'તાળી પાડવાથી હૃદયરોગનો હુમલો ન આવે', મોરારિબાપુના નિવેદન અંગે ડૉક્ટરો શું માને છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનું એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. આ વખતે વિવાદ શરૂ થયો તાળીઓ પાડવાને લઈને તેમણે આપેલા નિવેદનથી.

મહુવામાં રામકથાની પૂર્ણાહૂતિ સમયે વ્યાસપીઠ પરથી પ્રવચન કરતા તેઓ બોલી રહ્યા હતા.

તેમણે કહ્યું, “તાળીઓ પાડવાને કારણે હૃદયરોગના હુમલાઓ નથી આવતા અને બ્લૉક થયેલી નળીઓ પણ ખૂલી જાય છે.”

તાળી પાડવાને કારણે હૃદયરોગના હુમલા નહીં આવે તેવા મોરારિબાપુના નિવેદન અંગે ડૉક્ટરો શું માને છે. તાળી પાડવી અને હૃદયરોગના હુમલાને કોઈ સંબંધ ખરો? આ બાબતે તબીબો અને વૈદ શું કહે છે?

તાળી પાડવાના ફાયદા પર તબીબો શું માને છે?

અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરતા ફિઝિશિયન ડૉ. દુર્ગેશ મોદીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "હાલમાં જે સડન કાર્ડિયાક ડેથના બનાવો બને છે તે ચિંતાજનક છે. આ દરેક સડન કાર્ડિયાક ડેથ માટે હાર્ટ ઍટેક જવાબદાર નથી."

"હૃદયની દીવાલોને કામ કરવા માટે જરૂરી રુધિર અને તેની મારફતે ઓક્સિજન અને ઊર્જા ઉત્પન્ન કરતા બળતણ સમાન ગ્લુકોઝ તથા ફૅટી એસિડ, કોરોનરી રુધિર વાહિનીમાં બ્લૉકેજને કારણે ન મળે ત્યારે હૃદયરોગનો હુમલો થાય છે."

"યુવાનોમાં જે સડન કાર્ડિયાક ડેથ માટે હાર્ટ ઍટેક કરતાં વધુ જવાબદાર જન્મજાત હૃદયની બનાવટમાં ખામી, હૃદયની દીવાલનું ઇન્ફેક્શન કે હૃદયના ડાબા ક્ષેપકની દીવાલ અતિશય જાડી હોવી કે હૃદયના કોષોમાં ખામી હોવાને કારણે હૃદયના ધબકારાની લય અનિયમિત હોવું છે."

ડૉક્ટર મોદી જણાવે છે કે આ પ્રકારના એક પણ કારણને તાળી પાડવાથી દૂર કરી શકાય નહીં.

તેઓ ઉમેરે છે, “હાર્ટ ઍટેકને કાબૂમાં લેવા બ્લડપ્રૅશર, ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા પડે તથા કૉલેસ્ટ્રોલને ઓછું કરવું પડે, વ્યસનો છોડવા પડે અને નિયમિત કસરત કરવી પડે.”

તાળી પાડવાથી થાય શું?

જાણકારો કહે છે કે તાળીઓ પાડવાથી હૃદયરોગના હુમલાનો પ્રશ્ન ઓછો થતો નથી માત્ર કંઈક કર્યાનો ઠાલો સંતોષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારની માન્યતાઓ ‘શાહમૃગવૃત્તિ’ છે.

મોરારિબાપુએ પૌરાણિક સમયમાં ઋષિઓ તાળીઓના મહત્ત્વને સ્વીકારતા હોવાની વાત કરતા જે દાવો કર્યો હતો તે બાબતે બીબીસીએ આયુર્વેદ સાથે જેમણે એમ.ડી. કર્યું છે તેમની સાથે વાતચીત કરી.

નામ ન આપવાની શરતે આ આર્યુર્વેદિક ડૉક્ટરે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “આયુર્વેદના કોઈ પણ સૈદ્ધાંતિક ગ્રંથોમાં તાળી વગાડવાથી હૃદયરોગનો હુમલો રોકી શકાય છે તેવી વાતો લખી નથી.”

મોરારિબાપુએ તાળી પાડવા વિશે બીજું કહ્યું હતું?

હાલના સમયમાં હૃદયરોગના હુમલાના વધતાં બનાવોને કારણે સમાજમાં ચિંતા છે, જેના પર બોલતા મોરારિબાપુનું કહેવું હતું કે અગાઉના સમયમાં લોકો તાળીઓ પાડતા હતા એટલે તેમને હૃદયરોગનો હુમલો નહોતો આવતો.

તાળી પાડવાને તેમણે એક પ્રકારની કસરત ગણાવતા કહ્યું, “તાળી એક થૅરપી છે. આ દેશના ઋષિઓએ યુગોથી તાળીને મહત્ત્વ આપ્યું છે.”

મોરારિબાપુ એમ પણ બોલ્યા, “ગામડાંના લોકો ખૂબ ઉત્સાહથી તાળી પાડતા હોય છે જ્યારે શહેરના ભણેલા લોકો કથામાં પણ બેસી રહે પણ તાળી નથી પાડતા.”

એટલું નહીં પુરુષોને ખાસ વિનંતી કરતા તેમણે કહ્યું, “ભાઈઓ જ્યારે ઘરમાં એકલા હોય ત્યારે નવરાશના સમયે એકલાએકલા પણ તાળીઓ પાડવી.”

અગાઉના સમયમા જ્યારે લોકોને હૃદયરોગનો ઓછી તીવ્રતાનો હુમલો આવતો ત્યારે કેવી રીતે લોકો તેની સારવાર જાતે જ ઘર પર કરી લેતા તે સમજાવતા મોરારિબાપુએ કહ્યું હતું, “પહેલાંના લોકો એમ કહેતા કે છાતીનાં પાટિયાં ભીંસાય છે ત્યારે અમૃતાંજન કે નીલગીરી ઘરના લોકો લગાવી આપતાં, કાં તો એનું જ ફાળિયું લઈ શેક કરી આપતા, એટલે માણસ તરત જ સાજો થઈ જતો.”

ગુજરાતમાં હૃદયરોગના હુમલાની વધતી ઘટનાઓ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં જ હૃદયરોગના હુમલાને કારણે થતાં મોતની સંખ્યા નોંધપાત્ર વધી છે. મોટા ભાગે કોરોના મહામારી પછીના સમયગાળામાં ગુજરાતમાં યુવાનો કસરત કરતા, રમતો રમતા ગ્રાઉન્ડમાં કે પછી જિમમાં અચાનક જ મોતને ભેટતા હોવાના અનેક વીડિયો સામે આવ્યા હતા, જેનું કારણ હૃદયરોગ ગણાવાયું હતું.

તો હૃદયના ‘હજારો ઑપરેશન’ જામનગરના ‘જાણીતા’ કાર્ડિયોલૉજિસ્ટ ગૌરવ ગાંધીનું 41 વર્ષની યુવાન વયે ‘હૃદયરોગના હુમલા’માં નિધન થયું હતું. આ ઘટનાએ યુવાન વયે હૃદયરોગના હુમલામાં થતાં મૃત્યુને લઈને ‘ચિંતા જન્માવી હતી.’

સ્થિતિ એ આવી કે કેન્દ્રીય સ્વાસ્થમંત્રી મનસુખ માંડવિયાએ આ બાબતે બેઠક બોલાવી ચર્ચા કરી હતી.

તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચના એક અભ્યાસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, "આઈસીએમઆરએ હમણાં એક ડિટેલ સ્ટડી કર્યો છે. એ ડિટેલ સ્ટડી એવું કહી રહ્યો છે કે જે લોકોને સિવિયર (ગંભીર) કોવિડ થયો હોય અને એનો સમય ઝાઝો ન થયો હોય, એવી સ્થિતિમાં એમણે વધારે પરિશ્રમ ના કરવો જોઈએ."

માંડવિયાએ વધુમાં કહ્યું કે, "એમણે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. સખત મહેનત, સતત દોડવું, સખત એક્સરસાઇઝ કરવી, એવાં કામોથી એક ચોક્કસ સમય માટે, શોર્ટ ટાઇમ માટે, એક-બે વર્ષ માટે દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ ઍટેકની ઘટનાથી બચી શકાય."