You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ પાંચ કારણો જેના લીધે ભારત બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી હારી ગયું
10 વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર સ્થાપિત ભારતના દબદબાને ખતમ કર્યો છે અને આ શ્રેણીને 3-1થી જીતી લીધી છે.
પાંચમી અને અંતિમ ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રલિયાએ ભારતને છ વિકેટે હરાવીને સિરીઝ પર કબજો કર્યો છે.
જોકે, આ સિરીઝની પહેલી ટેસ્ટ મૅચમાં ભારતે મોટી જીત મેળવી હતી, એ પછી એમ મનાતું હતું કે ભારત ઑસ્ટ્રેલિયાને હંફાવી દેશે પરંતુ તે પછીની મૅચોમાં ભારતની ટીમ અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન કરી શકી નહોતી.
આ સાથે જ ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી શકવાની આશા પણ ધૂંધળી થઈ ગઈ છે.
પરંતુ ભારતીય ટીમની આવી હાલત કેમ થઈ? એવાં કયાં કારણો રહ્યાં કે જેના કારણે ભારતીય ટીમને અંતે હારનો સામનો કરવો પડ્યો?
1- રોહિત અને કોહલીની જોડી નિષ્ફળ
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ભારતનો મોટો મદાર રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી પર હતો. પરંતુ બંને બૅટ્સમૅનો સતત નિષ્ફળ રહ્યા હતા.
વિરાટ કોહલીએ પાંચ મૅચમાં માત્ર 190 રન બનાવ્યા હતા અને તેમની સરેરાશ માત્ર 23.75 રહી હતી.
રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટ બાદની ત્રણ મૅચમાં માત્ર 30 રન નોંધાવ્યા હતા અને તેમણે પાંચમી ટેસ્ટમાંથી ખુદ ખસી જવાનો નિર્ણય લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બંને બૅટ્સમૅનોની નિષ્ફળતાની સીધી અસર ભારતના ટૉપ ઑર્ડરના પ્રદર્શન પર પડી હતી અને ભારત પછી તેમાંથી ક્યારેય રિકવર થઈને મોટો સ્કોર નોંધાવી શક્યું ન હતું.
2- ભારતીય બૅટ્સમૅનોનું સતત ખરાબ પ્રદર્શન
ટૉપ-ઑર્ડરની સતત નિષ્ફળતાને કારણે પડતો દબાવ એ મિડલ ઑર્ડરના બૅટ્સમૅનો પણ સહન કરી શક્યા ન હતા.
પ્રથમ ટેસ્ટ પછી કોઈ પણ ભારતીય બૅટ્સમૅન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો ન હતો.
કેએલ રાહુલ, શુભમન ગિલ, ઋષભ પંત જેવા બૅટ્સમૅનો પણ લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયા હતા.
ભારતની ટીમ કુલ 10માંથી છ ઇનિંગ્સમાં તો 200નો સ્કોર પણ બનાવી શકી નહોતી. મોટો સ્કોર ન બનાવી શકવાને કારણે બૉલરો પર પણ સતત દબાણ જોવા મળ્યું હતું.
ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 5 મૅચમાં 391 રન બનાવ્યા હતા. જ્યારે બીજા ક્રમે નીતીશકુમાર રેડ્ડીએ 298 રન બનાવ્યા હતા.
3- ત્રીજા ફાસ્ટ બૉલરની ગેરહાજરી
ભારત ભલે સિરીઝ હાર્યું હોય પરંતુ જસપ્રીત બુમરાહને પ્લૅયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે.
જસપ્રીત બુમરાહે પાંચ મૅચમાં સૌથી વધુ 32 વિકેટો ખેરવી હતી, જ્યારે ભારત તરફથી બીજા ક્રમે સૌથી વધુ મોહમ્મદ સિરાજે 20 વિકેટો ઝડપી હતી.
પરંતુ એ સિવાય ભારતીય બૉલરો અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા ન હતા.
વૉશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા જેવા બૉલરો પણ વિકેટ ખેરવવામાં સતત નિષ્ફળ રહ્યા હતા.
ભારતીય બૉલરો સ્મિથ અને ટ્રૅવિસ હેડનો પણ તોડ શોધી શક્યા ન હતા.
સિરીઝ દરમિયાન એવું સતત પ્રતીત થતું હતું કે ભારતીય બૉલિંગ આક્રમણ બુમરાહ પર આધારિત હોય. ત્રીજા ફાસ્ટ બૉલર તરીકે મોહમ્મદ શમીની ખોટ પણ વર્તાતી હતી.
4- ટીમની પસંદગી સામે સતત સવાલો
આ સિરીઝ દરમિયાન ભારતની પ્લૅઇંગ ઇલેવનની પસંદગી પણ સતત ચર્ચામાં રહી હતી. કોચ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા પર પણ સતત સવાલો ઉઠી રહ્યા હતા.
વૉશિંગ્ટન સુંદર અને નીતીશકુમાર રેડ્ડીની પસંદગી અને તેમના ઉપયોગ વિશે પણ સવાલો ઊઠ્યા હતા.
સ્પિનર રવિચંદ્રન અશ્વિને ચાલુ શ્રેણી દરમિયાન જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
ફીલ્ડ પ્લૅસમેન્ટથી લઇને બૉલિંગ પરિવર્તન સુધી રોહિત શર્માએ મૅચ દરમિયાન લીધેલા નિર્ણયો પર પણ સવાલો ઉઠ્યા હતા.
કોચ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે ટકરાવની પણ અનેક મીડિયા અહેવાલોમાં ચર્ચા થઈ છે. એક આશ્ચર્યજનક નિર્ણય લેતા રોહિત શર્માએ ખુદ છેલ્લી મૅચમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો, જેની ક્રિકેટ વિશ્લેષકોએ ટીકા કરી હતી.
5- ઑસ્ટ્રેલિયાની બૉલિંગ
ભારતીય બૅટ્સમૅનો અને બૉલરોની નિષ્ફળતા સામે ઑસ્ટ્રેલિયાના બૉલરોએ સતત પોતાનું પ્રદર્શન જાળવી રાખ્યું હતું.
ઑસ્ટ્રેલિયાના બૉલરો નિયત સમયે વિકેટ ખેરવવામાં સફળ રહ્યા હતા.
પૅટ કમિન્સ અને મિચૅલ સ્ટાર્કની જોડીને સ્કોટ બૉલેન્ડનો સાથ મળ્યો હતો. ભારતના બૅટ્સમૅનો સ્કોટ બૉલેન્ડ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
સ્કોટ બોલેન્ડે માત્ર 3 મૅચમાં 21 વિકેટો ખેરવી હતી અને ભારતીય બૅટ્સમૅનોને લાંબો સ્કોર કરતાં રોક્યા હતા.
સ્કોટ બોલેન્ડને જોશ હેઝલવૂડને થયેલી ઇજાના કારણે ટીમમાં સ્થાન મળ્યું હતું અને તેઓ ભારતીય બૅટ્સમૅનો માટે સરપ્રાઇઝ પૅકેજ સાબિત થયા હતા.
તેમણે અંતિમ ટેસ્ટમાં કુલ 10 વિકેટ ખેરવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન