માત્ર 100 રૂપિયામાં પણ સોનું કેવી રીતે ખરીદી શકાય?

ભારતીયોમાં સોનું ખરીદવાનું આકર્ષણ છે. એમાં ગુજરાતીઓ પણ બાકાત નથી. સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતમાં રેકૉર્ડ પ્રમાણમાં સોનું ખરીદવામાં આવે છે. દર વર્ષે ગુજરાતીઓએ ધનતેરસ અને દિવાળીમાં સારાં એવા પ્રમાણમાં સોનું ખરીદે છે.

ભારતમાં સોનું માત્ર રોકાણ માટે જ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક કારણોને લીધે પણ ખરીદવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોનામાં રોકાણ કરવાનું પ્રમાણ વધ્યું છે.

શેરબજારમાં ઉતારચઢાવ અને અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની ચિંતાઓને લીધે ઘણીવાર રોકાણકારો સોનામાં રોકાણ કરવાને સુરક્ષિત રસ્તો માને છે.

પરંતુ જ્યારે પણ સોનામાં રોકાણની વાત આવે છે તે ગુજરાતીઓ મોટાભાગે સિક્કા અથવા ઘરેણાંની ખરીદી કરતા હોય છે. બહુ ઓછા લોકોને ખબર છે કે સોનું માત્ર સિક્કા અથવા ઘરેણાં સ્વરૂપે જ નહીં પરંતુ બીજી અનેક રીતે ખરીદી શકાય છે?

ભારતમાં સોનું ખરીદવા માટે આજે અનેક વિકલ્પ હાજર છે અને તેમાં ખરીદીનું ચલણ વધી પણ રહ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કેટલાક વિકલ્પ એવા છે જેમાં સોનામાં નાનું રોકાણ પણ શક્ય છે.

તો આજે અમે તમને સોનું ખરીદવાના વિકલ્પો વિશે જણાવીશું, જેમાં તમને નાનું અથવા મોટું રોકાણ પણ કરી શકો છો.

સોનાના દાગીના

તો સૌથી પહેલાં ગોલ્ડ જ્વેલરી એટલે કે સોનાનાં ઘરેણાંની વાત કરીએ. સોનામાં રોકાણ કરવાનો આ સૌથી સરળ વિકલ્પ છે. પરંતુ જો ઘરેણાં ખરીદવાના કેટલાક ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે.

લાભ એ છે કે તમે ઘરેણાં પહેરી પણ શકો છો એટલે કે તે માત્ર એક રોકાણ નથી. તમે શુભ પ્રસંગોમાં તેને પહેરી શકો છો. તમને જો ક્યારેક પૈસાની જરૂર હોય ત્યારે ઘરેણાં ગિરવે મૂકીને તમે લૉન પણ લઈ શકો છો. ગોલ્ડ લૉનમાં વાર્ષિક વ્યાજ 12 ટકાથી પણ ઓછું હોય છે.

નુકસાન એ છે કે ઘરેણાં ખરીદતી વખતે મેકિંગ ચાર્જ આપવો પડે છે જે 10 ટકાથી પણ વધુ હોઈ શકે છે. ઘરેણાં ખરીદતી વખતે તમારે ત્રણ ટકા જીએસટી પણ આપવો પડે છે. બીજું નુકસાન એ છે કે ઘરેણાં વેચવા જાવ ત્યારે ઘણી વખત અપેક્ષા કરતાં ઓછી કિંમત મળે છે.

સોનાના સિક્કા અને બાર પણ સોનામાં રોકાણ માટે એક સારો વિકલ્પ છે. સિક્કા અને બારમાં મેકિંગ ચાર્જ આપવો પડતો નથી. શુદ્ધતાની ગૅરંટી હોય છે અને દરેક સિક્કા અથવા ગોલ્ડ હૉલમાર્ક હોય છે.

સોનાના સિક્કા અને ગોલ્ડ બાર જ્વેલર્સ, બૅન્ક અને ઇ-કૉમર્સ વેબસાઇટ પર મળે છે. આમાં માત્ર મુશ્કેલી એ છે કે સોનાના સિક્કા અને બારમાં ત્રણ ટકા જીએસટી આપવો પડે છે.

પરંતુ સિક્કા કે બિસ્કિટ અને ઘરેણાં ખરીદવામાં ફરક હોય છે.આ છે ઘરેણાંનો મેકિંગ ચાર્જ એટલે કે ઘડામણનો ખર્ચ.

ઘરેણાંની ઘડામણ 20થી 22 ટકાની આસપાસ પહોંચી શકે છે. એટલે કે એક લાખનું સોનું ખરીદો તો 20 હજાર ઘડામણના થાય, પરંતુ સામાન્ય રીતે સિક્કા કે બિસ્કિટ લેવામાં આ ઘડામણ બેથી ચાર ટકા જેટલો થઈ શકે છે.

જ્યારે તમે સોનું વેચો છો તો ઘડામણનો ખર્ચ ગણવામાં નથી આવતો, જેથી વેચતી વખતે નુકસાન ભોગવવાનું આવે છે.

ડિજિટલ ગોલ્ડ

ડિજિટલ ગોલ્ડ એટલે કે વર્ચ્યુઅલ સોનું, આ સોનું મૂર્ત સ્વરૂપે હોતું નથી. આ સોનામાં રોકાણ કરવાની એક પદ્ધતિ છે.

આ પદ્ધતિમાં સોનાને તમે ઓનલાઇન ખરીદી શકો છો અને ખરીદનાર ગ્રાહક વતી સોનું વેચનારની તિજોરીમાં સલામત રહે છે.

ગોલ્ડની ફિઝિકલ ખરીદીની માફક ડિજિટલ ગોલ્ડની ખરીદી પર પણ ત્રણ ટકા લેખે ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ એટલે કે GST ચૂકવવો પડે છે.

ડિજિટલ ગોલ્ડની શુદ્ધતા ખાતરીબંધ હોય છે, કારણ કે તે 24 કૅરેટના સ્વરૂપમાં જ વેચવામાં આવે છે, જે આ ધાતુની શુદ્ધતાનો સર્વોચ્ચ માપદંડ છે.

ડિજિટલ ગોલ્ડ તમે ઑનલાઈન પ્લૅટફોર્મ થકી ખરીદી શકો છે. મોટાભાગની મોબાઇલ પેમેન્ટ ઍપ્લિકેશનો મારફતે પણ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકાય છે. આ પ્રકારનું સોનું ખરીદવાનો સૌથી મોટો લાભ એ છે કે સોનું ખરીદવા માટે મોટી રકમની જરૂર હોતી નથી.

તમે 50 અથવા 100 રૂપિયાનું સોનું પણ ખરીદી શકો છો. ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 3 ટકા જીએસટી લાગે છે પરંતુ શુધ્ધતાની ખાતરી હોય છે.

બીબીસી ગુજરાતીએ વરિષ્ઠ બિઝનેસ પત્રકાર મહેશ ત્રિવેદી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "ગુજરાતની યુવા પેઢીમાં પણ આવું વલણ જોવા મળે છે અને તેઓ ડિજિટલ ગોલ્ડમાં વધારે રોકાણ કરે છે."

ડિજિટલ સોનાની ખરીદીમાં સ્ટોરેજને લગતી કોઈ સમસ્યા રહેતી નથી, કારણ કે ડિજિટલ ગોલ્ડ વીમાકૃત, સલામત બૅન્કોમાં રાખવામાં આવે છે. તેના માટે ગ્રાહકે વધારાના કોઈ પૈસા કે બૅન્ક લૉકરનું ભાડું પણ ચૂકવવું પડતું નથી.

નિષ્ણાતો જણાવે છે કે બૅન્કના લૉકરમાં ફિઝિકલ સ્વરૂપે રાખવામાં આવેલું સોનું વીમાકૃત હોવાથી તેમાં ભેળસેળનું જોખમ ઓછું હોય છે. અલબત, સ્ટોરેજની આ વ્યવસ્થા મર્યાદિત સમયગાળા માટે વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે.

સોનામાં રોકાણની સૌથી મૉડર્ન રીત - સૉવરિન ગોલ્ડ બૉન્ડ

સોનામાં રોકાણ કરવા માગતા લોકો માટે ભારત સરકાર સૉવરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમ ચલાવે છે, જે રોકાણ માટેનો એક સારો વિકલ્પ છે. ભારત સરકાર આ બૉન્ડની ગૅરંટી આપે છે એટલે નાણાં ડૂબી જશે એવું જોખમ પણ રહેતું નથી.

બૉન્ડમાં રોકાણની સામે સરકાર એક ચોક્કસ વ્યાજ આપે છે. જો સોનાની કિંમતમાં વધારો થાય તો તેનો લાભ પણ તમને મળે છે. ભારત સરકાર સમયાંતરે નવા બૉન્ડના વેચાણ માટે જાહેરાત આપતી હોય છે. વર્ષે એક અથવા બે વખત સરકાર બૉન્ડમાં રોકાણ માટે અરજીઓ મંગાવતી હોય છે.

જો તમે સૉવરિન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવા માગતા હોવ તો સેકન્ડરી માર્કેટથી પહેલાથી બહાર પાડવામાં આવેલા બૉન્ડની ખરીદી કરી શકો છો.

સૉવરિન ગોલ્ડ બૉન્ડને સુરક્ષિત ડિપોઝિટ પદ્ધતિ ગણવામાં આવે છે, જે વધુ વળતર આપે છે.

ભારત સરકારે નવેમ્બર, 2015માં ગોલ્ડ બૉન્ડની રજૂઆત કરી હતી. સરકારના જણાવ્યા મુજબ, સોનાનાં આભૂષણ, સિક્કા અને બિસ્કિટ ભૌતિક રીતે ખરીદવાને બદલે સોનું ગોલ્ડ બૉન્ડ તરીકે પણ ખરીદી શકાશે."

"બૅન્કો, શેરબજારની વેબસાઇટ, રોકડ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફર વગેરે દ્વારા રોકાણકારો ગોલ્ડ બૉન્ડ ખરીદી શકે છે."

દાખલા તરીકે, કોઈ વ્યક્તિ એક ગ્રામના ગોલ્ડ બૉન્ડ ખરીદે તો તેને આઠ વર્ષ પછી તે બૉન્ડની કિંમત જેટલું શુદ્ધ સોનું એક ગ્રામ સોનાના તત્કાલીન મૂલ્ય પર મળી શકે છે.

ગોલ્ડ ઈટીએફ

તમે જો શેયર બજારમાં રોકાણ કરતા હોવ અને સોનામાં રોકાણ કરવા માગો છો તો તે માટેનો એક વિકલ્પ છે ગોલ્ડ ઈટીએફ.

ગોલ્ડ ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ એક ઑપન-એન્ડેડ મ્યૂચુઅલ ફંડ સ્કીમ છે. આ સ્કીમ અંતર્ગત 99.5 ટકાની શુદ્ધતા ધરાવતા ગોલ્ડ બુલિયનમાં રોકાણ કરવામાં આવે છે.

આ સ્કીમ તમને સોનામાં રોકાણ કરવાની સાથેસાથે તેને સ્ટોકની જેમ ટ્રેડ કરવાનો મોકો પણ આપે છે. તમે આ ફંડને સ્ટોક માર્કેટમાં વ્યાપાર કરી શકો છો.

રોકાણકાર સ્ટોક ઍક્સચેન્જમાં ક્યારે પણ ગોલ્ડ ઈટીએફની યુનિટ ખરીદ અથવા વેચાણ કરી શકે છે. આ પ્રકારના રોકાણમાં પણ ચોરી થવાનો ડર રહેતો નથી.

આના માટે ડિમેટ ઍકાઉન્ટ ખોલવું જરૂરી છે. ઈટીએફ આ ઍકાઉન્ટ મારફતે ખરીદી શકાય અને દરરોજ વેચી શકાય છે.

કેટલીક કંપનીઓ ગોલ્ડ ઈટીએફ ઇશ્યુ કરે છે જેને તમે ખરીદી શકો છો. આમાં સોનું જ સિક્યૉરિટી હોય છે. જ્યારે જરૂર હોય અથવા ભાવ વધે ત્યારે તમે ઈટીએફ વેચી શકો છો.

આમાં માત્ર એક સમસ્યા છે. એ છે, જ્યારે તમે ઈટીએફ વેચવા માગો તે દિવસે જ એ વેચાશે કે નહીં.

આનો અર્થ છે કે તમે સોનું વેચવા માગો છો પણ કોઈ ખરીદનાર નથી તો મુશ્કેલી થઈ શકે છે.

પરંતુ આ સમસ્યા સ્ટૉક માર્કેટમાં નથી આવતી. કેટલીક કંપનીઓ આ રીતે ખરીદવાનું અને વેચવાનું કામ કરે છે. ઈટીએફ ભારતમાં બહુ લોકપ્રિય નથી. અમેરિકા જેવા દેશોમાં તેનું વધુ ચલણ છે.

ગોલ્ડ સેવિંગ્સ પ્લાન

આ એક પ્રકારનું રોકાણ છે જે મુખ્યત્વે ઝવેરીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્કીમમાં વ્યક્તિ દર મહિને નક્કી કરેલી રકમ જમા કરે છે જે આગળ જતા મોટી રકમ બની જાય છે. ઘણા જ્વેલર્સ સેવિંગ્સ સ્કીમમાં બોનસ પણ આપે છે, જે મૂળ રકમમાં જોડવામાં આવે છે. એ કુલ રકમનાં તમે ઘરેણાં ખરીદી શકો છો.

આ સ્કીમમાં રોકાણ કરવાનો એક ગેરફાયદો એ છે કે તમે સામાન્ય રીતે માત્ર ઘરેણાં જ ખરીદી શકો છો. કેટલાક જ્વેલર્સ ગોલ્ડ સેવિંગ્સ પ્લાન ચલાવતા હોય છે. આ પ્રકારની સ્કીમમાં મહિને એક હજાર રૂપિયાથી રોકાણ શરૂ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.