You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ દ્રવિડનો એ 'જાદુ' જેણે વર્લ્ડકપમાં ભારતીય ટીમને અત્યાર સુધી અજેય બનાવી
- લેેખક, વિકાસ પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
રાહુલ દ્રવિડ અને તેમના સાથી ખેલાડીઓ 2003માં ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં શક્તિશાળી ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા જોહાનિસબર્ગના ન્યૂ વૉન્ડરર્સ સ્ટેડિયમમાં મેદાને પડ્યા હતા.
ભારત લગભગ બે દાયકા પછી ફાઇનલમાં પહોંચ્યું હોવાથી અપેક્ષાઓ વધારે હતી, પરંતુ એ મૅચમા અંતે ભારતીયોની આંખોમાં આંસુ હતા, કારણ કે ઑસ્ટ્રેલિયનોએ ભારતને હરાવ્યું હતું.
રાહુલ દ્રવિડને 2007માં ફરી એક વખત તે વર્લ્ડકપ ટ્રૉફી જીતવાની તક મળી હતી અને એ વખતે તેઓ ટીમનું નેતૃત્વ કરતા હતા.
ફરી એકવાર તે વન-ડે ટુર્નામેન્ટ ભારતીયો માટે ખુશીનો અવસર નહોતી બની શકી, કારણ કે ભારતીય ટીમ નૉક-આઉટ માટે ક્વૉલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી.
સ્ટાઈલિશ બૅટ્સમૅન રાહુલ લગભગ 20 વર્ષ પછી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ક્રિકેટમાં પાછા ફર્યા અને એ ટીમ રવિવારે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે.
ભારતીય ટીમ પ્રતિષ્ઠિત ટ્રૉફી જીતે કે ન જીતે, પરંતુ વિશ્વના મહાન કોચ પૈકીના એક તરીકે દ્રવિડે પોતાનું સ્થાન લગભગ મજબૂત કરી લીધું છે.
આ તબક્કે સવાલ થાય કે દ્રવિડે પોતાની જાતનું રૂપાંતર એક મહાન બૅટ્સમૅનમાંથી કોચ તરીકે કેવી રીતે કર્યું, એવો કોચ જેને પડદા પાછળ રહેવાનું ગમે છે, પરંતુ ટીમનું પ્રભાવશાળી પ્રદર્શન તેની હાજરીનો સતત અહેસાસ કરાવે છે?
આ સવાલનો જવાબ દ્રવિડની શાનદાર કારકિર્દીમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘ધ વૉલ’
દ્રવિડ એક ખેલાડી તરીકેની તેમની ભવ્ય કારકિર્દી દરમિયાન સખત મહેનત કરવા માટે જાણીતા હતા. તેમણે તેમની વિકેટ ભાગ્યે જ સરળતાથી આપી હતી. તેમને ધ વૉલ અને મિસ્ટર ડિપેન્ડેબલ જેવાં ઉપનામો મળ્યાં હતાં.
ઑસ્ટ્રેલિયા સામેની 2001ની ટેસ્ટ મૅચમાં લગભગ નિશ્ચિત હારને પલટી નાખવા માટે તેમણે વીવીએસ લક્ષ્મણ સાથે 376 રનની અવિસ્મરણીય ભાગીદારી કરી ત્યારે ઉત્કૃષ્ટ બૅટ્સમૅન તરીકેનું તેનું સંપૂર્ણ કૌશલ્ય જોવા મળ્યું હતું.
2004ની પાકિસ્તાન સામેની ટેસ્ટ મૅચમાં દ્રવિડે રમેલી 12 કલાકની ઇનિંગ્સ આજે પણ સ્પોર્ટ્સમાં જીદનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
2011માં ભારતીય ટીમના ઇંગ્લૅન્ડના નિરાશાજનક પ્રવાસ દરમિયાન દ્રવિડ તેમના સાથીદારોમાં મુઠ્ઠી ઉંચેરા સાબિત થયા હતા. યજમાન ઇંગ્લૅન્ડે ભારતીય ટીમને 4-0થી હરાવી હોવા છતાં રાહુલે 602 રન બનાવ્યા હતા.
મૅચ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાર ન માનવાનો તેમનો આગવો અભિગમ તેની કોચિંગ શૈલીમાં પ્રગટ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ વધારે નજીકથી જોશો તો સમજાશે કે આ કામ તેમના માટે આસાન ન હતું.
એક ખેલાડી તરીકેના દિવસોની માફક રાહુલે કોચ તરીકે પણ સખત મહેનત કરી છે. ટીકાને મોટાભાગે અવગણીને તેઓ પોતાની વિખ્યાત પ્રોસેસને વળગી રહ્યા છે.
ઊથલપાથલ વચ્ચે મળી જવાબદારી
દ્રવિડને સફળતા આસાનીથી મળી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન માટે તૈયાર ભારતની સિનિયર ટીમ માટે ટૅલેન્ટની આપૂર્તિ કરતા પાયાના સ્થળેથી તેમણે શરૂઆત કરી હતી.
દ્રવિડ 2016માં ભારતની અન્ડર-19 અને એ (જૂનિયર નેશનલ ટીમ)ના મુખ્ય કોચ બન્યા હતા. એ કામ રાષ્ટ્રીય સ્તરના ઝળહળાટ અને ચકાચૌંધથી બહુ દૂર હતું.
તેમ છતાં રાહુલ સફળ થયા હતા અને પોતાની ટીમને 2016માં અન્ડર-19 વર્લ્ડકપની ફાઇનલ સુધી પહોંચાડી હતી. જૂનિયર સ્તરે પ્રતિભાશાળી ખેલાડીઓને નિખાર્યા બાદ દ્રવિડની નિમણૂક નેશનલ ક્રિકેટ એકૅડેમી(એનસીએ)ના ડિરેક્ટર તરીકે કરવામાં આવી હતી.
એનસીએ એક પ્રિમિયમ સેન્ટર છે, જ્યાં ખેલાડીઓ તેમની ફિટનેસમાં સુધારો કરવા અથવા ઈજાઓની સારવાર કરાવવા આવતા હોય છે.
દ્રવિડ એનસીએમાં હતા ત્યારે ભારતીય ક્રિકેટમાં ઊથલપાથલનો દોર ચાલતો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(આઈસીસી) ટ્રૉફી માટેની દેશની પ્રતીક્ષા લંબાતી જતી હતી. ભારતીય ટીમ છેલ્લે 2013માં આઈસીસી ટુર્નામેન્ટ જીતી હતી.
2019માં વર્લ્ડકપની સેમી-ફાઇનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડ સામે હૃદય ભાંગી પડે તેવા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
એ પૃષ્ઠભૂમિમાં રાહુલ દ્રવિડને 2021માં ભારતીય ટીમનો હવાલો સોંપવામાં આવ્યો હતો. સિનિયર ટીમના અનેક ખેલાડી જૂનિયર સ્તરે રાહુલ પાસેથી કોચિંગ અને માવજત પામ્યા હતા.
તેથી દ્રવિડ માટે બધું આસાન લાગતું હતું, પરંતુ વાસ્તવમાં એવું ન હતું. ટીમ સતત બદલાવ સામે ઝઝૂમી રહી હતી અને 2022માં વિરાટ કોહલીએ કપ્તાનપદ છોડ્યું ત્યારે સમસ્યા સર્જાઈ હતી.
ખેલાડીઓની પસંદગી
દ્રવિડ તેમના પરિચિત પરિવેશમાં પાછા ફર્યા હતા. તેમણે ટીકાને પાછળ છોડી દીધી હતી અને તેમની ટીમને જણાવ્યું હતું કે પ્રક્રિયા પર ભરોસો રાખો તથા પરાજયથી બહુ દુ:ખી ન થાઓ.
તેમની નજર 2023માં ભારતમાં યોજાનારા વર્લ્ડકપ પર હતી. તેમણે વિવિધ સંયોજનો સાથે, તેમાં નુકસાન થાય તો પણ, પ્રયોગ કરવાના હતા.
દ્રવિડે તેના ખેલાડીઓને સધિયારો આપ્યો હતો. ટીમમાં બૅટ્સમૅન-વિકેટકીપર કે એલ રાહુલના સમાવેશ સામે ટીકાકારોએ સવાલ ઉઠાવ્યા ત્યારે દ્રવિડે જ રાહુલને ટેકો આપ્યો હતો.
આજે કે એલ રાહુલ તેમની બેટિંગ માટે જ નહીં, પરંતુ વિકેટકીપિંગ સ્કીલ્સ માટે પણ ટીમની કરોડરજ્જૂ બની ગયા છે.
રાહુલ દ્રવિડે પણ એવું જ કર્યું હતું. 2003ના વર્લ્ડકપમાં પોતાની ટીમમાં ઍક્સ્ટ્રા બૅટ્સમૅન કે બૉલરને સમાવી શકાય એટલા માટે તેમણે નિસ્વાર્થભાવે વિકેટકીપિંગ કર્યું હતું.
દ્રવિડ ફ્રન્ટલાઇન વિકેટકીપર ન હતા, પરંતુ તેમણે સમગ્ર ટુર્નામેન્ટમાં સારું કામ કર્યું હતું.
ઘણા લોકોએ ટીમમાં શ્રેયસ ઐયરને સામેલ કરવાના નિર્ણય સામે પણ સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ શ્રેયસ હવે ભારત માટે ચોથા ક્રમાંકે રમેલા સર્વશ્રેષ્ઠ બૅટ્સમેનો પૈકીના એક છે.
દ્રવિડે બૉલર્સ માટે, ખાસ કરીને ટીમના ફાસ્ટ બૉલર્સ માટે પણ સારા એવા પ્રમાણમાં સમય-શક્તિ ખર્ચી છે. તેમાં મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શામી અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.
યોગ્ય કૉમ્બિનેશન અને ફૉર્મ
દ્રવિડની પ્રોસેસમાં, ટીમ સર્વોચ્ચ ટુર્નામેન્ટ રમવા મેદાને પડે ત્યારે તેનું સંયોજન શ્રેષ્ઠ હોય અને ટીમ યોગ્ય સમયે સર્વોત્તમ કૌશલ્ય પ્રદર્શિત કરે તે સુનિશ્ચિત કરવાનો સમાવેશ થતો હતો.
દ્રવિડે કેપ્ટન રોહિત શર્મા સાથે વિશ્વાસુ સંબંધ બાંધ્યો છે. આ ટુર્નામેન્ટમાં વ્યૂહાત્મક નિર્ણયો લેવાની ક્ષમતા અને પોતાની નિસ્વાર્થ બેટિંગને કારણે રોહિતની ચારે તરફ વાહવાહ થઈ રહી છે.
દ્રવિડ માટે ટીમને બહેતર બનાવવા માટે આનાથી વધુ યોગ્ય સમય બીજો કોઈ ન હોઈ શકે.
વર્લ્ડકપ માટે મેદાને પડતા પહેલાં ભારતીય ટીમ એશિયા કપ જીતી હતી. પાકિસ્તાન અને શ્રીલંકાને જબ્બર પરાજય આપ્યો હતો.
ભારતીય ટીમ વર્લ્ડકપમાં અત્યાર સુધી અપરાજિત રહી છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજો પૈકીના એક રાહુલની એક ખેલાડી તરીકે વર્લ્ડકપ જીતવાના મહત્ત્વાકાંક્ષા અત્યાર સુધી સાકાર થઈ નથી. તેને સાકાર કરવામાં હવે છેલ્લો અવરોધ બાકી છે.
દ્રવિડ વર્લ્ડકપ ટ્રૉફી પકડવા બેતાબ હશે, પરંતુ મૅચ પહેલાં કે કદાચ મૅચ પૂર્ણ થયા પછી પણ તેઓ ઉત્સુકતાનો કોઈ સંકેત દર્શાવશે નહીં તે નક્કી છે.
આ એ જ જૂના રાહુલ દ્રવિડ છે, જેમને પોતાનું કામ ચૂપચાપ કરવું ગમે છે.