એપલ આઇફોન-15: ટાઇપ-સી કૅબલથી કરી શકાશે ચાર્જિંગ, બીજી શું છે ખાસિયતો?

આઈફોન 15

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૅનિયલ થૉમસ
    • પદ, બિઝનેસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

એપલે તેના નવા આઈફોનમાં લાઇટનિંગ ચાર્જિંગ પૉર્ટની જગ્યાએ ટાઇપ-સી ચાર્જિંગ પૉર્ટ હોવાની પુષ્ટિ કરી છે. કંપનીએ આ પગલું યુરોપિયન યુનિયનના દબાણમાં ભર્યું હોવાનું મનાય છે.

અત્યાર સુધી આઇફોનમાં બાકી ફોનથી અલગ લાઇટનિંગ પૉર્ટ હતું જે આઈફોનની ઓળખ પણ હતું. પરંતુ હવે એપલે તેમાં બદલાવનો પ્રયાસ કર્યો છે.

મંગળવારે તેના વાર્ષિક લૉન્ચિંગ કાર્યક્રમમાં કંપનીએ જણાવ્યું હતું કે હવે આઇફોનમાં પણ વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય ધારાધોરણ યુએસબી-સી કેબલનો જ ઉપયોગ કરવામાં આવશે.

મંગળવારે એપલે તેની વૉચની પણ નવી સિરીઝ લૉન્ચ કરી જેમાં પહેલાંથી વધુ સક્ષમ ચિપ હશે.

જોકે વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે એપલ જે અપડેટ લઈને આવ્યું છે તે બહુ ચર્ચાસ્પદ નથી અને લોકોને પણ તેનાથી ઘણી નિરાશા થશે.

સીસીએસ ઇનસાઇટ સાથે સંકળાયેલા બૅન વુડ કહે છે, "આઈફોન અને એપલ વૉચ હવે પરિપક્વ ઉત્પાદનો બની ચૂક્યાં છે, તેથી આ વાત બહુ આશ્ચર્યજનક નથી."

વુડ કહે છે, "એ દર્શાવે છે કે આઈફોન અને વૉચ જેવાં આ ઉત્પાદનો કેટલાં ઉત્કૃષ્ટ બની ચૂક્યાં છે અને દર વર્ષે સનસનાટીભર્યા નવા અપડેટ આપવા એ કેટલું મુશ્કેલ કામ છે."

નવા આઈફોન આવતા સપ્તાહથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. 2012 પછી આ પહેલો આઈફોન હશે જેમાં વૈકલ્પિક ચાર્જિંગ પૉર્ટ હશે.

બીબીસી ગુજરાતી

મામલો શું હતો?

આઇફોન-15

કંપનીએ કહ્યું છે કે યુએસબી-સી પ્રકારની કેબલ - કે જે પહેલાંથી જ એપલના ઘણા લૅપટૉપ અને આઈપેડ મૉડલ્સ પર કામ કરે છે, તે હવે ઍરપૉડ્સ-પ્રો અને વાયર્ડ ઈયરપૉડ અને હેડફોનના નવા વર્ઝનમા પણ કામ આપશે.

યુરોપિયન યુનિયને એપલને કહ્યું હતું કે ગ્રાહકોની સુવિધા માટે તેણે તેનું અલગ લાઇટનિંગ ચાર્જિંગ પૉર્ટ છોડી દેવું જોઈએ. તેનાથી લોકોના પૈસા તો બચશે જ પરંતુ ઈ-વૅસ્ટમાં પણ ઘટાડો થશે કારણ કે ચાર્જરનો ફરીથી ઉપયોગ કરી શકાશે.

જોકે ઘણાએ ચેતવણી આપી છે કે આ પગલાંથી આગામી થોડાં વર્ષોમાં કેબલો કચરામાં વધુ રૂપાંતરિત થાય એવી શક્યતા છે.

બીબીસી ગુજરાતી

અન્ય કેવાં ફીચર્સ હશે?

આઇફોન-15

ઇમેજ સ્રોત, APPLE

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એપલે મંગળવારે તેના લૉન્ચિંગ કાર્યક્રમમાં પર્યાવરણને લઈને પણ ઘણાં વચનો આપ્યાં હતાં. એપલે કહ્યું છે કે તેની વૉચ રેન્જ પ્રૉડક્ટ્સ પ્રથમ વખત કાર્બન ન્યુટ્રલ હશે.

