ડિપ્રેશનની દવા લેવાનું અચાનક બંધ કરી દેવાય તો શું થાય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ગિલિયા ગ્રાંચી
    • પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, વિશ્વની લગભગ દસ ટકા વસ્તી માનસિક બીમારીઓથી પીડાય છે.

લૅટિન અમેરિકાનો બ્રાઝિલ એક એવો દેશ છે, જ્યાંના લોકો પોતે ચિંતા અને ડિપ્રેશનથી પીડાતા હોવાની ફરિયાદ સૌથી વધુ કરે છે. બ્રાઝિલમાં એવા લોકોનું પ્રમાણ લગભગ 1.9 કરોડનું છે.

બ્રાઝિલના કુલ સાત ટકા લોકો કહે છે કે તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે અથવા તો તેમની માનસિક હાલત બહુ જ ખરાબ છે.

ડેટાફોલ્હા સંસ્થાના સર્વેક્ષણ મુજબ, નવ ટકા સ્ત્રીઓ અને 16થી 24 વર્ષની વયના 13 ટકા લોકોમાં તેનું પ્રમાણ વધારે છે.

આ સ્થિતિમાં માનસિક રોગ માટેની દવાઓની માગ વધી રહી છે. ફેડરલ ફાર્મસી કાઉન્સિલના ડેટા અનુસાર, આવી દવાઓનું વેચાણ 2017 અને 2021ની વચ્ચે 58 ટકા વધ્યું હતું.

ઇન્સ્ટિટ્યૂટો કેક્ટસ ઍન્ડ અલ્ટાસ્લેનટેલ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે તેમાં આવરી લેવાયેલા 16 વર્ષથી વધુ વયના 2,248 લોકોમાંથી પ્રત્યેક છ પૈકીની એક વ્યક્તિ માનસિક રોગની દવા લેતી હતી.

બીબીસી બ્રાઝિલે આ સંદર્ભે ઘણા નિષ્ણાતોના ઇન્ટરવ્યૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ દવા લેવાની ઉપરાંત લોકોમાં તે દવા લેવાનું અચાનક બંધ કરી દેવાની બાબત સામાન્ય છે.

તેમના મતાનુસાર, દવાઓ અસર કરતી હોવાથી ઘણા લોકો જાળમાં ફસાઈ જાય છે. સુધારાને કારણે એવો ભ્રમ સર્જાય છે કે તેમની સમસ્યાનું નિવારણ થઈ ગયું છે. બીજી તરફ સારવારની પ્રતિકૂળ અસરને કારણે વ્યક્તિ સારવાર લેવાનું અચાનક બંધ કરી શકે છે.

મનોચિકિત્સકો કહે છે કે જે વ્યક્તિ ડૉક્ટરની સલાહ વિના દવા લેવાનું બંધ કરી દે તેને તાત્કાલિક અને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે.

ગ્રે લાઇન

સારવાર અચાનક બંધ કરવાનું પરિણામ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડિપ્રેશન અને ચિંતાની સારવાર માટે વપરાતી ચોક્કસ દવાઓ એક દિવસ પણ ન લેવામાં આવે તો મગજમાં રાસાયણિક સંકેતો બદલાઈ શકે છે અને ઊબકા, થાક, ચક્કર તથા ‘ઍર હેડ’ની લાગણી જેવાં લક્ષણો દેખાઈ શકે છે.

આ લક્ષણોની તીવ્રતાનો આધાર દરેક વ્યક્તિના શરીર પર હોય છે. કોઈને વધુ તીવ્રતાનો અનુભવ થાય તો કોઈને ઓછો થઈ શકે છે.

તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે ઍન્ટી-ડિપ્રેસન્ટ્સનો ઉપયોગ કરતા લોકો (56 ટકા), તે દવા લેવાનું બંધ કરે ત્યારે તેમનામાં પ્રતિકૂળ લક્ષણો જોવાં મળે છે અને તેમાંથી તેમાંથી લગભગ 46 ટકા લોકો આડઅસરને ગંભીર ગણાવે છે.

તે કથિત ‘વિથડ્રોઅલ સિન્ડ્રોમ’ હોય છે, જે માત્ર ઍન્ટી-ડિપ્રેસન્ટ અને એન્ઝિઓલિટિક્સનો જ નહીં, પરંતુ હિપ્નોટિક્સ, ઍન્ટી-સાયકોટિક, મૂડ સ્ટેબિલાઇઝર તથા સ્ટિમ્યુલન્ટ (ઍટેન્શન ડેફિસિટ હાયપર ઍક્ટિવિટી ડિસૉર્ડરની સારવાર માટે વપરાતી દવાઓ)નો ઉપયોગ રોકવાથી થઈ શકે છે.

શરીર દ્વારા આપવામાં આવતા આ સંકેતો થોડા દિવસમાં ઓછા થઈ શકે છે. તે અપ્રિય હોવા છતાં અચાનક દવા લેવાનું બંધ કરવાથી સર્જાતાં જોખમો પૈકી તે સૌથી મોટું નથી.

સાઓ પાઉલો ખાતેની મનોચિકિત્સા સંસ્થામાં આઉટપેશન્ટ સર્વિસ વિભાગનાં ડિરેક્ટર વેનેસા ફવારોએ કહ્યું હતું, “મૂળ લક્ષણો વધારે તીવ્ર સ્વરૂપમાં પાછાં આવે તેવી સંભાવના હોય છે.”

સાઓ પાઉલોની ફેડરલ યુનિવર્સિટી ખાતેના સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ મૅન્ટલ હેલ્થકેરના મનોચિકિત્સક અને ટેકનિકલ ડિરેક્ટર એલ્સન અસેવેડો બીજી અસરની વાત કરે છે.

જે દર્દીને શરૂઆતમાં દવાનો સારો પ્રતિસાદ મળ્યો હોય તેઓ વધારે ધીમી પ્રતિક્રિયા આપી શકે અથવા તો અચાનક વિક્ષેપ પછી ફરી સારવાર શરૂ કરવામાં આનાકાની કરી શકે છે.

અસેવેડો કહે છે, “કેટલાક કિસ્સામાં ડોઝ વધારવાની કે દવા બદલવાની જરૂર પડે છે. તેમાં બહુવિધ દવાઓનો સમાવેશ થાય છે.”

ગ્રે લાઇન

લોકો અચાનક દવા લેવાનું બંધ શા માટે કરે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

કોઈ અચાનક દવા લેવાનું બંધ કરી દે તેનું મુખ્ય કારણ સારવારને લીધે થાળે પડતી સ્થિતિ હોય છે.

અસેવેડો કહે છે, “ડિપ્રેશન અને ચિંતાની સ્થિતિમાં સુધારો થાય ત્યારે દર્દીને સ્વાભાવિક રીતે એવું લાગે છે કે હવે દવા લેવાની જરૂર નથી. ખરી ગડબડ અહીં થાય છે. રોગનાં લક્ષણોમાં થયેલો સુધારો ઘણી વાર મગજમાંની સુધારણા પહેલાં થાય છે.”

તેઓ મગજની સરખામણી કમ્પ્યુટર સાથે કરે છે અને રોગની સરખામણી મશીન પર ઇન્સ્ટોલ કરાયેલા પ્રોગ્રામ સાથે કરે છે.

તેઓ સમજાવે છે કે સારવારને લીધે પ્રોગ્રામ તો દૂર થઈ જાય છે, પરંતુ સમસ્યા ફરી ન સર્જાય તે માટે ખુદને બચાવવા તેમજ ડિપ્રેશનના પ્રભાવ વિના કામ કરતા રહેવાના નવા માર્ગો બનાવવા મગજને દવા નોંધપાત્ર સમયગાળા સુધી લેવાય એવી જરૂરી હોય છે.

બ્રાઝિલિયન સાયકિયાટ્રિક ઍસોસિયેશનના પ્રમુખ એન્ટોનિયો ગેરાલ્ડો કહે છે, “દર્દીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે એ પછી કમસે કમ 12 મહિના સુધી ઍન્ટી-ડિપ્રેસન્ટ લેવાની ભલામણ કરવામાં આવે છે. દર્દી તેના જીવનકાળમાં બે કે તેથી વધુ વખત ડિપ્રેશનનો ભોગ બન્યો હોય તો દવા બે વર્ષ સુધી કે અનિશ્ચિત સમય સુધી લેતા રહેવું પડે તે પણ શક્ય છે.”

ઘણા દર્દી સારવારને માનસિક સ્વાસ્થ્ય માટેની સ્થિરતાની શોધનો એક હિસ્સો ગણતા નથી, એમ જણાવતાં વેનેસા ફાવારો ઉમેરે છે, “લાંબા ગાળાના અભિગમને સમજવાનું કેટલાક દર્દીઓ માટે, ખાસ કરીને તેઓ દુઃખી હોય ત્યારે, પડકારરૂપ હોઈ શકે છે. તાત્કાલિક રાહતની શોધ સ્વાભાવિક છે, પરંતુ તમામ પીડામાં ક્ષણિક રાહત પૂરતી હોતી નથી.”

તેમના કહેવા મુજબ, “રોગને સમજવાનું, તેના જૈવિક આધારને સમજવાનું અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાનું જરૂરી હોય છે. માત્ર દવાઓ જ નહીં, મનોરોગ ચિકિત્સા અને બ્રિધિંગ ટેકનિક જેવી અન્ય બાબતો પણ મહત્ત્વપૂર્ણ છે.”

દવા લેવાનું બંધ કરવાનું બીજું સર્વસામાન્ય કારણ તેની શરીર પર થતી અનિચ્છનીય અસરો હોય છે.

અસેવેડો કહે છે, “માત્ર સાત જ દિવસ લેવાની હોય તેવી ઍન્ટીબાયોટિક દવાની આડઅસરોને સહન કરવાનું પ્રમાણમાં સરળ છે, પરંતુ ડિપ્રેસિવ સ્થિતિમાં સતત એક વર્ષ સારવાર જરૂરી હોય ત્યારે તેનો સામનો કરવો મુશ્કેલ છે.”

તેમના જણાવ્યા પ્રમાણે માનસિક રોગની દવાની સર્વસામાન્ય આડઅસરોમાં જાતીય આવેગમાં ઘટાડો, સુસ્તી, વજનમાં વધારો, જઠરઆંત્રીય અસરો, ઊબકા, ઊલટી અને ધ્રુજારી વગેરેનો સમાવેશ થાય છે.

અસેવેડોના જણાવ્યા મુજબ, હેલ્થકેર પ્રૉફેશનલ્સે આ બાબતે જાગૃત રહેવું જોઈએ અને દર્દી તેની ફરિયાદ આસાનીથી જણાવી શકે તેવું કરવું જોઈએ. આવા કિસ્સામાં સાથે મળીને શક્યતાઓ વિશે વાત કરવાનું જરૂરી હોય છે.

અસેવેડો કહે છે, “દવા બદલવી કે પછી આડઅસર ઓછી કરવાની દવા લેવી તેવા વિકલ્પોની વિચારણા તેઓ કરી શકે.”

બીબીસી ગુજરાતી

દવા મગજ પર કેવી રીતે અસર કરે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

માનસિક બીમારીની સારવાર માટે વપરાતી દવાઓ અંગની રાસાયણિક રચનામાં ફેરફાર કરીને મગજમાં પ્રસારિત થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલને સુધારે છે.

અસેવેડો કહે છે, “મગજ એક એવું કમ્પ્યુટર છે, જે કેબલને બદલે ચેતોકોષો ધરાવે છે, પરંતુ આ ચેતાકોષો સીધા કનેક્ટ થતા નથી. તેમની વચ્ચે નાની જગ્યા હોય છે, જ્યાં ચેતાપ્રેષકો હોય છે.”

એ ચેતાપ્રેષકો એટલે કે ન્યૂરોટ્રાન્સમિટર રાસાયણિક પદાર્થ હોય છે, જે એક ચેતોકોષમાંથી બીજામાં ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન કરે છે.

સેરોટોનિન, નોરેપીનેફ્રાઇન અને ડોપામાઇન એવા કેટલાક ચેતાપ્રેષકો છે, જે ચેતાકોષો વચ્ચેનાં ઇલેક્ટ્રિકલ સિગ્નલને નિયંત્રિત કરે છે.

આ કેમિકલ્સ અનિયંત્રિત બની જાય ત્યારે ઘણી વાર માનસિક બીમારી થાય છે. દાખલા તરીકે આનંદ અને સુખાકારીની લાગણી માટે જવાબદાર ન્યૂટ્રલ ટ્રાન્સમિટરમાં અસંતુલન સર્જાય ત્યારે ડિપ્રેશન આવે છે, એમ નિષ્ણાતો જણાવે છે.

એ પછી દવા ચેતાપ્રેષકોના ઉત્પાદનને નિયંત્રિત કરી અને મગજના કોષો વચ્ચે ઇલેક્ટ્રિક સિગ્નલના પ્રસારણને વધારવાનું કામ કરે છે.

બીબીસી ગુજરાતી

માનસિક રોગની દવાઓ લેવાનું યોગ્ય રીતે બંધ કઈ રીતે કરવું?

વેનેસા ફાવારો જણાવે છે કે દવાઓનો કાયમ માટે ઉપયોગ કરવો વિનાશકારી સાબિત થશે, એવું વિચારવું માનસિક રોગની સારવાર લેતી વ્યક્તિ માટે સામાન્ય બાબત છે.

તેઓ કહે છે, “મોટા ભાગે આવું થતું નથી. સારવારની શરૂઆત, મધ્ય અને અંત હોય છે.”

અંતની પ્રક્રિયાને ડૉક્ટર “ધાવણ છોડાવવા” જેવી વાત ગણાવે છે. તેમાં મહિનાઓ કે વર્ષો લાગી શકે છે.

ફાવારો કહે છે, “મગજની કામગીરીમાં અચાનક ફેરફારોને ટાળવા પ્રક્રિયા તબક્કા વાર હાથ ધરવી જોઈએ.”

અસેવેડો કહે છે, “સૌપ્રથમ તો લક્ષણોમાં સંપૂર્ણ સુધારો થવો જોઈએ. સુધારણા છ મહિનાથી એક વર્ષ સુધી યથાવત્ રહેવી જોઈએ. મગજ સંપૂર્ણ સ્વસ્થ નહીં થયું હોય તો સમસ્યા ઊથલો મારી શકે છે.”

તેમના જણાવ્યા મુજબ, એ પછી એકાંતરે દવા લેવી અથવા ડોઝ ધીમે ધીમે ઘટાડવા જેવી વ્યૂહરચના અપનાવી શકાય.

ફાવારો કહે છે, “તમારી બીમારીના પ્રકાર તથા સ્થિતિ માટે સૌથી યોગ્ય દવાનું આકલન કરવા મનોચિકિત્સકની સલાહ લેવી સૌથી વધુ જરૂરી છે.”

રેડ લાઇન
રેડ લાઇન