You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે પાંચ વર્ષ બાદ રશિયામાં વાતચીત, જાણો શું-શું થયું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાંચ વર્ષ પછી રશિયાના કઝાનમાં દ્વિપક્ષીય મુલાકાત કરી છે. રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ વખતે તેમણે અલગથી મુલાકાત કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓની 50 મિનિટ સુધી મુલાકાત થઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી સાથે વિદેશમંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા.
શી જિનપિંગ સાથેની તેમની મુલાકાતની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં પીએમ મોદીએ કહ્યું, “રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. બંને દેશોના લોકો ઉપરાંત ભારત-ચીન સંબંધો ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિ તેમજ સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે. માત્ર પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતા જ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપશે.”
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાત બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન જાહેર કર્યું છે.
વિદેશ મંત્રાલય અનુસાર, આ મુલાકાતમાં બંને નેતાઓએ એલએસીથી સૈનિકોના પાછળ હઠી જવા પર અને 2020માં જે વિવાદ થયો હતો તેનું સમાધાન કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના વિવાદો અને મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે, “આપણે કોઇપણ સંજોગોમાં શાંતિભંગ થાય એવું થવા દેવું ન જોઇએ.”
ભારત-ચીન સરહદી વિવાદ સાથે સંબંધિત સવાલો અંગે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન થયું છે. આ વિશેષ પ્રતિનિધિઓ સરહદે શાંતિ બહાલ કરવા માટે જલદી મળશે અને પારસ્પરિક રીકે સ્વીકાર્ય સમાધાન લાવવાની કોશિશ કરશે.
વિદેશ મંત્રીના સ્તરે પણ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે સંવાદને આગળ વધારવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુલાકાત પછી ચીને શું કહ્યું?
આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ સ્થિર અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, બંને દેશોએ તેમના ક્ષેત્રમાં વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં સકારાત્મક અસર વિશે વાત કરી.
બંને નેતાઓએ બહુપક્ષીય એશિયા અને બહુપક્ષીય વિશ્વની હિમાયત કરી હતી. બંને નેતાઓ દરેક મોરચે દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વિકાસ સંબંધિત પડકારોને ઉકેલવા સંમત થયા છે.
ચીને પણ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાત અંગે નિવેદન જાહેર કર્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, "પરસ્પર સંપર્કો અને સહયોગ વધારવા ઉપરાંત, બંને દેશોએ મતભેદો અને મતભેદોને સમજણથી ઉકેલવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. બંને નેતાઓએ પ્રગતિ અને વિકાસની બાબતોમાં એકબીજાને સહકાર આપવાની પણ હિમાયત કરી હતી. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓમાં ખભે ખભા મિલાવીને ઊભા રહેવાની પણ વાત કરી છે.”
બંને નેતાઓની મુલાકાત પહેલાં, ભારતે સોમવારે જાહેરાત કરી હતી કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોના પેટ્રોલિંગને લઈને ચીન સાથે સમજૂતી થઈ ગઈ છે.
મંગળવારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે, “બુધવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.”
પીએમ મોદી મંગળવારે 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યા હતા. પહેલા દિવસે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. રાષ્ટ્રપતિ પુતિન સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત એ યુક્રેન-રશિયા સંકટને સમાપ્ત કરવા માટે તમામ શક્ય મદદ આપવા માટે પ્રતિબદ્ધ છે.
પહેલાં જ તૈયાર થઈ ગઈ હતી મુલાકાતની પૃષ્ઠભૂમિ
અગાઉ, બંને નેતાઓ ઑક્ટોબર 2019માં તમિલનાડુના મહાબલીપુરમમાં મળ્યા હતા. 2019માં જ લદ્દાખના પૂર્વ ભાગમાં ભારત અને ચીનની સરહદ પર તણાવ વધવા લાગ્યો અને 2020 સુધીમાં ગલવાનમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. જેમાં 20 ભારતીય સૈનિકો અને ઘણા ચીની સૈનિકો માર્યા ગયા.
સરહદ પર તણાવ ઓછો કરવા માટે બંને દેશો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી સ્તરે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. બંને દેશોનો પ્રયાસ તણાવ ઓછો કરવા અને સંબંધોને સામાન્ય બનાવવાનો હતો.
આ વર્ષે 4 જુલાઈએ કઝાકિસ્તાનમાં શાંઘાઈ કૉ-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.
આ પછી, 25 જુલાઈએ લાઓસમાં આશિયાન સંબંધિત બેઠકમાં વાંગ યી અને જયશંકર વચ્ચે સરહદ વિવાદ પર ચર્ચા થઈ હતી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બ્રિક્સ સંબંધિત બેઠકમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં વાંગ યી સાથે મુલાકાત કરી હતી.
એટલે કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાતની પૃષ્ઠભૂમિ પહેલેથી જ તૈયાર કરવામાં આવી રહી હતી. એવું કહેવાય છે કે રશિયા પણ ઇચ્છે છે કે બંને દેશો વચ્ચેનો તણાવ ખતમ થાય અને પીએમ મોદીની શી જિનપિંગ સાથેની મુલાકાતમાં રશિયાની પણ ભૂમિકા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન