કંગના રનૌતને ચંદીગઢ ઍરપોર્ટ પર 'થપ્પડ' મારનાર કોણ છે?

હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ ચૂંટાયેલાં કંગના રનૌત સાથે ચંડીગઢ ઍરપોર્ટ પર કથિત ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે.

સીઆઈએસએફનાં એક કૉન્સટેબલ રેન્કનાં અધિકારી પર કંગના રનૌતને થપ્પડ મારવાનો આરોપ લાગ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈની માહિતી પ્રમાણે, આ મામલે વધારે તપાસ કરવા માટે સીઆઈએસએફના અધિકારીઓની એક સમિતિનું ગઠન કરવામા આવ્યું છે.

કંગના રનૌત એનડીએની બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી આવી રહ્યાં હતાં. સંસદના સેન્ટ્રલ હૉલમાં શુક્રવારે બેઠક બોલવવામાં આવી છે.

કંગના રનૌતે શુ કહ્યું?

કંગના રનૌતે દાવો કર્યો છે કે ચંડીગઢ ઍરપોર્ટ પર એક સુરક્ષાકર્મીએ તેમને થપ્પડ મારી હતી.

કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે કહ્યું, "મને ધણા બધા ફોન આવી રહ્યા છે. હું એકદમ સુરક્ષિત અને ઠીક છું. આજે જે ઘટના બની તે ચંડીગઢ ઍરપોર્ટ બની હતી. આ ઘટના સુરક્ષા તપાસ દરમિયાન થઈ હતી."

"હું સુરક્ષા તપાસ કરાવી જેવી બહાર નીકળી ત્યારે બીજી કેબિનમાં એક મહિલા બેઠાં હતાં. આ મહિલા સીઆઈએસએફનાં સુરક્ષા કર્મચારી હતાં. તેમણે બાજુમાં આવીને મારા ચહેરા પર માર્યું અને અપશબ્દો કહ્યા."

કંગના રનૌતે કહ્યું, "મેં સુરક્ષાકર્મીને આવું કરવા પાછળ કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે હું (સુરક્ષાકર્મી) ખેડૂત આંદોલનનું સમર્થન કરું છું."

"હું સુરક્ષિત છું. મારી ચિંતા એ છે કે પંજાબમાં જે આતંકવાદ અને ઉગ્રવાદ વધી રહ્યો છે તેને આપણે કેવી રીતે સંભાળીશું?"

મંડીથી સંસદસભ્ય

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી.

તેમણે કૉંગ્રેસના વિક્રમાદિત્યસિંહને લગભગ 75 હજારથી વધારે મતોથી હરાવ્યા હતા.

કંગના માર્ચ મહિનામાં હિમાચલ પ્રદેશના કાંગડામાં બગલામુખીના દર્શન કરવા ગયાં હતાં. તેમણે પત્રકારોના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે "જો મારી પર માતાની કૃપા રહેશે તો મંડી લોકસભા બેઠક પરથી હું જરૂર ચૂંટણી લડીશ."

ટિકિટ મળ્યા પછી કંગનાએ ટ્વીટ કર્યું હતું, "મેં હંમેશાં મારા ભારત અને ભારતના લોકો માટે ભારતીય જનતા પાર્ટીને કોઈપણ શરત વગર સમર્થન કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ આજે મને મારા હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ઉમેદવાર બનાવી છે."

કંગના હવે આ બેઠક પરથી સાંસદ ચૂંટાયાં છે.

કૉન્સટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં

જે કૉન્સ્ટેબલ પર કથિત રૂપે કંગના રનૌત પર થપ્પડ મારવાનો આરોપ લાગ્યો છે તેમનું નામ કુલવિંદર કૌર છે.

એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કુલવિંદરના ભાઈ શેરસિંહે કહ્યું કે કુલવિંદર છેલ્લાં બે વર્ષથી ચંદીગઢ ઍરપોર્ટ પર તહેનાત છે અને 15-16 વર્ષથી સીઆઈએસએફમાં છે.

શેરસિંહ પોતે પણ "કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ" સાથે જોડાયેલા છે.

સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, "કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને તેમની વિરુદ્ધ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે."

રાજકીય પ્રતિક્રિયાઓ

કંગના સાથે બનેલી ઘટના પછી સતત રાજકીય પ્રતિક્રિયાઓ આવી રહી છે.

આ ઘટના પર નિવેદન આપતા હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સૈનીએ કહ્યું, "સુરક્ષા માટે તહેનાત કર્મચારીનું આ પ્રકારનું વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે."

નાયબ સૈનીએ કહ્યું કે કંગાના સાથે આ પ્રકારનો વ્યવહાર કરવાની કોઈ જરૂર નહોતી.

હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી અને કરનાલથી લોકસભાના સાંસદ ચૂંટાયેલા મનોહરલાલ ખટ્ટરે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

ખટ્ટરે કહ્યું, "સુરક્ષા એજન્સીનું કામ સુરક્ષા કરવાનું છે. તેમણે પોતાનું કામ કરવું જોઈએ. મને આશા છે કે સીઆઈએસએફ વિભાગીય કાર્યવાહી કરશે."

કંગનાનું ખેડૂતોને લઈને વિવાદિત નિવેદન

2020માં ત્રણ કૃષી કાયદાઓ વિરુદ્ધ આખા દેશમાં ખેડૂતોના આખું વર્ષ ચાલેલા આંદોલન દરમિયાન કંગના પોતાનાં નિવેદનોને કારણે વિવાદોમાં રહ્યાં હતાં.

સપ્ટેમ્બર 2020માં કંગનાએ પ્રદર્શનકારીઓ વિશે એક ટ્વીટમાં લખ્યું હતું, "જે લોકોએ સીએએ વિશે ખોટી સૂચનાઓ અને અફવાઓ ફેલાવતા હતા, જેને કારણે રમખાણો થયાં હતાં, તે જ લોકો હવે ખેડૂતોના બિલ વિશે ખોટી સૂચનાઓ ફેલાવી રહ્યા છે."

તેમણે કહ્યું, "તેઓ દેશમાં આતંક પેદા કરી રહ્યા છે, તેઓ આતંકવાદી છે. તમે જાણો છો કે મેં શું કહ્યું પરંતુ કેટલાક લોકોને ખોટી સૂચના ફેલાવવી ગમે છે."

કંગનાએ આ ટ્વીટ વિશે સ્પષ્ટતા કરવા માટે બીજાં બે ટ્ટવીટ્સ કર્યાં હતાં. જોકે, તેમણે પોતાનું પહેલું ટ્વીટ ડિલીટ ન કર્યું.

કંગના પોતાના નિવેદન પર અડગ રહ્યાં અને કહ્યું, "મેં ખેડૂતોને નહીં પરંતુ કૃષીબિલ વિશે અફવા ફેલાવનાર લોકોને "આતંકવાદી" કહ્યા હતા."

દિલજીતને ટેગ કરીને ખાલિસ્તાનનો ઉલ્લેખ

કંગનાએ માર્ચ 2023માં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝને ટેગ કર્યા હતા.

કંગનાએ કહ્યું કે પંજાબની કેટલીક જાણીતી હસ્તિઓને ખાલિસ્તાનનો વાયરસ લાગ્યો છે અને ભારત સરકારે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

કંગનાની તે પોસ્ટને પંજાબના વારિસ પંજાબ દે સંગઠનના નેતા અમૃતપાલસિંહ સામે થઈ રહેલી કાર્યવાહી સાથે જોડવામાં આવે છે.

આ પોસ્ટ પર દિલજીત દોસાંઝે જવાબ આપતા કહ્યું, "પંજાબ મારું ઘર છે."

સોશિયલ મીડિયા પર કંગના અને દિલજીત વચ્ચે એ સમયે ચાલી રહેલી લડાઈને કારણે મનોરંજન ક્ષેત્રના ઘણા લોકોએ કંગનાની ટીકા કરી હતી.

ત્યારબાદ કંગનાએ વધારે એક પોસ્ટ કરીને દિલજીતને સવાલ કર્યો હતો.

કંગનાએ લખ્યું, "દિલજીત દોસાંઝ પહેલાં ધમકાવતા હતા અને તેમના ખાલિસ્તાની સમર્થકો પણ ખૂબ જ બોલતા હતા, હવે ચૂપ કેમ છે? તેઓ પહેલાં કોના પ્રોત્સાહન પર ઊડી રહ્યા હતા? તેઓ હવે કોનાથી ડરે છે? મને આ વિશે જણાવો."

કંગનાએ બીજી એક પોસ્ટમાં લખ્યું હતું, "ખાલિસ્તાનનું સમર્થન કરનાર બધા જ લોકો યાદ રાખે કે પોલીસ આવી ગઈ છે. આ એ સમય નથી કે કોઈપણ વ્યક્તિ કંઈપણ કરી શકે. દેશને છેતરવાની કે ભાગલા પાડવાની કોશિશ હવે મોંઘી પડશે."

આ પોસ્ટમાં કંગનાએ હાથકડી સાથે એક મહિલા પોલીસકર્મીનું સ્ટીકર પણ લગાવ્યું હતું.

વિવાદિત નિવેદનો અને ભાજપનું સમર્થન

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગના રનૌતનો ગુસ્સો વધી ગયો હતો.

તેમણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આડા હાથે લીધી હતી. કંગનાએ ફરીથી પરિવારવાદ અને ફિલ્મ માફિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

કંગનાએ કરણ જોહર, સલમાન ખાન, શાહરુખ ખાન અને અમિર ખાન સહિત ઘણા લોકો પર નિશાનો તાક્યું હતું.

આ ઉપરાંત તેમની (કંગના) લડાઈ મહેશ ભટ્ટ સાથે પણ થઈ હતી. મહેશ ભટ્ટે કંગના ફિલ્મોમાં મોકો આપ્યો હતો અને ગૅન્ગસ્ટર, વો લમ્હે અને રાઝ-3 જેવી સફળ ફિલ્મોમાં રોલ આપ્યા હતા.

સુશાંતના મોત વખતે કંગનાએ કહ્યું કે બોલિવૂડમાં 99 ટકા લોકો ડ્રગ્સ કરે છે.

કંગના છેલ્લા કેટલાક સમયથી દરેક મુદ્દે ખૂલીને વાત કરે છે. આ ઉપરાંત તેઓ દેશના મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આપતાં રહે છે.

કંગનાનાં આ નિવેદનો સંપૂર્ણપણે મોદી સરકારના સમર્થનમાં આવતાં હતાં.

કંગના ધણી વખત ભાષાની સીમા પણ તોડતાં જોવાં મળ્યાં હતાં.

દિલ્હીનાં રમખાણો પર કંગનાનાં બહેન રંગોલીના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું, "દિલ્હીને સીરિયા બનાવી દીધું છે. આ બોલીવૂડ જેહાદીઓને ઠંડક મળી હશે. તેમને જંતુઓની જેમ કચડી નાખો."

સુશાંતસિંહ રાજપૂતના મામલે કંગનાએ મહારાષ્ટ્ર સરકાર ઉપર પણ નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્રમાં તે સમયે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધનની સરકાર હતી.

કંગનાએ મુંબઈને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પણ કહ્યું હતું. આ વિશે રાજકારણ પણ થયું હતું અને ભાજપ અને શિવસેના એકબીજા સામે આવ્યા હતા.

ભાજપે કંગનાનું સમર્થન કર્યું અને તેમને વાય પ્લસ સુરક્ષા પણ આપી હતી. ત્યારબાદ અટકળો લાગી રહી હતી કે કંગના ભાજપમાં સામેલ થશે.

નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્ય મંત્રી, રાજ્યસભાના સભ્ય અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલેએ પહેલાં જ કહ્યું હતું કે ભાજપ કંગના રનૌતનું સ્વાગત કરશે. કંગના લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી મંડીનાં સંસદસભ્ય ચૂંટાયાં છે.

કંગનાનો બોલિવૂડ સાથે સંબંધ

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંગના એક એવું નામ છે જે હંમેશાં ચર્ચામાં રહે છે, ક્યારેક વિવાદોને કારણે તો ક્યારેક પોતાની દમદાર ઍક્ટિંગ અને લડાઈને કારણે.

કંગનાનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો હતો. તેમણે જ્યારે ઍક્ટિંગ વિશે વિચાર્યું તો સૌથી પહેલાં દિલ્હીમાં નાટક નિર્દેશક અરવિંદ ગૌડ પાસેથી ઍક્ટિંગ શીખી હતી અને ત્યાર બાદ મુંબઈ આવ્યાં.

કંગનાનો સંઘર્ષ મુંબઈ આવ્યા પછી શરૂ થયો, પરંતુ તેમને આદિત્ય પંચોળીનો સાથ મળ્યો હતો. તેમની દોસ્તીની ઘણી ચર્ચા હતી અને કહેવામાં આવ્યું હતું કે કંગના આદિત્ય પંચોળીનાં ગર્લફ્રેન્ડ હતાં.

કંગનાની મુલાકાત ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ સાથે થઈ હતી. મહેશ ભટ્ટે તેમને અનુરાગ બાસુની 2006ની ફિલ્મ ગૅન્ગસ્ટરમાં મુખ્ય ભૂમિકા આપી હતી.

કંગના આ ફિલ્મમાં પોતાની ભૂમિકા થકી ચર્ચામાં આવ્યાં હતાં.

તેમણે પોતાની પહેલી જ ફિલ્મમાં એટલો જબરદસ્ત અભિનય કર્યો કે તેમને ફિલ્મફેયર બેસ્ટ ડેબ્યુ ઍવૉર્ડ પણ મળ્યો હતો.

કંગનાએ ત્યાર બાદ પાછળ ફરીને ન જોયું.