‘કપ્તાન બન્યો ત્યારથી આ દિવસની રાહમાં હતો’, વર્લ્ડકપ ફાઇનલ પહેલાં રોહિત શર્માએ શું કહ્યું?

આવતીકાલે રવિવારે અમદાવાદમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમશે. દેશભરમાં ક્રિકેટ ફિવર છવાયેલો છે અને બધે જ કપ કોણ જીતશે એની ચર્ચા ચાલી રહી છે.

બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે અને પ્રૅક્ટિસ કરી રહી છે. ભારત બે વખત વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. આ વખતે જો જીતશે તો ત્રીજી વખત વર્લ્ડ ચૅમ્પિયન બનશે.

વધુમાં મૅચના એક દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રોહિત શર્માએ ટીમ અને વર્લ્ડકપની સફર વિશે વાત કરી. તેમણે ઑસ્ટ્રેલિયન ટીમ વિશે પણ વાત કરી.

રોહિત શર્માએ મૅચના એક દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, “અમે વનડે વર્લ્ડકપ માટે છેલ્લા બે વર્ષોમાં ખેલાડી પસંદ કરી લીધા હતા. હું કપ્તાન બન્યો ત્યારથી જ અમે આની તૈયારી શરૂ કરી દીધી હતી. કૅપ્ટન અને કોચ વચ્ચે ઘણી ચર્ચા થઈ છે તથા દરેકને પોતાની ભૂમિકા વિશે જણાવી દેવાયું હતું. આ ઘણી મહત્ત્વની વાત હતી. માનસિક ધૈર્ય જાળવવું અને ભૂમિકા નક્કી કરવી એ બાબતે અમે સ્પષ્ટ છીએ. અત્યાર સુધી બધું સારું રહ્યું છે, આશા છે આગળ પણ આવું જ રહેશે.”

“કયો ખેલાડી બૉલિંગ કરશે, ફિલ્ડિંગમાં ક્યાં ઊભો રહેશે બધું જ અમે નક્કી કરી લીધું હતું. ટીમનો દરેક ખેલાડી પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટ છે અને એ પ્રમાણે જ રમે છે.”

‘ઑસ્ટ્રેલિયા શું કરી શકે છે અમને ખબર છે’

ઑસ્ટ્રેલિયા વિશે તેઓ કહે છે, “ઑસ્ટ્રેલિયાએ 8માંથી 8 મૅચ જીતી છે. તેમણે સારું ક્રિકેટ રમ્યું છે અને બંને ટીમ ફાઇનલમાં રમવા લાયક છે. અમને ખબર છે ઑસ્ટ્રેલિયા શું કરી શકે છે. તે એક સંપૂર્ણ ટીમ છે. અમે જે કરી શકીએ છીએ તેના પર ફોકસ કરીશું. અમને તેમનું જે હાલનું ફૉર્મ છે તેમાં ધ્યાન આપવાની જરૂર નથી, અમે અમારી યોજના મુજબ રમીશું.”

“અમે ટીમ તરીકે કેવું પર્ફૉર્મ કરીએ છીએ એ જ નિર્ણાયક રહેશે.”

“દરેક ખેલાડી મને એકદમ મજબૂત લાગી રહ્યો છે. અને સંપૂર્ણ તૈયાર છે. સતત દબાણની વાત થાય છે, ટીકાની વાત થાય છે, પરંતુ એ બધુ રમતનો ભાગ છે. એક ખેલાડી તરીકે એને તમારે સંતુલિત કરવું જ પડે છે. પણ મીડિયાએ અમારા સારા પર્ફૉર્મન્સનાં વખાણ પણ કર્યાં છે.”

“અમારા બૉલરોએ વિરોધી ટીમોને અંકુશમાં રાખી હતી અને વિકેટો ખેરવી હતી. શમી, સિરાઝ અને બુમરાહ પણ શાનદાર ફૉર્મમાં છે.”

દરમિયાન, પરિષદમાં કોઈકના ફોનની રિંગ વાગે છે. જેથી રોહિત શર્મા તરત જ ટોકે છે અને કહે છે, “શું યાર ફોન બંધ કરો.”

‘ઉત્સાહ અને ગંભીરતાનું સંતુલન છે’

મૅચ પહેલાંના દબાણ અને અપેક્ષાઓ વિશે પ્રતિક્રિયા આપતા રોહિત જણાવે છે, “અમે એકદમ ઉત્સાહિત નથી થવા માગતા અને ન વધુ દબાણમાં આવવા માગીએ છીએ. અમે સંતુલન જાળવી રાખ્યું છે. અમે હસી રહ્યા છીએ અને થોડા તણાવમાં પણ હોઈએ છીએ અને ક્રિકેટ અલગ અલગ લાગણીઓની રમત છે. ભારત માટે રમવું હંમેશાં ગર્વની વાત હોય છે.”

“બધે જ વાતો ચાલતી હોય છે કે વર્લ્ડકપ જીતવાનો છે પણ અમે એ બધું નથી સાંભળતા.”

“આ વર્લ્ડકપની ફાઇનલ છે. એમાં શાંત મગજ રાખવું પડે. એમાં દબાણ અને તણાવની સ્થિતિમાં ઘણા નિર્ણયો લેવા પડે છે. હું 50 ઑવરની વનડે રમત જોઈને મોટો થયો છું. એટલે આ રમત દિલની ઘણી નજીક છે.”

વળી કોચ રાહુલ ગાંધી તરફથી મળી રહેલા માર્ગદર્શન અને કોચિંગ વિશે પૂછાતા રોહિતે દ્રવિડના વખાણ કર્યાં હતાં.

તેમણે કહ્યું, “રાહુલભાઈએ ખુદ જે પ્રકારની ક્રિકેટ રમી છે તે અને અમે જે ક્રિકેટ આ જમાનામાં રમીએ છીએ એમાં તફાવત છે. એટલે તેઓ મને એ મુજબની સ્વતંત્રતા પણ આપે છે. તે ખેલાડીઓના કપરા સમયમાં પણ ટેકામાં રહ્યા.”

વર્તમાન સમયમાં શમી ઘણા પ્રભાવક બૉલિંગ કરી રહ્યા છે. પણ તેઓ ટીમમાં નહોતા અને પછીથી તેમને ટીમમાં જગ્યા મળી.

શમીના પર્ફૉર્મન્સ વિશે રોહિત શર્મા કહે છે કે, “શમી ટીમ સાથે જ વરિષ્ઠ બૉલર તરીકે શરૂઆતથી હતા. તેઓ સિરાઝ સહિતના બૉલરોની સાથે રહ્યા.”

જ્યારે બેટિંગ મામલે તેમનું કહેવું છે કે, “પીચ સારી હોય તો ખ્યાલ આવી જાય છે અને પછી એ રીતે બેટિંગ કરવાની હોય છે.”

‘અમે ઇતિહાસ દોહરાવીશું’

રોહિતને સવાલ પૂછાયો કે તમે વર્ષ 2011ની વર્લ્ડકપ ટીમનો ભાગ નહોતા અને હવે 2023ની ટીમની કપ્તાની કરી રહ્યા છો. આ તમારા માટે કેટલી ભાવુક ક્ષણો છે?

આ વિશે તેઓ જવાબ આપે છે કે, "સપનાં જોવા ખૂબ જ જરૂરી છે. હું મહેનત કરતો રહ્યો અને હવે આજે આ ક્ષણ આવી છે."

“ટીમનો ભાગ ન હોવું અને હવે વિશ્વકપની કપ્તાની કરવી એ સફર મારા માટે ખૂબ જ ભાવુક રહી છે. પણ જે 2011માં થયું એનાથી વધુ ભાવુક નથી થવાનું. આ વખતે ફરી એ ટીમનો ઇતિહાસ દોહરાવાનો છે, પણ બધું સંતુલન જાળવીને કરવાનું છે.”

જ્યારે રોહિતને આવતીકાલની ફાઇનલમાં આર. અશ્વિનને રમાડવામાં આવશે કે કેમ તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “અમે ટુર્નામેન્ટની શરૂઆતમાં જ વાત કરી હતી કે કોઈ પણ ખેલાડીએ ક્યારેય પણ રમવું પડી શકે છે. હાર્દિકની ઈજા પછી બે ખેલાડીને રમવાની તક મળી. શમી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.”

“દરેક ખેલાડીએ તૈયાર રહેવાનું હોય છે. 15એ 15 ખેલાડી રમવા માટે તૈયાર રહેશે. પ્લેઇંગ ઇલેવન (ફાઇનલ મૅચ રમનારા 11 ખેલાડીઓ) અમે આવતીકાલે મૅચ પહેલાં જ નક્કી કરીશું.”

“ક્રિકેટની બ્રાન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે અમે અસરકારક રીતે રજૂ કરી છે. અમે સારું ક્રિકેટ રમ્યા છીએ. મોટા સ્કૉર પણ કર્યાં છે.”

“ઑસ્ટ્રેલિયા સાથે શૃખંલા રમી છે પરંતુ એ અલગ રમત અને પરિસ્થિતિ હતી. પરંતુ વર્લ્ડકપની સ્થિતિ અલગ છે.”

‘લાખો પ્રેક્ષકોમાં સન્નાટો છવાઈ જાય એ મહત્ત્વનું’ પૅટ કમિન્સ

બીજી બાજુ ઑસ્ટ્રેલિયન ટીમના કપ્તાન પૅટ કમિન્સે પત્રકાર પરિષદમાં આક્રમક અભિગમ અપનાવ્યો હતો.

તેમણે કહ્યું, “આટલી મોટી સંખ્યામાં પ્રેક્ષકો હશે. સ્વાભાવિક છે તેઓ એકતરફી હશે. અને એમનામાં સન્નાટો છવાઈ જાય એનાથી વધુ સંતુષ્ટી શું હોઈ શકે.”

અત્રે ઉલ્લેખનીય છે કે પૅટ કમિન્સે આજે પીચની તસવીરો લીધી હતી અને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, પીચ સારી લાગી રહી છે.