You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંધ્ર પ્રદેશના વેંક્ટેશ્વર મંદિરમાં થયેલી નાસભાગમાં નવનાં મૃત્યુ
સમાચાર એજન્સી એએનઆઈએ આંધ્ર પ્રદેશ મુખ્ય મંત્રી કાર્યાલયને ટાંકીને ઍક્સ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં કસિબુગ્ગા ખાતે વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું છે કે આ ઘટનામાં કેટલાક શ્રદ્ધાળુઓનાં મૃત્યુ પણ થયાં છે.
પોલીસે બીબીસીને આ ઘટનામાં નવ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જણાવ્યું છે.
એકાદશી નિમિત્તે મંદિરમાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થતાં આ બનાવ બન્યો હતો. ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થતા અચાનક નાસભાગ મચી ગઈ હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા.
પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાજ્યના કૃષિ મંત્રી કે. અચાનનાઇડુ પણ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા.
ત્યાં તેમણે મંદિરના વહીવટીતંત્ર સાથે વાત કરીને ઘટના અંગે માહિતી મેળવી હતી. હાલ ઘટનાસ્થળે વધુ પોલીસ કાફલો મોકલી દેવાયો છે.
વડા પ્રધાન કાર્યાલય તરફથી કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ પર આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં કહેવાયું છે, "આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમસ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી નાસભાગની ઘટનાથી અત્યંત વ્યથિત છું. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પરિજનોને ખોયા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદી સ્વસ્થ થઈ જાય."
આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે પીએમએનઆરએફ માંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે કે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય મળશે.
આંધ્ર પ્રદેશના રાજ્યપાલ અબ્દુલ નજીરે પણ ઍક્સ પર મંદિરમાં નાસભાગને કારણે 9 લોકોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
ચંદ્રબાબુ નાયડુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું છે કે શ્રીકાકુલમ જિલ્લાના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ બાદ કેટલાક શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયાં છે.
જોકે, આ ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ નથી.
ચંદ્રબાબુ નાયડુએ નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે
ચંદ્રબાબુ નાયડુએ ઍક્સ પર લખ્યું, "શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગાસ્થિત વેંકટેશ્વર મંદિરમાં થયેલી નાસભાગની ઘટના અત્યંત દુ:ખદ છે. આ ઘટનામાં શ્રદ્ધાળુઓનાં મૃત્યુ હૃદયવિદારક છે. હું દિવંગતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."
તેમણે કહ્યું, "આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલદી અને યોગ્ય સારવાર માટે અધિકારીઓને નિર્દેશ અપાય છે. સાથે જ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ઘટનાસ્થળે પહોંચીને રાહતકાર્યોની દેખરેખ કરવાનું કહેવાયું છે."
સમાચાર એજન્સી પીટીઆઇએ મંદિરનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ઘણી ભીડ દેખાઈ રહી છે.
આંધ્ર પ્રદેશના નાયબમુખ્ય મંત્રી પવન કલ્યાણે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન