You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડકપ: રોહિત શર્માની ટૉસ ઉલાળવાની રીત પર પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે શું વાંધો લીધો?
બુધવારે ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલૅન્ડને 70 રને માત આપી 12 વર્ષ બાદ વનડે વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું છે.
ભારત સતત દસ મૅચ જીતીને ફાઇનલમાં પ્રવેશી સમગ્ર વિશ્વમાં ક્રિકેટચાહકો અને નિષ્ણાતોની પ્રશંસા મેળવી રહ્યું છે.
તો સામેની બાજુએ કેટલાક ટીકાકારો અમુક મુદ્દા અંગે ટિપ્પણી કરી વિવાદ સર્જી રહ્યા છે.
ન્યૂઝીલૅન્ડ સામેની સેમિફાઇનલ પહેલાં પણ મીડિયા રિપોર્ટોમાં કરાયેલા દાવા મુજબ ભારતીય ટીમની વિનંતી પર ‘અંતિમ ઘડી’એ મૅચ માટે પીચ બદલવાનો નિર્ણય લેવાતા વિવાદ થયો હતો.
જોકે, ભારત અને વિશ્વના દિગ્ગજો અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) આ વિવાદને ‘નિરર્થક’ ગણાવ્યો હતો.
તેમજ એ પહેલાં ભારતીય બૉલરોને આઇસીસી અને બીસીસીઆઇ દ્વારા મૅચમાં ‘અલાયદો બૉલ’ અપાઈ રહ્યો હોવાની ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરની ટિપ્પણીથી સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ હતી.
હવે ફરી એક વાર ફાઇનલ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે રોહિત શર્મા ‘ટૉસ વખતે ગરબડ’ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. જે અંગે ઘણી પ્રતિક્રિયા આવી રહી છે.
‘રોહિતની ટૉસ કરવાની સ્ટાઇલ’ સામે સવાલ
વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકેલા પાકિસ્તાનમાં હજુ પણ ભારતીય ટીમ અંગે ચર્ચા ચાલી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો ભારતીય બૉલર મોહમ્મદ શમીની બૉલિંગનાં પણ પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ વખાણ કરી રહ્યા છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સિકંદર બખ્તે ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માના ટૉસ કરવાની રીત પર શંકા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલ પર ચર્ચા કરતા સિકંદર બખ્તે કહ્યું, “એ (રોહિત) હંમેશાં સિક્કો દૂર ઉછાળે છે અને પ્રતિસ્પર્ધી ટીમનો કપ્તાન પણ પરિણામ જોવા નથી જતો.”
તે બાદ ચેનલ પર રોહિત શર્માના ટૉસની નાની નાની ક્લિપ બતાવાય છે.
જોકે, આ ક્લિપ બતાવતા પહેલાં સિકંદર બખ્તે હોસ્ટને પૂછેલું કે, “શું હું મસ્તી કરી શકું?”
આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ, મોઇન ખાન અને શોએબ મલિકે સિકંદર બખ્તની આશંકાને ખારિજ કરી દીધી હતી.
એ સ્પૉર્ટ્સ ચેનલ પર એક વાતચીત દરમિયાન વસીમ અકરમ કહ્યું, “કોણ નક્કી કરે છે કે સિક્કો ક્યાં પડવો જોઈએ, આ માત્ર સ્પૉન્સરશિપ માટે છે. હું શરમ અનુભવું છું. હું આના પર ટિપ્પણી પણ નથી કરવા માગતો.”
શોએબે કહ્યું કે આ અંગે તો વાતેય ન થવી જોઈએ.
‘અલાયદો બૉલ’ આપવાનો આરોપ
લીગ સ્ટેજમાં શ્રીલંકાની ટીમને માત્ર 55 રને ઑલઆઉટ કર્યા બાદ પાકિસ્તાનના ક્રિકેટર હસન રઝાએ ભારતીય બૉલરોને ‘વધારાની મદદ’ અપાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેની સામે મોહમ્મદ શમીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ટિપ્પણી ‘નિરાધાર’ હોવાનો ખુલાસો કર્યો હતો.
358ના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમને માત્ર 55 રને સમેટી નાખનારા ભારતીય બૉલરોના પ્રદર્શન બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર હસન રઝાએ એબીએન ચેનલ પર આરોપ કરતાં કહેલું :
“આપણે જોઈ રહ્યા છીએ કે તેઓ જ્યારે બેટિંગ કરે છે ત્યારે ખૂબ જ સારું પ્રદર્શન કરે છે, પરંતુ જ્યારે તેમના હાથમાં બૉલ આવે છે તો એ કળા કરવા લાગે છે.”
“આ સિવાય 7-8 ક્લૉઝ ડીઆરએસનો નિર્ણય પણ તેમના પક્ષમાં આવ્યો હતો. જે રીતે સિરાજ અને શમી બૉલને સ્વિંગ કરી રહ્યા છે, તેનાથી તો એવું લાગી રહ્યું છે કે જાણે આઇસીસી અને બીસીસીઆઇ તેમને બીજી ઇનિંગ માટે બીજા બૉલ આપી રહ્યા છે. આ બૉલની તપાસ થવી જોઈએ. બૉલ પર સ્વિંગ માટે ઍક્સ્ટ્રા કોટિંગ પણ હોઈ શકે.”
તેમણે આગળ કહ્યું હતું કે, “ભારતના વિકેટકીપર કે. એલ. રાહુલ પણ સ્ટમ્પથી ઘણા દૂર ઊભા હતા. તેનો અર્થ એ થાય છે કે આટલી બધી ઓવરો બાદ પણ બૉલ આટલો સખત હતો. શમીએ આ મૅચમાં પાંચ વિકેટ મેળવી અને સિરાજે ત્રણ. મને વિશ્વાસ નથી થતો કે આ બધા ઇન્ટરનૅશનલ બૅટ્સમૅન હતા અને આવી રીતે આઉટ થઈ રહ્યા હતા. આ એવું છે કે જાણે અગાઉ ઉપયોગમાં લેવાઈ રહેલો બૉલ અચાનક ગાયબ થઈ જઈ રહ્યો છે. આ મુદ્દાની તપાસ થવી જોઈએ.”
મોહમ્મદ શમીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી પાકિસ્તાનના ભૂતપૂર્વ બૅટ્સમૅન હસન રઝાના આરોપોની ટીકા કરી હતી.
તેમણે લખ્યું હતું : “શરમ કરો યાર. ગેમ પર ફોક્સ કરો ના કે ફાલતુના બકવાસ પર. ક્યારેક અન્યની સફળતાનોય આનંદ માણો. છી યાર. આઇસીસી વર્લ્ડકપ છે, ના કે તમારી સ્થાનિક ટુર્નામેન્ટ.”
‘અંતિમ ઘડીએ પીચ બદલાયા’નો વિવાદ
આ મામલામાં મીડિયા રિપોર્ટોમાં દાવો કરાયો છે કે સેમિફાઇનલ અગાઉ કોચ રાહુલ દ્રવિડની આગેવાનીવાળી ટીમ મૅનેજમૅન્ટે પીચ ક્યૂરેટરને વિનંતી કરી હતી કે તો પીચ પરથી ઘાસ હઠાવી દે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ વિનંતીનો હેતુ ભારતીય સ્પિનરોને પીચ પર મદદ મળે એવો તેમજ ઘાસ હઠાવાયા બાદ ન્યૂઝીલૅન્ડના ઝડપી બૉલરોને મળનાર લાભ ખતમ કરી શકાય એવો હતો.
મીડિયા રિપોર્ટોમાં ડેલી મેઇલ અખબારના બુધવારના રિપોર્ટોનો હવાલો આપીને દાવો કરાયો હતો કે આઇસીસી પીચ કન્સલ્ટન્ટ એન્ડી એટકિન્સને આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
તેમના અનુસાર ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલ મૅચ પહેલાં ફ્રેશ સરફેસ (નવી પીચ) પર રમાવાની હતી પરંતુ હવે એ જૂની પીચ પર જ રમાશે.
મીડિયા રિપોર્ટોમાં એવો પણ દાવો કરાયો હતો કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મૅચ દરમિયાન પણ પીચ બદલાઈ હતી. ત્યારે મૅચ પીચ નંબર સાતના સ્થાને પીચ નંબર પાંચ પર રમાઈ હતી.
અખબારના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારત અને ન્યૂઝીલૅન્ડની ‘સેમિફાઇનલ મૅચ પહેલાં પીચ નંબર સાત પર રમાવાની હતી. આ પીચ વર્લ્ડકપમાં અહીં રમાયેલી ચાર મૅચોમાં ઉપયોગમાં લેવાઈ નહોતી અને એ બિલકુલ નવી પીચ હતી.’
રિપોર્ટમાં દાવો કરાયો છે કે, “પરંતુ મંગળવારે એક ગ્રૂપમાં બીસીસીઆઇ અને આઇસીસીના 50 કરતાં વધુ અધિકારીઓને એક વૉટ્સઍપ મૅસેજ મોકલાયો. જેમાં પુષ્ટિ કરાઈ કે પ્રથમ સેમિફાઇનલ મૅચ પીચ નંબર છ પર થશે. એ પીચ પર ઇંગ્લૅન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા અને ભારત વિરુદ્ધ શ્રીલંકાની મૅચ રમાઈ હતી.”
વિવાદ વધતાં આઇસીસીએ આ મામલે નિવેદન આપ્યું છે.
સેમિફાઇનલ કવર કરી રહેલા બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ પ્રમાણે આઇસીસીના પ્રવક્તાએ કહ્યું, “આટલા લાંબા આયોજનના અંતિમ તબક્કામાં પીચ રોટેશન માટે નક્કી કરાયેલી યોજનામાં બદલાવ એ સામાન્ય બાબત છે અ આવું અગાઉ પણ અમુક વખત થઈ ચૂક્યું છે. આ બદલાવ મેદાનના ક્યૂરેટરની સલાહ પર મેજબાનની સંમતિ બાદ થયો છે.”
આઇસીસી પ્રવક્તાએ આગળ કહ્યું કે, “આઇસીસીના સ્વતંત્ર પીચ કન્સલ્ટન્ટને આ વાતની જાણકારી હતી એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે આ પીચ પર સારી રમત નહીં રમાય.”