મોહમ્મદ શમી : અમરોહાના શરમાળ છોકરા ‘સિમ્મી’એ ક્રિકેટજગતમાં બોલાવ્યો સપાટો – ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીની નજીક 150 કિલોમીટર દૂર નૅશનલ હાઇવ 9થી નીકળતો એક પાતળો રસ્તો ઘણા વળાંકો સાથે આગળ વધે છે.

બંને તરફ શેરડીનાં ખેતર છે. હાઇવેથી લગભગ એક કિલોમીટર દૂર સફેદ ઊંચી ઇમારતોથી ઘેરાયેલું એક ફાર્મહાઉસ છે.

એ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીનું ગર છે, જેઓ તેમને મળેલી ખ્યાતિ અને સફળતાની કહાણી બયાન કરે છે.

ઉત્તર પ્રદેશના અમરોહાના એક શાંત ગામ સહસપુર અલીનગરમાં જન્મેલા અને ઊબડખાબડ મેદાનોમાં ટેનિલ બૉલથી ક્રિકેટ રમીને મોટા થયેલા મોહમ્મદ શમીએ આઈસીસી વર્લ્ડકપ 2023માં તોફાની પ્રદર્શન કર્યું છે.

તેમણે વર્લ્ડકપમાં રમેલી છ મૅચોમાં અનુક્રમે તેમને પાંચ, ચાર, પાંચ, બે, શૂન્ય અને સાત એમ કુલ 23 વિકેટ મળી છે. સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડની સાત વિકેટો ખેરવીને મોહમ્મદ શમીએ એક નવો રેકૉર્ડ સર્જી નાખ્યો.

આ ગમે એ બૉલર માટે સ્વપ્નસમા પ્રદર્શન જેવું છે. તેઓ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ (27) ખેરવવાના મિચેલ સ્ટાર્કના રેકૉર્ડથી માત્ર ચાર ડગલાં દૂર છે.

સહસપુર અલીનગર ગામમાં હવે પત્રકારોની ભીડ જામેલી છે. ગામલોકો પાસે સંભળાવવા માટે મોહમ્મદ શમી સાથે સંકળાયેલા કિસ્સા છે.

મોહમ્મદ શમીને ગામલોકો ‘સિમ્મી ભાઈ’ કહીને બોલાવે છે. સિમ્મી જ્યારે બાળક હતા ત્યારે તેમના પિતા તૌસીફ અલી ગામમાં ક્રિકેટ રમતા હતા.

સહસપુરના નિવાસી મોહમ્મદ જુમ્મા જણાવે છે કે, “તૌસીફ જ આ ગામમાં ક્રિકેટ લઈ આવ્યા હતા. ત્યારે અમે રેડિયોમાં કૉમેન્ટરી સાંભળતા, ત્યાંથી જ ક્રિકેટનો શોખ જન્મ્યો. તૌસીફ ક્રિકેટ કિટ લઈ આવ્યા અને ગામમાં પીચ બનાવી લેવાઈ.”

નાનપણથી મળ્યા ક્રિકેટના સંસ્કાર

જુમ્મા યાદ કરતાં કહે છે કે, “સિમ્મી ખૂબ નાના હતા, ત્યારથી તેમને ઍક્સ્ટ્રા ફીલ્ડર તરીકે રમાડાતા. એ ખૂબ ઝડપથી દોડતો. બાદમાં તેણે બૉલિંગ કરવાનુંય શરૂ કરી દીધું, કોઈ સાથે રમનાર ન મળે તો એ એકલો જ બૉલિંગ કર્યા કરતો.”

સહસપુર અલીનગર ગામમાં મોહમ્મદ શમીના ઘરની બિલકુલ નજીક એક જૂનું કબ્રસ્તાન આવેલું છે. હવે ત્યાં ઊંચી ઝાડીઓ છે, પરંતુ જ્યારે શમી ક્રિકેટના પાઠ ભણી રહ્યા હતા ત્યારે આ સ્થળે એક પીચ હતી.

આ ઊબડખાબડ જમીન પર બનેલી ત્રાંસી (નીચેથી ઉપર તરફ જતી પીચ) પર શમી ઘાતક બૉલિંગ કરતા.

જુમ્મા જણાવે છે કે, “ગામની પોતાની એક ક્રિકેટ ટીમ હતી. શમીના મોટા ભાઈ પણ ઑલરાઉન્ડર હતા. એ સમયે બાળકોમાં પોલીસ અને સૈન્યમાં જોડાવાનું ઘેલું હતું, ફિટનેસ માટે ક્રિકેટ સારો વિકલ્પ હતો, જેના કારણે ગામમાં એક મજબૂત ટીમ બની ગઈ.”

મોહમ્મદ શમી પોતાની ઝડપથી ઓળખ બનાવી ચૂક્યા હતા. વિસ્તારમાં યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટોમાં તેમની રમત જોવા માટે ભીડ એકઠી થતી.

જુમ્મા જણાવે છે, “ગામનાં મેદાન આ ખેલાડીઓ માટે નાનાં પડી રહ્યાં હતાં. તેઓ શહેરની ટીમો સામે મૅચ રમવા જવા લાગ્યા. ત્યાં જ મુરાદાબાદના સોનકપુર સ્ટેડિયમમાં રમતી વખતે કોચ બદરુદ્દીનની નજર શમી પર પડી અને તેમણે શમીને સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ માટે બોલાવ્યા.”

બસ આ જ વાત મોહમ્મદ શમીની કારકિર્દીનો ટર્નિગ પૉઇન્ટ હતી. હવે તેમની પાસે મેદાન હતું, કોચ હતા અને આગળ વધવા માટે આંખમાં સપનાંની પણ કોઈ કમી નહોતી.

કોચ બદરુદ્દીન પણ શમીની ઝડપના કદરદાન હતા. તેમણે જ આગળની તાલીમ માટે શમીને કોલકાતા જવાની પ્રેરણા આપી.

બદરુદ્દીન પણ હવે શમીના પ્રદર્શનથી આશ્ચર્યચકિત છે. બીબીસી સાથે વાત કરતાં બદરુદ્દીન જણાવે છે કે, “અમને એ વાતની તો ખાતરી હતી કે એ ખૂબ આગળ જશે, પરંતુ એવું ક્યારેય નહોતું વિચાર્યું કે એ આવી કમાલ કરી બતાવશે. આજે શમી વિશ્વનો શ્રેષ્ઠ બૉલર છે.”

શમીની સફળતાનું કારણ જણાવતાં બદરુદ્દીન કહે છે કે, “પોતાની લાઇન પર સીમ સાથે બૉલિંગ કરી રહ્યો છે. તેનું સીમ હાલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે.”

“એની રીત સરળ છે, જે તેની સૌથી મોટી તાકત છે. એ એના પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. એ એક જ જગ્યાએ બૉલ ફેંકે છે અને ત્યાંથી ઇન સ્વિંગ મળે છે. તેનો બૉલ સીમ અને સ્વિંગ બંને કરી રહ્યો છે. આ જ કારણ છે કે વિશ્વના શ્રેષ્ઠ બૅટ્સમૅનો પણ તેની સામે સંઘર્ષ કરી રહ્યા છે.”

ગામલોકોએ જણાવ્યું શમીની કામિયાબીનું રહસ્ય

શમીના ઐતિહાસિક પ્રદર્શનનું શ્રેય બદરુદ્દીન શમીના પરિશ્રમને આપે છે. તેઓ કહે છે કે, “એણે ક્યારેય પ્રૅક્ટિસ ન છોડી. હંમેશાં મહેનત કરવાનું ચાલુ રાખ્યું. વર્લ્ડકપમાં પણ જે જોવા મળી રહ્યું છે એ ઘણાં વર્ષોની મહેનતનું જ પરિણામ છે.”

સહસપુર અલીનગર ગામની બહાર બની રહેલી પૉલિટેકનિક કૉલેજના ગ્રાઉન્ડ, ગામનં બાળકો માટે રમતનું મેદાન પણ છે. લીલી ઘાસ અને સપાટ પીચવાળા આ મેદાનમાં ગામના ઘણા છોકરા બપોરના સમયે ક્રિકેટ રમી રહ્યા છે.

મોહમ્મદ શમીએ યુવાનોની એક સંપૂર્ણ આખી પેઢીને પ્રેરણા આપી છે અને તેમાં તેમના ગામના છોકરા પણ સામેલ છે.

મુનીર પણ એક ફાસ્ટ બૉલર છે. મુનીર કહે છે કે, “સિમ્મી ભાઈને જોઈને અમે પણ રમી રહ્યા છીએ. અમને લાગે છે કે જો તેઓ કમાલ કરી શકે છે તો એક દિવસ તો અમેય પોતાના માટે સ્થાન બનાવી શકીશું.”

આ ગામનું એકમાત્ર મેદાન છે, પરંતુ તેમાં પણ હવે નવી ઇમારત બનાવવા માટે ખાડા ખોદાઈ રહ્યા છે.

અહીં હજુ સુધી રમતની કોઈ સુવિધા નથી. મુનીર કહે છે કે, “સુવિધા હોય કે ન હોય, અમે રમીશું અને જો અમે સિમ્મી ભાઈની જેમ બૉલિંગ કરશું તો અમનેય ક્યાંક ને ક્યાંક તો જગ્યા મળી જ જશે.”

વર્લ્ડકપમાં મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શન બાદ હવે અમરોહા જિલ્લા તંત્ર ત્યાં એક મિનિ સ્ટેડિયમ બનવવા જઈ રહ્યું છે.

અમરોહાના જિલ્લાધિકારી રાજેશકુમાર ત્યાગી કહે છે કે, “મોહમ્મદ શમીના ગામમાં એક મિનિ સ્ટેડિયમ બનાવવાનો પ્રસ્તાવ અમે શાસન સમક્ષ મોકલ્યો છે અને મંજૂર મળતાં જ તેનું કામ પણ શરૂ થઈ જશે, અમે જમીન પણ શોધી લીધી છે અને જિલ્લાના અધિકારીઓ ગામની મુલાકાત પણ લીધી છે.”

મુનીર જેવા ખેલાડી ખુશ છે કે મોહમ્મદ શમીના કારણે ગામમાં સ્ટેડિયમ બનશે અને અન્ય સુવિધાઓ મળવા લાગશે.

તેમજ રાજકીય દળો પણ હવે આ ગામમાં રમતગમતની સુવિધાઓનો વિકાસ કરવા માટે જાહેરાતો કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરીએ કહ્યું કે મોહમ્મદ શમીના ગામમાં પોતાના સંસદીય ફંડથી રમતગમતની સુવિધાઓનો વિકાસ કરવા માગે છે.

પિતા ક્રિકેટ રમતા તેથી શમીને પણ ચડ્યો ક્રિકેટનો શોખ

બીજી તરફ, મોહમ્મદ શમીના ઘરનો માહોલ ખુશખુશાલ છે. દિલ્હીના ડઝનો પત્રકાર ત્યાં પહોંચ્યાં છે અને સમયાંતરે શમીના પરિવારજનોનાં ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે.

બીબીસી સાથે વાત કરતાં શમીના મોટા ભાઈ હસીબ કહે છે, “જ્યારે શમીએ પાંચ વિકેટ લીધી ત્યારે મેં મનમાં ને મનમાં વિચારતો કે કાશ કોઈ દિવસે એ છ-સાત વિકેટ લઈ લે. હવે શમીએ આ કારનામું કરી બતાવ્યું છે. આ ઉપલબ્ધિથી આખો વિસ્તાર ખુશ છે.”

હસીબ ખુદ ક્રિકેટર હતા. તેઓ કહે છે કે, “અમારા પપ્પા ક્રિકેટ રમતા, તેમને જોઈને અમને બંને ભાઈઓને પણ શોખ લાગી ગયો. શમી પાસે ઝડપ હતી. પરિવારે તેમની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, બંને ભાઈઓમાંથી માત્ર એકને જ મોકલી શકાય એવી સ્થિતિ હતી, શમી ગયા અને આજે તેનું પરિણામ આપણી સામે છે.”

હસીબ વાનખેડે સ્ટેડિયમમાં મૅચ જોવા નહોતા જઈ શક્યા કારણ કે તેમણે ફાઇનલ જોવાની યોજના બનાવી હતી.

હસીબ જણાવે છે કે અમને એ વાતનો વિશ્વાસ હતો કે ભારત મૅચ જીતશે, તેથી અમે અમદાવાદ જવા માગતા હતા, પરંતુ હવે વાનખેડેમાં સેમિફાઇનલ ન જોઈ શકવાનો અફસોસ છે. આ ઐતિહાસિક પ્રદર્શનને અમે મેદાનમાં ન જોઈ શક્યા.

હસીબ હવે પરિવાર સાથે મૅચ જોવા અમદાવાદ પહોંચી ગયા છે. તેઓ કહે છે કે, “દરેક ભારતીયને આજે શમી પર જેટલો ગર્વ છે, એટલો જ ગર્વ અમનેય છે.”

મોહમ્મદ શમીએ અંગત જીવનમાં ઉતારચઢાણ વચ્ચે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રાખ્યું અને ગમે તેવી સ્થિતિમાં પ્રૅક્ટિસ કરવાનું ન છોડ્યું.

હસીબ જણાવે છે કે, “એ દરરોજ બે વાગ્યાથી માંડીને રાતના દસ વાગ્યા વચ્ચે પ્રૅક્ટિસ કરે છે, આ દરમિયાન એ કોઈની સાથે વાત નથી કરતો. પછી ભલે એ ગમે એ હોય, એ પ્રૅક્ટિસ કરવાનું નથી છોડતો, આ સતત, અથાક મહેનત જ તેની આ સફળતાનું મૂળ કારણ છે.”