'14 વર્ષની દીકરીને બચાવવા ધસમસતા પૂર વચ્ચે બુલડોઝરમાં લઈ ગયા, હોડીમાં પણ લઈ ગયા પણ જીવ ન બચાવી શકાયો, શું થયું હતું

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં ઑગષ્ટની આખરમાં પડેલા ધસમસતા વરસાદે ખેતીના ઊભા પાકનો તો સોથ વાળી જ દીધો છે, પણ ક્યાંક લોકોનાં ધબકતા હૈયા પણ હોલવી નાખ્યાં છે.

દેવભૂમિ દ્વારકાના જામ રાવલમાં ચૌદ વર્ષની બીમાર મંગુબહેન મારુને તાકીદની સારવાર ન મળી. ગામમાં ચારે તરફ પાણી ભરાઈ ગયાં હતાં. સપના જોવાની ઉંમરે તેની આંખો મીંચાઈ ગઈ.

દીકરીને બચાવવા માટે પૂરના પાણી વચ્ચે પરિવારજનો તેને બુલડોઝર -જેસીબીમાં લઈ ગયા. બોટમાં પણ બેસાડી પણ સારવાર અને મંગુબહેનના જીવતર વચ્ચે પૂરનાં પાણી એ હદે ફરી વળ્યાં કે તેણે વરસતા વરસાદમાં રસ્તા વચ્ચે જ તેણે જીવ છોડી દીધો.

જામ રાવલ ગામમાં વર્તુ નદી બે કાંઠે ગાંડી થઈને વહે છે. શીતળા માતાના મંદિરના પ્રાંગણમાં એક તરફ મંગુબહેનનો ફોટો છે. ફૂલ ચઢાવેલા છે. અગરબત્તી પરથી ધીમે ધીમે રાખ પડી રહી છે. થોડી થોડી વારે બહેનો પોક મૂકે છે ત્યારે માહોલ વધુ ગમગીન બની જાય છે.

મંગુના ફોટા પાસે બેસેલા તેમના પિતા કેશુભાઈ મારુ બીબીસીને કહે છે કે, “સવારના નવ વાગ્યાની વાત હતી. સાંજે છ વાગ્યા સુધી મારી દીકરી જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. જો તેને સારવાર મળી ગઈ હોત તો...”

આટલું બોલતાં બોલતાં તેની આંખમાંથી આંસુ સરી પડે છે. શાંતિ પથરાઈ જાય છે.

સહેજ સ્વસ્થ થઈને તેઓ કહે છે કે, “સવારે પાંચ વાગ્યે મંગુને પેટમાં દુખાવો થતો હતો. અમે પાસેની દુકાનથી ઈનો લઇને પાયો, છતાં પણ દુખાવો બંધ થતો ન હતો. વરસાદ પણ અટકવાનું નામ જ નહોતો લેતો. અમે પાસેના સરકારી દવાખાને લઇ ગયા તો ત્યાં કોઈ ડૉક્ટર જ નહોતા. ગામ નાનું એટલે બધા ભેગા થઈ ગયા હતા.”

“અમે શહેર સુધરાઈના ચીફ ઑફીસરને ફોન કર્યો એટલે તેમણે કહ્યું કે ખંભાળિયાથી ડૉક્ટર આવશે. તેમણે કહ્યું કે તમે સામા આવો અમે હોડી મોકલીએ છીએ. પૂરની વચાળે બુલડોઝર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અમે દીકરીને લઇને ગયા. વરસતા વરસાદ અને વહેતાં પાણી વચાળે દોઢ કલાક વાટ જોઈ પણ કોઈ ન આવ્યું.”

કોઈ ન આવ્યું એટલે પરિવારજનો મંગુબહેનને ઘરે લેતા આવ્યા. આસપાસમાંથી નાની હોડી શોધીને એમાં મંગુબહેનને બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો.

કેશુભાઈ કહે છે કે, “અમે પાણી વચાળે મારગ કાપતા નીકળ્યા. પાણીનો માર એવો હતો કે હોડી પણ આગળ ન વધી. તેથી દીકરીને ઘરે પાછા લઈ આવ્યા. મંગુનો શ્વાસ ફૂલતો જતો હતો.”

આ દરમ્યાન તેમના કહેવા પ્રમાણે સુધરાઈથી લઇને હૉસ્પિટલ – હેલ્પલાઈન વગેરેને ફોન તો લગાવ્યા પણ ફોન પર જે લોકો “મદદ મોકલી છે.” એવું કહેતા હતા તેમની મદદ મળતી નહોતી.

એવું પણ થયું કે ક્યારેક ફોન લાગતા નહોતા અને કાં તો ફોનની ઘંટડી વાગતી હતી પણ કોઈ ઉપાડતા નહોતા.

ચારેક વાગ્યે ફોન લાગ્યો ત્યારે સુધરાઈનાં ચીફ ઑફીસરે કહ્યું કે, ખંભાળિયાથી નહીં, હવે દ્વારકાથી ડૉક્ટર આવશે. પૂરના પાણીમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈને મંગુબહેને સાંજે છ વાગ્યે શ્વાસ છોડી દીધાં હતાં.

કેશુભાઈ કહે છે કે, “ડૉક્ટર સાડા છ વાગ્યે આવ્યા પણ ત્યાં સુધી દીકરી...” આટલું બોલતાં તેમના અવાજમાં ડૂમો ભરાઈ જાય છે.

પાણીનો માર એવો હતો કે બચાવ ટીમ બે વખત પાછી ફરી હતી.

