You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે શું ધ્યાન રાખવું, જો દાઝી જવાય તો શું કરવું જોઈએ?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
દિવાળીના તહેવારોમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. ઘણા લોકોને ફટાકડા ફોડવાની મજા આવતી હોય છે, પરંતુ આનંદની સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે, કારણ કે ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના બનાવો પણ બનતા હોય છે.
ન માત્ર દાઝી જવાના બનાવો બને છે, પરંતુ કેટલીક વખત આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે. જેથી ફટાકડા ફોડવા બાબતે ઘણી સાવધાની રાખવી જરૂરી છે.
નિષ્ણાત ડૉક્ટરોનું કહેવું છે કે દાઝી જવાનું પ્રમાણ બાળકોમાં સૌથી વધુ હોય છે, તેથી તેમના મતે બાળકોને ક્યારેય એકલા ફટાકડા ફોડવા માટે જવા દેવા જોઈએ નહીં.
તેમના મત પ્રમાણે બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે તેમની સાથે હંમેશાં રહેવું જોઈએ.
હવે, ફટાકડા ફોડતી વખતે શું-શું ધ્યાન રાખવું અને જો ફટાકડા ફોડતી વખતે દાઝી જવાય તો શું કરવું જોઈએ તે અંગે બીબીસી ગુજરાતીએ કેટલાક ડૉક્ટરો અને નિષ્ણાતો સાથે વાત કરી.
શું કરવું જોઈએ?
- ખુલ્લી જગ્યામાં જ ફટાકડા ફોડવા જોઈએ.
- આજુબાજુ કોઈ જ્વલનશીલ પદાર્થ કે વાહનો ન હોય તેની કાળજી રાખવી જોઈએ.
- હંમેશા લાયસન્સ ધરાવતા ફટાકડાવિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
- ફટાકડા ફોડતી વખતે કૉટનનાં કપડાં પહેરવાં જોઈએ તથા પગમાં ચપ્પલ કે બૂટ પહેરવા જોઈએ.
- બાળકો વડીલોની દેખરેખમાં જ ફટાકડા ફોડે છે તેનું ધ્યાન રાખવું.
- જો ફટાકડાનો અવાજ મોટો હોય તો કાનની સંભવિત બહેરાશને ટાળવા માટે કાનમાં કૉટન મૂકો.
- શ્વસન સાથેની આરોગ્યની સમસ્યા ધરાવતા લોકોએ ઘરની અંદર રહેવાનો આગ્રહ રાખવો.
- ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર અથવા અગરબત્તીનો ઉપયોગ કરો.
- ઇમર્જન્સી માટે પાણીની ડોલ સાથે રાખો.
- આગના કિસ્સામાં ફાયરબ્રિગેડને 101 પર કૉલ કરો.
- બને ત્યાં સુધી ખુલ્લા ગ્રાઉન્ડમાં જ ફટાકડા ફોડવા.
- ફટાકડા ફોડતી વખતે એક હાથનું અંતર રાખો.
- ફટાકડા ફોડતી વખતે તેના પર લખેલી સૂચનાઓ ખાસ વાંચો.
- ફટાકડાં એવા ફોડવા જે પર્યાવરણને અનુકૂળ હોય.
- પ્રદૂષણ ઓછું કરે તેવા ફટાકડા ફોડવા.
અમદાવાદના સિનિયર પ્લાસ્ટિક સર્જન શ્રીકાંત લાગવંકર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “તારામંડળની સળીઓ નાની હોય છે. જેને કારણે તે ફૂટે તો બાળકો દાઝી જવાના કિસ્સાઓ બનતા હોય છે. જેથી બાળકોને તારામંડળ સાવરણીની સળીમાં ભરાવીને આપવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે પણ સાવરણીની લાકડીમાં અગરબત્તી ભેરવીને ફટાકડા ફોડવા જોઈએ. જેથી દાઝી જવાની સંભાવનાને ઓછી કરી શકાય.”
તેઓ વધુમાં જણાવે છે કે કેટલાક લોકો હાથમાં ફટાકડા ફોડે છે તે જોખમી છે.
આ જોખમ પર પ્રકાશ પાડતા ડૉ. શ્રીકાંત લાગવંકર જણાવે છે, “આ જોખમી છે. ક્યારેક હાથમાં જ ફટાકડા ફૂટી જતા દાઝી જવાય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે ફટાકડાને ખિસ્સામાં મૂકવા ન જોઈએ કારણકે કોઈકવાર તણખાને કારણે ફટાકડા ખિસ્સામાં પણ ફૂટી જવાના બનાવો બને છે.
સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલના બર્ન વિભાગના વડા ડૉ વિજય ભાટિયા બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીત કરતા કહે છે, “ફટાકડા ફોડતી વખતે ખુલ્લા કપડાં ન પહેરવા જોઈએ. ફટાકડા ફોડો ત્યારે અન્ય ફટાકડા દૂર રાખવા જોઈએ."
તેઓ રૉકેટ ફોડવાને લઈને પણ કેટલીક તકેદારી રાખવાની સલાહ આપે છે.
તેમના મત પ્રમાણે, "રૉકેટ બિલ્ડિંગોથી દૂર ફોડવા જોઈએ. રૉકેટ આડા ક્યારેય ફોડશો નહીં. બૉટલમાં મૂકીને જ રૉકેટ ફોડવાં. બૉટલ પણ ધૂળ ભરીને મૂકવી જેથી રૉકેટ સળગે ત્યારે બૉટલ પડી ન જાય કારણકે તેમાં વજન હોય.”
તેમના જણાવ્યા પ્રમાણે રૉકેટ કે ફટાકડા ક્યારેક આડા ફાટવાને કારણે મોં કે પ્રાઇવેટ પાર્ટ સુદ્ધા દાઝી જવાના કિસ્સાઓ બન્યા છે.
કોઠી સળગાવતી વખતે તકેદારી રાખવાનું કહેતા તેઓ જણાવે છે, "કોઠી સળગી કે નહીં તે જોવા જતી વખતે આંખોને નુકસાન થયું હોય તેવા બનાવો પણ બને છે."
શું ન કરવું?
- સળગતી મીણબત્તી કે દીવાની આસપાસ ફટાકડા ન ફોડવા.
- વીજળીના થાંભલા અને તારની પાસે ફટાકડા ન ફોડવા.
- અડધા બળી ગયેલા ફટાકડાને ક્યારેય ફેંકશો નહીં કે અડશો નહીં.
- ફટાકડા ફોડવા માટે લાઇટર કે માચીસનો ઉપયોગ ટાળો.
- વાહનની અંદર ફટાકડા ફોડવાનો પ્રયાસ ન કરશો.
- આંખોમાં ગૉગલ્સ લગાવીને ફટાકડા ફોડો.
- ફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેની સાથે છેડછાડ કરવાનું ટાળો.
- ફટાકડો જો ન ફૂટ્યો હોય તો તેને ચકાસવા જવાનું ટાળો. કારણ કે તેને ચેક કરતી વખતે તે ફૂટી શકે છે અને અકસ્માત સર્જાઈ શકે છે.
- ફટાકડા ફોડતી વખતે નાયલૉન કે સિન્થેટિક વસ્ત્રો પહેરવાનું ટાળો.
ડૉ. વિજય ભાટિયા કહે છે, “ફટાકડા ફૂટ્યા ન હોય ત્યારે તેને જોતી વખતે પણ દાઝી જવાના કિસ્સાઓ બને છે.”
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી કહે છે, “દિવાળીના સમયમાં સૌથી વધુ હાથમાં ફટાકડા ફૂટવાના અને આંખમાં કાંકરી જવાના કે આંખમાં તણખો પડવાના બનાવો સૌથી વધારે બને છે.”
ડૉ. વિજય ભાટિયા જણાવે છે, “લાભ પાંચમના દિવસે લોકો દિવસે ફટાકડા ફોડે છે. તે વખતે ફટાકડાનો સ્પાર્કલ દેખાતો નથી તેથી આ દિવસે પણ દાઝી જવાના બનાવો બને છે.”
“હાથમાં ફટાકડા ફોડવાને કારણે ઘણીવાર આંગળી કે હાથ કપાવવો પડે તેવી સ્થિતિ નિર્માણ થાય છે.”
તેઓ કહે છે જો દાઝી જવાય તો પહેલા ઘરે એન્ટિસેપ્ટિક ક્રિમ પડી હોય તો તે લગાવી શકાય.
દાઝી જવાય તો શું કરવું?
- જો ફટાકડા ફોડતી વખતે ઈજા થાય તો ઈજાગ્રસ્ત જગ્યા પર પાણી રેડવું.
- ઈજાગ્રસ્ત વ્યક્તિને શાંત રાખો.
- તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જાવ.
ડૉ. વિજય ભાટિયા કહે છે, “ફટાકડા ફૂટ્યા ન હોય ત્યારે તેને જોતી વખતે પણ દાઝી જવાના કિસ્સાઓ બને છે.”
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડૉ. રાકેશ જોશી કહે છે,“દાઝી જવાના તમામ કિસ્સાઓમાં વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. માત્ર ગંભીર સ્થિતિમાં જ દર્દીને દાખલ કરવામાં આવે છે.”
ડૉ. શ્રીકાંત કહે છે, “દાઝી ગયા પછી જે ભાગમાં બર્ન હોય તે ભાગ પર ઠંડું પાણી રેડવું જોઈએ. લોકો ફ્રીઝનું પાણી રેડે છે પરંતુ તે નહીં માટલાનું પાણી જ રેડવું જોઈ. દાઝેલો ભાગ વધારે પાણીમાં ડૂબાડી ન રાખવો.”
તેઓ કહે છે, “લાભ પાંચમ પછી લોકો હૉસ્પિટલમાં આવે છે કારણકે તેમની માન્યતા છે કે લાભ પાંચમ સુધી ડૉક્ટરો હોતા નથી. પરંતુ દાઝી ગયા બાદ તરત જ ડૉક્ટર પાસે જવું.”
“ધનુરનું ઇંજેક્શન લેવું, ઘણા લોકો ઘરે જ સારવાર કરી નાખે છે. પરંતુ તે યોગ્ય નથી. ઘરના નૂસખા કરવા કરતાં ડૉક્ટરોની સલાહ લેવી જોઈએ.”
ડૉ. વિજય ભાટિયા જણાવે છે, “લાભ પાંચમના દિવસે લોકો દિવસે ફટાકડા ફોડે છે. તે વખતે ફટાકડાનો સ્પાર્કલ દેખાતો નથી તેથી આ દિવસે પણ દાઝી જવાના બનાવો બને છે.”
“હાથમાં ફટાકડા ફોડવાને કારણે ઘણીવાર આંગળી કે હાથ કપાવવો પડે તેવી સ્થિતિ નિર્માણ થાય છે.”
તેઓ કહે છે જો દાઝી જવાય તો પહેલા ઘરે એન્ટિસેપ્ટિક ક્રિમ પડી હોય તો તે લગાવી શકાય.
દાઝવાને કારણે કેવા પ્રકારના દર્દીઓ આવે છે તે અંગે વાત કરતાં વિજય ભાટીયા જણાવે છે કે “ફટાકડાને કારણે દાઝી જવાના અલગ અલગ પ્રકારના દર્દીઓ આવે છે."
તેઓ કહે છે કે જ્યારે ફટાકડો ફૂટ્યો ન હોય તેને ચેક કરવા જાય છે અને ફટાકડો ફૂટે ત્યારે મોં દાઝી જાય છે.
તેઓ કહે છે, "હાથમાં ફટાકડા ફૂટવાને કારણે હાથ દાઝી ગયો હોય અને આંગળીઓમાં લોહી ન જતું હોવાને કારણે આંગળી કાપવાના બનાવો પણ બને છે."
"ફટાકડા ખિસ્સામાં ફૂટવાના બનાવો બને છે. રૉકેટ કે ફટાકડા લૂંગીમાં ઘૂસી જવાના બનાવો બને છે જેથી પ્રાઇવેટ પાર્ટ દાઝી જાય છે. કોઠી સળગાવતી વખતે આંખોને પણ નુકસાન થવાની સંભાવના છે."
જાણકારો એમ પણ કહે છે કે ક્યારેક ખુલ્લા પગે ફટાકડા ફોડવામાં આવે ત્યારે પગનું તળિયું દાઝી જવાની સંભાવના છે તેથી ફટાકડા ફોડતી વખતે હંમેશા પગરખાં પહેરી રાખવાં જોઈએ.
નિષ્ણાતો કહે છે કે હવે પહેલાં કરતાં જાગૃતિ આવી હોવાથી દિવાળીના તહેવારોમાં દાઝી જવાના બનાવો ઓછા થયા છે પરંતુ છતાં લોકોએ તકેદારી રાખવી જરૂરી છે જેથી અકસ્માતને ટાળી શકાય.
પ્રદૂષણથી કેવી રીતે બચશો?
દિવાળી પર ફટાકડા ફોડતા પહેલાં શું તકેદારી લેવી જોઈએ? ફટાકડાથી થતા પ્રદૂષણથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ?
દિવાળી આવે એટલે ફટાકડાને લઈ અલગઅલગ પ્રતિભાવ મળતા હોય છે.
કેટલાક લોકોના માનવા પ્રમાણે ફટાકડા ફોડવાથી પ્રદૂષણ વધે છે એટલે ન ફોડવા જોઇએ.
તો કેટલાક લોકો કહે છે દિવાળી એક દિવસનો તહેવાર છે એટલે ફટાકડા તો ફોડવા જ જોઇએ પણ તકેદારી સાથે.
જાણકારો કહે છે કે જો દમ અને હ્રદયરોગના દર્દીઓ હોય તો તેમણે દિવાળીના તહેવારોના દસ દિવસો દરમિયાન બને તો ઘરમાંથી બહાર જવાનું ટાળવું જોઈએ.
વિસ્ફોટની ક્ષમતા ઓછી હોય તેવા ફટાકડા જ ફોડવા જોઈએ જેથી ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થાય.
દમના દર્દીઓએ ઇન્હેલર સાથે રાખવાનું સૂચન પણ ડૉક્ટરો કરે છે.
દિવાળીના દિવસોમાં માસ્ક પહેરીને બહાર જવું જોઈએ.
મનુષ્યની શ્રવણ ક્ષમતા 60 ડેસિબલ હોય છે તેનાથી વધુ વિસ્ફોટ ક્ષમતા ધરાવતા ફટાકડા ન ફોડવા જોઈએ નહીંતર કાનને નુકસાન થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન