You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાનાં આ શહેરમાં હિંસક પ્રદર્શનોને અટકાવવા ટ્રમ્પે કમાન્ડો કેમ મોકલવા પડ્યા? શું છે સમગ્ર મામલો?
અમેરિકામાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હઠાવવા મામલે લૉસ એન્જલસમાં વિરોધપ્રદર્શન ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને હઠાવવા માટે વધુ 2000 નૅશનલ ગાર્ડ્સને ગોઠવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત મરીન્સના 700 સૈનિકો પણ મોકલવામાં આવ્યા છે.
પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા શૉન પાર્નેલે જણાવ્યું કે વધુ 2000 નૅશનલ ગાર્ડના જવાનોનો લૉસ એન્જલસ મોકલવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે "રાષ્ટ્રપતિના આદેશ બાદ સંરક્ષણ મંત્રાલયે વધુ 2000 કૅલિફોર્નિયા નૅશનલ ગાર્ડના જવાનોને ડ્યૂટી પર બોલાવ્યા છે, જેથી તેઓ આઈસીઈની મદદ કરી શકે."
અગાઉ રવિવારે પણ ટ્રમ્પે વિરોધપ્રદર્શનોને અટકાવવા માટે લૉસ એન્જલસમાં 2000 ગાર્ડને ગોઠવવાનો આદેશ આપ્યો હતો. એટલે કે હવે 4000 જવાનો ડ્યૂટી પર છે.
અમેરિકાના કૅલિફોર્નિયાના લૉસ એન્જલસ શહેરમાં અમેરિકન ઇમિગ્રેશન એજન્સીની કાર્યવાહી અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર દરોડાના વિરોધમાં ચાર દિવસથી પ્રદર્શનો ચાલુ છે.
પોલીસે ટોળા પર રબરની ગોળીઓ ફાયર કરી
લૉસ એન્જલસમાં વિરોધ પ્રદર્શન કરતા અને વાહનો સળગાવતા ટોળાને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો છે.
સોમવારે ટોળા પર રબરની બુલેટ્સ છોડવામાં આવી હતી.
લૉસ એન્જલસના 'લિટલ ટોક્યો' તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક વ્યક્તિએ પોલીસ પર બૉટલ ફેંકી હતી, જ્યારે બીજાએ ફટાકડા ફેંક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે પ્રદર્શનકારીઓ સામે સ્ટન્ટ ગ્રૅનેડ અને પૅપર બૉલ્સ (આંસુ લાવતા ગોળા) ઉપયોગ કર્યો છે.
બીબીસીના અહેવાલ પ્રમાણે, લૉસ એન્જલસમાં આસપાસની કાઉન્ટીમાંથી પણ વધારાના પોલીસદળો ઉતારવામાં આવ્યા છે.
એફબીઆઈએ પ્રદર્શનકારીને પકડવા ઇનામ જાહેર કર્યું
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર દરોડાનો વિરોધ કરવામાં હિંસક બનતા લોકો સામે એફબીઆઈ કાર્યવાહી કરી રહી છે.
કૅલિફોર્નિયાના પૅરામાઉન્ટ ખાતે એક વ્યક્તિએ પોલીસના વાહન પર પથ્થર ફેંક્યા હતા અને હવે આ વ્યક્તિને એફબીઆઈની 'મૉસ્ટ વોન્ટેડ'ની યાદીમાં ઉમેરવામાં આવી છે.
બીબીસીના અહેવાલ પ્રમાણે, પોલીસ પર હુમલો કરનારી આ વ્યક્તિની ઓળખ જાણવા પોલીસ લોકોની મદદ લઈ રહી છે.
આ શકમંદ વ્યક્તિએ કૅપ પહેરી છે અને તે એક કાર પર ચઢી ગયો હતો. આ વ્યક્તિ વિશે માહિતી આપનારને 50 હજાર ડૉલરનું ઇનામ આપવાની એફબીઆઈએ જાહેરાત કરી છે.
મરીન્સને ગોઠવવા બદલ સરકાર સામે કેસ થશે?
કૅલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે ધમકી આપી છે કે તેઓ લૉસ એન્જલસમાં મરીન્સને ગોઠવવા બદલ સરકાર સામે કેસ કરશે.
અગાઉના અહેવાલ પ્રમાણે, ન્યુસમ અને કૅલિફોર્નિયાના ઍટર્ની જનરલ રોબ બોન્ટાએ ન્યુસમની મંજૂરી લીધા વગર લૉસ એન્જલસમાં નૅશનલ ગાર્ડ્સ ગોઠવવા બદલ પહેલેથી ટ્રમ્પ સરકાર સામે કેસ કરી દીધો છે.
ન્યુસમે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે યુએસ મરીન્સનું કામ લોકશાહીનું રક્ષણ કરવાનું છે, કોઈના રાજકીય હાથા બનવાનું નથી.
સંરક્ષણ મંત્રાલયે ગેરકાયદેસર રીતે તેમને અમેરિકાના રસ્તાઓ ઉપર તહેનાત કર્યા છે, જેથી ટ્રમ્પ પોતાની પરેડમાં તેનો ઉપયોગ કરી શકે. આ સત્તાનો ખુલ્લો દુરુપયોગ છે. તેને અટકાવવા માટે અમે કેસ કરીશું.
અમેરિકાના અનેક શહેરોમાં વિરોધપ્રદર્શન
લૉસ એન્જલસમાં ઇમિગ્રેશન મામલે જે પ્રદર્શન થયા તેવા પ્રદર્શન બીજા શહેરોમાં પણ થઈ રહ્યા છે.
ફ્લૉરિડાના ટેમ્પા શહેર, મેસેચ્યુસેટ્સના બૉસ્ટન અને ટૅક્સાસના હ્યુસ્ટનમાં પણ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ દરમિયાન સરકારના ઇમિગ્રેશન દરોડા ચાલુ છે. લૉસ એન્જલસના મેયર કેરેન બાસે કહ્યું, "એક દિવસમાં પાંચ જગ્યાએ આઈસીઈએ દરોડા પાડ્યા છે."
પોલીસે પણ આ સમાચારની પુષ્ટિ આપીને કહ્યું કે આખા વિસ્તારમાં ઍન્ફોર્સમેન્ટની કાર્યવાહી ચાલુ છે.
ટ્રમ્પ ઢીલ નહીં આપે, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો દાવો
એક તરફ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર દરોડાના મામલે વિરોધપ્રદર્શન ચાલુ છે, ત્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નમતું નહીં જોખે.
તેમણે ઍક્સ પર લખ્યું, "તોફાનોથી વહીવટીતંત્ર ગભરાવાનું નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પીછેહઠ નહીં કરે."
કૅલિફોર્નિયાના ગવર્નર આ મામલે કોર્ટમાં જવાની વાત કરી છે, ત્યારે જેડી વેન્સનું નિવેદન મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન