You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"છ કલાકે બસ મળી, આખી રાત ઊભા ઊભા મુસાફરી કરી." - દિવાળીમાં વતન જતાં લોકોની વ્યથા
"હું મારી પત્ની, બા તેમજ ત્રણ મહિનાની દીકરીને લઇને મંગળવારે સાંજે પાંચ વાગ્યે અમદાવાદના એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) બસ સ્ટૅન્ડે ઊભો હતો. રાતે અગિયાર વાગ્યે ટિંગાતા ટિંગાતા માંડ મને અને પરિવારને બસમાં ચઢવા મળ્યું. આખી રાત અમે બસમાં સાંકડમાકડ ઊભા ઊભા જ વિતાવી. ખભોય હલાવી શકાય એટલી જગ્યા નહોતી."
આ શબ્દો રાહુલ ગરાસિયાના છે. ઝાલોદના રાહુલ અને તેનો પરિવાર અમદાવાદમાં કડિયાકામ કરે છે. સપરિવાર તેઓ વતન જવા માટે નીકળ્યા હતા. છ બસ જવા દીધી પછી માંડ સાતમીમાં મેળ પડ્યો અને તેમાં પણ ઊભા ઊભા આખી રાત કાઢવી પડી હતી.
રાહુલ ગરાસિયાને વતન તો જવા મળ્યું પણ મજૂરીકામ કરતાં સવિતાબહેન પારગી તો બે વખત બસસ્ટેન્ડના દરવાજેથી પાછા ફર્યાં હતાં. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "અમદાવાદમાં જશોદા નગર ચોકડીથી ફેરા મારતી બસમાં એટલી ભીડ હોય છે કે તેમાં ચઢવા જ નથી મળતું. ખાનગી બસમાં દાહોદ જવું હોય તો ટિકિટના ભાવ સામાન્ય દિવસોમાં બસ્સો રૂપિયા જેટલા હોય છે, પણ અત્યારે તો બમણા ભાવ લેવાય છે."
અમદાવાદ હોય કે વડોદરા કે પછી સૂરત. રાજ્યનાં કેટલાંક શહેરોમાં કામ કરતાં લોકોને દિવાળી મટે માદરે વતન જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત એસટી દ્વારા દિવાળી નિમિત્તે 8340 વધારાની ટ્રીપ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત એસટી દ્વારા દિવાળી નિમિત્તે 8340 વધારાની ટ્રીપ બસની દોડાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર, પંચમહાલ ઉપરાંત મહારાષ્ટ્રનાં મુસાફરો માટે પણ વધારાની બસો પણ મૂકી છે.
એક પ્રેસનોટ જાહેર કરીને નિગમે કહ્યું હતું કે, સુરતથી અમદાવાદ રૂટમાં દિવાળી દરમ્યાન ખાનગી સંચાલકો રૂપિયા 1000થી 1500થી વધુ ભાડું વસૂલતા હોય છે. જ્યારે એસટી રૂપિયા 250 ભાડું વસૂલે છે. જે જોતાં ખાનગી સંચાલકો નિગમ કરતાં 250 ટકાથી વધુ ભાડુ અને કિલોમીટર દીઠ રૂપિયા 70 કરતાં વધુ ભાડું વસૂલે છે.
- બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
સુરત એસટી સ્ટૅન્ડથી આ વખતે દિવાળી નિમિત્તે વધારાની 2200 બસ દોડાવવામાં આવી છે. ગયા વર્ષે 1800 જેટલી બસ દોડાવાઈ હતી આ વખતે એ કરતાં ચારસો જેટલી બસ વધારે દોડાવાઈ છે. જેમાંની મોટા ભાગની સૌરાષ્ટ્ર તરફ જઈ રહી છે.
