાએ નાના કૅમેરા ખરીદ્યા હતા અને ફોટો ક્લિક કરવાનું શરૂ કર્યું હતું.”

આ સાથે ફોટોગ્રાફરોની માગ ઘટવા લાગી હતી. તેથી તેઓ પોતાની આવક વધારવા ચર્ચમાં યોજાતા કાર્યક્રમો અને તહેવારોની ફોટોગ્રાફી કરવા તરફ વળ્યા હતા.

રવિન્દ્રને સ્કૂલના કાર્યક્રમો અને જાહેર સમારંભો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આખરે તેઓ લગ્નની ફોટોગ્રાફી કરવા તરફ વળ્યા હતા.

હવે સાઠથી વધુ વર્ષના થયેલા રવિન્દ્રન એ તમામ લોકોનો આભાર માને છે, જેમણે તેમને ફોટોગ્રાફી શીખવામાં અને મૃત્યુના ભય પર વિજય મેળવવામાં મદદ કરી. જોકે, પોતે મૃત્યુ પામે ત્યારે પણ આ પ્રથા ચાલુ રહે એવું તેઓ ઇચ્છતા નથી.

રિચર્ડે તેમના દાદા મૃત્યુ પામ્યા પછી તેમનો ફોટો ક્લિક કર્યો હતો

ઇમેજ સ્રોત, Richard Kennady

ઇમેજ કૅપ્શન, રિચર્ડે તેમના દાદા મૃત્યુ પામ્યા પછી તેમનો ફોટો ક્લિક કર્યો હતો

તેમણે સ્પષ્ટ કહ્યું, “મારા મૃત્યુ પછી કોઈ મારો ફોટો ક્લિક કરે એવું હું ઇચ્છતો નથી.”

રિચર્ડે તેમના દાદા મૃત્યુ પામ્યા પછી તેમનો ફોટો ક્લિક કર્યો હતો. તેમની પાસે તેમના પૂર્વજોની ત્રણ પેઢીની તસવીરો છે. રવિન્દ્રનથી વિપરીત 54 વર્ષના રિચર્ડ પાસે આજે પણ મૃતકોના ફોટોગ્રાફ્સનું વિશાળ કલેક્શન છે.

રિચર્ડે કહ્યું, “અમારા પરિવારે અમારા પૂર્વજોના ફોટોગ્રાફ્સ કાયમ જાળવી રાખ્યા છે. મેં મારા સૌથી નાના પુત્રને કહ્યું છે કે મારા મૃત્યુ પછી તું મારો ફોટો ક્લિક કરજે અને એ ફોટોગ્રાફ પરિવારના વારસાનો એક હિસ્સો હોવો જોઈએ.”

રેડ લાઇન
રેડ લાઇન