બોર્ડમાં ટૉપ કરવા છતાં આ યુવતીને ટ્રોલિંગનો સામનો કેમ કરવો પડી રહ્યો છે?

પ્રાચી નિગમ
ઇમેજ કૅપ્શન, પ્રાચી નિગમ
    • લેેખક, નીતુસિંહ
    • પદ, સીતાપુરથી, બીબીસી હિન્દી માટે

ઉત્તરપ્રદેશ (યુપી) બોર્ડના પરિણામનો પાંચમો દિવસ હતો. સવારે સાડા સાત વાગ્યાનો સમય હતો અને નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓથી શાળાનું પરિસર ભરાયેલું હતું.

વિદ્યાર્થીઓ લાઇનમાં લાગીને સવારની પ્રાર્થનાસભા માટે ઊભા હતા. આ દૃશ્ય એ શાળાના પ્રાંગણનું છે, જેનાં વિદ્યાર્થિની પ્રાચી નિગમે હાઇસ્કૂલના લગભગ 55 લાખ વિદ્યાર્થીઓમાંથી યુપી બોર્ડમાં ટૉપ કર્યું હતું.

અમારી નજર થોડા સમય પછી સફેદ સલવાર કુર્તો અને લાલ દુપટ્ટો પહેરેલી પ્રાચી નિગમ પર પડી, જેમને અમે ઘણા સમયથી શોધી રહ્યા હતા.

પ્રાચીએ શાળામાં પ્રવેશ કર્યો ત્યારે તેમના સાથીઓ તેમને જોઈને હસી રહ્યાં હતાં, કારણ કે તેમને ખબર હતી કે આજે પ્રાચીનો ઇન્ટરવ્યૂ થશે. છેલ્લા કેટલાક દિવસોથી આ જ ક્રમ ચાલુ છે.

ઉત્તર પ્રદેશના સિતાપુર જિલ્લામાં આવેલા મહમૂદાબાદની સીતા ઇન્ટર કૉલેજમાં છેલ્લા એક અઠવાડિયાથી ઉત્સવ જેવો માહોલ છે.

કારણ કે આ કૉલેજમાં પ્રાચી નિગમ અને શુભમ વર્મા સહિત 19 વિદ્યાર્થીઓ ભણે છે. આ વિદ્યાર્થીઓએ હાઇસ્કૂલ અને ઇન્ટર-મીડિએટમાં યુપી બોર્ડમાં પ્રદેશમાં ટૉપ 10મા વિશેષ સ્થાન મેળવ્યું છે.

બધા જ આ ટૉપર્સ પર ગર્વ કરી રહ્યા છે. જોકે, પ્રાચી નિગમને કેટલાક લોકો તરફથી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

કારણ?

તેમના ઉપરના હોઠ પર બાયોલૉજિકલી નાના નાના વાળનું હોવું.

'ટૉપ ન કરત તો લોકોનું ધ્યાન ન પડત'

પ્રાચી નિગમ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રાચી કહે છે, “હું જ્યારે આ પ્રકારનાં ટ્રોલિંગ અને ભીડને જોઉં છું તો લાગે છે એક-બે નંબર ઓછા આવ્યા હોત તો સારું હોત. હું ટૉપ ન કરત તો લોકોનું ધ્યાન મારા ચહેરા પર ન પડત. મને મારા ચહેરા પર ઊગેલા એ લાંબા વાળનો અનુભવ બોર્ડમાં ટૉપ કર્યા પછી ટ્રોલ કરનાર લોકોએ જ કરાવ્યો.”

પ્રાચીના ચહેરા પર વાળ નવમા ધોરણથી જ ઊગવાના શરૂ થઈ ગયા હતા.

પ્રાચીના આ શારીરિક બાંધા વિશે શાળામાં કે ઘરે કોઈએ પણ ક્યારેય ટિપ્પણી ન કરી. પ્રાચીને પોતાના ચહેરા પર વધી રહેલા વાળનો ક્યારે અહેસાસ જ નહોતો.

પ્રાચી નિગમે આ વખતે હાઇસ્કૂલમાં 591 નંબર મેળવ્યા છે.

પ્રાચી બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટાં છે. તેઓ ઇજનેર બનવા માગે છે.

પ્રાચીએ ચહેરા પર એક સ્મિત સાથે કહ્યું, “જો હું પ્રથમ ન આવી હોત તો આટલી ફેમસ ન થઈ હોત. સોશિયલ મીડિયાએ મને ખૂબ જ ફેમસ કરી દીધી. દરેક જગ્યાએથી ઘણા ફોન આવી રહ્યા છે. ઘરે આખો દિવસ લોકોની ભીડ હોય છે.”

જોકે, પ્રાચી સતત આવી રહેલા ફોનનો જવાબ અને મીડિયાના સતત ઇન્ટરવ્યૂને કારણે પરેશાન પણ થઈ ગયાં છે.

પ્રાચીએ કહ્યું, “દરેક ઇન્ટરવ્યૂમાં ટ્રોલિંગ પર વધારે વાત થઈ રહી છે. લોકોએ પૂછી-પૂછીને કે હું કેવી દેખાઉં છું તેની અનુભૂતિ કરાવી દીધી. મને જ્યારે જરૂર લાગશે ત્યારે હું પોતાનો ઇલાજ કરાવીશ. હું અત્યારે તો અભ્યાસ પર મારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું.”

પ્રાચીએ સોશિયલ મીડિયા જોવાનું બંધ કરી દીધું હતું

પ્રાચી નિગમ

પ્રાચીએ શરૂઆતના બે દિવસો પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો હતો, જેથી ટ્રોલ્સની ટિપ્પણીઓની અસર તેમના અભ્યાસ પર ન પડે.

જોકે, તેમણે ટ્રોલર્સનો આભાર માન્યો કે તેમના કારણે આટલી નાની ઉંમરમાં સોશિયલ મીડિયામાં ફેમસ કરી દીધી.

તેમણે કહ્યું કે "મારા ચહેરા પર મોટા વાળ ન હોત તો કોઈ મને ટ્રોલ ન કરત અને જો હું ટ્રોલ ન થઈ હોત લોકોની આટલી ભીડ મારા ઘરે ન હોત."

પ્રાચી અત્યારે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે, કારણ કે તેમને આઈઆઈટી જેઈઈની પરીક્ષા પાસ કરીને ઇજનેર બનવું છે.

સીતા ઇન્ટર કૉલેજના આચાર્ય રમેશ વાજપેયીએ પ્રાચની ટ્રોલિંગ વિશે કહ્યું, “હું દાવો કરું છું કે કોઈ પણ ટ્રોલર પાસે પ્રાચી સાથે બે મિનિટ વાત કરવાની હિમ્મત નથી. એવું નથી કે ફરક નથી પડતો (ટ્રોલિંગને કારણે), ફરક પડે છે. અમે લોકોએ તેમને હિમ્મત આપી છે. પ્રાચીનું મનોબળ મજબૂત છે અને રહેશે. જે લોકો સુંદરતાને જ સર્વોચ્ચ માને છે તેમની ભાવનાઓ ખૂબ જ ખરાબ છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી બ્રિજેશ પાઠકે છોકરીના મફત ઇલાજની વાત કરી છે.”

“મારી દીકરી જેવી છે, મને ખૂબ જ પસંદ છે”

પ્રાચીએ પોતાની વાતચીતમાં આ વાતનો ઘણી વખત ઉલ્લેખ કર્યો કે કૉલેજમાં તેમના મિત્રો અને શિક્ષકોએ તેમના શારીરિક બાંધા પર ક્યારેય કોઈ ટિપ્પણી નથી કરી.

પ્રાચીનાં માતાએ થોડાક મહિનાઓ પહેલાં કહ્યું હતું કે 10મા ધોરણની પરીક્ષા પછી ડૉક્ટરને દેખાડીશું.

પ્રાચીનાં માતા મમતા નિગમે કહ્યું, “મારી દીકરીના ઉપરના હોઠ પર વાળ ઊગ્યા છે. આ વાત પર અમે વધારે ધ્યાન ન આપ્યું. મારી દીકરી જેવી છે તેવી જ પસંદ છે. અમે ક્યારેય પાર્લર જવાનો પણ વિચાર નહોતો કર્યો. અમે જરૂર વિચાર્યું હતું કે તેમના ચહેરા પર વાળ ઝડપથી વધી રહ્યા છે તો પરીક્ષા પછી ડૉક્ટરને દેખાડશું, પરંતુ લોકોએ તે પહેલાં જ હોબાળો કરી દીધો.”

તેમણે ઉમેર્યું, “મને એ વાતનો અફસોસ છે કે લોકોએ અમારી દીકરીની ક્ષમતાની જગ્યાએ તેના શારીરિક બાંધા પર ધ્યાન આપ્યું. અમે અમારી દીકરીને સમજાવ્યું કે ટ્રોલિંગ પર ધ્યાન ન આપે અને તેની અસર પોતાના પર ન પડે તેનું પણ ધ્યાન રાખે. અમારા ઘરમાં કોઈ ફોન પર સોશિયલ મીડિયા નથી જોઈ રહ્યું, કારણ કે અમારી પાસે સમય જ નથી.”

પ્રાચીના પિતા નગરનિગમમાં કામ કરે છે.

તેમના પિતા ચન્દ્રપ્રકાશ નિગમે કહ્યું, “સત્ય કહું તો મારે ટ્રોલર્સને કશું કહેવાની જરૂર પડી ન હતી. ઘણા લોકો પ્રાચીના સમર્થનમાં આગળ આવ્યા હતા. હું તે દરેક લોકોનો આભાર માનું છું. હું એમ નહીં કહું કે મને ખરાબ ન લાગ્યું. ઘણી તકલીફ થઈ અને ગુસ્સો પણ આવ્યો હતો. જ્યારે તમે કોઈ વ્યક્તિને ઓળખતા નથી તો ટિપ્પણી કેવી રીતે કરી શકો છો? જોકે, આવા લોકો પર કાર્યવાહી થવી જોઈએ, જેથી તેઓ લોકોની ભાવનાઓ સાથે રમત ન રમે.”

પ્રાચીએ કહ્યું, “ટૉપ કર્યા પછી દબાણ પણ વધી ગયું છે, કારણ કે હવે લોકોની આશા વધી ગઈ છે. આ કારણે હવે મારે વધારે મહેનત કરવી પડશે. મારી પાસે ટ્રોલ્સની ટિપ્પણી વાંચવાનો સમય નથી. હું એ છોકરીઓને પણ કહેવા માગું છું કે તમારો શારીરિક બાંધો સામાન્ય છોકરીઓ કરતાં થોડોક અલગ હોય તો પણ ચિંતા ન કરશો. ટ્રોલિંગ એક ક્ષણિક વસ્તુ છે. બધી વાતોને અવગણો, અભ્યાસ જરૂરી છે. બધી વાતોને અવગણીને તમે જ્યારે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો જ આગળ વધી શકશો.”

પ્રાચીના સહપાઠીઓએ ટ્રોલિંગ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું

પ્રાચી નિગમ

પ્રાચીના સહપાઠીઓ તેમના સમર્થનમાં સોશિયલ મીડિયા પર #ડોન્ટટ્રોલપ્રાચી (પ્રાચીને ટ્રોલ ન કરો) અભિયાન ચલાવી રહ્યા છે.

પ્રાચીના સહપાઠી હેમંત વર્માએ હાઇસ્કૂલમાં ઉત્તર પ્રદેશમાં નવમું સ્થાન મેળવ્યું છે.

હેમંતે કહ્યું, “હું ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરું છું. પ્રાચી પર કરવામાં આવેલી મોટા ભાગની પોસ્ટ પર મેં રિપ્લાય આપ્યો છે. લોકોએ મને પણ ખૂબ જ ગાળો આપી હતી. અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અમે લોકો સતત પ્રાચીના પક્ષમાં લખી રહ્યા છીએ. અમે લોકોને કહીએ છીએ કે પ્રાચીને ટ્રોલ ન કરે, એણે ખૂબ જ આગળ જવું છે.”

પ્રાચીના અન્ય એક સહપાઠી જ્ઞાનેન્દ્ર વર્માએ કહ્યું, “સોશિયલ મીડિયા પર લોકો જ્યારે પ્રાચીને ટ્રોલ કરી રહ્યા હતા તે સમયે અમે લોકોએ મળીને આ અભિયાન શરૂ કર્યું. કોઈ વિશે સમજ્યા વગર ઘરે બેસીને તેમને ટ્રોલ કરવા ખૂબ જ સરળ છે. કોઈ પણ ટ્રોલર પ્રાચી નિગમના રેકૉર્ડને તોડી નહીં શકે.”

તેમણે ઉમેર્યું, “ગામડાંમાં હવે દરેક ઘરમાં ફોન છે. બધાએ આ ટ્રોલ્સને જોયા છે. જે છોકરીઓની શારીરિક બનાવટ બાયૉલૉજિકલ કારણોથી થોડીક જુદી છે તેમનાં માતા-પિતા પોતાની દીકરીઓને કેવી રીતે ભણાવશે? તેઓ તો એમ જ વિચારશે કે ભણતરનો શો ફાયદો? જો મારી દીકરીનું નામ થશે તો તેણીને ટ્રોલિંગનો સામનો કરવો પડશે.”

સલાહકારો શું કહે છે?

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં 18 વર્ષોથી કાઉન્સેલિંગ કરી રહેલાં વરિષ્ઠ મનોવૈજ્ઞાનિક ડૉ. નેહા આનંદે કહ્યું, “મેં પ્રાચી અને તેમનાં માતા-પિતાને વીડિયોમાં સાંભળ્યાં તેના પરથી કહી શકું કે તેમનાં શિક્ષકો અને માતા-પિતાએ તેણીની શારીરિક બનાવટ સાથે સહજતાથી સ્વીકાર કર્યો છે. આ કારણે પ્રાચીનું ધ્યાન આ વાત તરફ ન ગયું અને તેમણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પરીક્ષામાં ટૉપ કર્યું.”

તેમણે ઉમેર્યું, “આ સમયે બૉડી શેમિંગની બાળકો પર ખૂબ જ ઊંડી અસર પડે છે. આ કારણે ઘણાં બાળકોને ડિપ્રેશનની બીમારી થાય છે. તેઓ પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. શિક્ષકો અને માતા-પિતાની જવાબદારી આવી સ્થિતિમાં ઘણી વધી જાય છે.”

ડૉ. નેહા આનંદે કહ્યું કે શિક્ષકો અને માતા-પિતાએ બાળકોની આસપાસ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી બાળકો બહારની સુંદરતાને અવગણે અને પોતાની ક્ષમતાઓ અને તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહન આપે.

મહત્ત્વપૂર્ણ જાણકારી

  • માનસિક સમસ્યાઓનો ઇલાજ દવા અને ઉપચાર દ્વારા કરી શકાય છે. આ માટે તમારે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ, તમે આ હેલ્પલાઇનનો પણ સંપર્ક કરી શકો છો - સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયની હેલ્પલાઇન - 1800-599-0019 (13 ભાષામાં ઉપલબ્ધ)
  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ અલાઇડ સાયન્સ-9868396824, 9868396841, 011-22574820
  • હિતગુજહેલ્પલાઇન, મુંબઈ- 022- 24131212
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરોસાયન્સ-080 - 26995000