You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેફસાંના કૅન્સર સામે જંગ લડીને દર્દીઓનો અવાજ બનનાર બીબીસીના સહયોગી પત્રકાર રવિ પ્રકાશનું નિધન
ફેફસાંના કૅન્સરની બીમારી સામે લાંબો સમય સુધી જંગ લડનાર બીબીસીના સહયોગી પત્રકાર રવિ પ્રકાશનું શુક્રવારે નિધન થઈ ગયું છે.
આ જ મહિને રવિ પ્રકાશને વર્લ્ડ લંગ કૅન્સર કૉન્ફરન્સમાં પેશન્ટ ઍડવોકેટ ઍજ્યુકેશનલ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પુરસ્કાર સમારોહ અમેરિકાના સાન ડિયાગોમાં 7મી સપ્ટેમ્બરથી જ શરૂ થયો હતો. આ વર્ષે આ ઍવૉર્ડ મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય હતા.
લંગ કૅન્સર પર કામ કરનારી દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ટરનેશનલ ઍસોસિએશન ફૉર ધી સ્ટડી ઑફ લંગ કૅન્સર (આઈએએસએલસી) દર વર્ષે આ પુરસ્કાર વિશ્વના એ લોકોને આપે છે કે જેઓ પોતાના દેશમાં દર્દીઓનો અવાજ બની ચૂક્યા છે.
આ વર્ષે ભારતમાંથી રવિ સિવાય આ પુરસ્કાર દુનિયાના અન્ય નવ લોકોને આપવામાં આવ્યો હતો. તેમાં ઑસ્ટ્રેલિયાના અને મૅક્સિકોના 2-2 લોકો, અમેરિકા, ઇટાલી, યુકે, નાઇજીરિયા અને થાઇલૅન્ડના 1-1 પેશન્ટ ઍડવોકેટ સામેલ હતા.
સાન ડિયાગો કન્વેન્શન સેન્ટરમાં આયોજિત એક સમારોહમાં અંદાજે 100 દેશોના પ્રતિનિધિઓ અને આઈએએસએલસીની હાજરીમાં રવિને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
રવિ પ્રકાશ જાન્યુઆરી, 2021થી ફેફસાંના કૅન્સરના ચોથા સ્ટેજના દર્દી હતા. તેમની બીમારી બે વખત આગળ વધી ચૂકી હતી અને તેમના ફેફસાંનું કૅન્સર મગજ સુધી પહોંચી ચૂક્યું હતું.
રવિ પ્રકાશને વર્ષ 2021ના જાન્યુઆરી મહિનામાં ખબર પડી કે તેમને ફેફસાંનું કૅન્સર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર પછી આ ઘાતક બીમારી સામેની તેમની લડાઈ શરૂ થઈ અને એ દરમિયાન ટાટા કૅન્સર ઇન્સ્ટિટ્યુટમાં તેમની લાંબી સારવાર ચાલી હતી.
કૅન્સરની દવાઓની કિંમત વિશે ખૂબ લખ્યું
બીબીસી માટે લખેલા એક લેખમાં રવિ પ્રકાશે જણાવ્યું હતું કે તેઓ ધૂમ્રપાન કરતા ન હતા તેમ છતાં તેમને ફેફસાંનું કૅન્સર થયું અને પછી તેમની એ ધારણા ટૂટી ગઈ કે માત્ર ધૂમ્રપાન કરનારા લોકોને જ ફેફસાંનું કૅન્સર થાય છે.
જોકે, તેમની સારવાર ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ ગઈ હતી અને સઘન તપાસ બાદ એ ખ્યાલ આવ્યો હતો કે તેમને ચોથા સ્ટેજનું કૅન્સર છે. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેમની પાસે માત્ર 18 મહિનાનો સમય છે.
પરંતુ રવિ પ્રકાશે અદમ્ય સાહસનો પરિચય આપ્યો અને તેઓ ભારતમાં ફેફસાંના કૅન્સરના દર્દીઓને પડતી મુશ્કેલીઓ વિશે અલગ-અલગ પ્લૅટફૉર્મ પર બોલતા અને લખતા રહ્યા. તેમણે આ અંગે સતત જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું.
તેમણે કૅન્સરને ભારતમાં મહામારી જાહેર કરીને નોટિફાઇડ બીમારીની શ્રેણીમાં તેને સામેલ કરવા માટે સતત ખૂબ લખ્યું.
તેમણે કૅન્સરની દવાઓની કિંમત વિશે પણ ખૂબ લખ્યું.
કૅન્સરના મોંઘા ઇલાજ વિશે તેમણે લખ્યું હતું કે, "ભારતમાં કૅન્સરની સારી સારવારની સુવિધાઓ છે પરંતુ તેનો ખર્ચ ખૂબ વધારે છે. મને એક દવા વિશે જણાવવામાં આવ્યું હતું કે જેની 30 ટૅબ્લેટની કિંમત પાંચ લાખ રૂપિયા હતી. એક મહિનાની દવા ખરીદો તો બે મહિનાની દવા મફત મળતી હતી. એટલે કે ટાર્ગેટેડ થૅરેપીમાં ત્રણ મહિનાની દવામાં પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો."
આર્થિક પરિસ્થિતિને કારણે તેમને આ સારવારની બદલે બીજા રસ્તા વિશે વિચારવું પડ્યું.
તેમણે લખ્યું હતું કે, "વર્ષનો ખર્ચ 20 લાખ રૂપિયા થતો હતો. મેં એ દવા ન લીધી કારણ કે મારી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે હું તેને ખરીદી શકું તેમ ન હતો."
ગત જૂન મહિનામાં જ ખબર પડી હતી કે તેમનું કૅન્સર મગજ સુધી પહોંચી ચૂક્યું હતું.
તેમનો એક પુત્ર છે જે આઈઆઈટી દિલ્હીથી બી.ટેકનો અભ્યાસ કરી રહ્યો છે.
બીબીસીએ રવિ પ્રકાશ સાથે કૅન્સર પર એક વિશેષ પૉડકાસ્ટની સીરિઝ બનાવી હતી. તેના તમામ ઍપિસોડ તમે અહીં સાંભળી શકો છો.
રવિ પ્રકાશે બીબીસી પર લખેલા એક લાંબા લેખમાં કૅન્સર સાથે જીવન જીવવાની પોતાની કહાણી પણ જણાવી હતી. તેને તમે અહીં વાંચી શકો છો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન