પેટીએમ પર RBIના નિયંત્રણની તમારા પર શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય રિઝર્વ બૅન્ક એટલે કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બૅન્ક પર પ્રતિબંધની જાહેરાત કરી છે. રિઝર્વ બૅન્કના જણાવ્યા અનુસાર, પેટીએમની અનેક સેવાઓ 29 ફેબ્રુઆરીથી બંધ થઈ જશે.
પેટીએમે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રિઝર્વ બૅન્કે જણાવ્યું છે.
રિઝર્વ બૅન્કની આ જાહેરાત પછી પેટીએમના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે ટ્રેડિંગ શરૂ થતા પહેલાં જ પેટીએમના શેરના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો હતો.
પેટીએમના શેરનો ભાવ રૂ. 609 સુધી પહોંચી ગયો હતો, જે છેલ્લા છ સપ્તાહમાંની સૌથી ઓછી કિંમત છે.
રિઝર્વ બૅન્કના આદેશની અસર મોટા વર્ગને થઈ શકે છે, કારણ કે પેટીએમ પાસે ડિજિટલ પેમેન્ટ માર્કેટનો 16-17 ટકા હિસ્સો છે અને જાણકારો માને છે કે તેની કરોડો લોકોને અસર થઈ શકે છે.
રિઝર્વ બૅન્કે તેના આદેશમાં શું જણાવ્યું છે?

ઇમેજ સ્રોત, RBI
આ સંબંધે રિઝર્વ બૅન્કે બુધવારે એક અખબારી યાદી બહાર પાડી હતી.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે "પેટીએમના ઑડિટ રિપોર્ટ અને બહારના ઑડિટરોના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પેટીએમે નિયમોનું સતત ઉલ્લંઘન કર્યું છે. તેથી બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટના નિયમ ક્રમાંક 35એ હેઠળ 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બૅન્કમા ગ્રાહકો કોઈ પણ ક્રેડિટ ડિપોઝિટ, ટ્રાન્ઝેક્શન, વૉલેટ અને ફાસ્ટ ટેગનો ઉપયોગ કરી શકશે નહીં."
"પેટીએમે તેના ગ્રાહકોને બૅલેન્સ ઉપાડવાની અને તેના ઉપયોગની તમામ સુવિધા આપવી પડશે. આ સુવિધા એ ગ્રાહકો માટે પણ હશે, જેમની પાસે પેટીએમના સેવિંગ્ઝ અને કરન્ટ અકાઉન્ટ્સ છે અથવા તેઓ ફાસ્ટ ટેગનો ઉપયોગ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડના ગ્રાહકો 29 ફેબ્રુઆરી પછી તેનો ઉપયોગ કરી શકશે નહીં. રિઝર્વ બૅન્કે પેટીએમને નોડલ ઍકાઉન્ટ સેટલ કરવા જણાવી દીધું છે.
રિઝર્વ બૅન્કના આદેશ બાબતે પેટીએમે શું કહ્યું?
પેટીએમની પેરન્ટ કંપની વન97 કમ્યુનિકેશન એટલે કે ઓસીએલે જણાવ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક રિઝર્વ બૅન્કના નિર્દેશોના પાલનનું કામ કરી રહી છે અને હવે એ કામ વધારે ઝડપથી કરવામાં આવશે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "એક પેમેન્ટ કંપની હોવાને કારણે ઓસીએલ માત્ર પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક માટે જ નહીં, પરંતુ અનેક બૅન્કો સાથે કામ કરે છે. અમે આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી રહ્યા છીએ અને પ્રતિબંધ અમલી બનશે ત્યારથી અમે સંપૂર્ણપણે અમારા બેન્ક પાર્ટનર્સ પર નિર્ભર થઈ જઈશું."
"ભવિષ્યમાં ઓસીએલ પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક નહીં, પરંતુ માત્ર બીજી બૅન્કો સાથે કામ કરશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પેટીએમ પેમેન્ટ બૅન્ક શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્કના નિર્ણયની શું અસર થશે એ સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે પેટીએમ બૅન્ક શું છે અને તે સામાન્ય બૅન્કથી અલગ કઈ રીતે છે.
પેટીએમ પેમેન્ટ બૅન્કમાં માત્ર પૈસા જમા કરાવી શકાય છે. તેને લોન આપવાનો અધિકાર નથી. તે ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી શકે છે, પરંતુ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા માટે તેણે કોઈ લેન્ડર રેગ્યુલેટર સાથે કરાર કરવા પડશે.
તેનો અર્થ એવો થાય કે આ એક એવું બૅન્ક અકાઉન્ટ છે, જેમાં પૈસા રાખી શકાય છે. સામાન્ય રીતે મર્ચન્ટ્સને જે પેમેન્ટ મળે છે તે પેટીએમ પેમેન્ટ એકાઉન્ટમાં જાય છે અને પછી તેમના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે. તેના બદલામાં પેટીએમ તેના ગ્રાહકોને ક્રેડિટ પૉઇન્ટ્સ આપે છે.
પેટીએમની પેરન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્શ પાસે પ્રીપેઈડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે પીપીઆઈ લાયસન્સ છે, જેનો ઉપયોગ 2017માં પેટીએમ પેમેન્ટ બૅન્ક શરૂ કરવા માટે કરવામાં આવ્યો હતો.
તમારા વૉલેટ અને યુપીઆઈનું શું થશે?
પેટીએમની તમામ સર્વિસ 29 ફેબ્રુઆરી સુધી સામાન્ય રીતે જ કાર્યરત રહેશે. એ પછી પેટીએમ વૉલેટ અને યુપીઆઈ સેવાનો ઉપયોગ કરતા તમામ લોકો માટે કેટલાક ફેરફાર થશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારા વૉલેટમાં પૈસા હશે તો તમે તેને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકશો, પરંતુ વૉલેટમાં નાણાં જમા કરાવી શકાશે નહીં.
અલબત, તમે તમારું પેટીએમ એકાઉન્ટ કોઈ થર્ડ પાર્ટી બૅન્ક સાથે જોડી રાખ્યું હશે તો તમારુ પેટીએમ કાર્યરત રહેશે અને યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ પણ કરી શકાશે.
થર્ડ પાર્ટી કે એક્સટર્નલ બૅન્કનો અર્થ એ છે કે તમે પેટીએમ પર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, એચડીએફસી કે પંજાબ નેશનલ બૅન્ક સહિતની કોઈ પણ માન્યતાપ્રાપ્ત બૅન્કના એકાઉન્ટનો ઉપયોગ કરતા હશો તો તમારા માટે કશું બદલાશે નહીં.
તમે પેટીએમ બૅન્ક સાથે લિન્ક્ડ વૉલેટનો ઉપયોગ કરતા હશો તો તમે એવું નહીં કરી શકો.
29 ફેબ્રુઆરી પછી બૅન્ક અકાઉન્ટમાંથી અને વૉલેટમાંથી કોઈ ક્રેડિટ લઈ શકાશે નહીં.
ફાસ્ટેગનું શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
સરકારના નિયમ મુજબ, તમામ કારના વિન્ડશીલ્ડ પર ફાસ્ટેગ હોય છે.
ફાસ્ટેગ એક ઇલેક્ટ્રૉનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જેનું સંચાલન નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા કરે છે. દરેક ટોલ બૂથ પર ટોલ ફી પ્રીપેઈડ વૉલેટ મારફત ચૂકવી શકાય છે.
રિઝર્વ બૅન્કના નિર્ણય પછી પહેલી માર્ચથી ગ્રાહકો પેટીએમ પર ફાસ્ટેગ સર્વિસમાં બચેલા બેલેન્સનો ઉપયોગ તો કરી શકશે, પરંતુ ફાસ્ટેગ અકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરી શકશે નહીં.
દુકાનદારો પેટીએમ મારફત પેમેન્ટ સ્વીકારશે?
જે દુકાનદારો પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક અકાઉન્ટમાં પૈસા રિસીવ કરે છે, તેઓ પેમેન્ટ રિસીવ કરી શકશે નહીં.
તેનું કારણ એ છે કે તેમના અકાઉન્ટ્સમાં ક્રેડિટની પરવાનગી નથી, પરંતુ અનેક વેપારીઓ અથવા કંપનીઓ પાસે બીજી કંપનીઓના ક્યૂઆર સ્ટિકર્સ છે, તેની મારફત તેઓ ડિજિટલ પેમેન્ટ્સ સ્વીકારી શકે છે.
રિઝર્વ બૅન્કના નિર્ણયની ફિનટેક માર્કેટ પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉદ્યોગસાહસિક અને ભારત-પેના સ્થાપક અશનીર ગ્રોવરે રિઝર્વ બૅન્કના નિર્ણય બાબતે જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કની આ પ્રકારની કાર્યવાહી ફિનટેક સેક્ટરને ખતમ કરી નાખશે.
તેમણે ઍક્સ પર નારાજગી જાહેર કરતાં લખ્યું હતું, "મને સમજાતું નથી. રિઝર્વ બૅન્ક સ્પષ્ટ રીતે ફિનટેકનો બિઝનેસ જ ઇચ્છતી નથી. આ પ્રકારની ગતિવિધિથી સેક્ટર પણ ખતમ થઈ જશે. નાણા મંત્રાલય, નાણા પ્રધાન અને વડા પ્રધાને આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ."
"આજે આઈઆઈએમ-આઈઆઈટીના વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ પ્રકારની ઓવરરીટ દેશ માટે યોગ્ય નથી. સમગ્ર દુનિયામાં યુપીઆઈનો ઢંઢેરો પીટવો અને તેની શરૂઆત કરનારને સજા આપવી યોગ્ય નથી."
રજત ગુલાટી બૅન્કોને ડિજિટલ ફાઇનેન્શિઅલ સર્વિસ આપતી કંપની પ્લૂટોવનના સહ-સ્થાપક છે.
અમે તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આ પગલું કેટલું મોટું છે અને તેનાથી શું થશે.
તેમણે કહ્યું હતું, "આ નિર્ણય સાથે રિઝર્વ બૅન્કે ફિનટેક કંપનીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે રેગ્યુલેશનમાંથી બચવું અશક્ય છે. તમે લોકોને પેમેન્ટ સાથે જોડાયેલી સેવાઓ આપતા હો તો લોકોના અધિકારના રક્ષણ માટે જે નિયમ બનાવવામાં આવ્યા છે તેને તોડી શકશો નહીં."
"રિઝર્વ બૅન્કે માર્ચ-2022માં પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર નવા ગ્રાહકો જોડવાનો પ્રતિબંધ લાદ્યો હતો. હવે ઊંડી તપાસ અને અને બહારના ઑડિટર્સનો રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં નિયમોના ઉલ્લંઘનની વાત સ્પષ્ટ થઈ છે ત્યારે રિઝર્વ બૅન્કે આ નિર્ણય કર્યો છે."
"હવે ફિનટેક માર્કેટમાં એવું થશે કે જે કંપનીઓ નિયમાનુસાર કામ કરી રહી છે તેમના માટે રિઝર્વ બૅન્કનો આ નિર્ણય એક એપ્રુવલની માફક કામ કરશે અને ગ્રાહકોને પણ એવું લાગશે કે તેમના હિતના રક્ષણ માટે રિઝર્વ બૅન્ક ઊભી છે. થોડા દિવસ હોબાળો થશે, પરંતુ લાંબા સમયના સંદર્ભમાં આ નિર્ણય બહેતર સાબિત થશે અને માર્કેટમાં સ્થિરતા લાવશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પેટીએમના શેરધારકોનું શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્કે પેટીએમ સંબંધી આદેશ બહાર પાડ્યો છે ત્યારથી તેના શેરના ભાવ સતત ઘટી રહ્યા છે અને જાણકારો માને છે કે તેમાં વધુ ઘટાડો થશે.
ગુલાટીના જણાવ્યા મુજબ, તેની શેરધારકો પર જરૂર અસર થશે.
પેટીએમની ત્રણ એન્ટીટી છે અને તેમાંથી એક એન્ટીટી બંધ થાય તો તેના સૂચિતાર્થ વ્યાપક હોય તે દેખીતું છે, પરંતુ તેમની સૌથી મોટી સર્વિસ એટલે કે પેટીએમ વોલેટ અને યુપીઆઈ ચાલુ રહેશે તો શેરના ભાવમાં ઘટાડાનો દૌર થંભશે કે નહીં તે જોવાનું રહેશે.












