એનો દાવો હતો કે મૃત શરીરમાં એ પ્રાણ ફૂંકી દેશે

ઇમેજ સ્રોત, Getty Images
ઇથિયોપિયામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેમાં પોતાને પયગંબર ગણાવનાર એક ઇથોપિયન નાગરિક એક મૃતદેહ પર સૂતેલા દેખાય છે.
આ ઘટના ઓરોમિયાના એક નાના શહેર ગૅલિલીની છે.
ગૅલિલીની એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, ગેતાયાવકાલ અયેલે નામના આ વ્યક્તિ મૃત વ્યક્તિના શોકગ્રસ્ત પરિવારજનો પાસે ગયા.
અયેલેએ તેમને બાઇબલની એક કથા સંભળાવી જેમાં ન્યૂ ટેસ્ટામેન્ટ અનુસાર ઈસુ ખ્રિસ્તે લઝારસ નામની વ્યક્તિના મૃત્યુના ચાર દિવસ બાદ તેને પુનર્જીવિત કરી દીધો હતો.
ત્યારબાદ ગેતાયાવકાલે પરિવારજનો સમક્ષ દાવો કર્યો કે એ મૃત વ્યક્તિ બિલે બિફ્ટૂને પુનર્જીવિત કરી દેશે.
ત્યારબાદ કબરને ખોદી કાઢવામાં આવી.

કબરમાંથી મૃતદેહ કાઢવામાં આવ્યો

ઇમેજ સ્રોત, facebook
વીડિયોમાં દેખાય છે કે, ગેતાયાવકાલ મૃતકને પોકારીને ઉઠાડવાની કોશિશ કરે છે. ત્યારબાદ એ મૃતક બિફ્ટૂના શબ ઉપર સૂઈ જાય છે.
તેમણે ઘણી વખત 'બિલે ઉઠો... બિલે ઉઠો...'નો પોકાર કરીને મૃતદેહને ઉઠાડવાની કોશિશ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
જ્યારે સતત અવાજ દઈને ઉઠાડવાની કોશિશ કર્યા બાદ પણ કોઈ અસર ન થઈ ત્યારે ગેતાયાવકાલ મૃત શરીર પરથી હટી ગયા અને થોડીવાર સુધી લાશને જોતા રહ્યા.
નિષ્ફળ સાબિત થઈ ચૂકેલા ગેતાયાવકાલ જેવા કબરના ખાડામાંથી બહાર નીકળ્યા બિલે બિફ્ટૂના પરિવારજનો ખૂબ જ ગુસ્સે થયા અને તેમના પર હુમલો કરી દીધો.
થોડીવારમાં જ ત્યાં પોલીસ પહોંચી ગઈ અને ગેતાયાવકાલને બચાવી લીધા.
જોકે એનો એ મતલબ નહોતો કે તે પોતાના એ કૃત્યથી સાફ બચી ગયા હતા. ઇથિયોપિયામાં મૃતદેહ સાથે ચેડાં કરવા એ અપરાધ છે.
પોલીસ કમાન્ડરે બીબીસીને જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તે વ્યવસાયે એક આરોગ્ય કર્મચારી છે.
આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું અને ત્યારથી એ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે.
ગૅલિલીના સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે ગેતાયાવકાલ મૃત્યુ પામેલી વ્યક્તિને જીવિત કરવામાં નિષ્ફળ ગયા ત્યારે તેમના પરિવારના ઘણા સભ્યો બેભાન થઈ ગયા.
બાકીના લોકોએ ગુસ્સે થઈ ને તેમને ફટકારવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ પોલીસ પહોંચી અને તેમની ધરપકડ કરી લીધી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













