હીરાસર ઍરપૉર્ટ : PM મોદીએ લોકાર્પણ કર્યું એ 'ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ'ની ખૂબી શું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે.

પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ બુધવારના રોજ ગુજરાતના ‘પ્રથમ ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ’ એવા હીરાસર ઍરપૉર્ટનું લોકાર્પણ કર્યું.

રાજકોટથી 30 કિલોમીટર દૂર નેશનલ હાઇવે ક્રમાંક 27 પર બનાવાયેલ આ ઍરપૉર્ટ તેની ખાસિયતો અને નામ સાથે જોડાયેલ વિશેષણને લઈને ચર્ચામાં છે.

મીડિયા અહેવાલો અનુસાર તેના નિર્માણમાં 1,405 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

ગુજરાતના સુરેન્દ્રનગરના ચોટીલા પાસે આવેલા હીરાસર ગામમાં 7 ઑક્ટોબર 2017ના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનો પાયો નખાયો હતો.

વડા પ્રધાન મોદીના આગમનના સમાચાર અને ઍરપૉર્ટના ઉદ્ઘાટન પ્રસંગને કારણે ઍરપૉર્ટ સાથે સંકળાયેલ ‘ગ્રીનફિલ્ડ’ વિશેષણને લઈને કુતૂહલ જોવા મળી રહ્યું છે.

આખરે એક ‘ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ’ શું હોય છે? તે અન્ય ઍરપૉર્ટો કરતાં કેવી રીતે અલગ હોય છે? તેની કઈ ખાસિયતોને કારણે આ વિશેષણ તેના નામ સાથે સંકળાયું છે?

આ તમામ મુદ્દાને લઈને આ અહેવાલમાં સ્પષ્ટતા કરવા પ્રયાસ કરીશું.

‘ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ’ એટલે શું?

ગત માર્ચ મહિનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેર કરેલી એક પ્રેસ રિલીઝ અનુસાર ભારત સરકારે દેશમાં 21 ગ્રીનફીલ્ડ ઍરપૉર્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી.

ભારત સરકારે વર્ષ 2008માં ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ્સ પૉલિસી બનાવી હતી. જેની માર્ગદર્શિકા અનુસાર દેશનાં વિવિધ રાજ્યોમાં ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ વિસાવવાની યોજના હતી.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ એટલે એવાં ઍરપૉર્ટ જે નવેસરથી ખાલી જમીન પર કે અવિકસિત જમીન પર ઊભાં કરવામાં આવે.

ગ્રીનફિલ્ડ સંજ્ઞા એ પ્રકૃતિ સાથે સુસંગતતા સાધવાની વાત પર ભાર મૂકે છે. આ ઍરપૉર્ટનો હેતુ બાંધકામ અને કમિશનિંગ સમયે પર્યાવરણ પર તેની ઓછામાં ઓછી અસર થાય એવો હોય છે.

નવેસરથી ઍરપૉર્ટના નિર્માણની પ્રક્રિયામાં તેની આસપાસના પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર થાય એ સુનિશ્ચિત કરવા માટેનાં પગલાં લેવાય છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટનું નિર્માણ એ ઍરપૉર્ટ માટે જરૂરી તમામ સગવડોનાં આયોજન, ડિઝાઇનિંગ અને બાંધકામને સાંકળતું એક મોટું કામ છે. આ સગવડોમાં રનવે, ટર્મિનલ, ઍર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરો, કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ, પાર્કિંગ એરિયા અને અન્ય માળખાકીય સુવિધાઓ સામેલ હોય છે.

ગ્રીનફીલ્ડ ઍરપૉર્ટ મોટા ભાગે જે તે ક્ષેત્ર કે દેશની તાજેતર અને ભવિષ્યની ઉડ્ડયન સંબંધી જરૂરિયાતોને અનુલક્ષીને ડિઝાઇન કરાય છે.

ફોરેન પૉલિસી ન્યૂઝના વર્ષ 2015ના એક રિપોર્ટ અનુસાર ભીડભાડવાળા શહેરી વિસ્તારોમાં સ્થિત ઍરપૉર્ટોનું ભારણ ઘટાડવા માટે ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

ભારતની વાત કરીએ તો મોટા ભાગનાં ઍરપૉર્ટો વધુ પડતી ભીડનો ભાર વેઠી રહ્યાં છે. જેના કારણે પ્રદૂષણ અને પર્યાવરણને લગતા અન્ય પ્રશ્નો સર્જાય છે.

આવી સ્થિતિમાં ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં રહેલાં ઍરપૉર્ટો પર રહેલા ભારને ઘટાડીને શહેરના છેવાડે લઈ જવાની ક્ષમતા ધરાવે છે, જ્યાં પર્યાવરણ પર તેની અસર પ્રમાણસર ઓછી જોવા મળે છે.

મોટા ભાગે ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ વ્યૂહાત્મક મહત્ત્વવાળાં સ્થળોએ વિકસાવવામાં આવે છે. આ ઍરપૉર્ટો મોટા ભાગે આયોજન માટેની વધુ સારી તકો, સારી માળખાકીય વ્યવસ્થાઓ સાથે મૉડર્ન સુવિધા લોકો સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરે છે.

ઉપરાંત ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ સારી કનેક્ટિવિટીના લક્ષણને કારણે ક્ષેત્રમાં નવું રોકાણ આકર્ષિત કરે છે, જે પ્રાદેશિક વિકાસ માટે ઉદ્દીપકનું કામ કરે છે.

હીરાસર ઍરપૉર્ટની ખાસિયતો

હીરાસર ઍરપૉર્ટનો વિસ્તાર 2534 એકર છે. જ્યાં ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ 1500 એકરમાં બાંધકામ કર્યું છે.

ઍરપૉર્ટમાં 45 મીટર પહોળો અને 3.04 કિલોમીટર લાંબો રનવે છે. જ્યાં એકસાથે 14 વિમાન ઉડાણ અને ઉતરાણ કરી શકે.

ઍરપૉર્ટમાં ભીડભાડવાળા કલાકો દરમિયાન દર કલાકે 1280 પૅસેન્જરોને મૅનેજ કરી શકાય તેવી ક્ષમતા છે.

ઍરપૉર્ટથી હાલમાં ચલણમાં છે એવાં ‘સી’ ટાઇપ પ્લેનની સાથોસાથ ભવિષ્યમાં ‘ઇ’ ટાઇપ પ્લેન ઑપરેટ કરી શકશે. આના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રની આસપાસના લોકો વિશાળકાય ઍરક્રાફ્ટ એરબસ એ-380, બોઇંગ 747 અને બોઇંગ 777ની સેવાનો લાભ લઈ શકશે.

આ સિવાય ટકાઉ વિકાસના સંદર્ભમાં વાત કરીએ તો ઍરપૉર્ટ સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ અને રેઇન વૉટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હશે.

આ સિવાય મુસાફરોની સુવિધા માટે ચાર પૅસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ, આઠ ચેક-ઇન કાઉન્ટર સહિત ફાયર ઍલાર્મ સિસ્ટમ અને આધુનિક ફાયરફાઇટિંગ સિસ્ટમથી સજ્જ હશે.

11 ઍરપૉર્ટ સક્રિય

તાજેતરમાં ભારત સરકારે ગોવાના મોપા, મહારાષ્ટ્રના નવી મુંબઈ, શિરડી અને સિંધુદુર્ગ, કર્ણાટકના શિવમોગ્ગા, હસ્સન, વિજયપુરા અને કલબુર્ગી, મધ્ય પ્રદેશના ડાબરા, ઉત્તર પ્રદેશના કુશીનગર અને નોઇડામાં ગુજરાતના હીરાસર અને ધોલેરામાં, પુડુચેરીના કરાઇકલમાં, આંધ્ર પ્રદેશ દગાદર્થી, ભોગાપુરમ અને ઓર્વાકલમાં, પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં, સિક્કિમના પક્યોંગમાં, કેરળના કન્નુર અને અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ માટે મંજૂરી અપાઈ છે.

જે પૈકી દુર્ગાપુર, શિરડી, કન્નુર, પક્યોંગ, ઓર્વાકલ, સિંધુદુર્ગ, કુશીનગર, ઇટાનગર, મોપા અને શિવમોગ્ગાનાં ઍરપૉર્ટ પહેલાંથી ઑપરેશનલ છે.

આ સિવાય ભારત સરકારે રાજસ્થાનના અલવર, મધ્ય પ્રદેશના સિંગરોલી અને હિમાચલ પ્રદેશના મંડી ખાતે ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ માટે પ્રથમ તબક્કાની મંજૂરી આપી દીધી છે.

ફંડિંગ અને બાંધકામ સહિતના મુદ્દે આ પ્રોજેક્ટના અમલની જવાબદારી જે-તે ઍરપૉર્ટ ડેવલપર અને રાજ્ય સરકારની હશે.