You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
20 વર્ષ જૂની હારનો બદલો લેવાની ભારતને તક, 2003 વર્લ્ડકપની સરખામણીએ ભારત કેટલું મજબૂત?
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ક્રિકેટના મેદાન પર બનતી કેટલીક ઘટનાઓ ક્રિકેટરો તો ઠીક પરંતુ ક્રિકેટપ્રેમીઓને પણ કાયમ માટે યાદ રહી જતી હોય છે.
2019ના વર્લ્ડકપની સેમિફાઇનલમાં ધોનીનો રનઆઉટ અને ન્યૂઝીલૅન્ડ સામે મળેલી હારનાં દૃશ્યો દરેક ભારતીય ક્રિકેટપ્રેમીઓને રહી રહીને દઝાડી રહ્યાં હતાં. જ્યાં સુધી ભારતે ન્યૂઝીલૅન્ડ સામે આ વર્લ્ડકપમાં જીત ન મેળવી ત્યાં સુધી એ અફસોસ ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે જાણે કે ભાર બની ગયો હતો.
લગભગ એવી જ ઘટના ત્યારે બની જ્યારે 2023ના વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને જીત માટે 213 રનનું લક્ષ્ય મળ્યું. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટપ્રેમીઓને તે સતત 1999ના વર્લ્ડકપમાં 213 રને ઑસ્ટ્રેલિયા સામે ટાઈ થયેલી સેમિફાઇનલની યાદ અપાવતું હતું.
આવતીકાલે ભારત અને ઑસ્ટ્રેલિયા જ્યારે વર્લ્ડકપ 2023ની ફાઇનલ રમવા માટે જઈ રહ્યા છે ત્યારે ભારતીય દર્શકોને ફરી 20 વર્ષ પહેલાંની ફાઇનલની યાદ આવી રહી છે.
આજથી 20 વર્ષ પહેલાં 2003ના વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને એકતરફી પરાજય આપ્યો હતો. જેના કારણે ક્રિકેટ ચાહકોમાં આ વખતે એ હારનો બદલો ભારત લઈ શકશે કે કેમ તેની ચર્ચા છે.
જ્યારથી ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી ભારતીય ક્રિકેટચાહકોને દુ:ખદાયક પળ યાદ આવી રહી છે.
23 માર્ચ, 2003નો એ દિવસ અને જોહાનિસબર્ગનું ક્રિકેટ સ્ટેડિયમ
આફ્રિકી ઉપખંડમાં સુપર સિક્સ ફૉર્મેટમાં રમાયેલા 2003ના વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાએ પહેલેથી જ પ્રભુત્વ જમાવ્યું હતું.
લીગ સ્ટેજમાં ઑસ્ટ્રેલિયાએ તેની તમામ છ મૅચો જીતીને તો સુપર સિક્સ રાઉન્ડમાં તમામ પાંચ મૅચો જીતીને ભરપૂર આત્મવિશ્વાસ સાથે નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુમાં 1999માં રમાયેલા છેલ્લા વર્લ્ડકપમાં પણ ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું. રિકી પૉન્ટિંગની આગેવાનીમાં ધરખમ ઑસ્ટ્રેલિયન ટીમે ભારતને લીગ મૅચમાં 125 રનમાં જ ઑલઆઉટ કરીને હરાવ્યું હોવાથી તેનો આત્મવિશ્વાસ ફાઇનલ પહેલાં વધેલો હોય તે સ્વાભાવિક છે.
ભારતે ટૉસ જીત્યો. કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પ્રથમ બૉલિંગનો નિર્ણય કર્યો. તે વખતે તેમના આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી.
ગાંગુલીના નિર્ણયનો ફાયદો ઑસ્ટ્રેલિયાને થયો હતો. ઍડમ ગિલક્રિસ્ટ અને મૅથ્યૂ હેડન ઓપનર બૅટ્સમૅન હતા. શરૂઆતમાં ભારતીય ટીમની બૉલિંગમાં કોઈ દમ નહોતો.
પૉન્ટિંગની સદી
મૅથ્યૂ હેડન અને ગિલક્રિસ્ટની જોડી સામે બૉલિંગની શરૂઆત ઝહીર ખાને કરી હતી. ઇનિંગનો પહેલો બૉલ જ નો-બૉલ ફેંકાયો હતો. પહેલી ઓવરમાં જ 6 વાઇડ અને 1 નો-બૉલ સાથે ઝહીર ખાને 15 રન આપ્યા હતા.
ઑસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ 105 રનની ભાગીદારી કરી હતી. સમગ્ર ઇનિંગ દરમિયાન ભારતીય બૉલરો તેમનો જરાય પ્રભાવ છોડી શક્યા ન હતા અને ઑસ્ટ્રેલિયાએ માત્ર 2 વિકેટ ગુમાવીને 359 રન કર્યા હતા.
ગિલક્રિસ્ટે 40 બૉલ પર અડધી સદી ફટકારી અને હરભજન સિંહે ફિરકી બૉલથી આક્રમક રીતે બૉલિંગ કરીને ગિલક્રિસ્ટને કાબૂમાં લીધા.
ગિલક્રિસ્ટ 57 રન અને હેડન 37 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ આવ્યા કૅપ્ટન રિકી પૉન્ટિંગ, જેમણે ભારતીય બૉલરોને ઘૂંટણે પાડી દીધા.
ઑસ્ટ્રેલિયા તરફથી કૅપ્ટન રિકી પૉન્ટિંગે 140 રન અને ડૅમિયન માર્ટિને 88 રન ફટકાર્યા હતા. ભારત તરફથી બંને વિકેટો હરભજન સિંહે લીધી હતી.
ભારતના મુખ્ય ફાસ્ટ બૉલરો જવાગલ શ્રીનાથ 10 ઓવરોમાં 87 રન અને ઝહીર ખાન 7 ઓવરમાં 67 રન આપી અતિશય ખર્ચાળ સાબિત થયા હતા.
સચીન સહિત કોઈ બૅટ્સમૅન ન ચાલ્યા
વર્લ્ડકપની ફાઇનલમાં પહાડસમા લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ તરફથી સચીન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ ઓપનિંગમાં ઊતર્યા હતા.
મૅકગ્રાની પહેલી જ ઓવરમાં તેંડુલકરે ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ ભારતીય ક્રિકેટપ્રેમીઓ હજુ તેમનો આનંદ વ્યક્ત કરે ત્યાં સુધીમાં બીજા જ બૉલે મૅકગ્રાએ તેંડુલકરને આઉટ કરી દીધા હતા.
સહેવાગ સિવાય ભારતના કોઈ બૅટ્સમેનો પચાસનો આંકડો વટાવી શક્યા ન હતા અને ભારતની ટીમ માત્ર 39.2 ઓવરોમાં જ 234 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
વીરેન્દ્ર સહેવાગે 82 અને રાહુલ દ્રવિડે 47 રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મૅકગ્રાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
2003ની સરખામણીએ ઑસ્ટ્રેલિયા કેટલી મજબૂત?
મૅથ્યૂ હેડન, ઍડમ ગિલક્રિસ્ટ, રિકી પૉન્ટિંગ, ડૅરેન લેહમેન, ઍન્ડ્રૂ સાયમંડ્સ, માઇકલ બૅવન, બ્રેટ લી, ગ્લેન મૅકગ્રા... 2003ના વર્લ્ડકપની ફાઇનલમાં રમી રહેલા ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓની યાદી જુઓ તો એકથી એક ચડે તેવા ધરખમ ક્રિકેટરો હતા. દરેક ક્રિકેટરો વ્યક્તિગત રીતે ‘ક્રિકેટનો યુગ’ ગણાતા હતા.
તેની સીધી સરખામણી હાલની ટીમ સાથે કરવામાં આવે તો મૅક્સવેલ, વૉર્નર અને સ્ટાર્કને બાદ કરતા ટીમમાં કોઈ એવા ખેલાડી નથી કે જેનાથી હરીફ ટીમ થરથર કાંપે.
ખેલ પત્રકાર ચિંતન બુચે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "2003ની ઑસ્ટ્રેલિયાની ટીમ એ અતિશય ધરખમ ટીમ હતી. 1999થી 2007ના તબક્કામાં ઑસ્ટ્રેલિયાની ટીમ માટે એવું કહેવાતું કે આપણે તેમને મજબૂત રીતે વળતી લડત આપી શકીએ તો પણ ઘણું."
"એ વખતે ઑસ્ટ્રેલિયાની ટીમ અતિશય સંતુલિત ટીમ હતી. તેમની પાસે ખૂબ સારા ઓપનિંગ બૅટ્સમૅન હતા, મિડલ ઑર્ડર બૅટ્સમૅન પણ હતા, સાયમન્ડ્સ જેવા ધરખમ ઑલરાઉન્ડર પણ હતા અને મૅકગ્રા અને બ્રૅટ લી જેવા બૉલરો પણ હતા."
"2003ની ઑસ્ટ્રેલિયન ટીમ અને હાલની ઑસ્ટ્રેલિયન ટીમમાં જમીન આસમાનનો ફર્ક છે. એ સમયની ઑસ્ટ્રેલિયાની ટીમ લીજેન્ડ્સથી ભરપૂર ટીમ હતી, જ્યારે અત્યારની ટીમ 2003ની સરખામણીમાં નબળી લાગી રહી છે. પરંતુ એ આપણી ટીમને હરાવી જ ન શકે તેવી નબળી ટીમ પણ નથી."
વધુમાં 2003ના વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાની ટીમ અજેય રહી હતી. જ્યારે આ વર્લ્ડકપમાં તેને ભારત અને દક્ષિણ આફ્રિકા સામે મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનું સુકાન પણ હજુ ગત નવેમ્બરમાં જ કૅપ્ટન બનેલા પૅટ કમિન્સ પાસે છે.
તેમ છતાં પણ શરૂઆતની બે હાર પછી સતત આઠ મૅચ જીતીને ઑસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલમાં પહોંચી છે એ વાતને નકારી શકાય નહીં.
2003ની સરખામણીએ ભારત કેટલું મજબૂત?
ભારત આ વર્લ્ડકપમાં અત્યાર સુધી અજેય રહ્યું છે અને મોટાભાગની મૅચમાં એકતરફી વિજય મેળવ્યો છે. જ્યારે 2003ના વર્લ્ડકપમાં લીગ સ્ટેજમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે હાર્યું હતું.
જો બેટિંગની વાત કરીએ તો એ સમયે ભારત પાસે સહેવાગ, સચીન, ગાંગુલી અને દ્રવિડ જેવા બૅટ્સમૅનોની મજબૂત લાઇનઅપ હતી. તો આ વખતે રોહિત, ગિલ, કોહલી અને શ્રેયસ ઐય્યર જેવા બૅટ્સમૅનો છે. તમામ બૅટ્સમૅનો શ્રેષ્ઠ ફોર્મમાં છે. તો 2003ની સરખામણીએ ભારતની બૉલિંગ પણ હરીફ ટીમોને હતપ્રભ કરી દેનારી સાબિત થઈ છે.
ખેલ પત્રકાર ચિંતન બુચ કહે છે, "જો ભારતની 2003 અને 2023ની ટીમની સરખામણી કરીએ તો ભારતની ટીમ આ વર્લ્ડકપમાં તમામ મૅચ જીતી છે. ઑસ્ટ્રેલિયાને પણ તેણે લીગ સ્ટેજમાં હરાવ્યું છે. પરંતુ ભારતની નબળી કડી તેની લોઅર ઑર્ડર બેટિંગ છે."
"જો શરૂઆતમાં ભારતની ત્રણેક વિકેટ ઝડપથી પડી જાય તો ભારત માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. એ સિવાય બૉલિંગમાં પણ આપણી પાસે પાંચ બૉલરો સિવાય બીજો કોઈ વિકલ્પ નથી."
"2003ની ફાઇનલમાં ભારતના આઠ ખેલાડીઓએ બૉલિંગ કરી હતી. એકાદ બૉલર ખર્ચાળ સાબિત થાય કે ઈજાગ્રસ્ત થાય તો બૉલિંગ કોણ કરે એ પ્રશ્ન છે. ઈજાને કારણે હાર્દિક પંડ્યા પણ ઉપલબ્ધ નથી. નિર્ણાયક તબક્કે ભારત માટે આ નબળી કડી સાબિત ન થાય એ જોવાનું રહ્યું."
અન્ય પાસાં જે મૅચ પર અસર પાડશે
સેમિફાઇનલમાં જીત્યા બાદ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે કહ્યું હતું કે, "અમને એ વાતનો ખ્યાલ છે કે હવે મૅચ અમદાવાદમાં છે. ત્યાં ભારતની ટીમને એકતરફી સપોર્ટ હશે. તેમ છતાં અમે ફાઇનલ રમવા માટે ઉત્સાહિત છીએ."
વર્લ્ડકપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેમાં એક લાખથી વધુ ભારતીય ટીમના ક્રિકેટચાહકોના બેસવાની વ્યવસ્થા છે. આ સિવાય અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો, નેતાઓ અને સેલિબ્રિટીઓ મેદાનમાં હાજર હશે. ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મૅચ જોવા પહોંચશે તેવા મીડિયા અહેવાલો આવી રહ્યા છે. ભારતીય ટીમના પક્ષે ભરપૂર સમર્થન હશે. સતત મળી રહેલી સફળતાથી ભારતનો આત્મવિશ્વાસ પણ સાતમા આસમાને છે.
આ સિવાય સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ મનાતી અમદાવાદની પીચ આ મૅચમાં કેવી રહે છે તેના પર પણ લોકોની નજર રહેશે.
ચિંતન બુચ કહે છે, "આત્મવિશ્વાસ, ઘરઆંગણાનો માહોલ એ ભારતના પક્ષે જમા પાસું છે. મેદાનમાં એક લાખથી વધુ ભારતીય પ્રેક્ષકોનો સપોર્ટ હશે. 2003માં ગ્રૂપ મુકાબલામાં ભારત ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું, પરંતુ આ વખતે એવું નથી. આ વખતે ભારત એકવાર ઑસ્ટ્રેલિયાને હરાવી ચૂક્યું છે."
તેઓ કહે છે, "મારા મતે સમગ્ર મૅચનું પરિણામ શું હશે તે નક્કી કરનારું મુખ્ય પરિબળ રોહિત શર્મા ભારતને કેવી શરૂઆત અપાવે છે તે હશે."