નવા આઈફોન્સ અને વૉચ વધુ રિસાયકલ કરેલ સામગ્રીનો ઉપયોગ કરશે. તેમાં બેટરીનો પણ સમાવેશ થશે.

કંપનીએ કહ્યું છે કે તે તેના કોઈપણ સામાન અને ઉત્પાદનોમાં ચામડાનો ઉપયોગ કરશે નહીં. કંપનીએ વર્ષ 2030 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાનું વચન પણ આપ્યું છે.

એપલના વડા ટિમ કુકે કહ્યું હતું કે નવો આઈફોન 15 કંપની દ્વારા બનાવવામાં આવેલો અત્યાર સુધીનો શ્રેષ્ઠ અને સૌથી પાવરફુલ આઈફોન હશે.

આઈફોન 15 અને 15 પ્લસમાં વધુ સારી સ્ક્રીન અને કૅમેરા સિસ્ટમ હશે. જ્યારે વધુ મોંઘા આઈફોન 15 પ્રો અને પ્રો મૅક્સમાં ટાઇટેનિયમ ફ્રેમ હશે જે ફોનની મજબૂતાઈને હજુ વધારશે.

પ્રો અને પ્રો મૅક્સમાં મ્યૂટ સ્વિચની જગ્યાએ, 'ઍક્શન બટન' હશે જેને અલગ-અલગ ફંક્શન માટે તમારી જરૂરિયાત મુજબ સેટ કરી શકાય છે.

નવી એપલ વૉચમાં જૅસ્ચર કંટ્રોલ પણ હશે. જે હાથ પર ઘડિયાળ પહેરી હોય તેના પર બે આંગળીઓ વડે એકસાથે ટેપ કરવાથી ઘડિયાળ પહેરનાર કૉલનો જવાબ આપી શકશે અથવા કાપી શકશે.

બીબીસી ગુજરાતી

નિષ્ણાતો શું કહે છે?

આઇફોન-15

ઇમેજ સ્રોત, Getty Images

અનેક નિષ્ણાતોનું માનવું છે કે શું ગ્રાહકો આ લેટેસ્ટ ઉત્પાદનો માટે વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર થશે? કારણે કે નવાં ઉત્પાદનો અને જૂનામાં બહુ ફર્ક નથી.

બ્રિટનમાં આઈફોન 15 પ્રોની કિંમત 999 પાઉન્ડ એટલે કે લગભગ એક લાખ ભારતીય રૂપિયા હશે.

પીપી ફૉરસાઈટના સ્થાપક અને વિશ્લેષક પાઉલો પેસ્કેટોર કહે છે, "એ સમયે કે જ્યારે દરેક વસ્તુ વધુ મોંઘી થઈ રહી છે, ત્યારે ગ્રાહકોને વધુ ખર્ચ કરવા માટે મજબૂર કરવા એ એટલું સરળ રહેશે નહીં."

પાઉલો કહે છે, "કેટલાક લોકોને નવી સુવિધાઓ ગમશે કારણ કે એકંદરે ધ્યાનમાં લઈએ તો તેઓ યૂઝર ઍક્સપિરિયન્સને સુધારે છે અને એપલનો જે મૂળભૂત અને જૂનો ગ્રાહક વર્ગ છે તે આ પ્રકારની ચીજોને ખૂબ પસંદ કરે છે."

મંગળવારે એપલના શેરમાં પણ થોડો ઘટાડો નોંધાયો હતો. ગયા અઠવાડિયે ચીનના સરકારી અધિકારીઓ દ્વારા એપલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યાના સમાચાર બાદ કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. લૉન્ચ ઇવેન્ટ પણ આ ઘટાડાની ભરપાઈ કરવામાં નિષ્ફળ ગઈ.

હુઆવેઇએ પણ ચીનમાં એક નવો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, જેના કારણે કંપનીના રોકાણકારો પરેશાન છે.

નાણાકીય વર્ષ 2023ના બીજા ક્વાર્ટરમાં વિશ્વભરમાં ફોન માર્કેટમાં ઘટાડો નોંધાયો છે. અગાઉના ક્વાર્ટરમાં 29.45 કરોડ ફોનની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં માત્ર 26.8 કરોડ ફોન વેચાયા હતા.

જોકે એપલનું વેચાણ અન્ય સ્માર્ટફોન ઉત્પાદકો કરતાં ઓછું રહ્યું છે. કાઉન્ટરપૉઈન્ટ રિસર્ચ અનુસાર એપલનું વેચાણ 4.65 કરોડથી ઘટીને 4.53 કરોડ થઈ ગયું છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી