WHO એ જાહેર કર્યું નવું AI ટૂલ, હવે આરોગ્ય વિશે તમારા કયા પ્રશ્નોનો જવાબ સારાહ આપશે?

ઇમેજ સ્રોત, WHO
- લેેખક, ઓનુર ઇરેમ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 7મી એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવું જનરેટિવ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટૂલ લૉન્ચ કર્યું છે. જેનો ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને મદદ કરવાનો છે.
આ એઆઈ ટૂલનું નામ S.A.R.A.H (સારાહ) છે જેનું આખું નામ 'સ્માર્ટ એઆઈ રિસોર્સ આસિસ્ટન્ટ ફૉર હૅલ્થ' છે. આ નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર લોકોના પ્રશ્નો માઇક્રોફોનથી સાંભળે છે અને તરત જ સ્ક્રીન પર જોવા મળતાં મહિલાનું એનિમેશન તેના જવાબો આપે છે.
આ ટૂલની રચના અતિશય મહત્ત્વના સ્વાસ્થ્ય આધારિત પ્રશ્નોના જવાબ આપવા માટે વિકસાવાયું છે. આ ટૂલ તાજેતરમાં અરબી, ચાઈનીઝ, સ્પેનિશ, પોર્ટુગીઝ, હિન્દી, રશિયન, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષા સમજી શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડરોસ અદહાનોમે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે “આરોગ્યનું ભવિષ્ય ડિજિટલ છે. સારાહ આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભવિષ્યમાં કેવી રીતે આપણા ફાયદા માટે ઉપયોગ કરી શકાશે તેનો ખ્યાલ આપે છે.”
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એવું કહે છે કે હજુ વધુ સંશોધન માટેનો અવકાશ છે અને તે પડકારો પ્રત્યે પણ સજાગ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવાની અતિશય તાકાત છે પરંતુ તેમાં પ્રાઇવસી, સુરક્ષા, ડેટા પ્રોટેક્શન અને ચોક્કસાઈ જેવા નૈતિક ધોરણોના પ્રશ્નો રહેલા છે.”
પણ શું આ સારાહ નામનું એઆઈ ટૂલ સારી સલાહ આપે છે? બીબીસીએ સારાહને વારંવાર પૂછાતા હોય તેવા નવ પ્રશ્નો અંગ્રેજીમાં પૂછ્યા હતા અને પછી તેને ચકાસવા માટે ડૉક્ટરની મદદ લીધી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
1.તમારા માનસિક સ્વાસ્થ્યને કઈ રીતે વધુ સારું બનાવવું?
તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવાની ઘણી રીતો છે, જેમ કે સેલ્ફ-કેરની પ્રેક્ટિસ કરવી, પ્રિયજનો અથવા પ્રોફેશનલ થેરાપિસ્ટની મદદ લેવી અને ધ્યાન અથવા કસરત જેવી તણાવમુક્ત પ્રવૃત્તિઓમાં સામેલ થવું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હું માનસિક સ્વાસ્થ્ય માટે તમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા બનાવાયેલી ‘મૅન્ટલ હૅલ્થ ઍક્શન પ્લાન’ વ્યૂહરચનાને તપાસવાની ભલામણ કરું છું. આ ઉપરાંત એ યાદ રાખો કે તમારા શારીરિક સ્વાસ્થ્યની જેમ તમારા માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
2. તમારા સ્વાસ્થ્ય માટે કયા ફળો સારા છે?
એવાં ઘણાં ફળો છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વિવિધ અને સંતુલિત આહાર રાખવો ખૂબ જરૂરી છે. ફળો, શાકભાજી, આખું અનાજ, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ આ બધું જ સ્વાસ્થ્ય માટે મહત્ત્વનું છે. તે સ્વાસ્થ્યવર્ધક ખોરાકના મુખ્ય ઘટકો છે. આપણા ખોરાકમાં પ્રોસેસ્ડ અને વધુ ખાંડવાળો ખોરાક પણ ટાળવો જોઈએ.
3. કૅન્સરનાં લક્ષણો શું છે?
કૅન્સરના વિવિધ પ્રકારો છે, દરેક પ્રકારના કૅન્સરને પોતાનાં લક્ષણોનો સમૂહ છે. જોકે, તેનાં કેટલાંક સામાન્ય લક્ષણોમાં કારણ વગર વજનમાં ઘટાડો, થાક, આંતરડાં અથવા મૂત્રાશયની આદતોમાં ફેરફાર અને શરીર પર અસામાન્ય ગાંઠો અથવા તેની વૃદ્ધિનો સમાવેશ થાય છે. જો તમને કોઈ આ સંબંધિત લક્ષણોનો અનુભવ થાય તો ડૉક્ટરને મળવું મહત્ત્વપૂર્ણ છે.
કૅન્સરથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ધૂમ્રપાન ન કરીને, દારૂનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરીને, સંતુલિત આહાર લઈને અને શારીરિક રીતે સક્રિય રહીને સ્વસ્થ જીવનશૈલી જીવવી. નિયમિત ચૅક-અપ અને સ્ક્રીનિંગ પણ અગાઉથી તમને મદદ કરી શકે છે. અહીં WHOના કૅન્સર ફૅક્ટ શીટની લિંક છે જેમાં નિવારણ, વહેલી તપાસ અને સારવારના વિકલ્પો વિશેની માહિતી સામેલ છે. વધુમાં, તમે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કૅન્સર કંટ્રોલ પ્રોગ્રામની વેબસાઇટ દ્વારા માહિતી અને અન્ય સ્રોત મેળવી શકો છો.

ઇમેજ સ્રોત, Getty Images
4. આંતરડાંનું સ્વાસ્થ્ય શા માટે મહત્ત્વનું છે?
આંતરડાંનું સ્વાસ્થ્ય એકંદરે આરોગ્યમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કારણ કે તે પાચન, પોષકતત્ત્વોનાં શોષણ અને રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. તંદુરસ્ત આંતરડાં એ મૂડને પણ સુધારી શકે છે. સ્વસ્થ આંતરડાં જાળવવા માટેની કેટલીક ટિપ્સમાં પુષ્કળ ફાઇબર સાથેનો સંતુલિત આહાર લેવો, પાણી પીતા રહેવું, પ્રૉસેસ્ડ ફૂડ અને ઉમેરેલી શર્કરાને ટાળવી, સ્ટ્રેસ લેવલને નિયંત્રણમાં રાખવું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ કરવી વગેરેનો સમાવેશ થાય છે.
5. નસકોરાંને કઈ રીતે અટકાવવા?
નસકોરાં અટકાવવા માટે અનેક રસ્તા છે જેમકે વજન ઓછું કરવું, એક પડખે સૂવું, ઉંઘતા પહેલાં દારૂનું સેવન ન કરવું, સ્લીપ હાઇજિનનું પાલન કરવું વગેરે. જો નસકોરાં સતત ચાલતા રહે તો એ સ્લીપ ઍપ્નિયાની નિશાની હોઈ શકે છે અને ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
6. હાઈ બ્લડપ્રેશર શેના કારણે થાય છે?
હાઈ બ્લડપ્રેશર ઘણાં પરિબળોને કારણે થઈ શકે છે. જેમકે ધૂમ્રપાન, વધુ પડતા દારૂનું સેવન, તણાવ અને બિનઆરોગ્યપ્રદ આહાર આદતો વગેરે. અન્ય જોખમી પરિબળોમાં આનુવંશિકતા અને ઉંમર સમાવેશ થાય છે. તમારા બ્લડપ્રેશરનું નિયમિતપણે મોનિટરિંગ કરવું જરૂરી છે અને હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો મહત્ત્વપૂર્ણ છે.
7. લો બ્લડપ્રેશરનું કારણ શું છે?
લો બ્લડપ્રેશર કે જેને હાયપોટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ડિહાઇડ્રેશન, હૃદયની સમસ્યાઓ, અંતઃસ્ત્રાવી વિકૃતિઓ, પોષણની ખામીઓ અને અમુક દવાઓ વગેરે જેવા વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. તેનાં કારણો નક્કી કરવા માટે અને યોગ્ય સારવાર મેળવવા માટે હેલ્થકેર પ્રૉફેશનલનો સંપર્ક કરવો મહત્ત્વપૂર્ણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
8. કઈ રીતે રમતગમતનો તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે?
રમતગમતોમાં ભાગ લેવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી હકારાત્મક અસરો થઈ શકે છે. તે તમારી કાર્ડિયોવાસ્ક્યુલર હૅલ્થને સુધારી શકે છે, સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરી શકે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે અને આત્મસન્માન વધારી શકે છે.
આ સિવાય તે તમને કશુંક સિદ્ધિ મળી તેવી ભાવના આપી શકે છે અને એકંદરે તમારા મૂડમાં સુધારો કરી શકે છે. જો તમે તમારી દિનચર્યામાં રમતોનો સમાવેશ કરવા માંગતા હોવ તો હું તમને રનિંગ, સ્વિમિંગ અથવા સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓથી તેની શરૂઆત કરવાની ભલામણ કરું છું. તેથી હંમેશાં તમારા શરીરને સાંભળવાનું યાદ રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે વિરામ લો.
9. હેડકીમાંથી કઈ રીતે છૂટકારો મેળવવો?
હેડકીઓ ઘણીવાર કંટાળાજનક નીવડતી હોય છે પરંતુ અનેક એવી ટ્રિક્સ છે જેનાથી હેડકીઓમાંથી છૂટકારો મેળવી શકાય છે. જેમકે તમારો શ્વાસ 10 સેકન્ડ રોકવો, પાણીનો ગ્લાસ ઝડપથી પી જવો અથવા તો તમને કોઈ ડરાવી દે, આવી ટ્રિક્સથી હેડકીઓમાંથી છૂટકારો મેળવી શકાય છે.
અન્ય યુક્તિઓ પણ છે જે તમે અજમાવી શકો છો જેમકે, તમારા ઘૂંટણને તમારી છાતી તરફ ખેંચો અથવા તમારી ગરદનના પાછળના ભાગમાં હળવા હાથે ઘસવું વગેરે. આ સિવાય પણ બીજી રીત તમે અજમાવી શકો છો તે છે એક ચમચી ખાંડ અથવા તો વિનેગાર પીવો વગેરે. તેના કારણે તમારા ગળાની ચેતાઓ ઉત્તેજિત થઈ શકે છે અને હેડકી બંધ કરી શકે છે.
તમે કોઈ કાર્ય અથવા પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રીત કરીને તમારી જાતને વિચલિત કરવાનો પણ પ્રયાસ કરી શકો છો. કેટલીકવાર ફક્ત તેની રાહ જોવી અને ધીમા, ઊંડા શ્વાસ લેવાની પણ યુક્તિ કામ કરી શકે છે. જો આમાંથી કોઈપણ પદ્ધતિ તમારા માટે કામ કરતી નથી તો હું તમને તેનું મૂળભૂત કારણ શોધવાની ભલામણ કરું છું. આમાં કાર્બોરેટેડ પીણાં અથવા મસાલેદાર ખોરાક ટાળવા, તણાવ અને ચિંતાનું નિયંત્રણ કરવું અને દિવસભર હાઇડ્રેટેડ રહેવું વગેરેનો સમાવેશ થઈ શકે છે.
જો તમારી હેડકી 48 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે અથવા વારંવાર થતી હોય, તો વધુ મૂલ્યાંકન માટે હૅલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે.
ડૉક્ટરો તેના વિશે શું કહેવું છે?
સારાહ અંગે માહિતી મેળવવા માટે અમે એક સ્વતંત્ર ડૉક્ટરની મુલાકાત લીધી. રોયલ કૉલેજ ઑફ જનરલ પ્રૅક્ટિશનર્સના માનદ સેક્રેટરી ડૉ. માઇકલ મુલહૉલૅન્ડે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે,
“આ AI ટૂલ દ્વારા આપવામાં આવેલા જવાબો મોટેભાગે યોગ્ય છે. પરંતુ એ આરોગ્ય વિશેની કૉમન ગાઇડલાઇન આપે છે. કેટલીક જગ્યાએ તે વેરિફાઇડ લિન્કનો સંદર્ભ આપે છે અને મોટેભાગે સેલ્ફ-કેરની સલાહ આપે છે. અંતે તે એ સલાહ આપે છે કે કોઈ ચિંતા હોય તો તેના માટે ડૉક્ટરનો સંપર્ક કરવો.”












