ઉત્તર પ્રદેશનાં ગામોમાં આદમખોર વરુનો ભય, અત્યાર સુધીમાં નવ બાળકોને ફાડી ખાધાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
17 ઑગસ્ટની રાતે ઉત્તર પ્રદેશમાં ચાર વર્ષની સંધ્યા પોતાના માટીના કાચા મકાનની બહાર સૂતી હતી ત્યારે વીજળી જતી રહી અને ગામમાં અંધારું થઈ ગયું.
તેમનાં માતા સુનીતા યાદ કરે છે, “વીજળી ગઈ તેની બે મિનિટની અંદર જ વરુએ હુમલો કરી દીધો. અમને ખબર પડે કે શું થયું ત્યાં સુધીમાં તે સંધ્યાને લઈ ગયું.”
સંધ્યાનો મૃતદેહ બીજા દિવસે તેમના ઘરથી લગભગ 500 મીટર દૂર શેરડીના ખેતરમાંથી મળ્યો.
આ મહિને જ પાડોશી ગામમાં આઠ વર્ષનો ઉત્કર્ષ મચ્છરદાની નીચે સૂતો હતો જ્યારે તેમનાં માતાએ વરુને તેમની ઝૂંપડીમાં દાખલ થતા જોયો.
તેમણે જણાવ્યું, “વરુએ પડછાયામાંથી હુમલો કર્યો. મેં ચીસો પાડી કે મારા દીકરાને છોડી દે. મારા પાડોશીઓ દોડ્યા અને વરુ ભાગી ગયું.”
નેપાળ બૉર્ડર નજીક આવેલા ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાનાં 30 ગામ એપ્રિલ મહિનાથી થઈ રહેલા વરુના હુમલાઓથી ભયભીત છે. વરુએ નવ બાળકો અને પુખ્ત વયની વ્યક્તિનો ભોગ લીધો છે. સૌથી નાની ઉંમરનો શિકાર એક વર્ષનું બાળક હતું અને સૌથી મોટા 45 વર્ષનાં મહિલા હતાં. બીજા 34 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અસરગ્રસ્ત ગામોમાં ભય અને ઉન્માદનું વાતાવરણ છે. કેટલાંક ગામનાં ઘરોમાં તાળાં નથી એટલે બાળકોને ઘરની અંદર જ રાખવામાં આવે છે. પુરુષો રાતે અંધારામાં રસ્તાનું પેટ્રોલિંગ કરે છે. વહીવટીતંત્રે વરુને ડરાવવા માટે ડ્રોન અને કૅમેરા લગાવ્યાં, ટ્રેપ ગોઠવ્યા અને ફટાકડા પણ ફોડ્યા. અત્યાર સુધીમાં ત્રણ વરુને પકડીને પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવ્યાં છે.
માનવીઓ પર વરુના હુમલા ખૂબ જ દુર્લભ છે. આ પૈકી મોટા ભાગના હુમલાઓ રેબીઝથી પીડિત વરુઓ જ કરે છે. આ એક વાઇરલ બીમારી છે જે સૅન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. રેબીઝ પીડિત વરુ સામાન્ય રીતે શિકારને ખાતા નથી પણ ઘણા હુમલાઓ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૉર્વેજિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર નેચર રિસર્ચના એક રિપોર્ટ પ્રમાણે 2002થી 2020 વચ્ચે ભારત સહિત 21 દેશોમાં વરુના હુમલાના લગભગ 489 કેસો નોંધાયા છે, જે પૈકી 26 ઘાતક હતા. આ હુમલામાં લગભગ 380 લોકોને ઈજા થઈ હતી.
ઉત્તર અમેરિકામાં છેલ્લાં 50 વર્ષોમાં વરુના હુમલામાં મૃત્યુના માત્ર બે કેસની પુષ્ટિ થઈ છે.
અમેરિકાના પ્રસિદ્ધ જીવ વૈજ્ઞાનિક ડેવ મેચ વરુના વ્યવહાર મામલે નિષ્ણાત છે.
તેમણે બીબીસીને કહ્યું, “48 રાજ્યો, કૅનેડા અને અલાસ્કામાં વરુની સંખ્યા કુલ 70 હજાર છે તેમ છતાં મૃત્યુના બે જ કેસ છે.”
બહરાઇચમાં વરુઓ માનવીઓ પર હુમલો કેમ કરી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, ANI
નદી અને જંગલો વચ્ચે વસેલા બહરાઇચના કેટલાક હિસ્સા લાંબા સમયથી વરુનું પરંપરાગત રહેઠાણ છે. ઘાઘરા નદીના વિસ્તારમાં આવેલો બહરાઇચ જિલ્લામાં 35 લાખ લોકોની વસ્તી છે. આ જિલ્લો પૂરગ્રસ્ત પણ છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ઘાઘરા નદીએ જંગલોને જળમગ્ન કરી દીધાં છે. આ કારણે વરુને પાણી અને ભોજનની શોધમાં જંગલમાંથી બહાર નીકળવું પડે છે.
ભારતીય વરુ કાળા હરણ, ચિંકારા અને સસલાનો શિકાર કરે છે. લખનઉ યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ સાઇન્સ ઇન્સ્ટિટ્યૂટના અમિતા કનૌજિયાએ કહ્યું, “જળવાયુ પરિવર્તન એક ક્રમિક પ્રક્રિયા છે. જોકે, પૂરને કારણે વરુનાં રહેઠાણમાં અવરોધ ઊભા થઈ શકે છે જેને કારણે ભોજનની શોધમાં વરુને માનવીય રહેઠાણો તરફ આવું પડે છે.”
વરુ ભોજનની શોધમાં બાળકોને નિશાન કેમ બનાવે છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તર પ્રદેશનાં ગામોમાં 1996માં વરુના હુમલામાં મોટી સંખ્યામાં બાળકો ભોગ બન્યાં હતાં. આ વિશે તપાસ દરમિયાન વન્ય જીવ નિષ્ણાતોને જાણવા મળ્યું કે બાળકોની દેખરેખ ખૂબ જ ઓછી હતી, કારણ કે મોટાં ભાગનાં બાળકો એક ગરીબ સિંગલ પેરેન્ટ પરિવારોમાંથી આવતાં હતાં. આ પરિવારોનું નેતૃત્વ સામાન્ય રીતે માતા કરતી હતી.
આ ગરીબ ભારતીય ગામોમાં બાળકોની તુલનામાં પશુઓની વધારે સુરક્ષા કરવામાં આવે છે. ભૂખ્યા વરુ જ્યારે શિકાર માટે ઘટી રહેલા વિસ્તાર અને પશુની ઓછી સંખ્યાને કારણે આવાં બાળકોનો સામનો કરે છે અને તેમના શિકારની શક્યતા વધી જાય છે.
અગ્રણી ભારતીય વૈજ્ઞાનિક અને સંરક્ષક યદવેન્દ્રદેવ ઝાલાએ બીબીસીને જણાવ્યું, “વિશ્વમાં બીજે ક્યાંય આપણે બાળકો પર વરુના હુમલાઓની સંખ્યામાં વધારો જોયો નથી.”
ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચાર દાયકામાં વરુના હુમલાઓની આ ચોથી લહેર છે. બિહારમાં 1981-82માં વરુના હુમલામાં ઓછામાં ઓછાં 13 બાળકોનાં મોત થયાં હતાં. વર્ષ 1993થી 1995ની વચ્ચે હઝારીબાગ જિલ્લામાં પાંચ વરુના ટોળાએ 80 બાળકો પર હુમલા કર્યા હતા.
સૌથી ઘાતક હુમલો વર્ષ 1996ના આઠ મહિનામાં થયો હતો. એ વર્ષે ઉત્તર પ્રદેશમાં 50થી વધારે ગામમાં 76 બાળકો પર હુમલો કર્યો હતો જેના પરિણામે 38નું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ 11 વરુને માર્યાં પછી હત્યા બંધ થઈ હતી. મીડિયાએ તેમને “માનવભક્ષી વરુ” ગણાવ્યાં હતાં.
ઝાલા અને તેમના સહયોગી દિનેશકુમાર શર્માએ 1996માં વરુના હુમલામાં થયેલા મૃત્યુની ચીવટપૂર્વક તપાસ કરી હતી જેમાં મૃતદેહના અવશેષો, વરુના વાળ, ગામની ઝૂંપડીઓ, વસ્તીનું ઘનત્વ, પશુધન અને ઑટોપ્સી રિપોર્ટની તપાસ કરી હતી.
ઉત્તર પ્રદેશમાં વરુના હાલમાં થઈ રહેલા હુમલા 30 વર્ષ પહેલાંના તેમના રિપોર્ટ સાથે એક વિચિત્ર સમાનતા ધરાવે છે.
બંને ઘટનામાં બાળકોની હત્યા થઈ હતી અને મૃતદેહને થોડોક ખાતો હતો. બાળકોના ગળા પર બચકાનાં નિશાન અને તેમના શરીર પર ઈજાનાં નિશાન હતાં. મોટા ભાગના હુમલા રાતે થયા હતા. ગામની વચ્ચોવચ ખુલ્લામાં સૂતેલાં બાળકોની ઉઠાવી લીધાં હતાં.
પીડિત બાળકો મોટા ભાગે ખેતર અથવા ઘાસનાં મેદાનોમાંથી મળી આવ્યાં હતાં. બહરાઇચમાં અગાઉ 1996માં પણ વરુના હુમલાઓ નદીના કિનારેના ગામમાં થયા હતા.
આ ગામો ચોખા અને શેરડીનાં ખેતરોથી ઘેરાયેલાં હતાં. બંને હુમલામાં ભીડવાળા ગામ અને ગરીબ ખેડૂત પરિવારોનાં નબળાં બાળકો મોટાં ભાગે સામેલ હતાં, જેને કારણે જોખમ વધી ગયું હતું.
એ સ્પષ્ટ નથી કે હાલમાં થઈ રહેલા હુમલા એક જ વરુ કરે છે કે ઝુંડ. વરુઓ પર પોતાના 30 વર્ષના અભ્યાસને આધારે ઝાલા માને છે કે હાલમાં થયેલી હત્યાઓ માટે 1996ની જેમ જ એક જ વરુ જવાબદાર છે.
ગામના લોકોએ જણાવ્યું કે દિવસે તેમનાં ખેતરોમાં પાંચથી છ વરુનું ઝુંડ જોવા મળ્યું હતું. જોકે, આઠ વર્ષીય ઉત્કર્ષનાં માતાએ એક વરુને જ પોતાના ઘરમાં ઘૂસતા અને હુમલો કરતા જોયું હતું.
વન્ય જીવ નિષ્ણાતો કહે છે કે વરુ અને માનવી સદીઓથી ભારતમાં શાંતિપૂર્વક સાથે રહ્યાં છે. આ વાતનું શ્રેય પશુપાલક સમુદાયની પરંપરાગત સહિષ્ણુતાને જાય છે.
લાંબા સમયથી ચાલી રહેલા આ સહ-અસ્તિત્વને કારણે વરુને સતત સંઘર્ષ છતાં પણ રહેવાની પરવાનગી મળી છે.
જોકે, સમય બદલાઈ ગયો છે અને હુમલાની સંખ્યામાં હાલમાં થયેલા વધારાને કારણે નવી ચિંતા ઊભી થઈ છે.
ઝાલા જેવા વન્ય જીવ નિષ્ણાતો સલાહ આપે છે કે અસરગ્રસ્ત ગામનાં બાળકોને ઘરની અંદર રહેવું જોઈએ. જો રહેઠાણ પૂરતું ન હોય તો વડીલ લોકોની વચ્ચે સૂવું જોઈએ અને રાત્રે શૌચાલય માટે કોઈ વડીલની સાથે જવું જોઈએ.
ગામના લોકોએ બાળકોને એ વિસ્તારમાં દેખરેખ વગર ફરવાં દેવાં ન જોઈએ જ્યાં વરુ છુપાયેલા હોઈ શકે છે. રાતે પેટ્રોલિંગ કરવા માટે ચોકીદારોની નિમણૂક કરવી જોઈએ.
ઝાલાએ કહ્યું, “અમે જ્યાં સુધી આ હુમલાઓ પાછળનું ચોક્કસ કારણ ન જાણી લઈએ, ત્યાં સુધી લોકોને સુરક્ષિત રાખવા માટે આ સાવચેતીઓ ખૂબ જ જરૂરી છે.” આ દરમિયાન બહરાઇચના લોકો દરેક રાત ચિંતામાં વિતાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