અમદાવાદમાં બાપુનગર ટ્રાવેલ્સ ઑનર્સ ઍન્ડ એજન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ મોહનભાઈ રબારીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “સૂવાની સગવડ સાથેની જે ખાનગી બસો સૌરાષ્ટ્ર તરફ જે રાતે ઉપડે છે, તેમાં દાહોદ કે રાજસ્થાન વગેરેની બસમાં હોય છે તેવો પ્રચંડ ધસારો નથી. લોકોને ટિકિટ મળી રહે છે. સૌરાષ્ટ્ર તરફ જે ખાનગી બસ ઉપડે છે એની ટિકિટમાં પણ દોઢસો કે બસ્સો રૂપિયા જેટલો જ વધારો થયો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બમણું ભાડું આપીને પણ મુસાફરો વતન જઈ રહ્યા છે
દિવાળીમાં હીરા ઉદ્યોગ અને ટૅક્સ્ટાઇલ સૅક્ટરમાં વૅકેશન હોવાથી મોટી સંખ્યામાં રત્નકલાકારો પોતાના વતન જતાં હોય છે. શહેરમાં લાભ પાંચમ સુધી તમામ ધંધા-રોજગાર બંધ રહેતા હોવાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો પોતાના વતન જતાં હોય છે.
સુરતથી રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પોતાના વતન જવા માટે લોકો મોટાભાગે સરકારી અથવા ખાનગી લકઝરી બસોમાં મુસાફરી કરે છે.
સુરતના કતારગામથી કામરેજ સુધી 15 કિલોમીટરના વિસ્તારમાંથી ઉપડતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરવા લોકોની ભારે ભીડ જોવા મળે છે. નાનાં બાળકોને લઈને પણ લોકો બસમાં મુસાફરી કરવા માટે અને બસમાં એક સીટ મેળવવા માટે કલાકો સુધી રસ્તા પર બેસી રહે છે.
જોકે, દિવાળી પહેલાં બસોમાં ભારે ભીડ હોય છે. સરકારી બસોની સંખ્યા મર્યાદીત હોવાથી મુસાફરોને ખાનગી બસમાં મુસાફરી કરવી પડે છે. વૅકેશનના સમયગાળામાં ખાનગી બસોમાં ભાડું વધી જાય છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા મુકેશ પાઘડાળ કહે છે, ''એસ.ટી.ની બસોમાં બહુ ભીડ હોવાના કારણે અમે ખાનગી લકઝરી બસમાં ટિકિટ બુક કરાવી છે. એસ.ટી.ની સરખામણીમાં અમારી ટિકિટની કિંમત લગભગ બમણી જેવી છે, પરંતુ વતનમાં જવાનું જરૂરી હોવાથી મેં ટિકિટ કઢાવી લીધી છે.''
''બસમાં જવાનું મુખ્ય કારણ એ છે કે બસ મારા ગામથી પસાર થાય છે એટલે અમે સુરતથી ઉપડીએ તો સીધા ઘરે પહોંચીએ છીએ. ટ્રેન પકડવા માટે અમારે ભાવનગર સ્ટેશન સુધી જવું પડે છે, જે અમારા ગામથી ઘણું દૂર છે.''
સુરતમાં ગુરૂકૃપા ટ્રાવેલ્સના સંચાલક જતિન પટેલ કહે છે, "લક્ઝરી બસ ઑપરેટ કરવાનો ખર્ચ સતત વધી રહ્યો હોવાના કારણે ટિકિટના ભાવમાં વધારો કરવો પડી રહ્યો છે."
દર વર્ષે દિવાળીમાં વતન જનારાઓને હાલાકી પડે છે
અમદાવાદમાં જશોદાનગર ચોકડી, શાહીબાગ, નરોડા વગેરે વિસ્તારોમાં જે બસ સ્ટેશન છે ત્યાંથી ખાનગી બસો ભરાઈ ભરાઈને ઉપડે છે. જેમાં શ્રમિક વર્ગના મુસાફરો મોટી સંખ્યામાં હોય છે.
શ્રમિક વર્ગ માટે કામ કરતી ખાનગી સંસ્થા આજિવીકા બ્યૂરોના સંયોજક મહેશ ગજેરા બીબીસીને કહે છે કે, "દર વર્ષે દિવાળીટાણે આપણે એ દૃશ્યો જોતાં હોઈએ છીએ કે લોકો ટિંગાઈ - વિંટળાઈને બસ કે ટ્રેનમાં જતા હોય છે. મેં જોયું છે કે નરોડાનું જે બસ નાકું છે ત્યાંથી રાજસ્થાનના મજૂરો ખાનગી બસોમાં રાતે બસની ઉપર છાપરે બેસીને જતા હોય છે. જે ખૂબ જોખમી છે. તેમણે ભાડું પણ વધારે ચૂકવવું પડતું હોય છે."
"અમદાવાદ જશોદા નગર ચોકડીથી દાહોદ પંચમહાલ તરફની બસ અને જીપ ફેરા મારતી હોય છે. આદિવાસી મજૂરો ત્યાંથી વતન જતા હોય છે. ત્યાં પણ એવાં જ દૃશ્યો જોવા મળે છે."
સરકાર તેમજ ખાનગી સંચાલકો દર વર્ષે દિવાળી નિમિત્તે બસની સંખ્યા વધારતાં હોય છે, અને કમાણી પણ કરતાં હોય છે.
મહેશભાઈ કહે છે કે, "બસો તો વધારાય છે, પણ ગામડાંથી શહેરો તરફ દર વર્ષે બે પૈસા કમાવા માટે જે લોકોનું વ્યાપક સ્થળાંતર થઈ રહ્યું છે. એને અનુરૂપ જે માળખાગત સુવિધા શહેરમાં હોવી જોઈએ તે ઊભી નથી થઈ. તેમાં બહારની આવીને કામ કરતાં લોકોના વાહન વ્યવહાર, શિક્ષણ વગેરેની શહેરોમાં કોઈ તૈયારી જ નથી હોતી. જો શહેરોને મજૂરી માટે ગ્રામીણોનો ખપ હોય તો તેમને મૂળભૂત સુવિધા પણ મળવી જોઈએ. દુખની વાત એ છે કે તે નથી મળતી."
દિવાળી અને છઠ પૂજાના તહેવારને ધ્યાને લઈને પશ્ચિમ રેલ્વે દ્વારા 200 વધારાની ટ્રેન દોડાવાઈ.
દિવાળી અને છઠ પૂજાના તહેવારને ધ્યાને લઈને પશ્ચિમ રેલ્વે 200 વિશેષ ટ્રેન ચલાવી રહી છે. તેમાંથી 22 ટ્રેનો અમદાવાદ ડિવિઝન દ્વારા વિવિધ સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે.
ભીડ પર નજર રાખવા અને નિયંત્રણ કરવા માટે, અમદાવાદ, સાબરમતી, ગાંધીગ્રામ અને અસારવા જેવાં સ્ટેશનો પર વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટના વેચાણ પર 06 નવેમ્બર 2024 સુધી કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ પગલાનો હેતુ પ્લૅટફૉર્મ પર ભીડનું નિયંત્રણ કરવા અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે. ક્રાઉડ મૅનેજમેન્ટના ભાગરૂપે રેલવેના અમદાવાદ મંડળ દ્વારા વૉર રૂમની રચના કરવામાં આવી છે. અંધાધૂંધી સમયે ઇમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે ડૉક્ટરની ટીમ પણ રાખવામાં આવી છે.
ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશનનો એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેન પકડવા માટે સ્ટેશન પહોંચતાં ધક્કામુક્કી અને અરાજકતાનાં દૃશ્યો સર્જાયાં હતાં.
રેલવે અધિકારી ગણેશ જાદવે બીબીસીને જણાવ્યું કે, "વૅકેશન પડી ગયું હોવાથી સુરતમાં વસતા પરપ્રાંતીઓ મોટી સંખ્યામાં દિવાળી અને છઠપૂજાની ઉજવણી માટે વતન જઈ રહ્યા છે."
"ઉધના રેલવે સ્ટેશનથી બે અનરિઝર્વ્ડ ટ્રેનો દોડી રહી હતી જેમાં મુસાફરી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોની ભીડ જોતાં વધારાની એક ટ્રેન દોડાવવી પડી હતી."
આવું માત્ર ગુજરાતના સુરતમાં જ નથી. દેશની આર્થિક રાજધાની મુંબઈના બાંદ્રા રેલવે ટર્મિનસ પર થયેલી ધક્કામુક્કીમાં નવ લોકો ઘાયલ થયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન