બૉન્ડી બીચ હુમલો : 'હુમલાખોર સાજિદ અકરમ ભારતીય પાસપૉર્ટ પર મનીલા ગયો હતો', ફિલિપાઇન્સનો દાવો

બીબીસી ગુજરાતી ઑસ્ટ્રેલિયા બૉન્ડી બીચ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૉન્ડી બીચ પર માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે

ઑસ્ટ્રેલિયામાં સિડનીના જાણીતા બૉન્ડી બીચ પર એક યહૂદી કાર્યક્રમમાં ચરમપંથી હુમલાને બે દિવસ વીતી ગયા છે, છતાં તેને લઈને ઘણા સવાલોના જવાબ મેળવવાના હજુ બાકી છે.

હવે ફિલિપાઇન્સના ઇમિગ્રેશન બ્યૂરોએ કહ્યું છે કે બંને શંકાસ્પદ હુમલાખોરો નવેમ્બરમાં ફિલિપાઇન્સ આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની પોલીસ હવે આ દાવાની તપાસ કરી રહી છે.

ફિલિપાઇન્સના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે બેમાંથી એક હુમલાખોર સાજિદ અકરમે ભારતીય પાસપૉર્ટ પર તેમના દેશનો પ્રવાસ કર્યો હતો, જ્યારે તેમનો પુત્ર નવીદ ઑસ્ટ્રેલિયન પાસપૉર્ટ સાથે ફિલિપાઇન્સ આવ્યો હતો.

ઇમિગ્રેશન બ્યૂરોનાં પ્રવક્તા ડાના સેંડોવાલ મુજબ 50 વર્ષીય સાજિદ અકરમે ભારતીય પાસપૉર્ટ પર પ્રવાસ કર્યો હતો, જ્યારે તેમના 24 વર્ષીય પુત્ર નવીદે ઑસ્ટ્રેલિયન પાસપૉર્ટનો ઉપયોગ કર્યો હતો.

સેંડોવાલે જણાવ્યું કે પિતા-પુત્રે જણાવ્યું હતું કે ફિલિપાઇન્સમાં ડવાઓ એ તેમનું અંતિમ સ્થળ હશે, ત્યાર પછી તેઓ ઑસ્ટ્રેલિયાના સિડની પાછા જતા રહેશે.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની આલ્બનીઝે કહ્યું છે કે રવિવારે સિડનીના બૉન્ડી બીચ પર થયેલો હુમલો "ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત" હોય તેમ જણાય છે.

'હુમલો ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત'

બીબીસી ગુજરાતી ઑસ્ટ્રેલિયા બૉન્ડી બીચ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન કાર્યાલયે ઍન્થની આલ્બનીઝના એક રેડિયો ઇન્ટરવ્યૂનો એક અંશ શૅર કર્યો છે, જે ઇન્ટરવ્યૂ એબીસી સિડનીને આપ્યો હતો.

આ ઇન્ટરવ્યૂમાં ઍન્થની આલ્બનીઝે કહ્યું કે, "એવું લાગે છે કે આ ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત હતું."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આલ્બનીઝે આગળ કહ્યું કે "આ એ જ વિચારધારા છે, જે એક દાયકા કરતાં વધુ સમયથી છે. તેણે નફરતના વિચારોને જન્મ આપ્યો અને આ મામલે મોટા પ્રમાણમાં હત્યાઓ કરવાની તૈયારી પણ કરી."

તેમણે આ હુમલાને "સચોટ, આયોજનબદ્ધ અને ઘાતકી" ગણાવ્યો હતો.

કથિત ઇસ્લામિક સ્ટેટ પર ઑસ્ટ્રેલિયાએ 2014માં કટ્ટરવાદી સંગઠન તરીકે પ્રતિબંધ મૂક્યો હતો.

પોલીસ કમિશનર માલ લેન્યોને જણાવ્યું કે "ષડયંત્રકારીઓનાં વાહનોમાંથી કથિત ઇસ્લામિક સ્ટેટના ઝંડા પણ મળી આવ્યા છે."

"નફરતી ભાષણોને રોકવા માટે સરકાર શું કરી રહી છે", તેવા સવાલના જવાબમાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે સરકાર સૌથી પહેલાં તેને ગેરકાયદે ઠરાવવા માટે સંસદમાં કાયદો લાવશે.

આલ્બનીઝે કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં મળેલી માહિતી દર્શાવે છે કે બંને હુમલાખોરોએ એકલા જ આ હુમલાને અંજામ આપ્યો હતો.

સિડનીના બૉન્ડી બીચ પર રવિવારે યહૂદી સમુદાયના લોકો પર થયેલા હુમલામાં 15 લોકો માર્યા ગયાં છે.

પોલીસ કમિશનરે વધુ માહિતી આપતા કહ્યું કે બંને હુમલાખોરો તાજેતરમાં જ ફિલિપાઇન્સ ગયા હતા.

તેમણે કહ્યું કે, "તેઓ શા માટે ગયા હતા, તેમનો હેતુ શું હતો અને તેઓ કઈ કઈ જગ્યાએ ગયા હતા તેની હાલમાં તપાસ ચાલુ છે."

'હુમલાખોરો પાસે હથિયારોનું લાઇસન્સ હતું'

બીબીસી ગુજરાતી ઑસ્ટ્રેલિયા બૉન્ડી બીચ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલાખોરના સંબંધ ઇસ્લામિક સ્ટેટની વિચારધારા સાથે હોવાનું માનવામાં આવે છે.

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પોલીસ કમિશનર માલ લેન્યોને સોમવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે સાજિદ અકરમ પાસે શિકાર કરવા માટેનું ફાયર આર્મ્સ લાઇસન્સ હતું. તેઓ એક ગન ક્લબના સભ્ય હતા.

ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટર એબીસી ન્યૂઝના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બૉન્ડી બીચમાં ગોળીબાર કરનારા હુમલાખોરોની કારમાંથી ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના બે ઝંડા મળ્યા છે.

ઑસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ટૉની બર્કે મુજબ, સાજિદ અકરમ 1998માં સ્ટુડન્ટ વિઝા પર ઑસ્ટ્રેલિયા આવ્યો હતો. વર્ષ 2001માં તેમના વિઝા પાર્ટનર વિઝામાં રૂપાંતરિત થયા અને પછી તેમને રેસિડન્ટ રિટર્ન વિઝા મળી ગયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન