You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂઝક્લિકના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થની ધરપકડને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર જાહેર કરી તેમની મુક્તિનો આદેશ આપ્યો
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટની બે સભ્યોવાળી બેન્ચે બુધવારે ન્યૂઝ પૉર્ટલ ન્યૂઝક્લિકના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ બી.આર. ગવાઈની આગેવાની ધરાવતી બેન્ચે એ પણ કહ્યું છે કે પુરકાયસ્થની ધરપકડ અને ત્યારબાદ તેમની અટકાયત કાયદાની દૃષ્ટિએ ગેરકાયદેસર હતી.
કોર્ટે એ પણ કહ્યું કે, પુરકાયસ્થની ધરપકડ સમયે તે જણાવવામાં આવ્યું નહોતું કે તેમની ધરપકડનું કારણ શું હતું.
કોર્ટે કહ્યું કે પ્રબીર પુરકાયસ્થ નીચલી અદાલત દ્વારા નક્કી કરાયેલ બોન્ડની રકમ જમા કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત થઈ શકે છે.
પુરકાયસ્થની ધરપકડ ગયા વર્ષે ઑક્ટોબરમાં ચીન પાસેથી ગેરકાયદેસર ફંડ લેવાના આરોપમાં 'યુએપીએ' હેઠળ કરવામાં આવી હતી.
પ્રબીરના વકિલે શું કહ્યું?
પ્રબીર પુરકાયસ્થના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના અસીલને કસ્ટડીમાં લેવાતી વખતે તેમની ધકપકડનાં કારણો વિશે જાણ કરવામાં આવી નહોતી. જ્યારે આ માહિતી લેખિતમાં આપવી જોઈતી હતી.
જોકે, દિલ્હી પોલીસ તરફથી એડિશનલ સૉલિસિટર જનરલ એસ. વી. રાજુએ જણાવ્યું હતું કે, પુરકાયસ્થને જણાવવામાં આવ્યું હતું કે તેમની ધરપકડ કયા આધારે કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે 'યુએપીએ' અંતર્ગત લેખિતમાં જાણકારી આપવી જરૂરી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમગ્ર મામલો શું હતો?
ગયા વર્ષે ઑક્ટોબરમાં ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝક્લિકથી જોડાયેલા ઘણા પત્રકારોનાં ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા હતા.
ઑગસ્ટ 2023માં 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના એક રિપોર્ટ બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં ન્યૂઝક્લિક વેબસાઇટ પર આરોપ લગાડવામાં આવ્યો હતો કે તે ચીનનો પ્રચાર ફેલાવવા માટે અમેરિકન કરોડપતિ પાસેથી ફંડિંગ લે છે.
ત્યારબાદ પોલિસે વેબસાઇટ વિરુધ્ધ મામલો નોંધ્યો હતો.
જે લોકો પર કથિત દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં વેબસાઇટના સ્થાપક અને સંપાદક પ્રબીર પુરકાયસ્થ, પત્રકાર અભિસાર શર્મા, અનીન્દ્યો ચક્રવર્તી, ભાષા સિંહ, વ્યંગકાર સંજય રાજૌરા, ઇતિહાસકાર સોહેલ હાશ્મીનો સમાવેશ થાય છે.
પોલીસે દરોડા દરમિયાન મોબાઇલ, લૅપટૉપ, કમ્પ્યુટર, સહિત ઇલેકટ્રોનિક સામાન જપ્ત કર્યો હતો.
દિલ્હી પોલીસે આતંકવાદી વિરોધી કાયદા 'યુએપીએ' હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે ન્યૂઝક્લિકના એડિટર-ઇન- ચીફ પ્રબીર પુરકાયસ્થ અને એચઆરના વડા અમિત ચક્રવર્તીની ધરપકડ કરી હતી.
આ પહેલા ન્યૂઝ વેબસાઇટ અને તેમનાં ફંડિંગના સ્ત્રોતની તપાસ 2021માં શરૂ કરવામાં આવી હતી.
તે સમયે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઑફેન્સ વિંગે વેબસાઇટ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ ઈડીએ પણ આ મામલે કેસ નોંધ્યો હતો.