વરસાદના પાણી ફરી વળતાં જામરાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. એમાંય કેશુભાઈ મારુ જે વિસ્તારમાં રહે છે તે હનુમંતધાર વર્તુ નદીને અડીને આવેલો છે. ત્યાં તો પાણી તોફાનની જેમ વહી રહ્યાં હતાં.

મંગુબહેનના મરણની ઘટનાનો ગામમાં એવો પડઘો પડ્યો હતો કે લોકોએ રાતે સુધરાઈની કચેરીએ ઘેરાવ કર્યો હતો.

ચીફ ઑફીસર ભીખાભાઈ પરમારે આ ઘટનામાં નિષ્ફળતા સ્વીકારતા કહ્યું, “અમે આગોતરા આયોજન મુજબ બચાવ ટુકડી – રૅસ્ક્યૂ ટીમ બોલાવી હતી. પાણીનો માર એવો હતો કે બચાવ ટીમ બે વખત પાછી ફરી હતી. અમને દુખ છે કે વહીવટીતંત્ર ત્યાં પહોંચી ન શક્યું અને દીકરીનું મોત થયું. 28,29 ઑગષ્ટે પાણી ભરપૂર હતું છતાં અમે 13 લોકોને બચાવ્યા હતા. પરંતુ હનુમંતધાર વિસ્તાર આસપાસ પાણી એટલું હતું કે બચાવ ટુકડી ત્યાં પહોંચી શકી નહીં.”

આટલું કહેતાં ચીફ ઑફીસરની આંખ પણ ભીની થઈ હતી.

જામરાવલની ઉપરવાસમાં વર્તુ – બે, સોરઠી અને સાની એમ ત્રણ ડૅમ આવેલા છે. આ ત્રણેય ડૅમનાં પાણી જામરાવલમાં ભળે છે.

ભીખાભાઈ કહે છે કે, “અંદાજીત સીત્તેર કિલોમીટરના વિસ્તારમાંથી જામરાવલમાં પાણી આવે છે. રાવલ એવું ગામ છે કે માત્ર ગઢ વિસ્તાર જ ઊંચાણમાં છે, બાકીનું ગામ નીચાણમાં છે.”

“અમારા તો આત્માને ચેન નથી પડતું”

જામ રાવલમાં બે ત્રણ વર્ષે એવી સ્થિતિ સર્જાય જ છે કે વરસાદ વધારે પડે ત્યારે હનુમંતધાર જેવા વિસ્તાર સંપર્ક વિહોણા થઈ જાય છે.

ગામમાં વરસાદી કાળા વાદળો તો હજી પણ છવાયેલા છે, પણ એ શોક અને માતમના વધારે લાગે છે. નાના ગામમાં કોઈનું અણધાર્યું મરણ થાય ત્યારે આખા ગામ પર એની લહેર ફરી વળે છે.

મંગુબહેન મારુના પાડોશી રમેશભાઈ બારિયાએ કહ્યું કે, “ગામમાં સુધરાઈ કે એવા કોઈ આગેવાન છે જ નહીં જે મદદગાર બને? અને કુમળી વયની દીકરીએ જીવ ગુમાવવો પડે? અમારા તો આત્માને ચેન નથી પડતું.”

કેશુભાઈના જ અન્ય પાડોશી લખમણભાઈ ગામીએ કહ્યું કે, “અમે ધસમસતાં પાણીમાં જેસીબી પર મંગુને લઇને દોઢ કલાક ઊભા રહ્યા હતા. પૂર આવશે એવી તો તંત્રને ખબર હતી જ છતાં તેમણે કેમ કોઈ આગોતરી તૈયાર નહોતી રાખી? અમારી સામે મંગુ તરફડીયા મારતી હતી. છથી સાત કલાક સુધી તેણે મોત સામે બાથ ભીડી હતી. અમે સતત તેના હાથ ચોળતા હતા, પણ બચાવી ન શક્યા.”

જામ રાવલમાં પૂરનાં પાણી તો ઓસરી ગયા છે, પણ લોકોના દુખ નહીં.

રાજ્યમાં 47 લોકોનાં મૃત્યુ

ઑગષ્ટના છેલ્લા સપ્તાહમાં વરસાદે ગુજરાતમાં ભારે ખરાબી સર્જી હતી. જેને લીધે 47 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગૃહ મંત્રાલયે ઇન્ટર મીનીસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના કરી છે. જે પૂર અને ભારે વરસાદને લીધે રાજ્યમાં થયેલી હાલાકીનો અંદાજ મેળવશે.

વડોદરા, જામનગર, દ્વારકા, પોરબંદર અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી હતી. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. વડોદરા અને જામનગરમાં તો કેટલાંય લોકો ઘરોમાં પૂરાઈ રહ્યા હતા.

એવા પણ કિસ્સા સામે આવ્યા છે જેમાં બબ્બે દિવસ અને રાત લોકોએ અગાસી પર વિતાવ્યા હોય કે ઘરના પહેલે માળે વિતાવ્યા હોય. રહેણાંક વિસ્તારમાં પાણી એટલા ફરી વળ્યા હતા કે બાળક માટે દૂધ પણ દોહ્યલા થઈ ગયા હતા. ખેડૂતોના કપાસ, ડાંગર, મગફળી જેવા ઊભા પાક અતિવૃષ્ટીને લીધે લીલેલીલાં સૂકાઈ ગયા હતા.

ગુજરાતમાં આ વર્ષે સરેરાશ સો ટકા કરતાં વધુ વરસાદ પડ્યો છે. 31 ઑગસ્ટ 2024ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકા નોંધાયો હતો. કચ્છ એ સૂકો પ્રદેશ કહેવાય છે, પણ આ વખતે રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 105 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 88 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.