ટ્રમ્પની ટૅક્સની નવી જોગવાઈ ભારતને કેવી રીતે અબજો ડૉલરનું નુકસાન કરી શકે?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ડોનાલ્ડ ટ્રમ્પના 'વન બિગ બ્યૂટીફુલ બિલ'માં એક એવી જોગવાઈ છે કે જેથી અમેરિકા વિદેશમાં મોકલાતા પૈસામાંથી અબજો ડૉલર પોતાના ખિસ્સામાં સરકાવી શકે છે.

આ જોગવાઈમાં અમેરિકી ગ્રીન કાર્ડધારકો અને એચ-1બી વિઝા જેવા અસ્થાયી વિઝા પર રહેતા વિદેશી કર્મચારીઓ પોતાના દેશમાં જે પૈસા મોકલશે એના પર 3.5 ટકા ટૅક્સ લગાડવાનો પ્રસ્તાવ છે.

વિદેશથી મોટી માત્રામાં પૈસા મેળવતા દેશોમાં એક ભારત દેશ પણ છે. આ શ્રેણીમાં મૅક્સિકો, ચીન, ફિલિપાઇન્સ, ફ્રાન્સ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ સામેલ છે.

ભારતીય રિઝર્વ બૅન્કના અર્થશાસ્ત્રીઓના એક પેપર પ્રમાણે, 2023માં વિદેશમાં રહેતા ભારતીયોએ 119 અબજ ડૉલર ભારતમાં પોતાના પરિવારને મોકલ્યા હતા. આ રકમ ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટથી પણ વધારે છે.

વિદેશથી ભારત આવતાં આ નાણાંનો સૌથી મોટો ભાગ અમેરિકાથી આવતો હતો. આમાં વિદેશમાં રહેતા લાખો સ્થળાંતર કરનારાઓ દ્વારા તેમનાં માતાપિતાની દવા, તેમના સંબંધીઓના શિક્ષણના ખર્ચ અને હોમ લોનના હપ્તા ચૂકવવા મોકલેલાં નાણાંનો સમાવેશ થાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત આ ટૅક્સ સ્થળાંતરિત કામદારો પાસેથી અબજો રૂપિયા છીનવી શકે છે, જેમાં ઘણા પહેલાંથી જ અમેરિકામાં ટૅક્સ ચૂકવી રહ્યા છે.

આનાથી ભારતને અમેરિકાથી મળનારા એક સ્થિર સોર્સ પર અસર થઈ શકે છે.

વિદેશથી મોકલાતા પૈસામાં ભારત પ્રથમ ક્રમે

વિશ્વ બૅન્ક અનુસાર, ભારત 2008થી વિદેશથી પૈસા મેળવનારા દેશોની યાદીમાં પ્રથમ ક્રમે છે. 2001માં તેનો હિસ્સો 11 ટકા હતો જે હવે વધીને 15 ટકા થઈ ગયો છે.

ભારતની કેન્દ્રીય બૅન્ક કહે છે કે આ શ્રેણીમાં ભારત મજબૂત રહે તેવી ધારણા છે. એક અંદાજ મુજબ, આ આંકડો 2029 સુધીમાં 160 અબજ ડૉલર સુધી પહોંચી જશે.

વર્ષ 2000થી ભારતના જીડીપીમાં વિદેશથી આવતાં આ નાણાંનું યોગદાન લગભગ ત્રણ ટકા રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે, ભારતની સ્થળાંતરિત વસ્તી 1990માં 6.6 મિલિયનથી વધીને 2024માં 18.5 મિલિયન થઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે, તેનો હિસ્સો 4.3 ટકાથી વધીને છ ટકાથી વધુ થયો છે.

આ ભારતીય સ્થળાંતર કરનારાઓમાંથી લગભગ અડધા ખાડી દેશોમાંથી છે. જોકે, વિકસિત અર્થતંત્રો, ખાસ કરીને અમેરિકામાં સ્થળાંતર કરનારાની સંખ્યામાં વધારો થયો છે અને તેનું એક કારણ ભારતનું આઈટી ક્ષેત્ર છે.

અન્ય દેશોમાં પરિવારોને મોકલવામાં આવતા પૈસામાં સૌથી મોટો હિસ્સો અમેરિકાનો છે. એટલે કે અમેરિકાનો હિસ્સો 2020-21માં 23.4 ટકાથી વધીને 2023-24માં લગભગ 28 ટકા થયો છે.

કોરોના મહામારી પછીના સમયગાળામાં અર્થતંત્રમાં ઝડપી રિકવરી અને 2022માં વિદેશથી આવતા કામદારોની સંખ્યામાં 6.3 ટકાનો વધારો થયો છે.

અમેરિકામાં 78 ટકા ભારતીય ઇમિગ્રન્ટ્સ મૅનેજમૅન્ટ, બિઝનેસ, વિજ્ઞાન અને કળા જેવાં ઉચ્ચ આવક ધરાવતાં ક્ષેત્રોમાં કામ કરે છે.

કરવેરા અને કરન્સી કન્વર્ઝન ખર્ચ લાંબા સમયથી વૈશ્વિક નીતિગત ચિંતાનો વિષય રહ્યા છે, કારણ કે તે પરિવારો પર સીધી અસર કરે છે.

આ ખર્ચ વૈશ્વિક સરેરાશ કરતાં વધારે છે. જોકે, રૂપાંતર દરની દૃષ્ટિએ વિદેશથી ઘરે પૈસા મોકલવા હજુ પણ સસ્તું પડે છે. આ દર્શાવે છે કે આ સંદર્ભમાં ડિજિટલ પદ્ધતિઓમાં વધારો થયો છે અને બજારમાં સ્પર્ધા પણ વધી છે.

કયાં રાજ્યોમાં વિદેશથી સૌથી વધુ નાણાં આવે છે?

દિલ્હીસ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (જીટીઆરઆઈ)ના ફૅલો અજય શ્રીવાસ્તવના મતે, "જો અન્ય દેશોમાંથી મોકલાતા પૈસામાં 10થી 15 ટકાનો પણ ઘટાડો થાય, તો ભારતને દર વર્ષે 12થી 18 અબજ ડૉલરનું નુકસાન થઈ શકે છે. આના કારણે ડૉલરનો પુરવઠો ઘટશે અને રૂપિયો દબાણ હેઠળ આવશે."

અજય શ્રીવાસ્તવ માને છે કે આવી સ્થિતિમાં ચલણને સ્થિર કરવા કેન્દ્રીય બૅન્કને ઘણી વખત હસ્તક્ષેપ કરવો પડી શકે છે.

તેની સૌથી મોટી અસર કેરળ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોના પરિવારો પર પડી શકે છે, જ્યાં શિક્ષણ, આરોગ્યસેવા અને રહેઠાણ જેવી સુવિધા માટે વિદેશથી પૈસા મોકલાય છે.

અજય શ્રીવાસ્તવ કહે છે કે "આ પ્રસ્તાવિત કર સ્થાનિક વપરાશ પર ખરાબ અસર કરી શકે છે." તેમનું કહેવું છે કે ભારતીય અર્થતંત્ર પહેલાંથી જ વૈશ્વિક અનિશ્ચિતતા અને ફુગાવા સામે ઝઝૂમી રહ્યું છે.

દિલ્હીસ્થિત ડબલ્યુટીઓ સ્ટડી સેન્ટરના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે આવા કરવેરાથી ભારતમાં પરિવારોના ઘરેલુ બજેટમાં ઘટાડો થઈ શકે છે. કૌટુંબિક વપરાશ અને રોકાણને અસર કરવા ઉપરાંત, તે ભારતના વિદેશી હૂંડિયામણના સૌથી સ્થિર સ્રોતોમાંના એકને નબળો પાડી શકે છે.

ભારતનાં જે રાજ્યોને વિદેશથી સૌથી વધુ નાણાં મળે છે તેમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. ત્યાર બાદ કેરળ અને તામિલનાડુનો નંબર આવે છે.

ડબલ્યુટીઓ સ્ટડી સેન્ટરના પ્રીતમ બેનરજી, સપ્તર્ષિ મંડલ અને દિવ્યાંશ દુઆના અહેવાલ મુજબ, વિદેશથી આવતાં આ નાણાંનો ઉપયોગ મુખ્યત્વે ભારતમાં જરૂરી ઘરખર્ચ, બચત અને મિલકત અથવા સોનામાં રોકાણ અને નાના વ્યવસાયોમાં રોકાણ માટે થાય છે.

આવી સ્થિતિમાં આ ઘટાડાની સ્થાનિક બચત પર અસર પડી શકે છે, જે આના કારણે ઘટી શકે છે. આનાથી નાણાકીય અને સ્થાવર-જંગમ બંને સંપત્તિમાં રોકાણ ઘટી શકે છે.

અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે વિદેશથી આવતા પૈસા ઘટે છે, ત્યારે પરિવારો "બચત અને રોકાણ કરતાં ખોરાક, આરોગ્ય અને શિક્ષણ જેવી ઘરની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાનું શરૂ કરે છે."

વૉશિંગ્ટનસ્થિત થિંક ટેન્ક સેન્ટર ફૉર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા કરાયેલા એક અભ્યાસમાં દર્શાવાયું છે કે પ્રસ્તાવિત કરને કારણે અમેરિકાથી બહાર મોકલાતા પૈસામાં ભારે ઘટાડો થઈ શકે છે.

આનાથી મૅક્સિકો સૌથી વધુ નુકસાન ભોગવશે. અમેરિકામાં રહેતા તેના લોકો દર વર્ષે 2.6 અબજ ડૉલરથી વધુ તેમના દેશમાં પાછા મોકલે છે.

આ કરવેરાથી સૌથી વધુ નુકસાન સહન કરનારા અન્ય દેશોમાં ભારત, ચીન, વિયેતનામ અને ઘણા લેટિન અમેરિકન દેશોનો સમાવેશ થાય છે.

પ્રસ્તાવિત કર અંગે હજુ પણ કેટલીક મૂંઝવણ છે

જોકે, આ પ્રસ્તાવિત કર અંગે હજુ પણ કેટલીક મૂંઝવણ છે. તેની અંતિમ મંજૂરી માટે તેને સૅનેટની સંમતિ અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષરની જરૂર પડશે.

વિશ્વ બૅન્કના સ્થળાંતર અને વિદેશી રેમિટેન્સેસના મુખ્ય અર્થશાસ્ત્રી દિલીપ રથે બીબીસીને જણાવ્યું કે, "આ કર બધા બિન-નાગરિકોને, દૂતાવાસ, યુએન અને વિશ્વ બૅન્કના કર્મચારીઓને પણ લાગુ પડે છે. જે લોકો કર ચૂકવે છે તેઓ પછીથી તેના આધારે ટૅક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે. જોકે, આ રીતે તે ફક્ત એ સ્થળાંતરકારોને જ લાગુ પડશે જે કર ચૂકવતા નથી. આમાં મોટા ભાગે ગેરકાયદે સ્થળાંતર કરનારાનો સમાવેશ થશે."

સોશિયલ મીડિયા સાઇટ લિંક્ડઇન પર એક નોંધમાં ડૉ. રથે લખ્યું, "પ્રવાસીઓ અનૌપચારિક પદ્ધતિઓનો આશરો લઈને પૈસા મોકલવાનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી શકે છે. આમાં રોકડ લઈ જવી, યુએસમાં મિત્રોની મદદથી સ્થાનિક ચલણમાં પૈસા મોકલવા, કુરિયર, બસ ડ્રાઇવર અથવા ઍરલાઇન સ્ટાફની મદદ લેવાનો સમાવેશ થઈ શકે છે. ઉપરાંત, હવાલા અને ક્રિપ્ટોકરન્સી જેવી પદ્ધતિનો પણ ઉપયોગ થઈ શકે છે."

ડૉ. રથે પ્રશ્ન કર્યો છે કે, "શું આ પ્રસ્તાવિત કર અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનને રોકી શકશે? કે પછી ગેરકાયદે રીતે આવેલા લોકોને પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરશે?"

જોકે, એ જ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે લખ્યું, "આવું નહીં થાય."

ડૉ. રથનો અંદાજ છે કે અમેરિકામાં લઘુતમ વેતનવાળી નોકરીથી વાર્ષિક 24,000 ડૉલરથી વધુ કમાણી થાય છે, જે ઘણા વિકાસશીલ દેશો કરતાં ચારથી 30 ગણી વધારે છે. સ્થળાંતર કરનારાઓ સામાન્ય રીતે વાર્ષિક 1,800થી 48,000 ડૉલરની વચ્ચે ઘરે પાછા મોકલે છે.

ડૉ. રથ કહે છે, "3.5 ટકાનો ટૅક્સથી આના પર રોક લાગવાની શક્યતા નથી. છેવટે, સમુદ્ર, નદીઓ અને પર્વતો પાર કરીને વિદેશ જવાનો પ્રયાસ કરતા સ્થળાંતર કરનારાઓનું મુખ્ય ધ્યેય તેમના પરિવારના સભ્યોને મદદ કરવા માટે પૈસા મોકલવાનું હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન